કરિયાવર (Kariyavar)

Related

"કરિયાવર .."

*****************ગોપાલકુમાર ધકાણ
હજારેક માણસોની વસ્તીનું ગામ. ગામમાં જુદી જુદી જ્ઞાતિના દોઢસોક ખોરડાં. જેમાં સૌથી મોટું- મોભી ખોરડું શેઠ પુરુષોત્તમ દાસનું. ધંધો સોના ચાંદીના વેપારનો.ત્રણ દીકરા અને ત્રણ દીકરી. ઘરમાં બે ત્રણ ભેંસો. દૂધ - ઘીની રેલમ છેલ, મોટું મકાન, ચાર પાંચ ઓરડા, ઘર દુકાન ભેગા, મોટું ફળિયું એ પણ લાદી નાખેલું. નાના નાના ક્યાંરામાં ફુલ છોડ. 

#આવકાર
કરિયાવર

ગામ ખાતે એક જ એમ્બેસેડર કાર શેઠના ફળિયાને શોભાવતી. શેઠનો સ્વભાવ માયાળું. રહેણી કરણી ઊંચી છતાં સ્વભાવ એક દમ નરમ. સગા સબંધીનો જમાવડો કાયમ જોવા મળે. ગામની કોઈપણ વ્યક્તિની પડખે જે'દી ઈશ્વર પણ ન ઉભા હોય તે'દી શેઠ એનું બાવડું ઝાલે. લગ્ન, પ્રસુતિ, દવાખાનું - સાંજે માંદે ગામના કોઈપણ ઘર માટે શેઠના દરવાજા ખુલ્લા ને ખુલ્લાં જ.

સમય પસાર થતાં દીકરા દીકરીઓ વરાવાનો સમય થતો હતો. ત્રણેય દીકરીઓ મોટી હતી. હર્ષભેર દીકરીઓને એક પછી એક પરણાવી. હવે શેઠને મોટા દીકરાને ઝટ પરણાવી ઘરમાં વહુંના સ્વરૂપે દીકરી લાવવાની જાજેરી ઈચ્છા. ખાનદાની ખોરડું, સામેથી માગા આવે. સમય જતા પોતાના ઘરલાયક એક ઘરમાં દીકરાનું સગપણ કર્યું. થોડા સમયમાં જ લગ્ન કર્યા. ગામે ગામથી મહેમાનો નોંતર્યા. ગામનો નાનામાં નાનો માણસ પણ શેઠને ત્યાં કંઈક આહૂતિયું કરવાં રોકાયો. પ્રસંગ નિર્વિઘ્ને થયો. ફળિયું પાછું હર્યું ભર્યું લાગવા માંડ્યું.

એ સમયે (આશરે ત્રણેક દાયકા પહેલા) ગામડાં ગામમાં નવી પરણેલ વહુંનો કરિયાવર પાથરવાનો રિવાજ. ગામના લોકો, ખાસ કરીને બૈરાંઓ જોવાં આવે ને શુકન રૂપે વહુના હાથમાં કંઈક ભેટ સોગાદ - રોકડા પૈસા આપે, સૌ મોં મીઠાં કરે, અને આખો બપોર આમ ગામની સ્ત્રીઓની આવજા રહ્યા કરે.

ગામ ખાતે એક આખા બોલી ડોશી. નામ કાળી માં. પણ ‘યથા નામ તથા ગુણ’. રૂપથી કઈ ખાસ કાળી નહિ પણ જીભથી કાળી. સરપંચ હોય કે અમલદાર, મોઢાં મોઢ જ સંભળાવે. આખા ગામમાં એના જીભની જાણે રાડ.! ભલી તો ભલી નહીંતો કુવાડા કાપે એવી જીભ. ભૂખરું કાપડું ને બજરીયા રંગનો સાડલો એ એનો કાયમી પહેરવેશ. કમરથી સહેજ વળેલી. ચાલવા લાકડીનો ટેકો રાખે. ચાલવાની થોડી તકલીફ સીવાય, આંખ કાન નાક દાત તો જુવાનને’ય શરમાવે એવા. ઓટલા સભા કરવી, ખટપટ કરવી, ચાબુક જેવા વેણ બોલવા એ એનો શોખ અથવા સ્વભાવ. પૈસે ટકે વળી બેઠી બેઠી ખાઈ શકે એટલી સુખી. ગામના તમામ પ્રસંગે માડીને અલગથી તેડું ને અલગથી નોતરું આપવું પડે એવો તો એનો રુઆબ! અને વળી, ગામની નવી પરણીને આવેલ વહુંને યોગ્ય અયોગ્યનો સિક્કો જાણે કાળીમાં જ મારે...!!!

શેઠના દીકરાની વહુંનો કરિયાવર પથરાયો. તે જોવા ગામના તમામ બૈરાંઓ વારાફરતી આવ-જા કરતાં હતા. એવામાં કાળી માં એ ફળિયામાં પગ મુક્યો.

ફળિયામાં જ કેટલાક વ્યક્તિઓ સાથે બેઠેલા શેઠનું ધ્યાન તેના પર પડતાં જ ચાલુ વાતને અડધી મુકીને કાળીમાં તરફ જોઈને બોલ્યાં, " આવો આવો માડી.... જે નારાયણ..,કેમ મોડાં પડયા ?

" લે ભૈ, ક્યાં મોડી સુ ? તારે ન્યાં પરસંગ હોઈને ભલી હું નોઆવું ઇવું સાલતું હયશે ?

" સારું સારું લ્યો તયી, મોઢું મીઠું કરો", બોલી શેઠે જગ્યાએથી ઉભા થઇને પતાસા ભરેલો ત્રાસ કાળીમાં સામે ધર્યો.

" મોઢું મીઠું પશી હોં, પેલવેલા તો મારે વવ નું મોઢું ઝૉવુસ....હું હું લયાવી સે બાપ ના ઘેરે થી એ તો ઝોવા દે.." કાળી ડોશી લટકા કરતા કરતાં બોલ્યાં.....

બધી રીતે ત્રેવડવાળા શેઠને કાળીમાં સામે જીભ ચલાવવાની શેઠની ત્રેવડ ના ચાલી એટલે આગળ કઈપણ બોલ્યાં વિના શેઠના મોઢાં પર થોડું હસવું આવી ગયું અને પછી બોલ્યા " જાવ ત્યારે સામેની રૂમમાં બધા છે ".

લાકડીનો ઠબ ઠબ અવાજ કરતાં, લાંબા લાંઘા ફાડીને કોઈ વંટોળિયાની માફક ડોશી કરિયાવર પાથરેલ રુમમાં પહોંચ્યાં. લાકડીનો અવાજ સાંભળીને સાબદા બનેલાં અને અગાઉ થી જ અંદાજ કાઢી લીધો હોય એ રીતે શેઠાણી બોલ્યાં,...." લે ...આવો આવો માં"....

કાળી ડોશીએ માત્ર ‘હમમમમ’ કરી હોંકારામાં પ્રત્યુત્તર વાળ્યો અને કોઈ પ્રશિક્ષિત નિરીક્ષકની માફક નિરીક્ષણ કરવા લાગ્યાં..... અને બોલ્યાં " તે....શેઠાણી, આપણા નવા વઉ ક્યાં સે હેં ?"

" આ રહ્યાં " શેઠાણીને ટૂંકમાં ટૂંકો જવાબ આપવામાં ભલાઈ લાગી. શેઠાણીએ ઇશારાથી વહુને બોલાવી. વહુ ડાહ્યી અને ખાનદાની ઘરની હતી એટલે સમજી ગઈ કે ડોશી કંઈ વિશેષ વ્યક્તિ છે અને અલગ પ્રકારનું માણસ છે.

" નારાયણ બા " કહેતા વહું ડોશીને પગે લાગ્યાં. પરંતું ડોશીના મોઢા પર કોઈ ફેરફાર ન થયો. તે તો કરિયાવર જોઈ રહી હતી; નિરખી રહી હતી. જાણે એની આંખની કીકીમાંથી આજે એક પણ વસ્તું બાકાત ન રહે એ રીતે એની દ્રષ્ટિ બધી વસ્તુઓ પર વારાફરતી જતી હતી ; ગાદલાં, ગોદડાં, રજાઈ, ઓશિકા, ટેકા, સાડી, ચાકળા, તોરણ, બાજોઠ, ટીપ, વાસણ, ઘરેણાં, કપડાં-લત્તા એમ તમામ વસ્તુઓ પર નજર ફેરવી. બે ત્રણ મિનિટ સુધી એક હાથ કમરે અને બીજો હાથ હડપચીએ ચોંટાડી ડોશી જોવામાં મશગુલ હતી. બીજી બૈરાંઓ આને જોઈને જ આઘી પછી થઇ ગયેલી.

ત્રણેક મીનીટના સુન ચોઘડિયાં પછી ડોશી બોલ્યાં, " હેં ,શેઠાણી ...! એક વાત કઉં ?. શેઠાણી સમજીને થોડા નજીક ગ્યાં જેથી ડોશી થોડું ધીમું બોલે. પણ ત્યાં તો ડોશી જોરથી બોલી, "બઉ સારા સગા મળીયા સે હોં... કેવું પડે ..!પણ....."

શેઠાણી સમજી ગયાં કે ડોશી દૂધમાંથી પૂરાં કાઢે એવી છે....એટલે એ ' પણ ' નો કશો પ્રત્યુત્તર આપવાનું ટાળ્યું. અને હોઠ ઉપર ખાલી સ્મિત રાખ્યું. ત્યાં ડોશી એ જાણે અધીરાઈ થી બોલી, " વેવાઈ એ બધું દીધું પણ બેડું ક્યાંય દેખાતું નથ.."

નવી વહું કશું સમજી શકી નહીં ને શેઠાણીએ ઝડપથી બધી જ વસ્તુ પર નજર ફેરવી લીધી...ત્યાં બીજી બૈરાંઓનો ઉંબરા પાસેથી ખુસપુસનો અવાજ આવવાં લાગ્યો. વાત બદલવાના ઈરાદાથી બીજી બૈરાઓને બહારની બાજુએથીને અંદર બોલવા, શેઠાણીએ ઈશારો કર્યો અને બોલ્યાં , “ લે આવો આવો, કેમ બાર્યે ઉભા છો...તમને તો મોઢું મીઠું કરવાનું તો રૈય ગયું....ઉભા રો આવું હો...તમે અંદર આવતા રયો." આટલું બોલી શેઠાણી સરકી ગયાં.

કાળી ડોશીને ખટપટનો મુદ્દો મળી ગયો હોય એમ હરખથી એની હડપચી ધ્રુજવા લાગી. બીજી બૈરાંઓ એનાંથી દૂર જ રહે. એટલાંમાં શેઠાણી પતાશાનો ત્રાસ લઈ રૂમમાં આવ્યાં. અને બધાના મોં મીઠાં કરવાં લાગ્યાં. પણ ડોશી ઝંપે એવી નહીં. ફરીથી એનું એ જ બોલી. હવે, શેઠાણીથી ન રહેવાયું," સામાન ફેરવવામાં ક્યાંક આડું અવળું મુકાઈ ગ્યું હશે, ને આપણે તો ઘરની ડંકી છે ને બા ! જમાનો બદલાઈ ગયો છે, હું કંઈ મારી વઉને બેડાં લઈને પાણી ભરવાં નય જાવા દઉં...!” દાંત કાઢતાં શેઠાણી એક જ શ્વાસમાં આટલું બોલી ગયાં.

કાળી ડોશી હવે વાતને કળી ગઈ હોય તેમ લટકો કરતાં બોલી," હાં ....બાઈ....તમારી તેં વાત થાય...! પણ આ તો શુકન નું બેડું કેવાય એટલે કીધું, બાપા એટલું દેતાં હોય એમાં બેડું ક્યાં ઝાઝું પાડવાનું સે ? શેઠાણી, ઢાંકો ઢુમ્બો રે'વા દ્યો ને હું ક્યાં કોક સુ ? બઘી સ્ત્રીઓની નજર શેઠાણીના ચહેરા પર સ્થિર થઈ અને લાગ્યું કે હમણા શેઠાણી સમસમતુ વેણ સંભળાવશે પણ શેઠાણીએ પરાણનું સ્મિત હોઠ પર જકડી રાખ્યું.

એટલામાં જ દુકાનનો નોકર, રૂમના ઉંબરે ઊભાં ઊભાં જ બોલ્યો," બા....આ લ્યો." એમ કહીને ત્રાંમ્બાનું નક્ષી કામ કરેલું ઝગારા મારતું એક બેડું રૂમના ઉંબરે મૂકીને ચાલ્યો ગયો. શેઠાણીની આંખમાં ચમક આવી ગઈ અને વહુને વટપૂર્વક આદેશ આપતા બોલ્યાં," લ્યો બેટા, ઓલા ખુણામાં મૂકી દ્યો, બધાયને દેખાય એમ....!" કાળી ડોશીને પોતાનો ઘા ફગી ગ્યો હોય એમ ઝંખવાણી પડી ગઇ અને સડસડાટ બહાર નીકળી ગઈ.

વેવારમાં આવતી જતી સગા સંબધીની તમામ સ્ત્રીઓએ એક પછી એક વિદાય લીધી. એ દિવસે બધો કરિયાવર પાછો વ્યવસ્થિત જે તે જગ્યાએ મુકાણો. સામાનની ગોઠવણીમાં ને ગોઠવણીમાં સાંજ પડી ગઈ. ઘરમાં કોઈપણે કંઈ ચર્ચા કરી નહીં.

બીજે દિવસની સવારે નવોઢા વહું સૌથી પહેલાં ઉઠયાં. દિનચર્યા પતાવી રસોડામાં પગ મૂક્યો. પોતાની સુઝથી બધી વસ્તુ હાથવગી કરીને ચા બનાવી અને હાથમાં પાણીનો લોટો અને ચા લઇ, ફળિયામાં દાતણ કરીને બેઠેલાં સસરા પાસે ગઈ. ખાટલાની બાજું પર પડેલ નાના ટેબલ પર પાણી અને ચા મુક્તા વહું બોલ્યાં, " બાપુજી, ચા મુકું છું". નવી વહુનો પહેલવેલો અવાજ સાંભળીને શેઠ જરાં ઝબકી ગયાં. હજુ કંઈ બોલે એ પહેલાં જ વહું એક બાજુ ફરીને બોલ્યાં," બાપુજી મને એક વાત ન સમજાણી ?"

" શું થયું ,બેટા ?" નેણ ને ભેગા કરતાં નીચી નજરે જ શેઠ બોલ્યાં.

" બાપુજી, ઓલું બેડું આવ્યું ક્યાંથી ?"

શેઠને આવા કોઈ પ્રશ્નની અપેક્ષા ન હતી. એટલે ઉધરસ ખાવાનો ઢોંગ કરીને થોડું મલક્યા. પછી બોલ્યાં, " તમારા બાપાને ત્યાંથી જ આવ્યું હશે ને, બેટા... મને શું ખબર ?"

પાણીના ખળખળાટ ની જેમ વહું બોલ્યાં, " હાં... હાં સાચું ...તો તો આજથી તમે જ મારા બાપા ને ?" આટલું બોલી, નીચે પડેલો ખાલી પાણી નો લોટો લેતા , શેઠના લાંબા થયેલા પગને સ્પર્શીને આડકતરું પગે લાગતાં વહું રસોડામાં ચાલી ગઈ.
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post