ભેળપૂરી ..! - લઘુકથા

Related

ભેળપૂરી ..!

સાંજ ઢળે એટલે અમદાવાદના એક વ્યસ્ત રસ્તાના ખૂણે એક લારી અચૂક ઊભી રહી જતી. ચારેતરફની ભાગદોડ વચ્ચે કાંતિકાકાની લારી જાણે સૌનો થાક ઉતારવાનું સરનામું હતી!

ભેળપૂરી - લઘુકથા
ભેળપૂરી - લઘુકથા

લારીના પાટિયા પર લખેલું— "કાંતિકાકાની ભેળપૂરી!" અહીં આવતા લોકો ભેળના સ્વાદ કરતાં કાકાના આત્મીય સ્વભાવથી વધુ બંધાયેલા હતા.

"કાકા, મસાલો જરા ઓછો રાખજો હોં!" કોઈ ગ્રાહક કહે, એટલે કાકા સહેજ મલકાઈને જવાબ વાળે, "અરે તમારા માટે તો રોજ જેવો જ હોય ને!"

કોઈ કહે "કાકા આજે પૈસા નથી!" તો પ્રેમથી કહી દે "કોઈ વાંધો નહી બેટા કાલે આપી દેજો" છોકરાઓ પ્રત્યે કાંતિ કાકાનો અંદાજ કઈક અલગ લેવલનો જ હતો!!

આ જ ભીડમાં એક દસેક વર્ષનો છોકરો રોજ આંટા મારે. નામ એનું વિહાન. મેલાં કપડાં અને પગમાં ભાગ્યે જ ક્યારેક ચંપલ જોવા મળે!

એ બિચારો ખાવા નહોતો આવતો, પણ આસપાસ પડેલા કાગળો ને પ્લાસ્ટિકની બોટલો વીણીને પસ્તીવાળાને આપી આવતો. કાંતિકાકા તેને જોતા ખરા, પણ તેને કંઈ પૂછીને સંકોચમાં નાખવા નહોતા માગતા!

એક સાંજે એ છોકરો લારી પાસે આવીને ઊભો રહ્યો. હાથમાં દસ રૂપિયાનો સિક્કો ધરીને ધીમેથી બોલ્યો, "કાકા... દસ રૂપિયાની ભેળ મળશે?!"

કાંતિકાકાએ તેની સામે જોયું અને હસીને બોલ્યા, "અરે ગાંડા, દસ રૂપિયામાં તો હવે ખાલી સેવ જ આવે!" એમ કહીને કાકાએ એક ડીશમાં પૂરી, સેવ અને ચટણી ભેળવીને તેની સામે ધરી દીધી.

વિહાને નવાઈથી પૂછ્યું, "કાકા, મેં તો દસ રૂપિયાની જ માગી હતી!"

કાકાએ વહાલથી કહ્યું, "આ ભેળ તારા દસ રૂપિયાની નથી હોં ભઈ... આ તો તારી મહેનતની છે! તું રોજ મારી લારી આસપાસ સફાઈ કરે છે ને?!"

વિહાન કંઈ બોલી ન શક્યો, પણ એની આંખોમાં એક અનોખી ચમક આવી ગઈ!! આજે વિહાનને ભેળ નહી પણ કાકાના વાત્સલ્ય ભાવનો સ્વાદ ચાખવા મળ્યો હતો!

એ પછી તો વિહાન રોજ આવવા લાગ્યો. કાંતિકાકા તેને ક્યારેય પૈસાનું ન પૂછતા, બસ ચૂપચાપ એક પ્લેટ તેની સામે મૂકી દેતા!

થોડા દિવસોમાં કાકાને વાતોવાતોમાં જાણવા મળ્યું કે વિહાનના પિતા બીમાર હતા. દવાના ખર્ચા અને ઘરની ગરીબી વચ્ચે ઘણીવાર એ ઘરમાં ચૂલો મોડો સળગતો.

એક દિવસ વિહાન લારી પર ન દેખાયો, બીજે દિવસે પણ ન આવ્યો. કાકાએ તપાસ કરાવી તો ખબર પડી કે તેના પિતાની તબિયત બગડી છે અને દવા માટે પૈસા નથી!!

કાંતિકાકાએ એ સાંજે લારી વહેલી વધાવી લીધી અને સીધા હોસ્પિટલ પહોંચ્યા. વિહાને તેમને જોઈને અચંબાથી પૂછ્યું, "કાકા, તમે અહીં?!"

કાકાએ તેના માથે હાથ મૂક્યો, "અરે તું અહીં આટલી તકલીફમાં હોય, ને હું ત્યાં લારીએ ઊભો ઊભો કમાયા કરું? એવું તે કંઈ થતું હશે!" ડૉક્ટરે કહેલો બધો જ ખર્ચ કાકાએ પોતાના ખિસ્સામાંથી ભરી દીધો.

વિહાનની મા રડતાં રડતાં બોલી, "ભાઈ, આ પૈસા હું કેવી રીતે પાછા આપીશ?" કાકાએ શાંતિથી કહ્યું, "તમે બિલકુલ ચિંતા ના કરો બહેન! મારે આ પૈસા ક્યારેય પાછા નથી જોઈતા!!"

"જ્યારે તમારો વિહાન મોટો થઈને કમાતો થાય ને, ત્યારે એને કહેજો કે કોઈ બીજા જરૂરિયાતમંદને મદદ કરે!! બસ, મારું દેવું ત્યારે ચૂકવાઈ જશે."

વર્ષો વીતતા ગયા. કાંતિકાકા હવે વૃદ્ધ થઈ ગયા હતા અને હાથ પણ ધ્રૂજતા, છતાં એ જ ખૂણે તેમની લારી રોજ ઊભી રહેતી.

એક સાંજે એક મોટી કાર લારી પાસે આવીને ઊભી રહી! અંદરથી એક યુવાન નીચે ઊતર્યો અને સીધો કાકા પાસે આવ્યો.

"કાકા, મને ઓળખ્યો?!" યુવાને પૂછ્યું. કાંતિકાકાએ આંખો ઝીણી કરીને જોયું, પણ ચહેરો ઓળખાયો નહીં.

યુવાન હસ્યો, "દસ રૂપિયાની ભેળપૂરી મળશે?" આ શબ્દો સાંભળતાં જ કાકાને જાણે એ જૂનો અવાજ યાદ આવી ગયો, "અરે! વિહાન…!"

યુવાન તરત જ કાકાને પગે લાગ્યો અને કહ્યું, "હવે એ કચરો વીણતો વિહાન નથી! તમારો વિહાન હવે ડોકટર બની ગયો છે કાકા... ડૉક્ટર વિહાન!!"

કાકાની આંખો ભીની થઈ ગઈ. વિહાને કહ્યું, "તમે કહ્યું હતું ને કે મોટો થઈને કોઈ બીજા વિહાનને મદદ કરજે! એ વાત હું ભૂલ્યો નથી હો કાકા."

વિહાને આગળ કહ્યું, "હવે હું ગરીબ બાળકો માટે મફત દવાખાનું શરૂ કરી રહ્યો છું. અને એની પહેલી ઈંટ તમારા હાથે મુકાવવી છે કાકા!!"

કાકા કંઈ બોલી શક્યા નહીં, માત્ર ડબડબતી આંખે એના માથા પર હાથ મૂક્યો. થોડી વાર પછી વિહાને પાંચસોની નોટ કાઢીને કહ્યું, "કાકા, રડો નહીં હવે હું આવી ગયો છું ને!? ચાલો આજે પાંચસોની ભેળ ખવડાવી દો!"

કાંતિકાકાએ નોટ પાછી ધકેલતાં કહ્યું, "ભેળના તો દસ જ રહેશે બેટા! બાકીના પૈસા કોઈ બીજા વિહાનની દવા પાછળ વાપરજે કારણકે સારા કામનું ઋણ માત્ર પૈસાથી નહીં, પણ કોઈ બીજાના જીવનમાં મદદ કરીને જ ચૂકવાય છે!!"

કાંતિકાકાએ ભેળ તૈયાર કરી. એ દિવસે ખવાયેલી ભેળનો સ્વાદ બંને માટે કંઈક અલગ જ લેવલનો હતો! અને કાંતિકાકા ઉપર આભ સામું જોઈ પ્રભુનો આભાર વ્યકત કરી રહ્યા હતા!! ..(ગુજરાત ન્યુઝલાઈન કેનેડાથી પ્રસિદ્ધ થયેલ લઘુકથા)

■ હરેકૃષ્ણ જાની 
©આ વાર્તાના તમામ રાઇટ્સ લેખકના છે.

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

3 Comments

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■