પોતીકો સંબંધ (Sambandh)

Related

પોતીકો સંબંધ

+++++++++++++++ વર્ષા ભટ્ટ "વૃંદા"
ઉત્સવ... તેનાં નામ પ્રમાણે જ થનગનાટ તેનામાં હતો. પ્રિયા સાથે તેનાં એરેન્જ મેરેજ હતાં. ઉત્સવ જીવનને માણી લેવામાં માનતો. ફરવું, ગાવું અને કપડાનો તો ઉત્સવને ગજબ ગાંડો શોખ હતો. બજારમાં આવે એટલે નવી ફેશન ના કપડાં પહેલાં તે ખરીદી લેતો. તેનાં કબાટમાં કપડાં રાખવાની જગ્યા પણ ઓછી પડતી. જ્યારે પ્રિયા સાદી, સીધી હતી. લાંબા વાળ, કપાળ પર ગોળ મોટો ચાંદલો અને હંમેશા સાડી પહેરતી.

AVAKARNEWS
પોતીકો સંબંધ

લગ્ન કરી ઉત્સવ અને પ્રિયા અમદાવાદ આવી ગયાં. નવાં નવાં લગ્ન હોય બંને એકબીજાને ભરપૂર પ્રેમ કરતાં. ઉત્સવ એક કંપનીમાં સારાં હોદા પર હતો. હંમેશા ફોર્મલ કપડાં, હાથમાં બ્રાન્ડેડ ઘડિયાળ અને પરફયુમથી મધમધતો જ તે ઓફિસ જતો.

ઉત્સવની કંપનીમાં કોઈ તહેવારોની ઉજવણી હોય કે પછી ગેટ ટુ ગેધર હોય તે હંમેશા એકલો જ જતો. બધાં લોકો તેની પત્ની સાથે આવતાં પણ સાદી સીધી પ્રિયાને સાથે લઈ જવામાં ઉત્સવ નાનમ અનુભવતો હતો. બધાં તેને તેની પત્ની વિશે પૂછતાં પણ તે કોઈને કોઈ બહાનું બતાવી દેતો.

સમય સરતો રહ્યો...પ્રિયા ઉત્સવની દરેક બાબતોની કાળજી રાખતી. શયનેષુ રંભા બની ઉત્સવને પ્રેમમાં ભીંજવી નાંખતી, ઉત્સવ પણ પ્રિયાના પ્રેમમાં તરબોળ બની જતો, બસ એક વાતનો અફસોસ રહેતો કે બીજા મિત્રોની પત્નીઓ કેટલી મોર્ડન છે, જ્યારે પ્રિયા સાદી હતી.

પ્રિયા આજે ઘરનું કામ પતાવી શોપિંગ માટે ગઈ, ત્યાં પાછળથી અવાજ આવ્યો...

" પીન્કી"

પ્રિયા તો વિચારવા લાગી કે મને આ નામથી કોણે બોલાવી?

પ્રિયા પાછળ ફરી તો ચોંકી ઉઠી!

પ્રિયા:" ઓહ! નેહા..."

નેહા:" નોટ અ, નેહા...ડિયર

નેન્સી...કોલ મી નેન્સી."

પ્રિયા:" નેન્સી?"

નેહા:" હા, હવે હું નેહા નહીં પણ નેન્સી છું. એ છોડ ચાલ આપણે આઈસ્ક્રીમ ખાઈએ."

બંને સખીઓ એકબીજાને ગળે મળી અને સાથે આઈસ્ક્રીમ ખાવા લાગી.

પ્રિયા:" અરે! તું તો બદલાઈ જ ગઈ, મોર્ડન બની ગઈ હો!"

નેહા:" હા, યાર નક્ષ સાથે લગ્ન કરી શહેરમાં આવી. નક્ષને કંપનીની મોટી મોટી પાર્ટીઓમાં જવાનું થતું, ત્યાં બધાંનો પહેરવેશ જોઈ મને પણ થતું કે આપણે હવે અપડેટ થવું પડશે."

પ્રિયા:" હા, યાર સમય પ્રમાણે બદલવું તો પડે પણ...."

નેહા:" પણ... શું?"

પ્રિયા:" ઉત્સવને પણ કંપનીઓની ઘણી પાર્ટીઓમાં જવાનું હોય, પણ તે એકલાં જ જાય. ઉત્સવ બહુ શોખીન છે, પણ મને એ બધું ન ફાવે હો.."

નેહા:" ઓ, મણીબેન... કેમ એ બધું ન ફાવે! સમય પ્રમાણે બદલવું પડે."

પ્રિયા:" હા, તારી વાત તો સાચી પણ મને..."

નેહા:" એ તું ચિંતા ન કર, બસ કાલે તું મારી સાથે આવજે ઓકે."

પ્રિયા:" પણ.. કયાં? "

નેહા:" એ હું તને મેસેજ કરી જણાવીશ, મારાં નંબર સેવ કરી લે. ઓકે..ચલ લેટ થાય છે. નક્ષ આવી જશે."

બંને સખીઓ આટલાં વર્ષો પછી મળી તો ખુશ થઈ. નેહાને જતાં જોઈ પ્રિયા વિચારવા લાગી... કયાં સાદી સીધી નેહા અને ક્યાં આ મોર્ડન નેહા...

પ્રિયા ઘરે પહોંચી તો ઉત્સવ આવી ગયો હતો. પ્રિયાએ તેનાં માટે આદુવાળી ચા બનાવી અને બંનેએ સાથે ચા પીધી. અચાનક તેનું ધ્યાન ટેબલ પર પડ્યું.

પ્રિયા:" આ શેનું કાર્ડ છે?"

ઉત્સવ:" ઓફિસમાં ક્રિસમસ પાર્ટી છે."

પ્રિયા:" ઉત્સવ, આ વખતે હું પણ તમારી સાથે પાર્ટીમાં આવીશ."

ઉત્સવ પ્રિયાની વાત સાંભળી બોલ્યો...

ઉત્સવ:" અરે! તને એ બધું ઓછું ગમે છે, તો ચાલશે ન આવે તો.."

પ્રિયા:" ના, હું તો આવીશ જ.."

પ્રિયાએ એ બોલતાં ઉત્સવના ગાલ પર એક ચુંબન ચોડી દીધું. ઉત્સવ પણ કંઈ બોલ્યો નહીં.

બીજા દિવસે પ્રિયાએ બધું કામ પૂરું કરી નેહાના કોલની રાહ જોતી હતી અને તેનો કોલ આવ્યો. તેનાં જણાવેલાં એડ્રેસ પર પ્રિયા પહોંચી ગઈ. " નિખાર...સલૂન." આધુનિક સગવડોથી સજ્જ આ સલૂનને જોઈ પ્રિયા તો અચંબિત થઈ ગઈ! પ્રિયાને એક રૂમમાં લઈ ગયાં. નેહા બહાર જ તેની રાહ જોતી હતી. અંતે જ્યારે પ્રિયા બહાર આવી તો તેને જોઈ નેહા વિચારવા લાગી કે " આ એજ પ્રિયા છે..."

નેહા:" Wow, What a surprise! Beautiful"

પ્રિયા પણ પોતાની જાતને સામે રહેલાં મોટાં અરીસામાં જોઈ ખુશ થઈ... બ્લીચીંગ, ફેશિયલ, મેનીક્યોર, પેડીક્યોર અને હેઈરકટથી પ્રિયાની કાયાપલટ થઈ ગઈ.. બંને સખીઓ ભેટી પડી.

નેહા:" ચાલ, હવે આપણે શોપિંગ કરવા જશું "

નેહા અને પ્રિયા શોપિંગ માટે ગયાં. પાર્ટીમાં પહેરી શકાય તેવાં ડ્રેસ ખરીદ્યા અને સાંજ થતાં બંને છૂટાં પડ્યાં. પ્રિયાએ નેહા નો આભાર માન્યો.

ઉત્સવનો આવવાનો સમય હતો. પ્રિયા તો રેડી થઈ તેની રાહ જોવા લાગી. કારનો અવાજ આવતાં પ્રિયા રસોડામાં ગઈ.

ઉત્સવ:" પ્રિયા...આજે મારે પાર્ટીમાં જવાનું છે. ફટાફટ ચા બનાવી દે, તો હું નીકળું.."

એટલામાં બે ચાનાં કપ સાથે પ્રિયા આવી.

ઉત્સવ તો પ્રિયાને જોઈ પોતાની આંખો ચોળવા લાગ્યો...

પ્રિયા:" લ્યો, ગરમા ગરમ આદુવાળી ચા...અને આજે હું પણ તમારી સાથે પાર્ટીમાં આવીશ, ઓકે."

ઉત્સવ તો પ્રિયાના બદલાયેલા સ્વરૂપને જોઈ શું બોલવું સમજી શક્યો નહીં.

પ્રિયા:" કેમ શું થયું?"

ઉત્સવ:" પ્રિયા તું? "

ચહેરા પર હળવો મેકઅપ, છૂટા વાળ અને લોંગ ગાઉનમાં પ્રિયા સુંદર લાગતી હતી.

પ્રિયા:" હા, કેમ ન ગમ્યો મારો મોર્ડન લુક?"

ઉત્સવ:" હા, પણ..."

પ્રિયા:" પણ, પણ કંઈ નહીં, જલ્દી રેડી થઈ આવો. બેડ પર મેચિંગ સૂટ પડ્યો છે ઓકે.."

એટલું બોલતાં પ્રિયાએ ઉત્સવને મીઠી કિસ કરી.

ઉત્સવ તો કંઈ સમજી શક્યો નહીં. પ્રિયા.. આમ અચાનક....પણ તેને ગમ્યું. તેને આવી જ પત્નીની કલ્પના કરી હતી, જે પોતાની સાથે પાર્ટીઓમાં આવી શકે. ફટાફટ રેડી થઈ તે નીચે આવ્યો. પ્રિયા પણ હાથમાં પર્સ લઈને રેડી હતી. ઉત્સવે...પ્રિયાને જોરદાર આલિંગનમાં લીધી અને આઈ લવ યુ કહ્યું. બંને પાર્ટીમાં જવા નીકળી ગયાં.

હોટલ બ્લુ મુનમા પાર્ટી હતી. હંમેશા એકલાં આવતાં ઉત્સવ સાથે આજે તેની પત્નીને જોઈ સૌ કોઈ અચંબિત હતાં.પ્રિયા રૂપાળી તો હતી જ પણ તેની કાયાપલટ થતાં તેનું સૌંદર્ય વધારે નીખરી ગયું હતું. આજે ઉત્સવ પોતાનાં દરેક મિત્રો સાથે પ્રિયાની ઓળખાણ કરાવતો હતો. પાર્ટી પૂરી થતાં બંને ઘરે આવ્યા.... આજ ઉત્સવ ખુશ હતો. તેણે પ્રિયાને પોતાની બાહોમાં ભરી લીધી. બંને એકબીજાનાં પ્રેમમાં તરબોળ બની ગયાં.... ઉત્સવના ચહેરા પર ખુશી જોઈ પ્રિયાએ મનોમન નેહાનો આભાર માન્યો.. ક્યારેક આપણાં પોતીકાં માટે જો બદલવું પડે તો તેમાં કંઈ ખોટું નથી.
                    – વર્ષા ભટ્ટ "વૃંદા" (અંજાર)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"પ્રાયશ્ચિત" નવલકથાનો બીજો ભાગ પણ છે, જે પહેલા ભાગ કરતા પણ રહસ્યમયી અને રસપ્રદ છે. એ પણ ટુંક સમયમાં આવકાર વેબસાઇટ પર અપલોડ થઈ શકે છે.!!