ઉત્કૃષ્ટ ભાવના
સમયની અદ્રશ્ય નદી ક્યારે કોને કયા કિનારે લઈ જાય, તે કળવું માનવી માટે હંમેશાં અશક્ય રહ્યું છે. સિહોરના વતની અને હાલ મુંબઈમાં વસતા શ્રી 'તેજસભાઈ અને શ્રીમતી ચૈતાલીબેન શાહ'ના આંગણે ખીલેલું એક નાજુક ફૂલ એટલે એમની દીકરી 'હેત્વી'!ઉત્કૃષ્ટ ભાવના - સત્ય ઘટના
માત્ર બે વર્ષની કુમળી વયે મલાડની બાળકોની હોસ્પિટલમાં હેત્વીને મગજની ગાંઠ જેવા ભયાનક રોગનું નિદાન થયું. આ સાંભળતા જ માતા-પિતાના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ!
ત્યારબાદ, હિન્દુજા હોસ્પિટલમાં તેની પહેલી શસ્ત્રક્રિયા થઈ અને ત્યાંથી તેને સીધી એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓન્કોલોજી(સોમૈયા હોસ્પિટલ)માં ખસેડવામાં આવી, જ્યાં જાણીતા ડૉક્ટર પૂર્ણા કુરકુરેના સઘન માર્ગદર્શન હેઠળ તેની કેમોથેરેપીની સારવાર શરૂ થઈ. આ સારવાર સતત સાડા ત્રણથી ચાર વર્ષ સુધી કોન્સ્ટન્ટ (વિરામ વગર) ચાલી હતી.
ત્યારબાદ, બોમ્બે હોસ્પિટલમાં હેત્વીની બીજી મોટી શસ્ત્રક્રિયા કરવામાં આવી. ઓપરેશન બાદ, ડૉક્ટર પૂર્ણા કુરકુરેની અથાક મહેનતથી આંતરરાષ્ટ્રીય દવા બનાવતી કંપની 'નોવાર્ટીસ' (Novartis) દ્વારા હેત્વી માટે વિશેષ સારવારની ત્રીસ-ત્રીસ લાખ રૂપિયાની કિંમત ધરાવતી અત્યંત મોંઘી દવાઓ બે વાર તદ્દન મફત મોકલવામાં આવી અને તેની આગળની સારવાર શરૂ કરવામાં આવી.
ત્યારબાદ, હેત્વીને ખાસ પ્રોટોન થેરેપી માટે મદ્રાસ (ચેન્નઈ)ના એપોલો સેન્ટરમાં લઈ જવાનો નિર્ણય લેવાયો. જેમાં માત્ર આ થેરેપીનો અંદાજિત ખર્ચ પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયા હતો અને તેની બે શસ્ત્રક્રિયાના બીજા બાર લાખ રૂપિયા ઉમેરાતાં, ત્યાં સારવારનો કુલ ખર્ચ પિસ્તાલીસથી પચાસ લાખ રૂપિયાથી પણ ઉપર પહોંચી ગયો હતો!
આમ, હિન્દુજા, સોમૈયા, બોમ્બે હોસ્પિટલ, એપોલો અને SRCC મળીને હેત્વીએ કુલ પાંચ થી છ મોટી શસ્ત્રક્રિયાઓ અને અસંખ્ય નાની-મોટી તકલીફોનો અત્યંત ધીરજપૂર્વક સામનો કર્યો હતો.
માત્ર બે વર્ષ અને દસ મહિનાની નાની ઉંમરથી જ હેત્વીની આંખો પર ગંભીર અસર પહોંચી હતી. પરંતુ કેમોથેરેપીની સારવાર આપ્યા બાદ તેની ડાબી આંખમાં ધીરે-ધીરે થોડીક દૃષ્ટિ પાછી આવી હતી અને ત્યારબાદ પણ તે નેવું ટકા દિવ્યાંગ ગણાય તેટલી જ આંશિક દૃષ્ટિ તેની પાસે રહી હતી!
જે ઉંમરે બાળકો બગીચામાં દોડાદોડી કરતા હોય, એ ઉંમરે હેત્વી હોસ્પિટલની બંધ દિવાલો અને કડવી દવાઓ વચ્ચે જીવતી હતી. છતાં, તેના ચહેરા પર ક્યારેય બીમારીની નિરાશા જોવા ન મળી!
આટલી મોટી દૃષ્ટિહીનતા અને તકલીફો વચ્ચે પણ હેત્વીની સ્મરણશક્તિ અદ્ભુત હતી! દાદીમા, મમ્મી અને પોતાના ધાર્મિક શિક્ષિકા બહેનોના મુખેથી સાંભળેલા ધાર્મિક સૂત્રો અને સ્તુતિઓ તે માત્ર સાંભળી-સાંભળીને જ આત્મસાત કરી લેતી હતી. આ અદ્ભુત સ્મરણશક્તિના જોરે જ તે બાળમંદિરમાં બીજા ક્રમાંકે અને પહેલા ધોરણમાં ધાર્મિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવી હતી! તેના મુખેથી વહેતો ભક્તિભાવ સાંભળીને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જતા.
દીકરીને સાજી કરવા માટે પરિવારે કોઈ જ કસર છોડી ન હતી. તેજસભાઈ અને ચૈતાલીબેન તથા સમગ્ર પરિવાર માટે આ સમય જાણે અગ્નિપરીક્ષા સમાન હતો. પોતાની વહાલસોયી દીકરીને પીડામાં જોવી, એ દુનિયાની કોઈપણ ભૌતિક સંપત્તિ ગુમાવવા કરતાં વધુ કષ્ટદાયક હોય છે! રોજની મોંઘી દવાઓ અને મોંઘી સારવાર બારે મહિના ચાલી રહી હતી.
આ કપરા સમયે પરિવારે સૌપ્રથમવાર સામાજિક સંસ્થાઓનો સંપર્ક કર્યો. 'શ્રી સિહોર ઘોઘારી વિશા શ્રીમાળી જૈન ફાઉન્ડેશન' અને 'શ્રી સિહોર જૈન મિત્ર મંડળ-મુંબઈ' સહિત અન્ય દાતાઓએ મુક્ત મને આર્થિક સહયોગની સરવાણી વહાવી.
પરંતુ, વિધિની વક્રતા તો જુઓ! બે વર્ષની વયથી શરૂ થયેલો આ સંગ્રામ બાર વર્ષ સુધી ચાલ્યો અને આખરે ચોથી માર્ચ ૨૦૨૫ના રોજ હેત્વીએ આ નશ્વર દેહ છોડી દીધો! એક તેજસ્વી તારલો અદ્રશ્ય થઈ ગયો!
જ્યારે હેત્વીની વિદાય થઈ, ત્યારે ઘરમાં ખાલીપો છવાઈ ગયો હતો. પરંતુ આ પ્રસંગનું સાચું મૂલ્ય તો હેત્વીની વિદાય પછી જોવા મળ્યું. પરિવારના મોભી શ્રી અશોકભાઈ કપૂરચંદ શાહની હૃદયની ભાવના અત્યંત ઉમદા હતી.
તેમણે વિચાર્યું કે, "જે સમાજ અને દાતાઓએ મારા પરિવારના કઠિન સમયમાં સાથ આપ્યો હતો, તેમના પૈસા એ માત્ર આર્થિક મદદ ન હતી, પણ એમના આશીર્વાદ હતા! હવે જ્યારે હેત્વી આપણી વચ્ચે નથી, ત્યારે એ પવિત્ર ઋણ માથે રાખીને જીવવું યોગ્ય નથી." તેમણે નિર્ણય લીધો કે, "કપરા કાળમાં જેણે મદદ કરી છે, તે સૌનું ઋણ ચૂકવવું જ રહ્યું."
તેમણે ઋણમુક્તિની શરૂઆત હેત્વીની સ્કૂલમાંથી કરી અને બાકી રહેલી ફી ભરપાઈ કરી. ત્યારબાદ ઉપરોક્ત વતનની જે સંસ્થાઓએ છ લાખ ત્રણ હજાર રૂપિયાની સહાય કરી હતી, તેમને છ લાખ એકવીસ હજાર રૂપિયા અર્પણ કર્યા!
એ જ રીતે, 'ઘોઘારી સમાજ-મુંબઈ' તરફથી મળેલા એક લાખ રૂપિયાના સહયોગ સામે એક લાખ આઠ હજાર રૂપિયા પરત કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરી. અન્ય સહયોગીઓને પણ તેઓ આ જ રીતે રકમ પરત કરી રહ્યા છે...
આજના સ્વાર્થી યુગમાં જ્યાં લોકો લીધેલા નાણાં પાછા આપવાનું ટાળતા હોય છે, ત્યારે શોકમાં ગરકાવ હોવા છતાં, સામે ચાલીને અને એ પણ વધુ રકમ ઉમેરીને ઋણ ચૂકવવાની આ ઘટના ખરેખર વંદનીય છે! સંકટ સમયે મદદ લેવી એ લાચારી હોઈ શકે, પણ સમય આવ્યે એ ઋણ સસન્માન પરત કરવું એ એક 'ઉચ્ચ સંસ્કાર' છે.
હેત્વી ભલે આજે ભૌતિક સ્વરૂપે હાજર નથી, પરંતુ તેના નિમિત્તે શ્રી અશોકભાઈ શાહ-મલાડ અને તેમના પરિવારે જે 'ઉત્કૃષ્ટ ભાવના' અને સંસ્કારની સુવાસ ફેલાવી છે, તે સમગ્ર સમાજ માટે માત્ર એક ઉદાહરણ જ નહીં, પણ એક દીવાદાંડી સમાન બની રહેશે!
આટલા શુદ્ધ ભાવ સાથે ઋણ ચૂકવીને અશોકભાઈ માત્ર પોતે જ નથી ઉજળાયા, પરંતુ હેત્વીના નિમિત્તે સમાજ સમક્ષ પ્રમાણિકતા અને ખુમારીનું એવું ઉત્કૃષ્ટ ઉદાહરણ મૂકી ગયા છે, જે આવનારી પેઢીઓ માટે પણ કાયમ પ્રેરણાદાયક બની રહેશે!
©હરેકૃષ્ણ જાની.. @વૉટ્સએપ કોન્ટેક્ટ: 7878222218 (કથાબીજ આપનાર: વિજયભાઈ સંઘવી, બોરીવલી - મુંબઈ)
તા. ૩૦/૦૯/૨૦૨૬
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
