વિખરાયેલી એક વાત
~~~~~~~~~~~~~~~~ લેખક: અંકિતા સોની
ડોક્ટરની કેબિનમાંથી બહાર નીકળતાં જ સુરભી ખુશીની મારી થોડીક ઉછળી. ઘડીભર તો આજુબાજુનું ભાન ભૂલીને નાચવા લાગી. પછી લોકો અને હોસ્પિટલ સ્ટાફની હાજરીથી શરમાઈને સભાનતામાં આવી. હાથમાં રહેલો મેડિકલ રિપોર્ટ એને ગુલદસ્તા જેવો સુગંધિત લાગ્યો.
વિખરાયેલી એક વાત
એણે ફરી ફરીને પાના ઉથલાવ્યા અને પોઝિટિવ અક્ષરોને ચૂમી લીધા. રિપોર્ટ પણ એના રાતા હોઠના સ્પર્શથી લાલચોળ થઈ ગયો. હવે એ ચાલતી નહોતી પરંતુ રીતસરની હવામાં ઊડી રહી હતી. એણે પોતાના પેટ પર હાથ ફેરવ્યો ને વાતાવરણ પાછું ગુલાબી થઈ ગયું.
ઘણા દિવસથી સુરભીના ઘરની બારીમાં એક દેવચકલી આવતી. એની ઝીણી ઝીણી આંખોથી એ સુરભીને નિહાળતી. સુરભી એને ટગર ટગર જોઈ રહેતી. થોડીક સેકન્ડમાં બેઉ જાણે ઘણી બધી વાતો કરી નાખતા. સુરભીના ઘરમાં એક ચક્કર લગાવીને દેવચકલી દૂર ઊડી જતી. સુરભી એના પુનઃ આગમનની રાહ જોતી. આજે ફરીથી દેવચકલી આવી. સુરભીએ એના માટે ફૂલદાનીમાં સજાવેલા તાજા ફૂલો પર જઈને બેઠી. ચાંચો મારી મારીને એ ફૂલો સાથે રમવા લાગી. સુરભી એની રોજબરોજની પ્રવૃત્તિમાં ખોવાઈ. ત્યાં તો એ દેવચકલી પાછી ઊડી ગઈ.
હવે સુરભીના પેટમાં અસંખ્ય પતંગિયા ફફડાટ મચાવી રહ્યા હતા. તારીખિયાના પાના હજી પ્રતીક્ષાનું બોર્ડ લટકાવી રહ્યા હતા. સુરભી સોનપરીના સ્વપ્નોમાં ખોવાતી. હવામાં લહેરાતા એના સોનેરી વાળને ગૂંથીને ચોટલીમાં તારલિયાની પિન ખોસતી ત્યારે પેલી સોનપરી સુરભીની સામે જોઈને મીઠું મીઠું હસતી. ડોરબેલ વાગતી ત્યારે એનું સ્વપ્નું દૂર ભાગી જતું પેલી દેવચકલીની માફક. દરવાજો ખોલીને સુરભી મોડા આવવા બદલ રાહુલ પર ગુસ્સો ઉતારતી. રાહુલ ચીડાતો. સુરભી રીસાતી.
એક વાર બજારમાંથી સુરભી નાનકડા બૂટ લઈ આવી. બૂટમાં બે આંગળાં ખોસીને એણે ચૂ ચૂ અવાજ ચેક કર્યો. એને ગમ્મત પડી ગઈ. ' નાનકડી પરી આ બૂટ પહેરશે તો કેવી મજા પડશે!' એ ફરીથી સપનાની દુનિયામાં ખોવાઈ.
"તું ગાંડી થઈ ગઈ છે કે શું? બાળક જન્મીને તરત થોડું આ બૂટ પહેરવાનું હતું? " રાહુલ બોલ્યો.
"હા, તો શું થઈ ગયું? હું આ બૂટ સાચવીને રાખીશ. જ્યારે એ એનું પહેલું ડગલું માંડશે ત્યારે આ બૂટ એને પહેરાવીશ. " સુરભીએ ઉત્સાહિત થઈને કહ્યું. સુરભીની બાલિશતાથી રાહુલ અકળાતો. બારીમાંથી દેવચકલીનું આવવું અને આખા ઘરમાં ઊડાઊડ કરવું એને ગમતું નહોતું. એ ઘરે હોય ત્યારે બારી બંધ જ રાખતો. ક્યારેક ગુલદસ્તાના ફૂલોને વિખેરી નાખતો. સુરભીને એનું કારણ સમજાતું નહોતું.
એક દિવસ સુરભી રૂટિન ચેકઅપ કરાવીને ઘરે આવી ત્યારે રાહુલ કોઈની જોડે હસી હસીને વાત કરી રહ્યો હતો. બહાર પડેલા સેન્ડલ પરથી સુરભીએ આવનાર સ્ત્રી રાહુલની સહકર્મી હોવાનું અનુમાન લગાવ્યું. સુરભી એને આવકારીને બેડરૂમમાં ગઈ ત્યારે બારી બંધ હતી અને ગુલદસ્તામાં તાજા ફૂલોની જગ્યાએ બનાવટી ફૂલોએ પોતાનો હક જમાવી દીધેલો. રૂમમાંથી લેડીસ પરફ્યુમની મહેક આવી રહી હતી. સુરભીએ પેલી સ્ત્રી સાથે હસ્તધૂનન કરેલો પોતાનો હાથ સૂંઘ્યો. એ જ મહેક... સુરભીની આંખે કુવિચારોનો અંધાપો આવ્યો. એને ચક્કર આવી ગયા. એ ક્યારે બેહોશ થઈ ગઈ એનો એને ખ્યાલ જ ન આવ્યો.
હોસ્પિટલના બિછાને પડેલી સુરભીએ આંખ ખોલી ત્યારે ડોક્ટર વિલાયેલા મોંઢે ' આઈ એમ સોરી ' ના નિષ્ઠુર શબ્દો કહી રહ્યા હતા. પેટમાં રહેલા પતંગિયા હવે સાવ શમી ગયેલા. સુરભી આહત પામીને સુનમુન થઈ ગઈ. સપનામાં આવતી સોનપરીને વિકરાળ રાક્ષસે કચડી નાખેલી. સુરભીની દુનિયા અર્થવિહીન થઈ ગઈ.
કબાટમાં સાચવેલા બૂટ સુરભી ભારે હૈયે દુકાનદારને પરત કરી આવી. ખુલ્લી બારીમાંથી દેવચકલી અંદર આવતા ડરી રહી હતી. છેવટે એક દિવસ સુરભીએ સૂટકેસ લઈને નવી વાટ પકડી ત્યારે બારીમાં દેવચકલીના સ્થાને કાગડો કા..કા.. નો કર્કશ અવાજ કરી રહ્યો હતો!
– અંકિતા સોની
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts. Stay connected with us for more Posts.🌸
Tags:
Stories
