વધેલું ભોજન - લઘુકથા

Related

"વધેલું ભોજન"

અમદાવાદના વ્યસ્ત સી.જી. રોડ પર આવેલી એક આલીશાન હોટલમાં અનિકેત અને તેના મિત્રો રવિવારની સાંજ માણી રહ્યા હતા. ટેબલ પર અવનવી વાનગીઓનો ખડકલો હતો અને વાતોના ગપાટા તેમજ હાસ્યના ફુવારા વચ્ચે ભોજન પૂરું થયું હતું.

વધેલું ભોજન - લઘુકથા
વધેલું ભોજન - લઘુકથા

બિલ ચૂકવીને જ્યારે બધા ઊભા થયા ત્યારે ટેબલ પર અડધાથી વધુ ભોજન એમ જ પડ્યું હતું. અનિકેતને આ જોઈને થોડો સંકોચ થયો, પણ "દોસ્તો શું વિચારશે?" એ ડરે તેણે તે સમયે કશું કહ્યું નહીં.

હોટલની બહાર નીકળતા જ એક એવું દ્રશ્ય સામે આવ્યું કે અનિકેત ત્યાં જ થંભી ગયો. હોટલના પાછળના ભાગે પડેલી કચરાપેટી પાસે એક નાનો છોકરો અને તેની વૃદ્ધ દાદી કંઈક શોધી રહ્યા હતા.

એ દ્રશ્ય અનિકેતને અંદરથી હચમચાવી ગયું અને તેને પેલા ટેબલ પર છોડેલા ભોજનનો ભારે પસ્તાવો થવા લાગ્યો.

બીજા દિવસે ઓફિસે જતી વખતે અનિકેતના મનમાં એ જ વિચારોનું મંથન ચાલતું હતું. તેણે મક્કમ નિર્ધાર કર્યો કે હવેથી તે ક્યારેય ભોજનનો બગાડ નહીં કરે. પરંતુ તેને વિચાર આવ્યો કે માત્ર પોતે સુધરવાથી શું વળશે? કંઈક એવું કરવું જોઈએ જેથી બીજા લોકોના મનમાં પણ જાગૃતિ આવે.

આ વિચારને અમલમાં મૂકવા અનિકેતે સુંદર અને આછા પીળા રંગના કાર્ડ છપાવ્યા. આ કાર્ડ પર મોટા અક્ષરે લખ્યું હતું કે,

"ધન્યવાદ! થાળીમાં અન્નનો એક પણ દાણો ન છોડવા બદલ. તમારી આ સમજદારી કોઈ ભૂખ્યાનું પેટ ભરી શકે છે."

હવે અનિકેત જ્યારે પણ કોઈ રેસ્ટોરન્ટમાં જતો, ત્યારે તે આસપાસના ટેબલ પર નજર રાખતો હતો. જે વ્યક્તિ પોતાની થાળી સાફ રાખતી અથવા વધેલું ભોજન પેક કરાવીને ઘરે લઈ જતી, અનિકેત હસીને તેની પાસે જતો અને પેલું પીળું કાર્ડ સન્માન સાથે ભેટ આપતો.

શરૂઆતમાં લોકો તેને અચરજથી જોતા અને કોઈને તે "માર્કેટિંગ ગતકડું" લાગતું તો કોઈ મજાક પણ ઉડાવતા, પણ અનિકેત પોતાના માર્ગે અડગ રહ્યો.

એક દિવસ એક જાણીતી હોટલમાં અનિકેત એક પરિવાર પાસે પહોંચ્યો જેણે ઘણું ભોજન મંગાવ્યું હતું પણ ખાધું ઓછું હતું. અનિકેત ત્યાં ગયો અને નમ્રતાથી પૂછ્યું કે, "સાહેબ, આ વધેલું ભોજન તમે પેક કરાવી લેશો? બહાર ફૂટપાથ પર ઘણા એવા બાળકો છે જેમને આજે કદાચ કંઈ જ જમવા નથી મળ્યું."

પેલા ભાઈ પહેલા તો ગુસ્સે થયા અને અનિકેત પર તાડૂક્યા કે, "તમે કોણ અમને શીખવાડવા વાળા?! અમે આ ભોજનના પૂરા પૈસા આપ્યા છે." અનિકેતે તેમને એકદમ શાંતિથી પૂરી વાત સમજાવી અને છેલ્લે કહ્યું કે, "સાહેબ, પૈસા આપણા છે પણ સંસાધનો તો આ આખી સૃષ્ટિના છે ને? આ અન્ન ઉગાડવા પાછળ ખેડૂતનો પરસેવો અને પ્રકૃતિની શક્તિ જોડાયેલી છે."

અનિકેતની આ વાત સાંભળી પેલા ભાઈ એકદમ નિશબ્દ થઈ ગયા. તેમને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે તરત જ વેઈટરને બોલાવી ભોજન પેક કરાવ્યું. અનિકેતે તેમને હસીને "સજાગ નાગરિક"નું કાર્ડ આપ્યું અને તેમની સમજદારીની કદર કરી.

એક સાંજે અનિકેત પાર્કમાં બેઠો હતો ત્યારે તેની મુલાકાત વિવેકભાઈ સાથે થઈ જેઓ એક નિવૃત્ત પુરવઠા અધિકારી હતા. અનિકેતની આ પ્રવૃત્તિ વિશે જાણી તેમણે કહ્યું કે, "બેટા, તારું આ કામ નાનું લાગે છે પણ તેની અસર ખૂબ મોટી છે. તારા નિસ્વાર્થ કાર્ય બદલ મને ખૂબ આનંદ થયો !!

વિવેકભાઈએ નમ્રભાવે તેની કદર સાથે અભિનંદન આપ્યા અને વીતેલા દિવસોની યાદ તાજી કરતા કહ્યું કે, "વર્ષો પહેલા મારી આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. એક વાર હું ખૂબ ભૂખ્યો હતો અને ખિસ્સામાં એક રૂપિયો પણ નહોતો. હું એક લારી પાસે ઊભો હતો જ્યાં એક નાનો છોકરો પોતાની પ્લેટમાં વધેલી પૂરીઓ કચરામાં ફેંકવા જતો હતો."

"ત્યાં જ એક મજૂર માણસે તેનો હાથ પકડ્યો અને કહ્યું કે, 'બેટા, આ ફેંકીશ નહીં, આ મારા જેવા કોઈ નસીબદારની એક ટંકની રોટલી છે.' એ મજૂરે એ વધેલું ભોજન પ્રેમથી ખાધું અને એ છોકરાને આશીર્વાદ આપ્યા !!

તે દિવસની ઘટના મારા મનમાં એક ઊંડી છાપ છોડી ગઈ કે જે આપણે ફેંકી દઈએ છીએ, તે કોઈકની જિંદગીની સૌથી મોટી જરૂરિયાત હોઈ શકે છે. જો કે મારી વ્યસ્તતાને કારણે આ દિશામાં કોઈ કામ કરી શક્યો નથી! પણ, આજે તને આ કરતો જોઈ મને ખરેખર આનંદ થાય છે !!

વિવેકભાઈની વાત સાંભળી અનિકેતના આંખો ભીની થઈ ગઈ. તેને આજે અહેસાસ થયો કે સમાજમાં પરિવર્તન લાવવા માટે મોટા ભાષણોની જરૂર નથી, પણ આવા નાના અને સંવેદનશીલ પ્રયાસો પૂરતા છે. અનિકેત હવે માત્ર કાર્ડ જ નહોતો આપતો, પણ તેણે એક "ફૂડ બેંક"ની પણ શરૂઆત કરી.

જ્યાં પણ કોઈ પ્રસંગ કે પાર્ટીમાં ભોજન વધતું, અનિકેત અને તેના સ્વયંસેવકો ત્યાં પહોંચી જતા અને એ ભોજન જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડતા.

એક દિવસ અનિકેતને એક કવર મળ્યું જેમાં તેની જ ડિઝાઇનનું પીળું કાર્ડ હતું અને પાછળ કોઈએ આભાર વ્યક્ત કરતા ખાસ સંદેશ લખ્યો હતો.

પત્રમાં લખ્યું હતું કે, "અનિકેતભાઈ, તમારા એક કાર્ડને કારણે મેં મારી હોટલમાં 'હાફ પ્લેટ'ની સુવિધા શરૂ કરી છે જેથી લોકો જરૂર મુજબ જ મંગાવે અને અન્નનો બગાડ ન થાય. મને સાચો રસ્તો બતાવવા બદલ ખરેખર હું આપનો આભારી છું." અનિકેતને લાગ્યું કે તેનું મિશન હવે ખરા અર્થમાં સફળ થઈ રહ્યું છે.

આજે અનિકેત આ લડતમાં એકલો નહોતો, હજારો લોકો તેની આ મુહિમમાં હૃદયપૂર્વક જોડાયા હતા. રેસ્ટોરન્ટના ટેબલ પર હવે માત્ર વાનગીઓ જ નહીં, પણ એકબીજા પ્રત્યેનો આદર અને અન્ન પ્રત્યેની પૂજ્ય ભાવના પણ પીરસાતી હતી.

એક નાનો ફેરફાર પણ ..
સમાજમાં કેવું મોટું "પરિવર્તન" લાવી શકે છે તેનું આ વાત, એક જીવંત ઉદાહરણ બની ગઈ હતી."

©હરેકૃષ્ણ" ….✍️ (28 એપ્રિલ 2026)

___________
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ વધુ વાંચન માટે નવલકથાઓ વાંચવી ગમતી હોય તો આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."