પાણીઢોળ
“બાના કબાટમાંથી આ બે બંગડી નીકળી છે, આ બે કાપ પણ છે કાનના, અને વીસ હજાર રૂપિયા પણ નીકળ્યાં છે, બીજું કઈ નથી!! આ તમારી સામે જ બાની આ જૂની સુટકેશ ખોલી છે, બોલો હવે તમે ત્રણેય ભાઈઓ નક્કી કરી લો કે કઈ રીતે વહેંચણી કરવી છે.” ગામના અને શેરીના મોભી ઓધા આતા એ બધી વસ્તુઓ ગાદલા ઉપર મૂકી.
પાણીઢોળ
બાર દિવસ પહેલાં જ કાશીમાંનું અવસાન થયું હતું. આજે તેમનું બારમું એટલે કે પાણી ઢોળની વિધિ સવારે પૂરી થઇ હતી. પાણીઢોળ પત્યું કે ના પત્યું કે તરત જ મોટાની વહુ બોલી હવે તો બા પણ જતાં રહ્યા છે અને વારે ઘડીએ અમને ગામડામાં આવવું ના ફાવે એટલે બધું વહેંચી લેવું છે. જેવી આ વાત થઇ કે વચલાની વહુ પણ બોલી હા વાત તો સાચી બધા નોખા રેને તો ભાન પડે કે કેમ જીવાય છે. નાનો અને એની વહુ તો બિચારા ક્યારેય બોલ્યાં જ નહોતા એટલે એ મૂંગા રહ્યા. અને ઓધા આતા ને થયું કે આ બેય મોટા સાલા સાવ ઓટીવાળ પાણી ઢોળ પત્યું નથી કે તરત પાણી ફેરવવા તૈયાર થઇ ગયાં છે!!!
એટલે જયારે સહુથી નાનો ભૂરો એને કહેવા આવ્યોને કે ઓધા દાદા સાંજે બધું વહેંચી લેવું છે ને તે તમે આવજોને ભાગ પાડવા મોટા બે ય ને ઉતાવળ છે ને એને માંડ માંડ રજા મળી છે!! છોકરાનું ભણતર બગડેને!! ભૂરો આવ્યો એટલે ઓધા આતા એને ના ન પાડી શક્યા બાકી મોટો આવ્યો હોતને તો લંગરાવી નાંખવો હતો આખા પાણીઢોળ કે કારજમાં માં બેય મોટા ખુરશી પર થી ઉભા જ નહોતા થયા અને એક સળી ના બે કટકા નહોતા કર્યા, અને એની વહુઓ પણ એવી જ પટક પટક કરતી આ રૂમ માંથી ઓલ્યા રૂમમાં ભટક્યા જ કરતી હતી. બધું કામ આ ભૂરા અને અને એની વહુ મંજુ એ કર્યું અને એને કારણે જ આખું ગામ ખડે પગે હતું!! બાકી વાતમાં માલ નહિ..!! કે કોઈ મોટા ને ઘરે કામ કરવા જાય!!
શિવા આતા તો પાંચ વરસ પહેલાં સ્વધામ વહ્યા ગયાં હતાં. બાકી જીવતાં હતાં ત્યારે બળતરા ખુબ કરેલી. ઓધા આતા ને શિવા આતા બેય પાકા ભાઈબંધ. મરતા પહેલાં શિવા આતાને કંઇક ગંધ આવી ગયેલી એટલે સિવિલ હોસ્પિટલના ના ખાટલે એણે કીધેલું ત્રણેય છોકરાને બોલાવીને અને એ વખતે ઓધા આતા પણ હાજર.
“જુઓ હું ત્રણ મહીનાનાથી બીમાર છું. આ ભૂરા અને ભૂરાની વહુએ મારી ખુબ સેવા કરી છે. તમને બેય ને ભણાવ્યા ને તમારે બેય ને નોકરી પણ છે તમને ટાઈમ કે રજા ના હોય એ સ્વાભાવિક છે. એમ આ ભૂરો ભણ્યો ઓછું એની વાહે મારે ખર્ચોય ઓછો થયો છે. એટલે નાટ ધારે જે પાંચ વીઘાનું પડતર છે એ મારે ભૂરા ને એકલું આપવું છે. એમાં તમારો કોઈનોય ભાગ નહિ. બાકી ૬૦ વીઘા વાડી છે ને એ હું અને ડોશી ગયાં પછી તમે ભાગ પાડી લેજો. તો હું સાજો થાવ એટલે નાટધાર વાળું પડતર ભુરાને ને નામે કરતો જઈશ અને ૬૦ વીઘાની વાડી ડોશીના નામે.. ડોશી કાઈ હમણા જાય એમ નથી.”
શિવા આતા નો સ્વભાવ રોનકી.. ગમે એ પરિસ્થિતિમાં એ હસતાં હોય!! એક વખત એણે ઓધા આતાને કીધેલું કે,
“ હે ઓધા આ કાંઇક એક્ષચેન્જ ઓફર આવે છે ને એવું કાંઇક દીકરા માટે નીકળે તો કેજે. મારે બે મોટા દીકરા બદલાવવા છે ભલે ને એક જ મળે પણ નાના જેવો હોય તો હા આપણે ઉપરીયામણ પણ આપીશું” વાત સાંભળીને ઓધા આતા ખુબ હસેલા.
મને કમને બેય મોટા એ હા પાડેલી ને તે નાટ ધાર વાળી પાંચ વીઘા જમીન ભૂરાના નામે થઇ ગયેલી. ને પછી તો શિવા આતા પાછા બીમાર પડેલા પણ મોટા બેય ખબર કાઢવા પણ નહિ આવેલા સગા સબંધી પૂછે તો કહેતા.
“સેવા તો નાના એ કરવાની જ છે ને પાંચ વીઘા જમીન બાપની સેવા કરવા માટે જ આપેલી છે. પછી શિવા આતા ગુજરી ગયાં એની પાછળ બધી ક્રિયા કરી પણ બધો જ ખર્ચો ભુરાનો. મોટો મગન કે એનાથી નાનો દેવચંદે પૂછેલું પણ નહિ કે ભાઈ ભૂરા પૈસાની જરૂર હોય તો કહેજે નહીતર બાપતો બધાનો હતો ને એ ક્યાં ભુરાનો એકનો સુવાંગ હતો!! પણ તોય ભૂરો અને મંજુ બિચારા તનતોડ મહેનત કર્યે જાય અને વહેવાર સાચવતા જાય.
પછી કાશીમાએ બધો વહેવાર હાથમાં લઇ લીધેલો ભુરાને બે છોકરા અને એક છોકરી અને કાશીમાં આમ છ જણા નિરાંતે રહે!!! ગામડામાં ખેતી ની જે આવક આવે એમાંથી ગાડું ગબડાવ્યા કરે. શિવા આતા પાછાં થયા ને કારજ પત્યું કે તરત જ જમીનના ભાગ પાડવાની વાત આવેલી પણ કાશીમાં એ ના પાડેલી.
“હું જીવતી છું ત્યાં લગણ જમીન ના ભાગ નહિ જ આ અમારી કમાણીની છે. તમે બને એ અમદાવાદ અને વડોદરામાં મોટા મકાન બનાવ્યા છે પણ ક્યારેય સાચે ખોટે કીધું છે કે બા આવો પાંચ પંદર દી અમારે ઘર, નહિ ને તો પછી મારા મર્યા પછી જમીન સરખે ભાગે વહેંચી લેજો. બાકી જીવતી છું ત્યાં સુધી ફદિયુંય નહિ મળે!! તમને બેય ને શરમ આવવી જોઈએ કે આ નાના ને ત્રણ છોકરા છે એને મદદ કરવી જોઈએ. બાકી તમને બેય ને ભણાવવા માટે જેટલો ખર્ચો તમારાં આતા એ કર્યો એટલો જો અમે વ્યાજે આપ્યા હોતને તો બંગલા હોત બંગલા અમારે!!” કાશીમાં બહું જ ઓછું બોલે પણ જ્યારે બોલવા માંડે ને ત્યારે પછી કોઈના નહિ.
પણ મોટા બેય માન્યા નહિ ને પછી એવું નક્કી થયું કે વીસ વીસ વીઘાના ત્રણ ભાગ પાડવાના પણ જમીન વાવે તો નાનો જ!! જ્યાં સુધી કાશીમાં જીવે ત્યાં લગી થોડાં પૈસા દર વરસે બેય મોટા ને આપી દેવાના!!
આવી રીતે ગાડું ચાલતું હતું. એમાં એક વરસથી કાશીમાં કુવાના રસ્તે પડી ગયેલાં ને ગોળાનું ઓપરેશન કરાવ્યું ને પછી થોડાં થોડાં બીમાર હતાં તે સ્વધામ પામ્યાં ને એનું કારજ આજ પતી ગયું ને જમીન માટે ભૂરાયા થયેલા બેય ભાઈ ઓ હવે ભાગ પાડવા થનગની રહ્યા હતાં. એમને તો વીસ વીસ વીઘાના કટકા દેખાતા હતાં. જયારે કાશીમાના અવસાનના સમાચાર સાંભળ્યા ને ત્યારે મગને ગામમાં એક જણને પૂછી પણ લીધેલું કે જમીન ના શા ભાવ હાલે છે..?? અને જયારે એને સાંભળ્યું કે વીઘાના અઢી લાખ તો રમતા રમતા આવે એટલે એતો ગેલમાં આવી જ ગયેલો.!! એને તો પચાસ લાખ જ દેખાતા હતાં!! માંડ માંડ એ બાર દિવસ કાઢી શક્યો અને જેવું પાણીઢોળ પૂરું થયું કે તરત જ સાંજે ગોઠવાઈ ગયાં ભાગ પાડવા !!
એવામાં ગામના નગર શેઠ અને સોની મહાજન પણ આવ્યા. ગામમાં આ બને ની આબરૂ સારી અને ડાયું વરણ ગણાય. બધાયને એની પર ભરોસો એટલે ગામમાં જેટલા જેટલા નોખા થાય કે ભાગ પાડે આ બેય ને તો બોલાવે જ!! નગર શેઠનું નામ દીપચંદ પણ બધાં એને દીપો જ કહે અને મહાજનનું નામ બટુકભાઈ અને શરુ થઇ ભાગ બટાઈ.
“ જો આ બેય બંગડી અને કાપ ઉપર દીકરીનો હક કહેવાય એટલે એ બેય બહેનોને જાય તમે બને વહેંચી લો”
જેવું મહાજને શરુ કર્યું કે મગન ની વહુ મીના બોલી. “એને કયા તાણ ગુડાણી છે, વાર તહેવારે આવી આવી ને વાસણ કૂચણ લઇ જાય છે ને હવે કાપ અને બંગડી પણ નથી મુકવી?.”
સીમા સૌથી મોટી જે શિક્ષિકા હતી એ બોલી. “ભાભી અમે માંગ્યુંય નથી અને અમારે જોતું ય નથી આતો બાની છેલ્લી યાદી છે આ ઘરમાં એટલે અહિયાં આવી છું. અને એય મારા નાના ભાઈ ને ઘરે આવી છું. અમે તો એમ જ માનીએ છીએ કે અમારે તો એક જ ભાઈ છે. બાકી તમારે ઘરે અમે ડોકાઈએ પણ નહિ તમારે ગમે એટલું સારું હોય, બટુકભાઈ એમ કરો બેય બંગડી અને બેય કાપ મીનાભાભી અને રંજનભાભી બેય ને આપી દો. અને આ વીસ હજાર રૂપિયા મંજુ ભાભી ને આપી દો. કારજમાં જે ખર્ચ થયો હશે એ માટે એને કામ લાગશે. બાકી આ બેય મોટા તો કાઈ નથી આપવાના એ મનેય ખબર છે અને તમનેય ખબર છે.. હમણા ખીસામાંથી એટીમ કાઢીને બતાવશે કે પૈસા સાથે તો ના હોય ને ગામડામાં એટીએમ મશીન હોય ત્યાંથી લઇ આવીએ.. આતા ગયાં ત્યારેય આવી રીતે જ રોન કાઢીતી બેય ભાઈઓએ” સીમાની સાથે આશા એ પણ સુર પુરાવ્યો.
આશાનો પતિ બેંકમાં હતો અને સારું કમાતો હતો અને આશા ઘરે ટ્યુશન કરાવતી હતી. સીમા અને સીમાનો પતિ બંને શિક્ષક હતાં. ઘરેણાનું પતિ ગયું. એટલે આશા બોલી.
“ હવે બાના જુના સાડલા છે અને આ બજરની ડાબલી છે એ કોને જોઈએ છે?” સીમા એ જેવું કીધું કે બેય ભાઈઓ અને બેય બાઈઓ નીચે જોઈ ગયાં, બીજા ચાર પાંચ જણા અને મહાજન ને નગરશેઠ પણ મૂછમાં હસ્યાં.
“હવે જમીનના ભાગ પાડો એટલે વાત પૂરી થાય આમેય ઊંઘ આવે છે” મગન બોલ્યો દેવચંદે સુર પુરાવ્યો.
અને ઓધા આતા બોલ્યાં. “હા બરાબર છે બિચારા બેય ભાઈઓ આવ્યાં ત્યારના કામ કરી કરીને એવાં તૂટી ગયાં છે એટલે થાક તો લાગે જ ને?” કોઈ કશું બોલ્યું નહિ.
દીપચંદે પોતાની થેલી કાઢી અને ચોપડો કાઢ્યો અને કીધું. “પાણીઢોળનું આ બિલ સમજી લઈએ. આમાં તારીખ વાર બધું જ લખેલું છે અને કઈ વસ્તુ કોણ લઇ ગયું છે એ પણ લખેલું છે, કૂલ બ્યાશી હજાર સાતસોને વીસ રૂપિયા છે, પણ એસી હજાર આપો તોય ચાલશે” કોઈ કશું ના બોલ્યું પછી દેવચંદ બોલ્યો. “ બા રહેતાં હતાં ભૂરા ભેગા અને જમીન પણ ભૂરો જ વાવતો હતો ને એટલે એ બિલ ભૂરો ચૂકવી દેશે”
“બરાબર છે” ભૂરો બોલ્યો.
“ પણ દીપા દાદા ઘરમાં પૈસા નથી અત્યારે પણ તમારા પૈસા દિવાળીએ દુધે ધોઈને આપી દેશું મુંજાતા નહિ દીપાદાદા” ભૂરાની વહુ મંજુ બોલી. મંજુ ખુબ જ ઓછું બોલતી અને જે ઓછું બોલે એ લગભગ ભગવાનની નજીક જ હોય.
“વાંધો નહિ બહેન તમ તમારે પણ આતો તમારા જેઠ કાઈ આપે તો તમને રાહત રેને પણ એની પાસે તો એટીએમ હશે ને અને ગામમાં ક્યાં એટીએમનું મશીન છે?.” દીપચંદ બોલ્યો કે તરત જ મહાજન બોલ્યાં.
“ જુઓ આ દસ્તાવેજ કાશીમાં ઉપર ઘણું લેણું હતું, એટલે વરસ દિવસ પહેલાં તમારી સાઈઠ વીઘા જે વાડી હતીને એ મને એણે વેચી નાંખેલી છે આ તો મને ખેતી આવડે નહિ એટલે ભૂરો ભલે વાવે. તમે આ દસ્તાવેજ જોઈ લ્યો. કાશીમાં ગાયકવાડ સ્ટેટના એટલે એને સહી કરતાં પણ આવડે ને તમને એની સહી ઓળખતાં પણ આવડે ને તો લ્યો આ દસ્તાવેજ જોઈ લ્યો ત્રણેય ભાઈઓ!! એટલે તમને જે પેટમાં દુખે છે એ બંધ થઇ જાય ને.. જમીનનું ભૂત તમારા મગજમાંથી ઉતરી જાય. તમને ખોટું લાગતું હોય તો કાલે મંત્રી ને બોલાવીને પૂછી જુઓ તાલુકામાં જવું હોય તો ત્યાં પણ જઈ આવીએ. અને સાક્ષી તરીકે આ ઓધા આતા છે અને દીપચંદ શેઠ પણ છે જ્યારે કાશીમાએ જમીન વેંચીને ત્યારે એ બેય સાથે જ હતાં સાક્ષી તરીકે !!” સોપો પડી ગયો સોપો!! બેય ભાયું અને બાયુંના મોઢા કાળા મેંશ જેવા થઇ ગયાં!! ગરીબ ગાય જેવા મોઢા થઇ ગયાં હતાં.
“પણ બાએ અમને પૂછ્યું પણ નહિ” દેવચંદ માંડ માંડ આટલું બોલી શક્યો જ્યારે મગન તો દસ્તાવેજ જ જોતો હતો.. સહી તો અસલ જ હતી..
“ પૂછે ક્યાંથી મારી પાસેથી અને બટુક પાસેથી શિવા આતા નો દવાખાનાનો ખર્ચ કાશીમાં લઇ જતાં હતાં. શિવા આતાના કારજ વખતે પણ કોઈ એ કાઈ બંધવ્યુ હતું?? અને જમીનમાં તો શું પાકતું હતું?? છેલ્લાં બે વરસ તો સાવ મોળા જ ગયાં. ને ભૂરો અને મંજુ કેટલું કમાઈ શકે? વળી ગામમાં વેવાર મોટો ને એટલે આતા વ્યાજે લઈને પણ બધાને મદદ કરે એને એમ કે જરૂર પડે મોટા પાસેથી લઇ લઈશું પણ તમે જીંદગીમાં પાંચ રૂપરડી પણ બાપાને ના પરખાવી તો પછી જમીન જ વેચેને કરે શું બીજું ?..અને કાશીમાં ના વેચે અને એ જતાં રહે તો આ બધું કરજ કોણ ભૂરો ભરે? ને તમે તો તમારો ભાગ લઈને જતાં રહો ને જેમ આજે લઈને જાવ છો! એટલે કાશી ડોશી એ જમીન જ વેંચી નાંખી.
અને આ કરજ આજ કાલનું નથી તમને બેયને ભણાવ્યા તમને ત્રણેયને પરણાવ્યા આ બેય બેનું ને પરણાવી એમાં પૈસા ક્યાંથી કાઢ્યા હશે એવો વિચાર તમને ના આવ્યો.?? બાપા પાસે કાઈ હતું જ નહિ એટલે જ એણે નાટ્ધાર વાળી જમીન ભુરાને ખાતે કરી દીધી હતી મરતા પહેલાં. અને પછી કાશીમાને લાગ્યું કે હવે કોઈ કાળે નેવાના પાણી મોભે નહિ ચડે એટલે બિચારાએ રડતા રડતા જમીન વેચીને બધું કરજ ભરી દીધું છે!! બિચારા કાશીમાં અને શિવા આતા બેય જણા જિંદગીભર રળ્યા તમને બધાને ઘરે બારે કર્યા. ને પછી માથેથી કરજ ઉતારીને એ એનાં રસ્તે ગયાં.
હવે તમે ત્રણેય નોંખા થઇ ગયાં. આ એંશી હજાર છે એ ભૂરો આપી દેશે બીજું શું,? હું તો એમ કહું છું કે તમારી પણ ફરજ છે કે ફૂલ નહિ તો ફૂલની પાંદડી ભાઈને મદદ કરો. એ એકલો બિચારો તૂટી જાશે” નગરશેઠ દીપચંદે વાત પૂરી કરી.
મંજુએ ચા બનાવી બધાયે પીધી. અને પછી રાતે ને રાતે મોટા એ ફોર વ્હીલું કાઢી ને રાતે જ ઉપડી ગયાં..મગન ગયો અમદાવાદ અને દેવચંદ ગયો વડોદરે!! આમેય છોકરાનું શિક્ષણ બગડેને એટલે રાતોરાત જતો રહ્યો. બીજે દિવસે બે બહેનો પણ ગઈ બેય બહેનોના પતિએ વીસ વીસ હજાર કાઢ્યા પણ મંજુ એ ના પાડી અને બોલી.
“દીકરીયું પાસેથી ના લેવાય તમે આવતાં રહેજો એ જ ઘણું છે. એંશી હજાર તો રળતા મળી જાશે!! દાડિયું કરી ખાશું આશાબેન પણ તમારાં પૈસા અમારે ના લેવાય અમારે તો તમને આપવું જોઈએ એમ કહીને બેય ભાણીયા ના હાથમાં પરાણે સો સો રૂપિયા આપ્યા. ભીની આંખે બેય બહેનો અને એનાં પતિદેવો નીકળ્યાં..
બીજા દિવસે રાતે પાછી ભૂરાની ડેલી ખખડી. ભૂરાએ ડેલી ઉઘાડી તો મહાજન, નગર શેઠ અને ઓધા આતા હતાં. ભૂરાએ આવકારો આપ્યો અને ખાટલા ઢાળ્યા. મંજુ ચા લઈને આવી અને લાજ કાઢીને બોલી..
“દીપા દાદા તમારા પૈસા છે ને અમે આપી દઈશું મુંજાતા નહિ હૈયે ધરવ રાખજો.. આ સાંભળીને ઓધા આતા, મહાજન , અને નગરશેઠ હસી પડ્યા!! ભૂરા અને મંજુ ને નવાઈ લાગી.
છેવટે ઓધા આતા બોલ્યાં. “ભૂરા તારી વહુને કહે એ બેસે અને જુઓ આ રાત જેવું ધાબુ છે અને કાશી ડોશીના તમને સોગંદ છે જો આ વાત તમે બીજા કોઈને કરી છે તો તમારી ઉપર કોઈ જ લેણું નથી કારજ નો ખર્ચો બાદ કરતાં આ અઢી લાખ તમને આપવાં આવ્યો છું જે કાશીમાં મારી પાસે મૂકી ગ્યાતા” બધાં સડક થઇ ગયાં. ભૂરો અને મંજુ તો માનવા જ તૈયાર નહોતા.
મહાજન બટુકભાઈ બોલ્યાં.. “ ભૂરા કાશીમાને એક ચિંતા હતી કે તે એમની માટે જિંદગી ખર્ચી નાંખી અને તારા મોટાભાઈ બેય કરગઠીયા છે એ તારી માટે કશું વધવા નહિ દે એટલે એણે અમને ત્રણેય ને બોલાવી ને જમીન મારા ખાતે કરાવી અને પછી કાશીમાએ કીધું કે મારા મર્યા પછી તમે ત્રણેય ભાઈનું વર્તન જોજો. જે મારા પાણીઢોળનો ખર્ચો આપવાં તૈયાર થાય એને ખાતે આ જમીન કરવી. અને કાશીમાં એ જમીન મારા ખાતે કરી ત્યારે મેં પૂછ્યું કે ભુરાને તમે વાત કરી ત્યારે કાશીમાં બોલ્યો ભૂરો અને એની વહુ મંજુ તો આવું કરવાજ ના દે. બિચારા સાવ સાચકલા ભગવાનના માણસ છે.
પણ એને કહેજો કે હવે ભલાઈના જમાનાની એક આખી પેઢી ખતમ થઇ રહી છે એટલે એને તમે સમજાવી દેશો. કાલે જ આપણે જઈ ને આ જમીન તારા ખાતે કરવાની છે માટે ભૂરા હવે મોજ કર. કાલે તારી નાટ ધાર વાળી જમીનની ચોપડી લઇ લેજે અને, રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ લઇ લેજે.. બાકી એક વાત પાકી ભૂરા કાશીમાં જેવી હોંશિયાર ડોશી મેં જીંદગીમાં ક્યારેય જોઈ નથી. એને અગાઉથી અંતરસ્ફૂરણા થઇ જ ગઈ હોવી જોઈએ બાકી આવા વિચાર બીજાને ના આવે
બધાએ ફરી વાર ચા પીધી. અને મંજુ બોલી. “મારી બા કહેતા હતાં કે તમે ખરા દિલથી કામ કરોને તો ભગવાનને તમારી સામું જોવું જ પડે”
આકાશમાં ચાંદો બરાબરનો ખીલ્યો હતો અને એ ચાંદામા ભુરાને કાશીમાનું મુખ દેખાણું!! કાશીમાનું સાચું પાણીઢોળ આજે થયું હતું,!!
■ મુકેશ સોજીત્રા
મુ. ઢસા ગામ તા. ગઢડા જિ.બોટાદ ૩૬૪૭૩૦
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
