ભુરી નો ટીંબો (Bhuri No Timbo)

Related

"ભુરી નો ટીંબો .."

******************* – પંકજ શાહ.
ગોમતી નો ગગો, વિમળાનો કીકો, ઇન્દુ નો ટીકુ, લખમીનો ગગો,....... બધાં દસ થી બાર વરસના છોકરાં ભેળાં રમતાં, અને ઝગડતા, વળી ભેગા મળીને રમતા, ફરતાં, ગેલ ગમ્મત કરતાં, ક્યારેક કોઈ ની ફીલમ ઉતારી નાખતા, અને મોટી ઉંમર નાં હસવામાં કાઢી નાખતા હતા.'છોકરા છે રમે, અને ગમ્મતે કરે' એમ કહી હસી કાઢતાં. 

AVAKARNEWS
ભુરી નો ટીંબો_(તસ્વીર પ્રતીકાત્મક છે)

સાન્થલ ગામની બહાર ઓઢવિયા વાસ થી જરા આગળ, રબારી વાસ તરફ જતા, વચ્ચે એક થોડી ઉંચી ટેકરી જેવો ભાગ છે, એને ભુરી નો ટીંબો કહે છે. એ નાનાં ટેકરી વાળા ભાગને ગામના લોકો ભુરી નો ટીંબો કહે છે, પણ કેમ ભુરી નો ટીંબો કહે છે એની ભાગ્યે જ કોઈ ને ખબર હશે. 

ગામના ઘૈડા માણસોને પુછો તો કહેશે "ભઈ, મને એંશી વરહ થ્યા, કોય યાદ નહીં, પણ હોભરે સે, ઈ જગા,વેમીલી છ, ભુરી કુણ હસે,કુને ખબર હોય"? કીકો,વાસુ,ટીકો,ગગો, બીજા છોકરાઓ એ દિવસે રમતાં રમતાં ભુરી ના ટીબા પર પકડા પકડી રમી રહ્યા હતા, પોષ મહિનાની કડકડતી ઠંડીમાં એ છોકરાં ઓ ને મજા તો ખુબ આવી,પણ જોત જોતામાં અંધકાર નાં ઓળા ઉતરી ગયા, અને કો'ક ની માં, ઘણું ખરું ગોમતી,જઈ ને વાસુને અને બધાં છોકરાં ઓ ને બોલાવી આવી હતી. બધા છોકરાં ઓ ધીંગા મસ્તી કરતાં કરતાં પાછા વળ્યા હતા. પણ કોઈ ને એ વાત નો ખ્યાલ જ ન આવ્યો કે એમની ટોળીમાં વિમળા નો કીકો હતો જ નહીં. 

ગામડા ગામ માં રાત્રે આઠ વાગ્યા માં તો બધાં ઝંપીને સુવાની તૈયારી કરતાં હોયછે. ખેતરે થી પાછી આવેલી વિમળા ને થયું એનો કીકો નક્કી ગોમતી નાં ઘરે હશે, ગોમતી નો વાસુ એનો ગોઠીયો હતો, એટલે વિમળા,ઓઢવિયા વા' માં ગોમતી નાં ઘરે ગઈ અને દુરથી જ ટહુકો કર્યો, "અલી ગોમતી,કીકા ને મોકલ, હેંડ હવે બઉ થ્યુ,ચો લગી રમત કરે ?"

" તારો, કીકો,ઓય નહીં,અલી"

"હાચુ ?" ‌. "હોવ હોવે" ગોમતી એ કહ્યું.

પછી વિમળા બધે ઘેર જઈ આવી, પણ એનો કીકો ક્યાંય ન મળ્યો, જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ વિમળા ની ચિંતા વધવા લાગી હતી.ધીમે ધીમે ગામ માં બધાં જ કીકા ને ખોળવા લાગ્યા હતા, પણ કીકો ન મળ્યો, તે ના જ મળ્યો.

વિમળા, વિધવા હતી. એ દેખાવ માં બેઠી દડીની હતી. શરીર પાતળું સરખું હતું. રંગે ઘઉંવર્ણી, પણ એની આંખો માં ચપળતા હતી. એની આંખો ની ચપળતા અને ચાલ ની મક્કમતા આકર્ષક હતા. આપણા સમાજ માં વિધવા સ્ત્રીઓ ને ગંગા સ્વરૂપ કહી છે. પરંતુ લોકો એને બિચારી,બિચારી કરીને શક્ય એટલું શોષણ પર કરી લેતા હોય છે. ઉપરાત માંગલિક પ્રસંગો માં એને હડધુત કરી નાખવામાં પાછું વાળીને જોતાં નથી. વિધવા સ્ત્રી જો આર્થિક રીતે નબળી હોય તો એનું જીવન કુતરા કરતાં પણ બદતર બની રહેતું હોય છે.વિમળા પાસે ભાગ માં આવેલી બે વીઘા જમીન હતી, ખેતમજૂરો રાખીને ખેતી કરાવતી, પરંતુ ગામ નાં લોકો મનફાવે એવી વાતો ઉડાડ્યા કરતાં, અને એમાંય જો એ કો'ક ની સાથે હસી ને વાત કરે તો પછી માથે છાણાં થાપવા માં પાછું વાળીને કોણ જુએ ? 

પરંતુ આજે વિમળા નો કીકો ખોવાઈ ગયો હતો અને એને કાળા ચોર નો ખપ પડે એમ હતો. વિમળા મોટા માઢ માં એક‌ લગભગ માથાભારે અને ગામના લુખ્ખા તત્વો માં પહેલા નંબરે આવે એવાં અમરત નાં આશરે ગઈ. અમરત ની પત્ની જમના ને બધી વાત કરી અને એને અમરત મદદ કરે એવી આજીજી કરી, અમરત એ બે ની વાતો સાંભળતો જ હતો. એના મનમાં રામ વસ્યા હશે એ ઘડી એ અથવા ગમે તે કારણ હોય ખાટલા માં થી બેઠો થઈ ગયો "હેંડો ભાભી, મોર થાવ,લગારે ચિંતા કરસો નહીં, હેંડો.......

એ‌ બે જણાં પહેલાં તો ગોમતી નાં ઘરે આવ્યાં હતાં, એના છોકરાની પુછ્પરછ કરી, છેલ્લે એ બધાં છોકરાં ઓ ભુરી નાં ટીંબે રમતાં'તા, અને "પસી કીકો ચો ગ્યો,ખબર નહીં"

" હેંડો,ભુરી નાં ટીંબે, ગભરાસો નઈ, હું સુ ને"?

રસ્તા માં કીરીટ, રમેશ,જસુ, બાબુ બધાં ને ભેગા કરી લીધાં. બધા એ હાથ માં ટોચૅ રાખી'તી. ભુરી નો ટીંબો સાવ સુમસામ લાગતો હતો. એકલા માણસ ને બીક લાગે એવો, ઉજ્જડ,અવાવરો,એક બાજુ એ એક વખડા નું ઝાડ હતું. પવનમા આખું ઝાડ એક થી બીજી બાજુ હલ્યાં કરતું હતું. કો'કનો વિચિત્ર અવાજ આવ્યા કરતો હતો, પણ કોનો અવાજ અને શું કહેવા માગે છે એ સમજાતું નહોતું. અચાનક એક‌ નોળીયો એક બાજુ થી દોડી ગયો. એક ચીબરી એ તીણો અવાજ કાઢ્યો અને એક ઘુવડની ચકમકતી આંખો દેખાઈ ન દેખાઈ અને એણે ગરદન ફેરવી લીધી. બધા બિલકુલ શાંતિ થી,પણ બીતાં બીતાં ઉભા રહ્યાં, અને અમરતે બુમ મારી " કીકા,ઓ કીકા, જવાબ આલ" પાછી સ્મશાનવત શાંતી છવાઈ ગઈ "આહ..............ઓ,....આ..રે.." આવું કાંઈક સંભળાતું હતું. એ અવાજ કોઈ બાળક નો છે કે સ્ત્રી નો એ કળી શકાતું નહોતું.,કે પછી વખડા નાં ઝાડ માં થી સનસનન વાતા પવન ફૂંકાયો હતો એ થી ભ્રમ ઊભો થયો હતો ? કીરીટે ઝાડ ઉપર ટોચૅ નાખી, અને બે ઘુવડ ટે, ટે, કરતાંક આઘા જતાં રહ્યાં, વળી જસુ એ બુમ મારી," કુણ સે, ત્યોં, અલ્યા કીકા...ઓ કીકા....." પણ ફરી એવાં ને એવાં અવાજો સંભળાતા હતા. હવે શું કરવું ? અમરત અને વિમળા લગભગ સરખું વિચારતા હતા. લખા ભુવા ને પુછીએ તો ? અમરતે બધાં ને કહ્યું," અલ્યા, હેંડો,લખાભુવા ને પુછીએ" અને આખું ટોળું લખાભુવા નાં ઘર તરફ રવાના થયું.

" કુનો બાબલો નહીં મળતો ?"

"આ વિમળા નો..... વિધવા બઈ છે, કોક કરી આલો

" લે હેંડ બુન,વધાવો બોલ" "અગ્યાર" વિમળા એ કહ્યું, અને ભુવા એ દાણા નાંખ્યા. ફરી નાખ્યાં, એની આંખો લાલઘૂમ હતી, એ વધારે લાલ અને પહોળી થઈ ગઈ." બુન,તારો બાબલો, અહીં થી પથરો નાખું એટલાં માં જ સે,પણ કંઈ સારાવાટ નહીં દેખાતી"

વિમળા તો રડવા લાગી."ભુવાજી કોક કરો,આ બઈ નો આધાર સે,એનો કિકો........

" ભઈ, હું આખી રાત ધુણે....પણ...

વિમળા નું રૂદન અટકતું નહતું. એ સમજી ગઈ કે ભુવાજી એમ કહેવા માગે છે કે એનો કીકો હવે હયાત હોય એમ લાગતું નથી. અમરતે વિમળા ને આશ્વાસન આપ્યું, પાણી પીવડાવ્યું, અને કહ્યું કે આવતી કાલે સવારે આપણે મરતોલી જઈશું, ત્યાં મેલડી માતાજીની બાધા રાખીશું, ત્યાં નાં ભુવાજી ને પુછી શું, કીકો ક્યાં ગયો હશે ?" વિમળા એ જિંદગીભર ઘી નહીં ખાવાની બાધા રાખી લઈ લીધી, અને થોડી વિનંતી પૂર્વક અમરતને કહ્યું કે "તમે પણ કઈક તો.......

અમરત, ઘડીભર વિમળા ને જોઈ રહ્યો.

"હારૂ,જ્યો લગી તારો કીકો ના મળે ત્યાં લગી હું ચા નઈ પીઉં"

બીજે દિવસે સવારે વિમળા,અમરત અને બાબૂ મરતોલી જવા રવાના થયા, સાન્થલ થી મરતોલી માંડ બે ગાઉ દૂર છે. ત્યા મેલડી માતાજીની દર્શન કરી બાધા રાખી, ભુવાજી પાસે બેઠાં અને બધી વાત કરી, ભુવાજી એ દાણા નાંખ્યા, માતાજી ને આહવાન આપ્યું, બે હાથ ઘસી ઘસીને કંકુ કાઢ્યું, ફરી દાણાં નાખ્યાં, અને નિરાશ થઈ ને વિમળા સામું જોયું,"બહુ હારૂ વંચાતું નહીં,બુન, માતાજી કરે એ ખરૂં" વિમળાએ સાલ્લો માં મોં ઘાલી રડવાનું શરૂ કર્યું હતું, અમરતે ઉભાં થઇ જવાની તજવીજ કરી અને પાછા ફર્યા,નિરાશ, હતાશ, શોકોતુર ભારે હૈયે, વિમળા પાછી ફરી, રસ્તા માં એકવાર પડતા પડતા બચી, અમરતે એનો હાથ પકડી લીધો હતો.

" તું લગારે ચિંતા કરીશ,કાલે પોલીસ ચોકી માં ફરિયાદ નોંધાવી દઈશું."

" પછે પોલીસ મારા ઘરે આવતી જતી રે' હું એકલી ના પોકુ"

" અરે,મુ બેઠો સુ ફીકર નઈ, કરવા ની"અમરતે, વિમળા ને આશ્વાસન આપ્યું પરંતુ કીકાને મામલે હવે એ પણ સમજતો હતો કે કીકો ક્યાંક......? જો કે પોલીસ નાં મામલામાં એ પહોંચી વળે એમ હતો. પોલીસ કંપલેઈન એફ આઈ આર નોધાવી,કીકા નાં ફોટા, સાન્થલ ગામ માં, જોટાણા તાલુકામાં અને આખા મહેસાણા જિલ્લામાં, હાય વે પર અને છાપાઓ માં ફરવા લાગ્યા હતા. એ જોઈ ને વિમળા ને આશા બંધાઈ કે એનો કીકો ક્યાંકથી મળી આવશે. ચમત્કાર થશે, માતાજી મહેર કરશે.

અમરત અવારનવાર વિમળા ને મળતો, પરિણામે, એનાં ઘરમાં વાસણ ખખડતા થઈ ગયા હતા.જમનાને છેલ્લા મહિનાથી અમરત માં આવેલું પરિવર્તન સ્પષ્ટ દેખાતું હતું. દિવસ માં દસ વખત ચા પીતો અમરત હવે ચા ને હાથ પણ લગાવતો નહતો. જુદા જુદા ભુવાજી ઓ, ફકીરો, પોલીસ, સ્વામી ઓ,ગુરૂઓ, અને મંદિરોમાં પૂજા અર્ચન અને આરતી ઓ કરાવી કરાવીને વિમળા ની બચતનું તળીયું આવી ગયું હતું. એણે એનાં બે વીઘા જમીન વેચવા નો નિરધાર કર્યો હતો. વિમળાના જેઠ કાન્તિલાલે બજાર ભાવ કરતાં લગભગ અરધા ભાવે ખરીદી લેવા ની ઓફર આપતાં કહ્યું કે" સુખ દુઃખ માં કુટુંબીજનો નહીં ઊભા રહે તો કોણ આવશે"? અમરતે,એ જમીન પેટે વિમળા ને દસ લાખ ધીર્યા અને કહ્યું પણ ખરું કે"કીકો મળે કે ન મળે, જમીન તો આપણા ખેડૂતો ની મા છે,એને વેચાય"? વિમળા આભાર, અને પ્રેમ ની મીશ્ર લાગણીઓ થી અમરતને પગ થી માથા સુધી નીરખી રહી.

એકાદ મહિના પછી,ગામનો શંભુ કુંભાર એના ગધેડા ઓ ને લઈ ને નીકળ્યો, એનું એક ડોબું ભુરી નાં ટીંબા પર ચડી ગયું, શંભુ એની પાછળ પાછળ દોડ્યો, અને બે ચાર કુતરા અને સમડીઓ ઉડી ગયા. શંભુ ટીંબો ચડી ગયો, અને વખડા નાં ઝાડ પાસે એક મૃત્યુ દેહ જોયો અને ચીસ પાડી ! જેણે એ ચીસ સાંભળી એ સૌ ભુરી નાં ટીંબે દોડ્યા, અને જોયું કે,દસ બાર. વરસના એક છોકરાં ની લાશ પડી હતી. એની આંખોમાં સમડીઓ ચાંચ મારી મારી ને ખાડા પાડી દીધા હતાં. પેટના ભાગેથી આંતરડા બહાર ખેંચી નાખ્યાં હતાં, અને કુતરા એ આંતરડાની ખેંચમ ખેંચી કરતાં હતાં, નાક,કાન માં લાલ મંકોડા ઓ ઉભરાતાં હતાં,શરીર માથું ફાટી જાય એવુ ગંધાતું હતું. પગ ઢીંચણ થી નીચે ભાગેથી કાપી નાખેલાં હતાં અને બાજુમાં જ પડ્યા હતા, કાગડા એમાં ચાંચો મારતાં હતાં, ભલભલા ભડવીર ભાયડા ઓ ભય પામી જાય એવી હાલત હતી. શંભુ કુંભાર ની ચીસ સાંભળી ને ઘણાં બધાં ભેગાં થઈ ગયાં,કો'ક દોડતો જઈ ને વિમળા ને કહી આવ્યો, કોઈ અમરત ને પણ જાણ કરી આવ્યો,એના કીકા નું આ શરીર,આવો મૃત્યુ દેહ જોતાં વેંત, વિમળા બેભાન થઈ ગઈ હતી,મા નું કાળજું વલોવાઈ ગયું, કંપી ઊઠે એ સ્વાભાવિક હતું. ધીમે ધીમે લોક ભેગું થવા લાગ્યું." અરરરર આવી હાલત, આવડાં અમથાં છોકરાં એ કુનુ સુ બગાડ્યું હોય"?

"ભગવાન રુઠયો,હાચુ,પણ આવડાં અમથાં બાળ ઉપર ?" " ભઈ, કો'ક,મેલી વિદ્યા કરી હસે"

ગામ ના લોકો જાતજાતના તુક્કા અને પોતપોતાની માન્યતા પ્રમાણે અને જાણકારી વિશે અભિપ્રાય આપવા લાગ્યા હતા. થોડીવાર પછી વિમળા ભાન માં આવી, અમરતે,કીકાના મૃત્યુ દેહ ની અંતિમ ક્રિયા માટે ની તૈયારી ઓ શરૂ કરાવી દીધી, આખું ગામ ઉમટી પડ્યું, સ્મશાન નાનું પડશે એવું લાગતું હતું. ઘણી બધી સ્ત્રીઓ વિમળા ને આશ્વાસન આપવા આવી હતી, એમાં જમના પણ હતી. "વિમળા હિમંત રાખજે, સૌ સારા વાના થશે"

દોઢેક કલાક માં ડાઘુઓ સ્મશાને થી પાછા આવી ગયા હતા અને એમને રિવાજ મુજબ ચા પીવડાવવા માં આવી, ગ્રામ્ય સંસ્કૃતિ ની આ રીત પણ અનોખી છે. કયાથી દુધ આવ્યું,કોના ઘરે ચા બની, કોણે બનાવી ? કશું જ મહત્વ નું નહીં, રિવાજ મુજબ બધું જ થઈ ગયું હતું. સો,સવાસો ડાઘુઓ એ રકાબી રકાબી ચા પીધી, સિવાય કે અમરતે !કીકો ખોવાયો,એનો મૃત્યુ દેહ મળ્યો, અને અગ્નિદાહ અપાયો, બીજા દિવસે બેસણું પણ રાખ્યું હતું. આ બધાં જ કામકાજ અને રીત રિવાજ રસમો માં અમરત મોખરે રહ્યો હતો. એ જમના નાં ધ્યાન માં હતું.

********

જોત જોતામાં ત્રણ મહિના પસાર થઈ ગયા હતાં. આ ત્રણ મહિના દરમ્યાન અમરત અને વિમળા એકબીજા થી વધારે ને વધારે નજીક આવવા લાગ્યા હતા. અમરતે, વિમળા ને કોઈ પણ પ્રકારના લખાણ વગર ધીર્યા હતાં,એ પણ જમના નાં ધ્યાન માં જ હતું. એના મન માં શંકા કુશંકા જાગે એ ખૂબ સ્વાભાવિક,સહજ અને સ્ત્રી સ્વભાવરૂપ હતું. અમરત અવારનવાર વિમળા નાં ખેતરે જતો આવતો, વાવણી અને યોગ્ય ખાતર વગેરે બાબતો એણે પોતાના હસ્તગત કરી લીધી હતી.

ખેતમજૂરોને યોગ્ય મજુરી આપવા નું કામ પણ એ જ કરતો હતો. શિયાળો બરાબર જામ્યો હતો, એ ગાળામાં પિયત ની નિયમિતતા, વળી નીલગાય નો ભેલાણ થી બચવા નું, રાતનાં સમય કસમયે ગમે ત્યારે ખેતરો નાં ખેતરોનો સફાયો કરી નાંખે એવા ટોળે ટોળા ઉમટી પડે તો વિમળા કરે તો શું કરે ? અમરત વાલિયા લુંટારા માંથી વાલ્મિકી ઋષિ બનવાનાં રસ્તે જઈ રહ્યો'તો, એનાં ટંટા,ઝગડા, મારામારી લગભગ બંધ થતાં જતાં હતાં. વિમળા ની વાતો સાંભળતો, અને એ વિમળા ને સંભાળતો હતો.

‌પોષ મહિનો લગભગ ઉતરવા આવ્યો હતો ત્યારે સાન્થલ ગામ પાસે થી એક મહાપુરુષ સ્વામી પરમાનંદ પસાર થવા નાં હતાં, ગામ નાં પાંચેક આગેવાનો એમને આગ્રહ કરવા છેક ખારામીઠા ગામ સુધી પગપાળા પહોંચ્યા અને વિનંતી કરી કે અમારાં સાન્થલ માં પ્રવચન ઉપદેશ આપી ને જજો, અને સ્વામી એ એમની વિનંતી માન્ય રાખી, સસ્મિત વદને સાન્થલ ગામ માં પધાર્યા. એમનુ પ્રવચન, ઉપદેશ, જ્ઞાન ભરી શીખામણ ગામનાં લોકો એ સાંભળી, અમરત પુરૂષોના વિભાગ માં સૌથી આગળ બેઠો હતો. વિમળા, સ્ત્રીઓ માં આગળ જ બેઠી હતી. પ્રવચન પુરૂં થયા બાદ અમરત ત્યાં નો ત્યાં જ બેસી રહ્યો અને ઈશારાથી સ્વામી ને સમજાવ્યું કે "

"મારે કંઈક પુછવું છે"

સ્વામી પરમાનંદે એને નજીક બોલાવ્યો."પુછીલે ભાઈ મને ઉત્તર આવડતો હશે તો તારી શંકાનું સમાધાન ચોક્કસ કરીશ"

"બાપજી તમોને ખબર ના હોય એવું બને? મારે એટલું પુસવુ છે કે આત્મા ઉડી જાય તો ચો જાય ? અન આત્મા ભટકતો રે' ખરો ?"

"જો ભાઈ, કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે આત્મા અમર છે, એને અગ્નિ બાળી શકતો નથી, વરસાદ ભીંજવી શકતો નથી,પવન ઉંડાડી શકતો નથી,.................."એ બધું હાચુ, બાપજી, પણ આત્મા ક્યાંક ભરાય રે, ભટકતો રે' એવું બને?" અમરતે પુછ્યું, એટલે સ્વામીજી એ હસી ને પુછ્યું કે " કેમ ભાઈ, તારા ધ્યાન માં એવી કોઈ જગ્યા છે, જ્યાં કોઈ નો અતૃપ્ત આત્મા ભટકતો હોય?"

" હોવ,સે, બાપજી મા'રાજ, તમે ત્યોં આવો ને જોઈ આલો.....એમ કહી ને અમરતે, વિમળા નાં કીકા વિશેની બધીજ વાત કહી નાંખી. સ્વામીજી,ને પણ એમની વાત માં રસ પડ્યો," ચાલો, એ જગ્યા પણ જોઈ લઈએ." આગળ અમરત, અને વિમળા અને સાથે સ્વામીજી, અને ગામના આગેવાનો, સૌ ભેગા મળીને ભુરી નાં ટીંબે આવ્યાં. સ્વામીજીએ જનસમુદાય તરફ ફરી ને કહ્યું કે, "શાંતિ, શાંતિ"

બધાં એકદમ શાંત થઈ ગયા. કોઈપણ પ્રકારના પાથરણાં વગર સ્વામીજી સમાધી માં બેસી ગયાં હતાં, જેને રસ નહોતો એ જમવા જતા રહ્યા હતા. લગભગ ચાલીસ મિનિટ નાં ધ્યાન માં થી બહાર આવી સ્વામીજી એ કહ્યું કે "વર્ષો પહેલાં આ જગ્યા એ કોઈ સ્રી ની હત્યા કરવામાં આવી હશે, એ ગભૅવતી હશે, મતલબ કે આ વગડાના વૃક્ષ નીચે બે જીવ દટાયેલા પડ્યા છે. એ સ્રી નો આત્મા કદાચ એ પુરુષ નાં પ્રેમ પામવા કાજે, અથવા તો એ હવસખોર નાં બાળક ને જન્મ આપી માતૃત્વ પ્રાપ્ત કરવા કરવા માટે તરફડતો હોય એમ પણ બને, અને એ આત્મા કોઈ કારણસર છંછેડાયો હોય અને આ બહેન નાં પુત્રને ભરખી ગયો હોય એમ પણ બને".

" બાપજી અમારા ગામમાં એમ સમજો કે આવું કરૂણ મોત કોઈ નું થયું જ નહીં, ઘૈડયા ઓ ને પુસો,સાન્થલ માં બાળમરણ જ નહીં થયું, હવે આમાં થી બહાર તમે જ કાઢો, આખું ગોમ તમારો પાડ માનશે, અને અનેક મા ઓ આશીર્વાદ આલસે"

સ્વામી"એક શરત, હું ધ્યાન માં બેસીસ, કેટલું એ કહી ન શકાય, પરિણામ મળશે કે નહીં,એ પણ કહી ન શકાય, પરંતુ હું ધ્યાનમાં બેસું અને ઉભો થાઉં ત્યાં સુધી જેને મહામૃત્યુંજય મંત્ર આવડતો હોય એ મનમાં સતત રટણ કરે. મંત્રજાપ વૈદિક મુનિઓની એવી વિભાવના હતી કે પ્રાર્થનાના એક મુખ્ય રૂપ તરીકે મંત્ર હતા જેમનો અંતિમ ઉદ્દેશ મુકિતનો હોય. મંત્રજાપ એટલે મંત્રનું રટણ,અને યોગ થી તંત્ર સુધીના તમામ હિંદુ પ્રવાહોમાં મંત્રજાપ એક સ્થાપિત પ્રણાલી બની ચૂકી છે. તેમાં, મંત્રના સતત રટણનો, સામાન્યરીતે પવિત્ર અંક (ત્રણના ગુણાંકમાં), જેમાં ૧૦૮ નો અંક બહુવિખ્યાત છે, તેની આવૃત્તિમાં રટણ કરવાનો, જો ન આવડતો હોય તો એક પાટિયું લાવો હું મોટા અક્ષરે લખું, તમારે મનમાં રટણ કરવા નું છે, સતત, લગાતાર, છે તૈયારી ?

અડધાં કલાકમાં જ કાળું પાટિયું અને ચોક આવી પણ ગયા અને સ્વામીજી પદ્માસન વાળીને બેસી ગયાં. સ્વામીજીની પાછળ એકાદ ફૂટ નાં અંતરે અમરત અને વિમળા બેઠાં હતાં, વિમળા એ સ્વામીજી પાસે બેસી હળવેક રહી ને પુછી લીધું,"હું બેસી શકું ?વિધવા છું" સ્વામીજી નાં ભવ્ય મુખ પર સ્મિત ફરકી ગયું "તું વિધવા હતી, હવે નથી, મનમાં બીજો પુરુષ ગોઠવાઈ ગયો છે, દીકરી, બેસ, મારી બાજુમાં બેસ, મારી દીકરી"

સ્વામીજી એ આંખો ખુલ્લી રાખી મોટા અને સ્પષ્ટ અવાજે મંત્રોચ્ચાર શરૂ કર્યા, એમની આજુબાજુ માં અનેક લોકો બેસી રહ્યા હતા, સ્વામીજી નો અવાજ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો. લગભગ અઢી-ત્રણ કલાક વીતી ગયા અને અચાનક વખડાનાં ઝાડની બખોલ માંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી, સાથે સાથે કો'ક સ્ત્રી ની કરૂણ ચીસો સંભળાવા લાગી હતી. આગ ની ભભુકતી જ્વાળાઓ સાથે સાથે સ્વામીજી નો અવાજ, એમના મંત્રોચ્ચાર પણ બદલાવવા લાગ્યા, અન્ય લોકો એ મહામૃત્યુંજય મંત્ર નું રટણ સતત ચાલુ રાખ્યું હતું. અચાનક એ ઝાડ એક ધકાડા સાથે ફાટી પડ્યું, અને એમાં થી એક ભયાનક સ્રી, ચીસો પાડતી પાડતી બહાર આવી, એની આંખોમાં થી લોહી ટપકતું હતું. એ જોર જોરથી માથું ધુણાવતી હતી. એના વાળ માં થી ચોતરફ કીડા, મંકોડા અને અળસીયા ઉડયા કરતાં હતાં. એ સ્ત્રીનાં બન્ને હાથમાં ખોપરી ઓ હતી, અને એ ખોપરીઓના આંખ ના ડોળા ના ભાગમાં થી આગ ભભુકી રહી હતી. એ સ્ત્રી ની લાલચટક જીભ બહાર લટકતી હતી.

સ્વામીજી એ મોટે અવાજે પુછ્યું,"કોણ છે તું"?

" ભુરી"

" કોને શોધે છે તું,ભુરી,તારે શું જોઈએ છે"?

" મારે મારૂં બાળક જોઈએ, હરામીએ મને મારી ને દાટી દીધી, મારૂં બાળક અજવાળું ભાળે એ પે'લા દટઈ જ્યું"

"ક્યારે?"

"આ ગોમ મો પેલ્લીવાર ધરતી ધ્રુજી તાણે"

"શાંત થઈ જા, શાંત" પેલી સ્ત્રી સ્વામીજી પર થુકી, નર્યું લોહી ઉડ્યું. એના મોં માંથી લોહીની ધાર વહેવા લાગી હતી. એની ઊંચાઈ લગભગ છ ફૂટ હતી. એના અડધા બળેલા અને સળગી રહેલા કપડાં પરથી એ રબારણ હોય એવું લાગતું હતું.

" ભુરી,તારી પર કોઈ એ જોરજુલમ કર્યો હતો "?

" ના, એણે મને ફોસલાવી ને,લગન કરવા નો વાયદો કર્યો'તો. પસી હું માં બનવાની હતી અને એક હોજે આયો,મુ ગાય દો'વા બેઠી'તી અન, વાંહે થી આઈને ગળે ટૂંપો દઈ દીધો. ઓઈ દાટી દીધી"

"ભુરી તારે કેટલા છોકરાઓ નો ભોગ લેવો છે"? સ્વામીજી એ પુછ્યુ અને ઉભાં થઇ ને મંત્રેલુ પાણી છાંટી દીધું........ભુરી એ ચીસ પાડી, દર દસ વર્ષે એક છોકરાં નો ભોગ લઈશ, એમ કહ્યું. સાન્થલમા છેલ્લે ધરતીકંપ ક્યારે આવ્યો હતો એ કોઈ જાણતું જ નો'તુ. ! સ્વામીજી જોર જોરથી મંત્રોચ્ચાર કરતાં કરતાં એની પર મંત્રે લું પાણી છાંટે જતા હતા. છેવટે ભુરી શાંત પડી,પણ ઉભી ઉભી ધુણ્યા કરતી હતી.

" તારી પર વીતી એ બહુ ખોટું થયું, પણ એનાં બદલા માં માસુમ બાળકનો ભોગ લેવો યોગ્ય નથી."

"રસ્તો કાઢવો છે?"

"હા,ભુરી હા,દર દસ વર્ષે જે મા નું માસુમ બાળક તું છીનવી લે,એ મા ઉપર કેવી વીતે ?"

"મારા નોમની ડેરી બંધાવો, ઈમો રોજ ઘી નો દીવો કરવો, વચન આલો, આલો શો?"

સ્વામીજીએ પાછળ ફર્યા, અને ગામના લોકો ને સંબોધીને બોલ્ચા,"ભાઈઓ, આટલું કરી શકાશે ?,બોલો, હું તો નીકળી જઈશ, આ ટીંબા પર એક દહેરી બનાવવા ની અને રોજ સાંજે દીવો કરવા નો" બધાં એ એકી અવાજે હા પાડી હતી. એકપણ વ્યક્તિ એ કશું જ પૂછ્યું પણ નહીં. જોતજોતા માં દેરી બનાવવા નાં ખર્ચ ની ટીપ પણ લખાઈ ગઈ, અને બીજા અડધાં કલાકમાં પંદર વરસ નો ઘી નો ખર્ચો પણ લખાઈ ગયો. સ્વામીજી ફરી ભુરી તરફ વળ્યા અને કહ્યું કે વચન આપ્યું,જા ભુરી, ...જા, હવે ફરી માસુમ બાળકો નાં ભોગ નહી લેવા નું વચન આપ અને....

સ્વામીજી આગળ કશું પણ બોલે એ પહેલાં જ એક મરણતોલ ચીસ નાંખીને ભુરી ધુમાડા માં અલોપ થઈ ગઈ. આખાં સાન્થલ ગામ ની એક એક વ્યક્તિ સ્વામીજી ને પગે લાગી, સ્વામીજી" સાધુ તો ચલતા ભલા" બોલી નીકળી પડ્યા, ગામ બહાર સુધી લોકો વળાવવા આવ્યા, અને સાવ અચાનક સ્વામીજી હવામાં અલોપ થઈ ગયા !

અમરત અને જમના નિઃસંતાન હતાં, જમના એ ધીમે ધીમે એ બન્ને નાં સંબંધ ને સ્વીકારી લીધો, બરાબર દીવાળીનાં દિવસે વિમળા એ એક પુત્ર ને જન્મ આપ્યો, એનું નામ પણ કીકો જ રાખ્યું, ગ્રામ પંચાયત ની ઓફીસ માં જન્મ નોંધણી કરાવવા જમના જ ગઈ," લખો, બાળક નું નામ કીકો, બાપ નું નામ,અમરત !

વરસો વીતી ગયા,સદીઓ બદલાઈ ગઈ, વિમળા,અમરત, જમના બધાં જ સાન્થલના ઈતિહાસ માં ખોવાઈ ગયા, રહી ગયો, ભુરી નો ટીંબો !
                           - લેખક: પંકજ શાહ.
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post