"સ્વિમિંગ પૂલ"
****************** (28/08/2025)
ગામના ચોરે ચડેલી પીપળાની જડમાં બેઠેલો રતન ફરી એક વાર પોતાની જૂની, ઘસાઈ ગયેલી મોબાઈલ સ્ક્રીન પર આંગળી ફેરવી રહ્યો હતો. આજે સવારે જ તેના ગામના યુવાનોનું એક ગ્રુપ બન્યું હતું અને તેમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. વીડિયો શહેરની એક મોટી હોટેલના સ્વીમિંગ પૂલનો હતો, જ્યાં નીલા પાણીમાં ચાર યુવાનો ખુશીથી કિકિયારીઓ પાડી રહ્યા હતા. તેમાંનો એક તેનો બાળપણનો મિત્ર ચિરાગ હતો.""
સ્વિમિંગ પૂલ
વીડિયોની ક્વોલિટી ખૂબ જ તેજ હતી. પાણીની પ્રત્યેક બુંદ, અને ચિરાગના મિત્રોના હસતા ચહેરાના દરેક ભાવ સ્પષ્ટ દેખાતા હતા.
ચિરાગ શહેરમાં હતો. એક મોટી કંપનીમાં ડ્રાઈવર ની જોબ પર હતો. મહિનામાં એક વાર ગામ આવતો. દર વખતે નવી જ કોઈ વસ્તુ, નવી જ કોઈ વાત લઈને. રતનને શહેરી દુનિયાના કિસ્સા સાંભળવા ખૂબ જ ગમતા. પણ આજે તે વીડિયો જોયા પછી એક અલગ જ અનુભૂતિ થઈ આવી. એક ખાલીપણું... એક ક્ષોભ.
એકાએક તેની નજર પોતાની જ ઘસાયેલી, ચીરા પડેલી ચપ્પલો પર પડી. પછી દૂર ખેતરમાં કામ કરતા તેના પિતા પર. ધૂળ અને થાકમાં લપેટાયેલું જીવન. ચિરાગનું જીવન તો જાણે કોઈ રંગીન ટીવી સીરિયલ જેવું હતું. અને તેનું?... બસ.
આખો દિવસ તે વીડિયોનો વિચાર કરતો રહ્યો. રાત્રે ખાટલા પર પડ્યો પડ્યો તેની નજર ઓરડાની છત પર ચોંટી ગઈ. છત પર લાગેલા કરોળિયાના જાળા હલી રહ્યા હતા. એકાએક તેના મનમાં એક વિચાર ઘૂમી ગયો. "કાલે સવારે જ હું શહેર જઈશ. ચિરાગ પાસે. મારે પણ આ જીવન જોવું છે. અનુભવવું છે."
બીજે દિવસે સવારે તેણે પિતાની પાસે થોડા પૈસા માંગ્યા. "બાપુ, શહેર જવું છે. ચિરાગને મળવું છે." પિતાએ કારણ પૂછ્યું ત્યારે તેનાથી કંઈ બોલાયું નહીં. તે મનમાં જાણતો હતો કે 'સ્વીમિંગ પૂલમાં નહાવા જવું છે' પણ એ વાત કહેવાય એમ હતી નહીં.
શહેરની બસમાં બેઠો. બસ ગામથી નીકળીને હાઈવે પર આવી ત્યારે તેનું મન થોડું હળવું થયું. રસ્તામાં લીલા ખેતરો, ઊંચી ઇમારતો, મોટા મોલ... બધું જ નવું લાગતું હતું. તેના મનમાં ફરી એક વાર ચિરાગનો વીડિયો ઘૂમી ગયો અને તે મનોમન હીંમતભેર બોલ્યો, "હું પણ આ જીવન જીવીશ."
ચિરાગને ફોન કર્યો. ચિરાગ તેને લેવા સ્ટેશન પર આવ્યો. તેના હાથમાં ચમકતી કારની ચાવીઓ હતી. "ચલ, દોસ્ત આજે તને મજા કરાવું!" ચિરાગે કહ્યું.
કાર શહેરની ભીડભાડ વાળી સડકો પાર કરતી શહેરની એક ખ્યાતનામ હોટેલના ગેટ સામે આવીને થંભી. રતનનું હૃદય ધબકારા સાથે ઊછળ્યું. આ જ તે હોટેલ હતી! વીડિયો વાળી!
ગેટ પાર કરતા એક અલગ જ વિશ્વમાં પ્રવેશ્યો હોય એવું લાગ્યું. ચારે બાજુ હરિયાળી, સુગંધિત ફૂલો, અને ચકચકિત ફ્લોર. ચિરાગ તેને સીધો સ્વીમિંગ પૂલના એરિયામાં લઈ ગયો.
અને ત્યાં તે હતું... વીડિયો જેવું જ. નીલું, સ્વચ્છ પાણી. ચારે બાજુ હળવા સંગીતના આનંદ સાથે સૂર્યનો તડકો લેતા આરામ કરતા લોકો.!!
પણ રતન જ્યાં હજુ ઊભો રહે ત્યાં જ તેને કંઈક અલગ નજરે પડ્યું. એક કિનારે બેઠેલા એક મજૂરને. તેની પીઠ પર પરસેવો છૂટી રહ્યો હતો. તેના હાથમાં એક લાંબી પોલીની નળી હતી, જેનાથી તે પૂલના પાણીને ફિલ્ટર કરીને સાફ કરતો હતો. તેની આંખોમાં એક ઊંડો થાક હતો. એક બીજો મજૂર બાજુમાં રાખેલા ઝાડના પાંદડાંને ઝાડવે ઝાડવે થી ઉપાડી ખામણાં સાફ કરતો હતો.
ચિરાગે કહ્યું, "ચલ, નાહી લઈએ. જલદી કપડાં બદલી લે."
પણ રતનની નજર તે મજૂર પર જ ચોંટી હતી. તે મજૂરની દ્રષ્ટિએ દુનિયા કેવી દેખાતી હશે? શું તે આ નીલા પાણીની સુંદરતા જોઈ શકતો હશે? કે ફક્ત તેના થાક અને પરસેવા માંથી પસાર થતું સંઘર્ષમય જીવન અને સાંજ પડ્યે રાહ જોતા એમના બાળકોને જ જોતો હશે?
તેણે ધ્યાનથી જોયું. તે મજૂરના પગ ચીકણા અને ધૂળથી બગડેલ હતા. તેની જોડી ફાટી ગયેલી હતી. એ જ કશું... એ જ તેની ચપ્પલો જેવું.!! રતનને પોતાના ચપ્પલ અને એના ખેડૂત પિતા એક જ ઝટકે આંખો સામે તરવરી ગયા.!
એકાએક તેની સમજમાં આવી ગયું. તે શહેરમાં સ્વિમિંગ પુલ જોવા અને આનંદ લેવા આવ્યો હતો, તે ફક્ત એક ભ્રમ હતો. અસલ પુલ તો બીજો હતો. શહેરની ચકાચૌંધ ચમક, આનંદ અને વૈભવના પાયામાં, કંઈક લોકોનું પરિશ્રમ અને થાક છે. તેમની મેહનત પર જ આ સૌંદર્ય ઊભું છે.!
ચિરાગની તરફ ફરીને તે બોલ્યો, "ના ભાઈ, મારાથી નહીં ન્હાવાય. ચલ, હવે જવું છે, તું તારા કામ પર લાગી જા. હું હવે મારા ઘરે જવા માંગુ છું."
ચિરાગને સમજ ન પડી. પણ રતન ચાલતો થયો.
બસમાં પાછા ફરતાં, રતનનું મન હળવું થયું. તેના મનમાં થયું, 'ચિરાગનું જીવન તેનું છે. અને મારું જીવન મારું. મારા પિતાના ખેતરની માટીમાં પણ એક સુગંધ છે. ઘરની ડેલીમાં બેસીને ખાયેલી રોટલીમાં પણ એક સ્વાદ છે.'
ગામના ચોકમાં ઊતરીને તે સીધો પોતાના ખેતરમાં ગયો. પિતા ચામડી બળી જાય એવા તડકામાં હળ ચલાવતા હતા. રતને જોયું, પિતાના પગ પણ ધૂળથી રગડાયેલ અને શરીરે પરસેવાથી તરબોળ હતા. હાથમાં જૂની ફોલ્લીઓના સાંઠા પડી ગયેલા હતા, એ એને કોઈ સુંદર કલાકૃતિ જેવા લાગ્યા.
પિતાએ પૂછ્યું, "કેમ, બેટા શહેરમાં મજા આવી?"
રતને હા પાડી અને પિતાના હાથમાંથી હળનો હાથલો પોતાના હાથમાં લઈ લીધો. "બાપુ, તમે આરામ કરો. હવે હું હળ ચલાવીશ." આજે રતનની આંખોમાં આંસુ સાથે એક અલગ પ્રકારની ચમક હતી.
હળ ચલાવતાં તેની આંખોએ જોયું... ધૂળમાંથી ઊભરતું જીવન. માટીની સુગંધ. અને હૃદયે અનુભવ્યો... સાચો "સ્વિમિંગ પુલ" ... જે દૂર ક્યાંય નહોતો, પણ તેની પોતાની જમીનમાં, .....તેની મહેનતમાં હતો.!
✍🏻Ramesh Jani_(28/08/2025)_🌸
_____________
"Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories
માતૃભુમી એ માતૃભુમી જ સુંદર હોય છે અને એજ મનને શાંતિ આપે છે
ReplyDelete