વલ્લકી નવલકથા (Vallaki Novel Part-42)

Related

વલ્લકી પ્રકરણ 42

વલ્લકીના ગુમ થયાને અઢી મહિનાનો સમય પસાર થઈ ગયો. વૈશાખ અને જેઠ પણ પૂરા થઈ ગયા અને અષાઢ મહિનાની ગુરુ પૂર્ણિમા પણ આવી ગઈ. ના વલ્લકીનો કોઈ પત્તો લાગ્યો કે ના જોનપુર ગયેલો દુબે પંડિત પાછો આવ્યો ! અભિમન્યુ હવે ખરેખર ટેન્શનમાં આવી ગયો હતો.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

દાદાજીએ આટલો ચમત્કારિક રુદ્રાક્ષ આપ્યો હતો એ પણ પોતે સાચવી ના શક્યો એનો ખૂબ જ અફસોસ થતો હતો. એક વાર ધ્યાનમાં બેસીને વલ્લકી વિશે દાદાજીને પૂછવા પણ એણે કોશિશ કરી હતી પરંતુ એક કલાકની કોશિશ પછી પણ દાદાજી ધ્યાનમાં આવ્યા ન હતા.

આવતીકાલે ગુરુપૂર્ણિમા છે તો કાલે તો દાદાજી કોઈપણ સંજોગોમાં દર્શન આપશે જ એવી એને શ્રદ્ધા હતી.

ગુરુપૂર્ણિમાના દિવસે વહેલી સવારે ચાર વાગ્યે એ ઊભો થઈ ગયો અને હાથ પગ ધોઈને ધ્યાનમાં બેસી ગયો. ઊંડા શ્વાસ લઈને ધીમે ધીમે આલ્ફા લેવલ સુધી પહોંચી ગયો અને મગજને વધુને વધુ શાંત કરીને આલ્ફા થીટા બોર્ડર ઉપર પહોંચી ગયો. આ એવું સ્પોટ છે કે જ્યાં પહોંચીને કલ્પના કરવાથી જે કલ્પના કરો એ જીવનમાં મેળવી શકાય છે ! આ સ્પોટ ઉપર પહોંચીને એણે પોતાના દાદાજીને સતત યાદ કર્યા અને પોતાની સામે પ્રગટ થવા માટે દિલથી પ્રાર્થનાઓ કરી.

૧૫ મિનિટ જેવો સમય પસાર થઈ ગયા પછી અભિમન્યુને સંન્યાસીના વેશમાં દાદાજીનાં દર્શન થયાં.

" પ્રણામ દાદાજી. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપના ચરણોમાં પ્રણામ કરું છું. મેં અગાઉ પણ આપનાં દર્શન માટે કોશિશ કરી હતી પરંતુ આપ આવી શક્યા ન હતા. "

" મને ખ્યાલ છે બેટા. પરંતુ સૂક્ષ્મ જગતમાંથી દરેક વખતે નીચે પૃથ્વી પર આવવું શક્ય નથી હોતું. અમારી પોતાની પણ કેટલીક મર્યાદાઓ હોય છે. પરંતુ આજે ગુરુપૂર્ણિમાના દિવસે દિવ્ય ચેતના પોતે જ નીચે ઉતરી આવે છે અને તમામ સિદ્ધ પુરુષો, તમામ સંત મહાત્માઓ, તમામ ગુરુઓને પૃથ્વી ઉપર જવાની છૂટ હોય છે. ગુરુપૂર્ણિમાનું પૂજન દરેક ગુરુ પ્રત્યક્ષ સ્વીકારતા હોય છે. બોલ હવે મને કેમ યાદ કર્યો ? " દાદાજી બોલ્યા.

" દાદાજી આપ તો સર્વજ્ઞ છો અને બધું જ જાણો છો. અઢી મહિનાથી વલ્લકીનો પત્તો નથી. બાંદ્રા લિંક રોડ ઉપર એને અકસ્માત નડ્યો હતો એવી માહિતી પોલીસ દ્વારા મળી હતી પણ અત્યારે વલ્લકી ક્યાં છે અને કઈ હાલતમાં છે એની કંઈ જ ખબર પડતી નથી. છેલ્લા અઢી મહિનાથી વલ્લકીનો પરિવાર પણ ખૂબ જ દુઃખી છે." અભિમન્યુ બોલી રહ્યો હતો.

"વલ્લકી જે દિવસે ગુમ થઈ ગઈ એ જ દિવસે સવારે આપે મને આપેલો રુદ્રાક્ષ પણ ઘરમાંથી અદ્રશ્ય થઈ ગયો છે. મારી મમ્મીએ મને પૂછ્યા વગર કોઈ પંડિતને આપી દીધો અને એ પંડિત અઢી મહિનાથી યુપી એના ગામ જતો રહ્યો છે. હવે તો એનો ગુજરાતનો ફોન નંબર પણ કાયમ માટે બંધ થઈ ગયો હોય એવું લાગે છે. રુદ્રાક્ષ વગર વલ્લકી વિશે હું કોઈ જ માહિતી મેળવી શકતો નથી. દાદાજી વલ્લકી વિશે મારે માહિતી જોઈએ છે." અભિમન્યુ ધ્યાનમાં બે હાથ જોડીને બોલ્યો.

" મેં તને રુદ્રાક્ષ સાચવવાનું કહ્યું હતું. તને કલ્પના પણ નથી કે એ રુદ્રાક્ષ શું શું કરી શકે એમ છે ! સાક્ષાત કલ્પવૃક્ષ મેં તને આપેલું. તું જ્યારે હિમાલયથી ઘરે પાછો આવ્યો ત્યારે તારે મમ્મીને પણ જાણ કરી દેવી જોઈતી હતી કે આ રુદ્રાક્ષ દાદાજીએ પ્રસાદ તરીકે આપ્યો છે અને એને ઘરમાં સાચવવાનો છે. " દાદાજી બોલી રહ્યા હતા.

" એ રુદ્રાક્ષ અત્યંત પવિત્ર છે. એની પાસે જે માગો તે ચોક્કસ મળે પરંતુ એનો સદુપયોગ થાય તો જ એ તારી પાસે રહી શકે. તું એનો દુરુપયોગ કરે અથવા તારા પોતાના સ્વાર્થ માટે કે પછી કોઈનો બદલો લેવા માટે ઉપયોગ કરે તો એ રુદ્રાક્ષ તારી પાસે લાંબો સમય ટકી ના શકે. કોઈને કોઈ કારણોથી એ અદ્રશ્ય થઈ જાય. પ્રતાપ કાનાણી માટે શરૂઆતમાં તેં એનો દુરુપયોગ કર્યો એટલા માટે જ તારી મમ્મીને એ રુદ્રાક્ષ પંડિતને આપી દેવાની પ્રેરણા થઈ." દાદાજી બોલી રહ્યા હતા.

" પંડિતનો ઈરાદો હવે રુદ્રાક્ષ પાછો આપવાનો નથી. રુદ્રાક્ષ એની પાસે આવ્યા પછી એના ગામની જમીન ઊંચા ભાવે વેચાઈ ગઈ છે અને એને દોઢ કરોડ જેવી કિંમત મળી ગઈ છે એટલે એ હવે ત્યાં જ સ્થાયી થવાનો છે. એણે તારી મમ્મીએ આપેલા રુદ્રાક્ષને શુકનિયાળ માનીને પૂજામાં રાખેલા છે અને રોજ પૂજા પણ કરે છે." દાદાજી બોલ્યા.

આ સમાચાર અભિમન્યુ માટે ખૂબ જ આઘાતજનક હતા.

" દાદાજી આપ તો બધું જ કરી શકો એમ છો. મારાં કર્મો માટે રુદ્રાક્ષની પણ મેં માફી માગી હતી અને આપની પાસે પણ માફી માગું છું. મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે પરંતુ મને બચાવી લો. આપની ઘણી સિદ્ધિઓ એ રુદ્રાક્ષમાં છે અને આપે મને પ્રેમથી એ આપેલો છે. હું હવે રુદ્રાક્ષની મદદથી થોડાં સારાં કાર્યો પણ કરવા માગું છું. રુદ્રાક્ષ મારી પાસે પાછો આવી જાય એવું કંઈક કરી આપો દાદાજી." અભિમન્યુ આજીજીપૂર્વક બોલ્યો.

" ઠીક છે. અત્યારે જ એ રુદ્રાક્ષ તારા મંદિરના ડ્રોવરમાં પાછો આવી જશે. રુદ્રાક્ષને વધુ શક્તિશાળી બનાવવા માટે આખો શ્રાવણ મહિનો ડાબા હાથની મુઠ્ઠીમાં રુદ્રાક્ષને રાખી નિયમિત રીતે ગાયત્રી મંત્રની રોજ ૧૧ માળા કરજે. આ નિયમનું ખાસ પાલન કરજે." દાદાજી બોલ્યા.

" જી દાદાજી. હું આપને વચન આપું છું. આપે મને એકવાર ધ્યાનમાં કહેલું કે મારાં લગ્ન વલ્લકી સાથે જ થશે તો પછી લગ્નના આગલા દિવસે જ આવી ઘટના કેમ બની ? હવે મારાં લગ્ન વલ્લકી સાથે કેવી રીતે શક્ય બનશે ? એ ક્યાં છે કેવી હાલતમાં છે એના વિશે મને કોઈ જ માહિતી નથી." અભિમન્યુ બોલ્યો.

"રુદ્રાક્ષ ગુમ થઈ ગયો એ વલ્લકી સાથે થયેલી દુર્ઘટનાનો સંકેત હતો. અને મેં જે તને વચન આપ્યું છે તે મિથ્યા થવાનું નથી. એ યોગ્ય સમયે સત્ય જ સાબિત થવાનું છે. ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા માટે ક્યારેક ક્યારેક અંતરાય કર્મો પણ વચ્ચે આવતાં હોય છે. એટલે જે પણ બન્યું છે એ વલ્લકીના પ્રારબ્ધ પ્રમાણે બન્યું છે. વલ્લકી પોતાની યાદશક્તિ ગુમાવી બેઠી છે. એનું નામ અત્યારે માહી છે. મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં એ રહે છે. ત્યાં એ ખૂબ જ ખુશ છે." દાદાજી બોલ્યા.

" પરંતુ દાદાજી મારે એને પાછી લાવવી છે. પ્રભાદેવીમાં મારે એને ક્યાં શોધવી ? શાલિની મમ્મીની હાલત પણ ખૂબ જ ખરાબ છે. વલ્લકીના આઘાતમાં એ ડિપ્રેશનમાં આવી ગયાં છે. " અભિમન્યુ બોલ્યો.

"અકસ્માત પછીના એક મહિનામાં એ લોકોએ મુંબઈ સમાચારના છેલ્લા પાને વલ્લ્કીના ફોટા સાથે બે વાર જાહેરાત આપી છે. પરંતુ તમારા લોકોના ઘરે મુંબઈ સમાચાર આવતું ન હોવાથી તમે લોકો એ જોઈ શક્યા નથી. આ પણ નસીબનો જ ખેલ છે ને ! " દાદાજી ખડખડાટ હસ્યા અને અદ્રશ્ય થઈ ગયા.

અભિમન્યુ ધીમે ધીમે ધ્યાનમાંથી બહાર આવ્યો. જાગૃત થઈને એ સમજી ગયો કે દાદાજીએ ઈશારો કરી દીધો છે. હવે છેલ્લા એક મહિનાનાં મુંબઈ સમાચાર જોઈ લેવાં પડશે.

ધ્યાનમાંથી બહાર આવીને એ સીધો પૂજાના રૂમમાં ગયો અને ડ્રોવર ખોલ્યું તો રુદ્રાક્ષ જે જગ્યાએ મૂકતો હતો એ જ જગ્યાએ પાછો આવી ગયો હતો. એણે રુદ્રાક્ષને હાથમાં લીધો અને બંને આંખે અડાડી સાચા હૃદયથી રુદ્રાક્ષને પ્રણામ કર્યા. એ પછી મૂળ જગ્યાએ મૂકી દીધો. આજે એણે ગાયત્રી મંત્રની ૧૧ માળા કરી અને હવે નિયમિત રીતે રોજ ૧૧ માળા કરવાનો સંકલ્પ પણ મનોમન લઈ લીધો.

એ દિવસે બધું જ કામ પડતું મૂકીને સવારે ૧૧ વાગે એ મુંબઈ સમાચાર પ્રેસમાં પહોંચી ગયો અને ત્યાં સર્ક્યુલેશન ડિપાર્ટમેન્ટમાં રિક્વેસ્ટ કરીને અખાત્રીજ પછીના એક મહિના નાં તમામ ન્યુઝ પેપર્સ જોવા માટે માગ્યાં. અભિમન્યુને એ ન્યૂઝ પેપર મળી ગયું જેમાં મુંબઈ સમાચારના છેલ્લા પાને વલ્લકીનો ફોટો હતો. ફોટા નીચે લખ્યું હતું:

# ઉપરના ફોટાવાળી વ્યક્તિ પોતાને થયેલા અકસ્માતના કારણે છેલ્લા એક મહિનાથી પોતાની યાદદાસ્ત ગુમાવી બેઠી છે. આ યુવતીનાં માતા પિતા કે સગાં ભાઈ બહેન અમારો સંપર્ક કરી શકે છે. પૂરતા પ્રમાણ સાથે જ આવવું. ડૉ. પ્રતીક શેઠ. ફોન નં. xxxxxxxxxx પ્રભાદેવી મુંબઈ.

આ બાજુ પ્રતીકે ડીનર દરમિયાન માહી સામે પોતાના પ્રેમનો એકરાર કર્યો અને લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો એટલે વલ્લકીના દિલમાં હલચલ મચી ગઈ હતી. પ્રતીક એને ગમી ગયો હતો. હેન્ડસમ પણ હતો અને એનું ફેમિલી પણ સારું હતું. લગ્ન માટે ના પાડવાનું કોઈ જ કારણ ન હતું.

છેવટે એક મહિનાના મનોમંથન પછી અને વંદનાબેન તથા ઝવેરીલાલ મહેતાની પ્રેમાળ સમજાવટ પછી માહીએ લગ્ન માટે હા પાડી અને અષાઢી બીજના દિવસે થોડા અંગત મહેમાનોની હાજરીમાં સગાઈ અને રીંગ સેરેમની યોજાઈ ગયો. માહીએ પ્રતીકને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો.

ચાતુર્માસ ચાલુ થઈ ગયા હતા એટલે લગ્ન દિવાળી પછી નવેમ્બરમાં લેવાનું નક્કી કર્યું. સગાઈ જાહેર થઈ ગઈ એટલે પ્રતીક અને માહી વચ્ચે પ્રેમના અંકુરો પણ ફૂટ્યા. એકબીજા તરફ આકર્ષણ પણ ઘણું વધી ગયું. ઘરમાં માતા-પિતા હતા એટલે મર્યાદાને કારણે બંને વચ્ચે ખાસ વાતચીત થતી ન હતી પરંતુ નવરાશના સમયે મોબાઇલ મેસેજથી બંને યુવાન હૈયાં વચ્ચે પ્રેમાલાપ ચાલુ થઈ ગયા !

સગાઈના પંદર દિવસ પછી પ્રતીક ઉપર સવારે આઠ વાગ્યે અભિમન્યુનો ફોન આવ્યો.

"ડૉ. પ્રતીક બોલો છો ?" અભિમન્યુ બોલ્યો.

" હા હું પ્રતીક. તમે કોણ ? " પ્રતીક બોલ્યો.

" જી મારું નામ અભિમન્યુ. મારે તમને તમારા ઘરે મળવું છે. ક્યારે મળી શકાય ? " અભિમન્યુ બોલ્યો.

" તમારી ઓળખાણ ના પડી. તમારે મને ઘરે શા માટે મળવું છે ? " પ્રતીક બોલ્યો. એને અભિમન્યુના ફોનથી આશ્ચર્ય થયું.

"બધું જ તમને રૂબરૂમાં કહીશ. પરંતુ મળવું ખૂબ જ જરૂરી છે. મને બને એટલો વહેલો સમય આપો." અભિમન્યુ બોલ્યો.

"ઠીક છે. તો પછી આજે સાંજે સાત વાગે મારા ઘરે આવી શકો છો. હું મારું એડ્રેસ તમને મેસેજ કરી દઉં છું." પ્રતીક બોલ્યો.

" થેન્ક્સ ડૉક્ટર. સાંજે મળીએ." અભિમન્યુ બોલ્યો અને ફોન કટ કર્યો.

અભિમન્યુ પ્રતીક સાથે વાત કર્યા પછી પોતાની ઓફિસે જવાના બદલે કાંદીવલી વલ્લકીના ઘરે ગયો.

" મમ્મી વલ્લકીનો પત્તો લાગી ગયો છે." અભિમન્યુ સગાઈ પછી શાલિની ને માસીના બદલે મમ્મીનું સંબોધન કરતો હતો.

" શું વાત કરો છો તમે !! વલ્લકી મળી ગઈ ? " શાલિની ખુશીથી ઉછળી પડી અને એકદમ બેબાકળી બની ગઈ. એ મા હતી.

"અરે પપ્પાજી અભિમન્યુ આવ્યા છે. એ કહે છે કે વલ્લકીનો પત્તો લાગી ગયો છે. " શાલિની ધરમશીભાઈના બેડરૂમ પાસે જઈને બોલી.

" શું વાત કરે છે તું ! આ તો બહુ જ ખુશીના સમાચાર છે. " કહેતા કહેતા ધરમશીભાઈ બહાર આવ્યા. રાજેશ એ વખતે બહાર ગયેલો હતો.

" હા દાદાજી. વલ્લકી મળી ગઈ છે. પ્રભાદેવી વિસ્તારમાં કોઈ ડૉ. પ્રતીક શેઠના ઘરે છે. વલ્લકીને તે દિવસે જ બાંદ્રા લિંક રોડ ઉપર અકસ્માત થયો હતો અને એ બેહોશ થઈ ગઈ હતી. એ ભાનમાં તો આવી પરંતુ યાદદાસ્ત ગુમાવી બેઠી છે. એટલા માટે જ એણે હજુ સુધી આપણો સંપર્ક કર્યો નથી." અભિમન્યુ બોલ્યો.

" પરંતુ તમને કેવી રીતે ખબર પડી કુમાર ? " ધરમશીભાઈ બોલ્યા.

" અરે દાદાજી પ્રતીકે તો અકસ્માત થયો એ પછીના ચોથા દિવસે જ મુંબઈ સમાચારમાં છેલ્લા પાને વલ્લકીના ફોટા સાથે જાહેરાત આપી હતી પરંતુ આપણા બધાના ઘરે ગુજરાત સમાચાર આવે છે એટલે કોઈનું ધ્યાન ગયું નહીં. એમણે તો હમણાં જેઠ મહિનામાં પણ જાહેરાત આપી હતી છતાં આપણા ધ્યાનમાં ના આવી. ડૉ. પ્રતીક શેઠ ખાનદાન લાગે છે. એણે બે વાર કોશિશ કરી છે. " અભિમન્યુ બોલ્યો.

" આનું નામ કિસ્મત ! ચાલો કંઈ નહીં. છેવટે દીકરી મળી તો ગઈ. હવે આપણે લેવા જવું પડશે ને ! " ધરમશીભાઈ બોલ્યા.

" હા દાદા હું અને શાલિની મમ્મી આજે સાંજે પ્રતીકે જે એડ્રેસ આપ્યું છે ત્યાં જઈશું. બધાએ આવવાની જરૂર નથી. વલ્લકી યાદદાસ્ત ગુમાવી બેઠી છે એટલે સમજાવટથી કામ લેવું પડશે. મમ્મીને જોયા પછી એને કંઈ યાદ આવે છે કે નહીં એ પણ આપણે જોવું પડશે. " અભિમન્યુ બોલ્યો.

" અને મમ્મી તમે પણ વલ્લકીને જોઈને એકદમ કોઈ રિએક્શન ના આપશો. એ તમને ઓળખતી નથી એટલે ઉત્સાહમાં આવી જઈને એકદમ ભેટી પણ ના પડશો. તમારી લાગણીઓ કાબુમાં રાખજો. આપણે વલ્લકીનું રિએક્શન શું છે એ જાણવું પડશે." અભિમન્યુએ શાલિનીને સૂચના આપી.

એ દિવસે સાંજે સાત વાગે અભિમન્યુ શાલિનીને લઈને પ્રભાદેવી વિસ્તારમાં ગોખલે રોડ ઉપર આવેલા રૂસ્તમજી ક્રાઉન ટાવરમાં પ્રતીકના ફ્લેટ ઉપર પહોંચી ગયો.

સમય આપેલો હતો એટલે પ્રતીક ઘરે જ હતો અને એણે જ દરવાજો ખોલ્યો. અભિમન્યુએ જોયું કે પ્રતીક એના દેખાવ અને વર્તન ઉપરથી સંસ્કારી લાગતો હતો અને હેન્ડસમ પણ હતો.

"આવો અભિમન્યુ... " પ્રતીક બોલ્યો અને એણે બંનેને સોફા ઉપર બેસવાનો ઇશારો કર્યો.

" મારું નામ ડૉ. પ્રતીક શેઠ. હું પોતે બાંદ્રામાં આવેલી લીલાવતી હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ છું." પ્રતીકે પોતાની ઓળખાણ આપી.

" મારું નામ તો તમને ખબર જ છે. હું પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. અને મલાડમાં મારી ઓફિસ છે. હું આમ તો ફાઇનાન્સ કન્સલ્ટન્ટ છું પરંતુ લિમિટેડ ક્લાયન્ટ્સ માટે સ્ટૉક બ્રોકર પણ છું." અભિમન્યુએ પણ પોતાનો પૂરો પરિચય આપ્યો.

એટલામાં વલ્લકી પણ ટ્રે માં પાણીના બે ગ્લાસ લઈને આવી અને સહેજ સ્માઈલ કરીને અભિમન્યુ તથા શાલિનીના હાથમાં આપ્યા. શાલિની અઢી મહિના પછી વલ્લકીને જોઈને લાગણીઓથી એટલી બધી વિહવળ થઈ ગઈ કે માંડ માંડ એણે પોતાના મન ઉપર કાબુ રાખ્યો.

" આ માહી મારી વાગ્દત્તા છે. હમણાં રથયાત્રાના દિવસે જ અમારી સગાઈ થઈ. " પ્રતીકે માહીનો પરિચય આપ્યો.

પ્રતીકની વાત સાંભળીને અભિમન્યુ અને શાલિની બંને એટલાં ચમકી ગયાં કે છેક હોઠ સુધી આવેલો પાણીનો ગ્લાસ હાથમાં જ અટકી ગયો. પ્રતીક આ શું બોલી ગયો !! અઢી મહિનામાં સગાઈ પણ કરી દીધી !!! છેવટે બંનેએ પાણી પી લીધું અને ગ્લાસ માહી એટલે કે વલ્લકીના હાથમાં આપ્યો.

ગ્લાસ લઈને વલ્લકી કિચનમાં ગઈ એટલે અભિમન્યુએ વાતની શરૂઆત કરી.

"પ્રતીક અમે આ માહીને એટલે કે વલ્લકીને લેવા માટે આવ્યાં છીએ. એનું સાચું નામ વલ્લકી છે. આ વલ્લકીની મમ્મી છે અને એમનું નામ શાલિની છે. વલ્લકી સાથે મારી સગાઈ થયેલી છે અને જે દિવસે એનો અકસ્માત થયો એના બીજા દિવસે જ મારાં એની સાથે લગ્ન હતાં. વલ્લકી એની ફ્રેન્ડ માધવીના શો રૂમમાં નેકલેસ પસંદ કરવા માટે આવી હતી અને પીઠી ચોળેલી હાલતમાં જ એનો અકસ્માત થઈ ગયો." અભિમન્યુ બોલી રહ્યો હતો.

" કમનસીબે હજુ ગઈકાલે જ અમે મુંબઈ સમાચારમાં તમારી આપેલી જાહેરાત જોઈ. અમારા ઘરે ગુજરાત સમાચાર આવે છે એટલે અઢી મહિના સુધી અમે એની શોધખોળ કરતા જ રહ્યા. અમે વલ્લકી ગુમ થઈ ગયાની પોલીસ ફરિયાદ પણ કરેલી છે." અભિમન્યુએ પોતાની વાત પૂરી કરી.

અભિમન્યુની વાત સાંભળીને પ્રતીકના માથે જાણે વીજળી પડી. એના પગ નીચેની જમીન સરકી ગઈ. એના માટે આ સમાચાર ખૂબ જ આઘાતજનક હતા. અભિમન્યુ જે પણ કહી રહ્યો હતો એ એકદમ સાચું હતું. કારણ કે અકસ્માત થયો ત્યારે માહીને પીઠી ચોળેલી હતી અને હાથે મહેંદી પણ મૂકેલી હતી. એના હાથની મહેંદીમાં અંગ્રેજીમાં એના હસબન્ડ માટે *એ* અક્ષર પણ ગૂંથેલો હતો !

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■