નામ વગરના સંબંધો (Nam Vagarna Sambandho)

નામ વગરના સંબંધો .."
************************ વર્ષા ભટ્ટ (વૃંદા)
સુમનભાઈએ આજે સાંભળ્યું, એ સાંભળીને તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. યશની પત્ની યેશાને આ ઘરડો બાપ હવે બોજ લાગતો હતો.

AVAKARNEWS
નામ વગરના સંબંધો

વહેલી સવારમાં મનમાં એક ગાંઠ વાળી પોતાનાં બે જોડી કપડાં અને પત્ની મીનાનો ફોટો લઈ સુમનરાયે ભારે હૈયે ઘર છોડ્યું. ક્યાં જઈશ? શું કરીશ? એવો તો કોઈ વિચાર પણ ન કર્યો. અચાનક તેને કંઈક યાદ આવ્યું. તેનાં સિનિયર સિટીઝન મિત્ર રમેશે એકવાર શહેરથી દૂર આવેલાં એક વૃદ્ધાશ્રમની વાત કરી હતી, નામ હતું "આશિયાના" બસ રિક્ષા કરી સુમનરાય ત્યાં પહોંચી ગયાં.

હજુ તો સૂર્ય વાદળો સાથે પોતાનાં કોમળ કિરણો ધરતી પર રેલાવી રહ્યો હતો. આશ્રમનો દરવાજો ખોલ્યો તો સામે એક પ્રૌઢા ફૂલછોડને પાણી પાતાં હતાં.

સુમનભાઈ:" જય શ્રી કૃષ્ણ, શું અહીં રહેવા માટે કોઈ જગ્યા છે?"

તે પ્રૌઢા પાછળ વળી તો આશ્ચર્યચકિત થઈ ગઈ!

સુમિત્રા:" સુમન તું? અહીં?"

સુમનભાઈ:" સુમી, તું અહીં?"

વરસો પછી આ જગ્યા પર બંને મળશે, તેવી કલ્પના પણ કરી નહોતી. બંને એકબીજાને જોયાં કર્યા પછી સુમિત્રાએ સુમનભાઈ પાસેથી થેલી લીધી અને નજીકમાં રહેલાં હિંચકા પર બંને બેઠાં. એજ મોટી કાળી આંખો, અણિયાળુ નાક, ઉજળો વાન બસ સમય જતાં વાળ થોડાં સફેદ થયાં હતાં અને ઉંમર થોડી વધી હતી.

સુમનભાઈ તો ભૂતકાળમાં સરી પડ્યા....

વાત હતી ઘણાં વર્ષો પહેલાંની, એ સમયમાં સુમનભાઈને હજુ મૂછનો દોરો પણ માંડ ફૂટ્યો હતો, અને પિતાની બદલી શહેરમાં થયેલી. મનોજભાઈ, માયાબેન અને તેમની બંને દીકરીઓ સુમિત્રા અને નિશા, તેમાં સુમિત્રા ખાસ બોલતી નહીં પણ આવતાં જતાં સુમન સાથે નજરો મળતી. થોડા જ સમયમાં બંને પરિવાર વચ્ચે ઘર જેવા સંબંધો બંધાઈ ગયા હતા.

એ સમયમાં પાર્ટીપ્લોટ તો હતાં નહીં, શેરીગરબા જ રમાતા હતાં. નવરાત્રી આવી અને સુમિત્રાને ગરબા રમવાનો બહુ શોખ તો ચણિયાચોળી પહેરી રોજ ગરબા રમવા આવતી. સુમનને ગરબા રમતાં ન આવડતું પણ રોજ ગરબા રમતી સુમિત્રાને જોવા જતો.

આજે આઠમ હતી. સુમિત્રા લાલચટક ચણિયાચોળી અને લાંબા ચોટલામાં ખૂબ સરસ લાગતી હતી. આજે તો સુમને નક્કી કર્યું કે સુમિત્રાને દિલની વાત કરવી છે. સુમિત્રા ગરબા રમી બહાર નીકળી અને સુમને તેને પાછળથી અવાજ કર્યો.

સુમન :" સુમી"

ડરતી ડરતી સુમિત્રા આજુબાજુ જોઈ સુમન પાસે આવી.

સુમન :" સુમી, તું મને પસંદ છે.

સુમિત્રા:" સુમન, મને પણ તમે ગમો છો, પણ મારી સગાઈ નાનપણથી જ થઈ ગઈ છે."

સુમિત્રા આટલું બોલી ઝડપથી ત્યાંથી નીકળી ગઈ. સુમનનું તો આ વાત સાંભળીને દિલ તૂટી ગયું. તે સમયમાં છોકરાઓમાં એટલી હિંમત તો હતી નહીં કે માતા પિતાની ઉપરવટ થઈને લગ્ન કરે. બસ, એ નવરાત્રી અને સુમીને દિલમાં સંઘરી દીધી.

સમય જતાં સુમનના પિતાની બદલી થતાં તેઓ બીજા શહેરમાં ગયા અને બંને અલગ થઈ ગયાં. આટલાં વર્ષો પછી આજે આ વૃદ્ધાશ્રમમાં સુમીને જોઈ અને સુમનભાઈની આંખો છલકાઈ ગઈ.

સુમિત્રા:" સુમન, તમે અહીં?"

સુમન :" હા, કેમ છે, સુમી તું? તું કેમ અહીં?"

સુમિત્રા:" એતો બહુ લાંબી વાત છે, પછી કયારેક કહીશ. તમે કહો તમે કેમ અહીં?"

સુમનભાઈ:" કાશ, સુમી ત્યારે.....મને યાદ એ નવરાત્રી..."

સુમિત્રા તેઓની વાત સમજી ગઈ. સુમિત્રા તેઓને આશ્રમની ઓફિસમાં લઈ ગઈ. સુમનભાઈને એક રૂમ આપવામાં આવ્યો.

દરેક સંબંધોને નામ આપવું જરૂરી નથી, અમુક સંબંધો નામ વગરનાં પણ હોય છે, જેમ કે સુમનભાઈ અને સુમિત્રાનો સંબંધ....
                      - વર્ષા ભટ્ટ ( વૃંદા) અંજાર

"આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!🌺 __🖊️©આવકાર™

Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આરોગ્ય અને પ્રકૃતિ વિશેની માહિતી, સરકારી યોજના જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺

1 Comments

  1. Very Good and interesting Story. We liked it very much

    ReplyDelete
Previous Post Next Post