વલ્લકી નવલકથા (Vallaki Novel Part-43)

Related

વલ્લકી પ્રકરણ 43

અભિમન્યુએ પ્રતીકને માહીની સાચી ઓળખાણ વલ્લકી તરીકે આપી અને પોતાની સગાઈ પણ થઈ ગઈ છે એવી વાત કરી એટલે પ્રતીક ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયો. અભિમન્યુની બધી જ વાત સાચી હતી એટલે એમાં શંકા કરવાનું કોઈ કારણ જ ન હતું. પરંતુ પોતે માહીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને એણે પણ સગાઈ કરી દીધી હતી. હવે શું નિર્ણય લેવો ?

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

" આ તો મોટી સમસ્યા થઈ ગઈ છે અભિમન્યુ. મારી પણ એની સાથે પંદર દિવસ પહેલાં જ સગાઈ થઈ ગઈ છે. હવે પરિસ્થિતિ એવી છે કે માહી તો તમને કોઈને ઓળખતી પણ નથી. અત્યારે એ મારા પ્રેમમાં છે ! અઢી મહિનાથી મારા ઘરમાં એટલી બધી ભળી ગઈ છે કે મારાં મમ્મી પપ્પાએ પણ એને વહુ તરીકે સ્વીકારી લીધી છે. હવે માહીને સાચી વાત કરવી જ પડશે અને નિર્ણય એના ઉપર જ છોડવો પડશે." પ્રતીક બોલ્યો.

જો કે અભિમન્યુને પ્રતિકની આ વાત યોગ્ય ન લાગી. માત્ર અઢી મહિનાના સમયમાં પ્રતીક સગાઈ કેવી રીતે કરી શકે ? છ મહિના સુધી રાહ તો જોવી જ જોઈએ ને ! હવે વલ્લકી ઉપર નિર્ણય છોડવામાં આવે તો એ તો પ્રતીકને જ પસંદ કરે ! છતાં હવે બીજો કોઈ રસ્તો પણ ન હતો. લગ્ન માટે વલ્લકી ઉપર જબરદસ્તી થોડી કરી શકાય ? વલ્લકી ઉપર રૅપ થયેલો છે એ વાત પણ પ્રતીકને કરી શકાય એમ નથી કારણ કે એમાં પ્રતાપ અંકલનું નામ ખરાબ થાય.

" તમારી વાત સાચી છે પ્રતીક. હવે નિર્ણય તો વલ્લકી ઉપર જ છોડવો પડશે. એને સામે બેસાડીને બધો ભૂતકાળ યાદ કરાવવો પડશે. એના માટે મેં શું શું કર્યું છે એ બધું જ એ ભૂલી ગઈ છે." અભિમન્યુ બોલ્યો.

" માહીને આપણે અહીં બોલાવીએ એ પહેલાં મારે મારાં મમ્મી પપ્પાને પણ વાત કરવી પડશે. એમના માટે આ સમાચાર ખૂબ જ આઘાતજનક છે. પરંતુ જે વાસ્તવિકતા છે એ સૌએ સ્વીકારવી જ પડશે." પ્રતીક બોલ્યો અને મમ્મી પપ્પાના બેડરૂમમાં ગયો.

" પપ્પા એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. આપણે માહી માટે મુંબઈ સમાચારમાં જે જાહેરાત આપી હતી એ માહીના પરિવારે ગઈ કાલે જ વાંચી અને માહીની મમ્મી તથા જેની સાથે એનું લગ્ન થવાનું હતું એ યુવાન પણ આપણા ઘરે આવેલા છે. માહી નું સાચું નામ વલ્લકી છે. એ લોકો માહીને લેવા માટે આવ્યા છે. હવે મેં તો એની સાથે સગાઈ પણ કરી દીધી છે. " પ્રતીક નિરાશ વદને બોલ્યો.

" જો બેટા. દરેકનું પ્રારબ્ધ પહેલેથી જ લખાયેલું હોય છે. માહી આપણા ઘરની વહુ બનશે કે પછી પેલા યુવાન સાથે એનાં લગ્ન થશે એ ઈશ્વરે પહેલેથી જ નક્કી કરેલું હોય છે. ઠાકોરજીની જેવી મરજી હશે એ પ્રમાણે થશે. આપણે નિર્ણય માહી ઉપર છોડી દેવો જોઈએ. એ પુખ્ત ઉંમરની છે એટલે પોતાનો નિર્ણય એ પોતે જ લઈ શકે છે. " ઝવેરીલાલ બોલ્યા.

" અરે પણ આપણે બે વાર જાહેરાત આપી છતાં અઢી મહિના સુધી એક પણ વાર એમણે વાંચી નહીં ? હવે પ્રતીક સાથે સગાઈ થઈ ગયા પછી આજે અચાનક એ લોકો એને લેવા માટે આવી ગયા ? " વંદનાબેન થોડા આક્રોશથી બોલ્યાં.

" જ્યારે પણ સમાચાર મળે ત્યારે મા તો પોતાની લાડકી દીકરીને લેવા દોડી જ આવે ને ! અઢી મહિનાથી પોતાની યુવાન દીકરી ગુમ થઈ ગઈ હોય એ માની હાલત કેવી થઈ હશે એ એક મા તરીકે તું પણ સારી રીતે સમજી શકે છે વંદના. ગુસ્સો કરવાનો કોઈ મતલબ જ નથી." ઝવેરીલાલ બોલ્યા.

" મમ્મી પપ્પા તમે પણ ડ્રોઈંગ રૂમમાં આવો. આપણા બધાંની હાજરીમાં જ માહી સાથે ચર્ચા કરવી પડશે." પ્રતીક બોલ્યો અને એ માહીને લઈને ડ્રોઈંગ રૂમમાં આવ્યો.

એક સોફામાં મમ્મી પપ્પા અને માહી બેઠાં તો એલ શેપના બીજા સોફામાં શાલીની અભિમન્યુ અને પ્રતીક બેઠાં.

અભિમન્યુએ એ વાતની નોંધ લીધી કે ઝવેરીલાલ શેઠનો ભૂતકાળ ભવ્ય હશે. ખૂબ જ જાજરમાન અને પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું એમનું ! એમની ઑરા પણ ઘણી પાવરફુલ લાગતી હતી.

" પપ્પા તમને આમની ઓળખાણ કરાવું. આ શાલિનીબેન છે અને આ અભિમન્યુ છે. " પ્રતીક બોલ્યો.

ત્રણેએ સામસામે એકબીજાને નમસ્કાર કર્યા.

" માહી તને તો ખબર જ છે કે તારો બાંદ્રા લિંક રોડ ઉપર અકસ્માત થયો હતો અને હું તને લીલાવતી હોસ્પિટલ લઈ ગયો હતો. અકસ્માત થયો ત્યારે તું પીઠી ચોળેલી અવસ્થામાં હતી અને તારા હાથમાં તાજી મહેંદી પણ હતી. તું બેહોશ થઈ ગઈ હતી અને તારા મગજમાં ઈજા થઈ હોવાથી તારી યાદદાસ્ત ચાલી ગઈ હતી. આજે આ લોકોને જોઈને પણ તને કંઈ યાદ નથી આવતું ? " પ્રતીક માહી સામે જોઈને બોલી રહ્યો હતો.

" આ જે મહેમાનો તારી સામે બેઠા છે એ તને ઘરે લઈ જવા આવ્યા છે. તું એમને ઓળખે છે ? આ તારી મમ્મી છે. એમનું નામ શાલિની છે. એ કહે છે કે તારું સાચું નામ વલ્લકી છે. હવે તને કંઈ યાદ આવે છે ?" પ્રતીકે પહેલો પ્રશ્ન એની મમ્મી વિશે પૂછ્યો.

" ના મને કંઈ જ યાદ આવતું નથી. મને એમની કોઈ જ ઓળખાણ પડતી નથી. હું એમને પહેલીવાર જ મળી રહી છું. " માહી બોલી.

ન્યુરો સાયન્સ અને બાયોલોજીકલ સિસ્ટમ એવું કહે છે કે મા અને દીકરીનું જો એક જ લોહી હોય, એક જ ડીએનએ હોય એટલે કે દીકરીએ જે તે માતાની કુખેથી જન્મ લીધો હોય તો યાદદાસ્ત જતી રહી હોય તો પણ ગર્ભના સંસ્કારો અંદરથી જવાબ આપી દે છે અને દીકરી સગી માને તરત ઓળખી જાય છે પરંતુ શાલિની એની સગી માતા ન હતી પરંતુ પાલક માતા હતી એટલે માહીને કોઈ જ ઓળખાણ ના પડી.

" આ મારી બાજુમાં બેઠા છે એમનું નામ અભિમન્યુ પાઠક છે. એમની સાથે તારી સગાઈ થઈ હતી અને જે દિવસે તારો અકસ્માત થયો એના બીજા દિવસે તારાં લગ્ન એમની સાથે થવાનાં હતાં. તું એમને ખૂબ જ પ્રેમ કરતી હતી એવું એમનું કહેવું છે. શું તને અભિમન્યુ યાદ આવે છે ?" પ્રતીકે બીજો સવાલ કર્યો.

" ના હું એમને ઓળખતી નથી. અને કદાચ એ જે કહે છે તે સાચું હોય તો પણ હવે એ સંબંધો પૂરા થઈ ગયા છે. એ મારા માટે બિલકુલ અજાણ્યા છે. અત્યારે મને એમના તરફ કોઈ જ લાગણી કે આકર્ષણ નથી. સગાઈ તૂટી પણ શકે છે. હું અત્યારે તમને જ પ્રેમ કરું છું અને તમારી સાથે જ લગ્ન કરવા માગું છું." માહીએ પોતાનો સ્પષ્ટ જવાબ આપી દીધો.

આખા ડ્રોઈંગ રૂમમાં સોપો પડી ગયો. અભિમન્યુના ચહેરા ઉપર નિરાશા અને હતાશાના ભાવો લેપાઈ ગયા. શાલિનીને વલ્લકીના જવાબોથી ખૂબ જ આઘાત લાગ્યો હતો. લાડકોડથી મોટી કરેલી પોતાની દીકરી આજે ઓળખવાની પણ ના પાડતી હતી. જો કે પ્રતીકે સરસ રીતે પ્રશ્નો પૂછીને ખૂબ જ પ્રમાણિકપણે કોશિશ કરી હતી.

"અભિમન્યુ તમારું દુઃખ હું સમજી શકું છું પણ મેં મારી રીતે પૂરી કોશિશ કરી છે. માહી પુખ્ત વયની છે એટલે એ પોતાના નિર્ણયો જાતે લઈ શકે એમ છે. એણે જો તમને ઓળખી લીધા હોત અને તમારી સાથે લગ્ન કરવા માટે એણે હા પાડી હોત તો ખુશી ખુશી હું આજે છાતી ઉપર પથ્થર મૂકીને એને વિદાય કરી દેવાનો હતો. મમ્મી પપ્પાની પણ તૈયારી હતી પરંતુ હવે હું લાચાર છું. " પ્રતીક બોલ્યો.

" તમારો કોઈ દોષ હું જોતો નથી પ્રતીક. તમે ખરેખર નિખાલસપણે વલ્લકીને સવાલો પૂછ્યા છે. આઈ એપ્રેસિયેટ ! હવે અમારી ઈચ્છા છે કે એક વાર વલ્લકી એની મમ્મીના ઘરે આવે અને જ્યાં નાનપણથી મોટી થઈ છે એ ઘરમાં પગ મૂક્યા પછી કદાચ એનાં સંસ્મરણો જાગી જાય. બસ એ એક જ રસ્તો બાકી રહ્યો છે !" અભિમન્યુ બોલ્યો.

" મને કોઈ જ વાંધો નથી અભિમન્યુ. પરંતુ મારી શરત એક જ છે કે હું જાતે માહીને લઈને તમારા એડ્રેસ ઉપર આવીશ. એને એકલીને હું નહીં મોકલું. કારણ કે વલ્લકી પણ તમને ઓળખતી નથી અને મારા માટે પણ તમે અજાણ્યા છો. તમે જે પણ કહ્યું છે તે સાચું જ છે છતાં જમાનો ખરાબ છે. મારી વાત તમે સમજી શકો છો." પ્રતીક બોલ્યો.

" જી બિલકુલ. તમે લઈને આવશો તો પણ અમને કોઈ પ્રોબ્લેમ નથી. તમને ક્યારે ફાવશે એ કહી દો એટલે એ વખતે હું પણ વલ્લકીના ઘરે હાજર રહું." અભિમન્યુ બોલ્યો.

" મને તો આવતા રવિવારે જ ફાવે. ચાલુ દિવસમાં મને ન ફાવે. અમે બંને ઘરેથી જમીને જ નીકળીશું એટલે લગભગ દોઢ બે વાગે કાંદીવલી પહોંચી જઈશું. અને ભવિષ્યમાં તમે મને જમાઈ તરીકે સ્વીકારશો તો અમે બંને સાથે તમારા ઘરે જમવા પણ આવીશું." પ્રતીક શાલિની સામે જોઈ હસીને બોલ્યો.

અભિમન્યુને આ છેલ્લો જવાબ ન ગમ્યો. પરંતુ અત્યારે એ મજબૂર હતો. જ્યારે વલ્લકી જ પોતાની નથી રહી ત્યારે બીજા કોઈને શું દોષ દેવો !

" ઠીક છે તો પછી રવિવારે અમે તમારી રાહ જોઈશું. તમારા નંબર ઉપર હું એડ્રેસ અને લોકેશન મોકલી આપું છું. " અભિમન્યુ બોલ્યો અને ઉભો થયો. શાલિની પણ ઊભી થઈ.

બહાર નીકળતી વખતે શાલિનીનું માતૃત્વ આંસુ બનીને આંખોથી ટપકી રહ્યું હતું. પોતાની લાડલી દીકરી એને ઓળખવાની જ ના પાડતી હતી !

" મમ્મી તમે રડશો નહીં. વલ્લકીનાં લગ્ન મારી સાથે જ થવાનાં છે એવું મને મારા ગુરુજીએ કહ્યું છે. હજુ કદાચ આપણો સમય થોડો ખરાબ ચાલી રહ્યો છે." ગાડીમાં બેઠા પછી અભિમન્યુ બોલ્યો.

" મારી દીકરીએ જ મને ઓળખવાની ના પાડી દીધી. બીજા કોઈને શું દોષ દેવો ? " શાલિની રડમસ અવાજે બોલી.

" એમાં વલ્લકીનો કોઈ દોષ નથી મમ્મી. એની યાદદાસ્ત સંપૂર્ણપણે ચાલી ગઈ છે. અકસ્માત પહેલાંની કોઈપણ વાત એને યાદ નથી. આ જાણે કે એનો નવો જન્મ જ છે. એને બધું યાદ આવે તો જ મને અને તમને ઓળખી શકે. નહીં તો પછી જે બને છે તે આપણે દિલ ઉપર પથ્થર રાખીને જોયા કરવાનું. " અભિમન્યુ નિઃસાસો નાખીને બોલ્યો.

" આપણે બધા પૂરાવા આપીને વલ્લકીનો કબજો લેવા માટે પ્રતીક ઉપર કોર્ટ કેસ ના કરી શકીએ ? " થોડીવાર પછી શાલિની બોલી.

" મમ્મી વલ્લકી હવે ૨૬ વર્ષની થઈ ચૂકી છે. કોર્ટમાં એની મરજી જ પૂછવામાં આવે. જે જવાબ એણે આજે આપણને આપ્યો એ જ જવાબ એ કોર્ટમાં આપશે. જજમેન્ટ પ્રતીકના પક્ષમાં જ આવશે. ઉપરથી એની સાથેના આપણા સંબંધો બગડશે. એટલે એ પગલું ભરાય નહીં અને પ્રતીક તથા એનું ફેમિલી પણ સંસ્કારી છે એટલે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. " અભિમન્યુ બોલ્યો.

ઘરે પહોંચી ગયા પછી અભિમન્યુએ ધરમશીભાઈ તથા રાજેશને પણ સમાચાર આપી દીધા. બધા માટે આ સમાચાર આઘાતજનક હતા. ફોન કરીને એણે પ્રતાપ અંકલને પણ જાણ કરી.

" શું વાત કરે છે બેટા !! વલ્લકીએ એની મમ્મીને ઓળખવાની પણ ના પાડી દીધી ? " કાનાણી શેઠ આશ્ચર્યથી બોલ્યા.

" હા અંકલ. વલ્લકી પોતાના ભૂતકાળને સંપૂર્ણપણે ભૂલી ગઈ છે. એની તો ૧૫ દિવસ પહેલાં ડૉ. પ્રતીક શેઠ સાથે સગાઈ પણ થઈ ગઈ છે અને વલ્લકી એની સાથે જ લગ્ન કરવા માંગે છે. પ્રતીક શેઠ પોતે કાર્ડિયોલોજિસ્ટ છે અને સુખી ઘરનો છે. વલ્લકીનું નામ એણે માહી રાખ્યું છે. " અભિમન્યુએ વિગતવાર વાત કરી.

" અરે પણ એવું કઈ રીતે ચાલે ? અઢી મહિનામાં સગાઈ પણ થઈ ગઈ ? તું કહેતો હોય તો હું જાતે જઈને એક વાર મળી આવું. " કાનાણી બોલ્યા.

" કોઈ મતલબ નથી અંકલ. અમે ઘણી કોશિશ કરી. વલ્લકીને કંઈ જ યાદ નથી. હવે આવતા રવિવારે બપોરે દોઢ વાગે પ્રતીક વલ્લકીને લઈને રાજેશ પપ્પાના ઘરે કાંદીવલી આવવાનો છે. એ વખતે તમે પણ આવી જજો. જોઈએ હવે પોતાના ઘરે આવીને એને કંઈ યાદ આવે છે કે નહીં ! " અભિમન્યુ બોલ્યો અને ફોન કટ કર્યો.

અઠવાડિયાનો સમય આમ જ પસાર થઈ ગયો અને રવિવાર આવી ગયો. બરાબર પોણા બે વાગે ડૉ. પ્રતીક શેઠ માહીને એટલે કે વલ્લકીને લઈને આવી ગયો. વલ્લકી આવી ત્યારે પ્રતાપ કાનાણી, તરલાબેન, કુસુમબેન અને અભિમન્યુ બધા જ હાજર હતા.

" વેલકમ ડોક્ટર. મકાન શોધવામાં કંઈ તકલીફ તો નથી પડી ને ? " અભિમન્યુએ ઉભા થઈને હાથ મિલાવ્યા.

" ના ના. લોકેશન હતું એટલે તરત મળી ગયું. " પ્રતીક બોલ્યો.

શાલિનીએ બંનેને સોફા ઉપર બેસવા ઇશારો કર્યો.

"વલ્લી બેટા આ જ ઘરમાં તું નાનેથી મોટી થઈ છે. આ તારી મમ્મી શાલિની છે. આ તારા પપ્પા રાજેશ છે. આ તારા પ્રતાપ ફુવા છે. હું ધરમશી તારા દાદા થાઉં. તું અમને બધાને ભૂલી ગઈ બેટા ?" ધરમશીભાઈ ગળગળા થઈને બોલ્યા.

" તમને સૌને હું દિલથી પ્રણામ કરું છું. તમે આટલું બધું કહો છો તો હું સાચું જ માની લઉં છું. પરંતુ ખરેખર મને કંઈ જ યાદ આવતું નથી. આ ઘરમાં પણ હું જાણે પહેલી વાર જ આવતી હોઉં એવો અનુભવ મને થાય છે. " વલ્લકી બોલી.

વલ્લકીનો જવાબ સાંભળીને સૌના ચહેરા ફિક્કા પડી ગયા. આગળ હવે શું બોલવું તે જ સમજ પડતી ન હતી.

" મારી સાથે તારા બેડરૂમમાં આવ બેટા. " છેવટે શાલિની બોલી.

વલ્લકી ઊભી થઈ અને શાલિની સાથે પોતાના બેડરૂમમાં ગઈ.

" જો આ તારો બેડરૂમ જોઈ લે. તું આખો દિવસ તારા આ બેડરૂમમાં જ પસાર કરતી હતી. આ કબાટમાં તારાં વસાવેલાં પુસ્તકો છે. તને વાંચવાનો બહુ જ શોખ હતો. અને જો સામે દિવાલ ઉપર તારો પોતાનો જ ફોટો જોઈ લે. એક વર્ષ પહેલાંનો છે. તું જાતે જ મઢાવી આવી હતી. " શાલિની બોલી.

વલ્લકી પોતાના ફોટા સામે ધારીને જોઈ રહી. એને અંદરથી થયું પણ ખરું કે ખરેખર આ મારું ઘર હોવું જોઈએ અને મારું નામ વલ્લકી જ હશે પરંતુ અંદરથી કોઈ ફિલિંગ આવતી ન હતી. માહી અસમંજસ માં પડી ગઈ.

" જો બેટા તારી યાદદાસ્ત ચાલી ગઈ એટલે મા દીકરીના સંબંધો પૂરા થઈ જતા નથી. તું મારી દીકરી છે અને રહેવાની છે. ભલે અત્યારે તું મને ના ઓળખતી હોય. આ ઘર તારું જ છે અને તારે અહીં આવતા જતા રહેવાનું જ છે. અભિમન્યુ સાથે તારી સગાઈ પણ થઈ હતી અને અકસ્માતના બીજા દિવસે તારા લગ્ન પણ હતા. જો આ રહી કંકોત્રી ! " શાલીની બોલી અને ટેબલ ઉપર રાખેલી કંકોત્રી વલ્લકીના હાથમાં આપી.

માહીએ આખી કંકોત્રી વાંચી લીધી. અત્યારે એ એક વિચિત્ર માનસિક અવસ્થામાંથી પસાર થઈ રહી હતી. સામે પોતાની મા ઉભી હતી છતાં એ ઓળખી શકતી જ ન હતી. મમ્મીનું સંબોધન કરતાં પણ એને સંકોચ થતો હતો. છતાં અંદરથી એને એમ થતું હતું કે કદાચ સામે ઊભેલી સ્ત્રી એની મમ્મી જ હશે !!

પરંતુ મોટામાં મોટો પ્રોબ્લેમ એ હતો કે પોતે પ્રતીકને ચાહવા લાગી હતી અને છેલ્લા અઢી મહિનામાં પ્રતીકે એની ખૂબ જ કાળજી લીધી હતી અને પ્રેમ પણ કર્યો હતો. એના પરિવારે પણ એને વહુ તરીકે સ્વીકારી લીધી હતી. એ હવે કોઈનું દિલ તોડવા માગતી ન હતી.

" આન્ટી મને માફ કરજો પરંતુ હજુ મમ્મી કહેવા માટે મારી જીભ ઊપડતી નથી. મને તમારી વાતમાં કોઈ જ શંકા નથી. તમે જે કહ્યું તે સો ટકા સાચું જ છે. સામે મારો જ ફોટો છે એ પણ હું સમજી શકું છું. છતાં અંદરથી તમારા તરફ મને કોઈ લાગણી પેદા થતી નથી. મગજમાંથી બધા જ સંબંધો ભૂંસાઈ ગયા છે. ભવિષ્યમાં તમને હું મમ્મી કહેવા માટે કોશિશ જરૂર કરીશ." વલ્લકી બોલી.

"કંઈ વાંધો નહીં બેટા. જેવી પ્રભુની મરજી. આજે મમ્મી શબ્દ સાંભળવા મારા કાન સવારથી તરસતા હતા. પણ હું તને કોઈ જ દબાણ કરતી નથી. આપણી લેણદેણ કદાચ પૂરી થઈ ગઈ હશે ! " શાલિની બોલી અને એનું હૈયું ભરાઈ આવ્યું. રડવાનું મન થયું પણ રડી શકી નહીં.

" તમને દુઃખ થતું હોય તો તમારા સંતોષ ખાતર હું તમને મમ્મી ચોક્કસ કહીશ પરંતુ એમાં કોઈ લાગણી નહીં હોય. મારા મનમાં તમારા તરફ કોઈ લાગણી પેદા થતી જ નથી. અને હા આ કંકોત્રીનો પણ હવે કોઈ મતલબ નથી. હું પ્રતીક સાથે જ લગ્ન કરવાની છું મમ્મી !" માહી બોલી અને તરત બેડરૂમમાંથી બહાર નીકળી ગઈ.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■