સરપ્રાઈઝ
બારી પાસે વ્હીલચેરમાં બેઠેલી સુનિતા બહારની દુનિયાની ચહલપહલ નિહાળી રહી હતી. રસ્તે ચાલતાં અલકમલકના લોકોનાં અવનવાં વસ્ત્રપરિધાન..સાજસજ્જા..વગેરે જોવામાં એને થોડી રમૂજ ઉપજી રહી હતી. અમુક લોકોના પોશાકો પરથી એમની શાલીનતા ઝળકી રહી હતી તો અમુકના બિનજરૂરી મેકઅપના થપેડા બનાવટી શણગારની ચાડી ખાઈ રહ્યાં હતાં.સરપ્રાઈઝ (Surprise)
આજે દિવાળીનો દિવસ હતો. આખું બજાર રોશનીથી ઝગમગતું હતું. રોડની સાઈડ પર દીવડા, ફટાકડાં ,રંગોળી વગેરેના પાથરણા પથરાયેલા હતાં. ફરસાણ-મીઠાઈની દુકાનમાં તો જાણે રીતસરનો મેળો જામેલો હતો.
પોતાના પાંચમા માળના ફ્લેટની બારીમાંથી ઉત્સુકતાથી જોઈ રહેલી સુનિતાથી ઊંડો નિસાસો નંખાઈ ગયો. કાશ એ પણ દિવાળીની ખરીદીમાં શામેલ હોત તો..! કંઈક યાદ આવતાં એણે ડ્રેસિંગ ટેબલ તરફ વ્હીલચેર ગુમાવી અને પોતાના નિસ્તેજ ચહેરાને નીરખવા લાગી. ધ્રુજતા હાથે માથે બાંધેલું કપડું હટાવ્યું ને વાળની હાલત જોઈને રડું રડું થઈ ગઈ.
એટલામાં દરવાજો ખખડયો. સુનિતાએ ઝડપથી કપડું માથે ઢાંકયું. "મમ્મી, બસ હવે થોડો જ સમય..પછી બધું સારું થઈ જશે હોં..!" પરિસ્થિતિ પારખી ગયેલો દીકરો નીરજ ધરપત આપતાં બોલ્યો. સુનિતાએ મૌન રહી હકારમાં માથું હલાવ્યું.
માને જરૂરી દવાઓ આપીને બેડ પર સુવાડીને નીરજ બહાર નીકળ્યો પણ સુનિતાની આંખમાં હવે ઊંઘ ક્યાં? જીવનના કેટલા દિવસો બાકી છે એની ગણતરી કરી રહી હતી. કદાચ આ દિવાળી એની છેલ્લી..!
બ્લડ કેન્સર શબ્દ જેટલો ભયંકર લાગે છે એનાથી વધુ પીડાદાયક એની સારવાર સુનિતા ભોગવી રહી હતી. જિંદગીના પચાસ વર્ષ વીતી ગયા પણ જાણે કશું જીવી જ ન હોય એવું એને લાગી રહ્યું હતું. વારંવાર થતી કિમોથેરાપીમાં એ સાવ લેવાઈ ગઈ હતી. પોતાના લાંબા રેશમી વાળ એને બહુ ગમતા. આધુનિકતાના રંગે રંગાઈને વાળનું બલિદાન આપવું એને લગીરેય મંજુર નહોતું. કોટન સાડી પહેરતી ને કેશ ગુંફન કરતી ત્યારે આ ઉંમરે પણ એની સુંદરતા નવયુવતીને ટક્કર મારે એવી લાગતી. કોલેજમાં હતી ત્યારે કોઈ હીરોઈનથી કમ નહોતી લાગતી એ એને યાદ આવ્યું.
પતિ અને દીકરા સાથે મોજથી જીવન જીવનારીને કોણ જાણે ક્યાંથી આવી ભયાનક બીમારી આવી ગઈ એને સમજાતું જ નહોતું. લાસ્ટ સ્ટેજનું કેન્સરનું નિદાન..દવા અને દુઆ બધું કરીને થાકી ચુકેલો પરિવાર હવે કોઈ વિકલ્પ નથી એમ માનીને સુનિતાને ખુશ રાખવા મથતો.
સુનિતાના જન્મદિનને ખાસ બનાવવા હોલમાં ભેગા થયેલાં સગાસંબંધીઓ અને મિત્રો આજે દિવાળીના દિવસે એને સરપ્રાઈઝ બર્થડે પાર્ટી આપવાની તૈયારી કરી રહ્યાં હતાં. એક-બે સખીઓ રૂમમાં સુનિતાને મળવા આવી પણ ગાઢ ઊંઘમાં હોવાનું જણાતાં પાછી ફરી.
બધી તૈયારી થઈ જતાં થોડી વાર પછી દીકરા નીરજે આવીને એને ઊંઘમાંથી ઉઠાડવાનો પ્રયાસ કર્યો પણ સુનિતા ચાલી નીકળી હતી..હંમેશ માટે..બધાને સરપ્રાઈઝ આપીને..!
✨... અંકિતા સોની
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
.jpg)