વલ્લકી નવલકથા (Vallaki Novel Part-41)

Related

વલ્લકી પ્રકરણ 41

બીજા દિવસે સવારે જ મુનીર વોરાએ કાંદીવલી પોલીસ સ્ટેશન જઈને ઝીરો એફઆઈઆર બાંદ્રા પોલીસ સ્ટેશન નોંધાવી દીધી. નોંધાવ્યા પછી એણે વલ્લકીનો ફોટો પણ ત્યાંના પીઆઇ ને ફોરવર્ડ કર્યો અને એક પીએસઆઇ તરીકે એ પણ જાણ કરી કે વલ્લકીને અકસ્માત થયા પછી એમ્બ્યુલન્સ દ્વારા કોઈ હોસ્પિટલમાં એડમિટ કરી હોય તેવી પૂરી શક્યતા છે તેથી નજીકની તમામ હોસ્પિટલોમાં ખાસ તપાસ કરવી.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

ફરિયાદ મળ્યા પછી બાંદ્રા પોલીસ સ્ટેશન એક્શનમાં આવી ગયું અને બાંદ્રા લિંક રોડ આસપાસ આવેલી તમામ હોસ્પિટલોમાં તપાસ ચાલુ થઈ ગઈ. આસપાસ નાની મોટી સાત હોસ્પિટલ હતી.

એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર લીલાવતી હોસ્પિટલ પણ પહોંચી ગયો અને ત્યાં જઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર જઈને ઇન્કવાયરી કરી.

" અરે મેડમ ગઈકાલે સાંજે બાંદ્રા લીંક રોડ ઉપર એક અકસ્માત થયેલો છે અને ૨૬ વર્ષની વલ્લકી ઠક્કર નામની એક યુવતીને કારની ટક્કર વાગેલી છે. તમે કહી શકો કે અહીંના ટ્રોમા સેન્ટરમાં કાલે સાંજે કોઈ યુવતીને એડમિટ કરેલી છે ? " પીએસઆઇ મરાઠીમાં બોલ્યો.

રિસેપ્શન ઉપર બેઠેલી નર્સે તરત જ કોમ્પ્યુટર ચેક કર્યું અને ગઈકાલે સાંજે એડમિટ થયેલા તમામ પેશન્ટસ નું લિસ્ટ જોઈ લીધું.

" એક મેડમને એડમિટ કરેલાં છે અને અત્યારે એ આઈસીયુ માં છે. પરંતુ એમનું નામ માહી શેઠ છે અને એ મેડમ તો અમારા કાર્ડિયોલોજિસ્ટ પ્રતીક સરનાં રિલેટિવ છે. સોરી સર. વલ્લકી ઠક્કર નામનું કોઈ પેશન્ટ આ હોસ્પિટલમાં એડમિટ નથી. " નર્સ બોલી.

નર્સનો આ જવાબ સાંભળીને પછી પીએસઆઈને વલ્લકીનો ફોટો બતાવવાની કોઈ જરૂર જ ના પડી. એ 'થેન્ક્યુ મેડમ ' કહીને બહાર નીકળી ગયો.

સાંજ સુધીમાં બાંદ્રા પોલીસ સ્ટેશને બાંદ્રા લિંક રોડની આજુબાજુની તમામ હોસ્પિટલના રિપોર્ટ આવી ગયા કે વલ્લકી ઠક્કરને કોઈ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી નથી.

મુનીરે આ રિપોર્ટ અભિમન્યુને પણ આપી દીધો. અભિમન્યુ ખૂબ જ અપસેટ થઈ ગયો હતો. આટલા મોટા મુંબઈમાં વલ્લકીને કઈ હોસ્પિટલમાં શોધવી ? એનો સહારો એક માત્ર રુદ્રાક્ષ હતો અને એ પણ મમ્મીએ પૂછ્યા વગર પેલા પંડિતને આપી દીધો હતો.

પ્રોબ્લેમ તો એ હતો કે એ પંડિતનો ફોન નંબર પણ એની પાસે ન હતો. સવારે અભિમન્યુએ પ્રતાપ કાનાણીને ફોન કરીને પંડિતજીના નંબર વિશે પૂછ્યું હતું પરંતુ એમણે કહ્યું કે એમણે તો એમના જૂના શાસ્ત્રીજીને બેઉ ઘરનાં એડ્રેસ આપીને બંને સ્થળે એક એક પંડીત મોકલવાની વાત કરી હતી એટલે શાસ્ત્રીજીએ જ આ વ્યવસ્થા કરી આપી હતી.

અભિમન્યુએ કાનાણી અંકલ પાસેથી શાસ્ત્રીજીનો ફોન નંબર લીધો અને એમની પાસેથી પોતાના ઘરે આવેલા પંડિતનો નંબર પણ લીધો પરંતુ એ અત્યારે સ્વીચ ઓફ આવતો હતો.

મહેમાનો તો સવારમાં જ વિદાય થઈ ગયા હતા. એવી જ હાલત શાલિનીના ઘરે પણ હતી. ત્યાંથી પણ મહેમાનોએ શાલિની અને રાજેશને આશ્વાસન આપીને વિદાય લઈ લીધી હતી.

અકસ્માત થયાને ચાર દિવસનો સમય પસાર થઈ ગયો. વલ્લકી ભાનમાં તો આવી ગઈ પરંતુ એ પોતાની ઓળખ જ ભૂલી ગઈ હતી. પોતાનું નામ શું, પોતે ક્યાં રહેતી હતી, માતા પિતાનું નામ શું , અકસ્માત કેવી રીતે થયો વગેરે તમામ સવાલોના એની પાસે કોઈ જવાબ જ ન હતા. ન્યુરો સર્જને એને ઘણા સવાલો પૂછ્યા હતા પરંતુ એ ભૂતકાળને ભૂલી ગઈ હતી.

અકસ્માતથી જ્યારે પણ યાદદાસ્ત જતી રહે ત્યારે વ્યક્તિ ભલે પોતાની ઓળખ ભૂલી જાય, નામ ભૂલી જાય કે પછી પોતાનો સમગ્ર ભૂતકાળ ભૂલી જાય પરંતુ વ્યક્તિમાં જે આવડત હોય, જે કલા હોય, જે કોઠાસૂઝ હોય એ એના મગજમાં કાયમ રહે છે. એણે પ્રાપ્ત કરેલું જ્ઞાન ભૂલી જતી નથી. ડાન્સર હોય તો ડાન્સ ભૂલી શકતી નથી. ડ્રાઇવિંગ શીખેલી હોય તો ડ્રાઇવિંગ પણ ભૂલી શકતી નથી. રસોઈ કળા પણ ભૂલી શકતી નથી.

ડૉ. પ્રતીકે એ પણ જોઈ લીધું હતું કે આ યુવતીને તાજી પીઠી ચોળેલી હતી. એના હાથે મહેંદી હતી અને એમાં *એ* અક્ષર અંગ્રેજીમાં લખેલો હતો. તાજી આઇ બ્રો કરાવેલી હતી. મતલબ કે અકસ્માત થયાના એક બે દિવસમાં જ યુવતીનાં લગ્ન થવાનાં હતાં.

પ્રતીકે મુંબઈના જાણીતા ન્યુઝ પેપર મુંબઈ સમાચારમાં છેલ્લા પાને યુવતીના ફોટા સાથે જાહેરાત પણ આપી જેથી એનાં સગાં વહાલાં એને આવીને લઈ જાય પરંતુ કમનસીબી એ હતી કે અભિમન્યુ અને વલ્લકીના ઘરે ગુજરાત સમાચાર આવતું હતું જ્યારે પ્રતાપ કાનાણીના ઘરે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આવતું હતું !

બે દિવસ સુધી જાહેરાતનો કોઈ રિસ્પોન્સ ના મળ્યો એટલે છેવટે પ્રતીકે પોતાના પિતા ઝવેરીલાલ સાથે વાત કરી.

" પપ્પા ચાર દિવસ પહેલાં મારાથી એક અકસ્માત થઈ ગયો હતો. એક યુવતી મારી ગાડી સાથે ટકરાઈ ગઈ હતી અને માથામાં ઇજાના કારણે બેહોશ થઈ ગઈ હતી. આજે એને ભાન તો આવી ગયું છે પરંતુ એની યાદદાસ્ત જતી રહી છે. એને પોતાનું નામ પણ યાદ નથી અને ક્યાંથી આવી છે એ પણ ખબર નથી. સારા ઘરની છોકરી લાગે છે. મારી ઈચ્છા છે કે હું એને આપણા ઘરે લઈ આવું. થોડા દિવસ આપણા ઘરે જ રાખીએ ત્યાં સુધીમાં કદાચ એના ફેમિલી વિશે કદાચ કોઈ માહિતી મળી જાય." પ્રતીક બોલ્યો.

" એમાં તારે તારા પપ્પાને પૂછવાની કોઈ જરૂર નથી. તું એ દીકરીને ઘરે જ લાવી દે. અકસ્માત તારાથી થયો છે તો હવે તારી જ જવાબદારી બને છે. જો એના ફેમિલીનો પત્તો નહીં લાગે તો આપણા ઘરે જ એને રાખીશું." મમ્મી વંદનાબેન બોલ્યાં.

અને એ જ દિવસે રાત્રે પ્રતીક માહીને ડિસ્ચાર્જ અપાવીને પોતાના ઘરે જ લઈ આવ્યો. વલ્લકી માટે આ બધું જ નવું હતું.

આ ચાર દિવસ અભિમન્યુ માટે અને વલ્લકીના પરિવાર માટે ખૂબ જ ટેન્શનવાળા અને ખરાબ ગયા હતા. માધવીને પણ પસ્તાવો થતો હતો કે એણે વલ્લકીને પોતાના શો રૂમ ઉપર ના બોલાવી હોત તો આ દુર્ઘટના ના બની હોત અને તો એનાં લગ્ન પણ થઈ ગયાં હોત ! જે પણ બની ગયું એના માટે એ પોતે પોતાની જાતને જ જવાબદાર માનતી હતી.

જે પંડિત રુદ્રાક્ષ લઈ ગયો હતો એ દુબે પોતાના ફેમિલીમાં લગન હોવાથી ૧૫ દિવસ માટે યુપી જોનપુર જતો રહ્યો હતો અને હજુ દસ બાર દિવસ પછી આવવાનો હતો ! વલ્લકીને શોધવાનો કોઈ જ રસ્તો મળતો ન હતો.

વલ્લકીને ગુમ થયાને એક મહિનો થઈ ગયો. પંડિત હજુ પણ દેશમાંથી મુંબઈ આવ્યો ન હતો. રુદ્રાક્ષ વગર વલ્લકી વિશે કોઈ જ માહિતી મળે એમ ન હતી. વલ્લકી એટલે કે માહી ડૉ. પ્રતીકના ઘરે સેટ થઈ ગઈ હતી. ઘરના બધા જ એને પ્રેમ કરતા હતા અને એને કોઈ પણ કામ કરવા દેતા ન હતા. વંદનાબેન પણ એને સગી દીકરીની જેમ સાચવતાં હતાં.

જાહેરાત આપ્યા છતાં પણ એક મહિના સુધી કોઈ જ વલ્લકીને લેવા માટે ન આવ્યું એટલે એક દિવસ વંદનાબેને રાત્રે સૂતી વખતે એમના પતિ ઝવેરીલાલ સાથે વાત કરી.

" કહું છું. આપણે જાહેરાત આપી છતાં પણ માહીને લેવા માટે કોઈ આવ્યું નથી. આપણે ફોન નંબર આપ્યો હતો છતાં કોઈનો ફોન પણ આવ્યો નથી. માહી મુંબઈની છે કે પછી બહારગામથી આવેલી છે એ પણ આપણે જાણતા નથી. માહીના હાથમાં મહેંદી હતી અને તાજી પીઠી ચોળેલી હતી એટલે એનાં લગન થવાનાં હશે એવું લાગે છે. આપણે એક બે મહિના રાહ જોઈએ નહીં તો પછી પ્રતીક સાથે જ એના લગન કરી દઈએ. માહી સંસ્કારી અને સારા ઘરની લાગે છે. પ્રતીક પણ ૩૦ વર્ષનો થઈ ગયો છે." વંદનાબેન બોલ્યાં.

" તમારો વિચાર તો સારો છે. મને પણ દીકરી બહુ જ ગમી ગઈ છે. રૂપાળી પણ કેટલી બધી છે. પ્રતીક સાથે એની જોડી શોભે એવી છે. પરંતુ આપણે એકવાર ફરી પાછી જાહેરાત આપી દેવી જોઈએ અને બીજી વાર જાહેરાત આપ્યા પછી પણ જો કોઈનો ફોન ના આવે તો પછી આપણે લગનનું વિચારીએ. " ઝવેરીલાલ બોલ્યા.

" હા તો તમે બે ત્રણ દિવસમાં એક વાર જાહેરાત આપી દો. પરંતુ તમે એકવાર પ્રતીક સાથે પણ વાત કરી લો કે એની ઈચ્છા શું છે. કારણ કે મેરેજ એણે કરવાનાં છે." વંદનાબેન બોલ્યાં.

અને એ જ દિવસે સાંજે પ્રતીક હોસ્પિટલથી આવી ગયો એટલે ઝવેરીલાલે એને પોતાના બેડરૂમમાં બોલાવ્યો. જમતી વખતે ડાઇનિંગ ટેબલ ઉપર પણ વાત થઈ શકે એમ હતી પરંતુ ત્યાં માહી પણ બેઠી હોય એટલે વાતચીત કરવા માટે બેડરૂમ પસંદ કર્યો.

" પ્રતીક એક મહિનાથી આપણા ઘરે માહી આવેલી છે અને એના પગલે આખું ઘર જાણે કે ભર્યું ભર્યું લાગે છે. અમારા બંનેનું પણ કેટલું બધું ધ્યાન રાખે છે. જીદ કરીને રસોઈ પણ એ પોતે બનાવે છે. બેટા તને વાંધો ના હોય તો અમારી ઈચ્છા એની સાથે તારાં લગ્ન કરાવી દેવાની છે. આપણે માહીના ફોટા સાથે મુંબઈ સમાચારમાં જાહેરાત પણ આપી હતી છતાં એક મહિનામાં કોઈનો પણ ફોન આવ્યો નથી. " ઝવેરીલાલ બોલ્યા.

" માહી મને ગમે છે પપ્પા. પણ આપણે માહીને પણ પૂછવું જોઈએ. એની ઈચ્છા હોય તો જ લગ્ન માટે હું વિચારી શકું." પ્રતીક બોલ્યો.

" તારી વાત સાચી છે પ્રતીક પણ તારે જ એને પૂછવું પડે. ઘરમાં ના પૂછી શકે તો ક્યાંક બહાર ફરવા લઈ જા અથવા તો એની સાથે ડીનરનો પ્રોગ્રામ બનાવ અને એ વખતે એની ઈચ્છા પણ જાણી લે." ઝવેરીલાલ બોલ્યા.

"તો પછી ડીનરનો પ્રોગ્રામ જ યોગ્ય રહેશે." પ્રતીક બોલ્યો અને એણે માહીને પ્રભાદેવી વિસ્તારમાં જ આવેલા જાણીતા ચૈતન્ય ડાઇનિંગ હોલમાં ડીનર પર લઈ જવાનો નિર્ણય લઈ લીધો.

પરંતુ ડીનર ઉપર જતાં પહેલાં એણે બીજા દિવસે ફરી પાછી મુંબઈ સમાચારના છેલ્લા પાને જાહેરાત આપી દીધી. એ પછી ત્રણ દિવસ રાહ જોઈ પરંતુ કોઈનો પણ ફોન ના આવ્યો એટલે એણે માહીને પ્રપોઝ કરવા માટે ડીનરનો પ્રોગ્રામ બનાવી દીધો.

ગુજરાતી અને મરાઠી થાળી માટે ચૈતન્ય ડાઇનિંગ હોલ જાણીતો હતો. રવિવારે બપોરે જ એણે માહીને કહી દીધું.

" માહી આજે રાત્રે આપણે બહાર જમીશું. ઘરનું તો રોજ જમતા જ હોઈએ છીએ. " પ્રતીક બોલ્યો.

" કેમ મારા હાથની રસોઈ જમીને કંટાળી ગયા છો ડોક્ટર સાહેબ ?" માહી હસીને બોલી. છેલ્લા પંદર દિવસથી બેઉ ટાઈમ માહી જ રસોઈ બનાવતી હતી. રસોઈ કરવા માટે જે બાઈ આવતી હતી એને હમણાં રજા આપી હતી.

" અરે તમે ખોટું સમજ્યાં. મારા કહેવાનો એ મતલબ બિલકુલ નથી. આજે રવિવાર છે તો ચેન્જ ખાતર આપણે બહાર ડીનર લઈ લઈએ. મારી સાથે આવવામાં વાંધો તો નથી ને ? " પ્રતીક બોલ્યો.

" અરે ના ના. હું તો ખાલી મજાક કરું છું. ઠીક છે જેવી તમારી ઈચ્છા." માહી બોલી.

રાત્રે આઠ વાગે માહી બહાર જવા માટે તૈયાર થઈ ગઈ. છેલ્લા એક મહિનામાં વંદનાબેને માહી સાથે શોપિંગ કરવા જઈને માહીની પસંદ પ્રમાણે ઘણા સારા ડ્રેસ અને એક બે સાડી પણ લઈ લીધી હતી. માહી આજુબાજુના એરિયાથી સારી રીતે પરિચિત થઈ ગઈ હતી. છેલ્લા એક અઠવાડિયાથી તો શાકભાજી લેવા પણ માહી જ જતી હતી. માહી યાદ કરવા પ્રયત્ન કરતી હતી પરંતુ એનો ભૂતકાળ એ સંપૂર્ણપણે ભૂલી ગઈ હતી !

સવા આઠ વાગે પ્રતીક પોતાની ગાડીમાં માહીને લઈને બોલે રોડ ઉપર આવેલા ચૈતન્ય ડાઇનિંગ હોલમાં લઈ ગયો. આ ડાઇનિંગ હોલમાં એ ઘણી વખત મમ્મી પપ્પાને લઈને જમવા માટે આવી ગયો હતો.

રવિવાર હતો એટલે નામ લખાવીને પંદર વીસ મિનિટ બેસી રહેવું પડ્યું. એણે સિંગલ ટેબલની માગણી કરી હતી જેથી માહી સાથે દિલની વાત કરી શકાય. છેવટે ખાલી થયેલા એક સિંગલ ટેબલ ઉપર પ્રતીકનો નંબર લાગી ગયો.

" માહી તમને ખોટું ના લાગે તો મારે થોડી પર્સનલ વાતો કરવી છે. થોડા સવાલ પૂછવા છે." પ્રતીક બોલ્યો.

"હા હા ચોક્કસ પૂછી શકો છો. એમાં મારી રજા લેવાની થોડી હોય ? " માહી હસીને બોલી.

" તમને તમારો ભૂતકાળ બિલકુલ યાદ નથી આવતો ? અકસ્માત થયો ત્યારે તમારા શરીરે પીઠી ચોળેલી હતી. હાથમાં મહેંદી પણ લગાવેલી હતી. મતલબ કોઈની સાથે તમારાં લગ્ન થવાનાં હતાં. એ વ્યક્તિ કોણ હશે એનું કોઈ ચિત્ર મગજમાં આવે છે ? " પ્રતીક બોલ્યો.

" ના સર. મેં બહુ જ કોશિશ કરી પરંતુ મારું સાચું નામ શું છે, મારાં માતા પિતા કોણ છે, મારાં લગ્ન કોની સાથે થવાનાં હતાં, મારું ઘર ક્યાં આવ્યું - મને કંઈ જ યાદ નથી આવતું. છેલ્લા એક મહિનાથી બહુ જ કોશિશ કરી છે પરંતુ હું બધું જ ભૂલી ગઈ છું સર. અકસ્માત થયા પછી ભૂતકાળ સાથેનો મારો સંબંધ સાવ તૂટી ગયો છે." માહી બોલી.

" હું સમજી શકું છું માહી. તમને અકસ્માતમાં જમીન ઉપર પટકાઈ જવાથી જે ઈજા થઈ છે તે માથામાં જ થઈ છે અને તેથી દેશી ભાષામાં કહું તો તમારા મગજના જે ખાનામાં સ્મૃતિઓ સચવાઈ રહેતી હોય છે એ જ વિભાગ કાયમ માટે નિષ્ક્રિય થઈ ગયો છે. એટલે હવે કાયમ માટે તમારો ભૂતકાળ એ ભૂતકાળ જ બની ગયો છે. તમારે હવે નવા જીવન વિશે જ વિચારવાની જરૂર છે. અને એટલા માટે જ હું તમને અહીં લઈ આવ્યો છું. " પ્રતીક બોલ્યો.

" તમારી છેલ્લી વાત હું સમજી નહીં સર. " માહી બોલી.

" જુઓ તમારી ઉંમર હવે લગ્નની થઈ ગઈ છે. અકસ્માત થયો એના બીજા દિવસે જ તમારા લગ્ન થવાનાં હશે એવું અનુમાન કરી શકાય છે. આપણે બે વાર જાહેરાત આપી છતાં પણ કોઈનો ફોન આવ્યો નથી. એટલે હવે ભૂતકાળને ભૂલીને લગ્ન માટે તમારે વિચારવું જોઈએ. મને તમારાથી સારી જીવનસાથી બીજી કોઈ નહીં મળે માહી. તમને વાંધો ના હોય તો તમે મારા પ્રેમનો સ્વીકાર કરો." પ્રતીક બોલ્યો.

પ્રતીકે હજી સાચી વાત વલ્લકીને કરી ન હતી કે અકસ્માત એની જ ગાડીથી થઈ ગયો છે !

પ્રતીકે અચાનક મૂકેલી પ્રપોઝલથી માહીને થોડો સંકોચ થયો. એણે હજુ સુધી પ્રતીક તરફ આ દ્રષ્ટિથી કદી જોયું ન હતું. એના મનમાં હજુ સુધી પ્રેમ કે આકર્ષણની કોઈ ભાવના પેદા થઈ ન હતી. પ્રતીક ચોક્કસ દેખાવડો હતો. આંખને ગમે એવો હતો. કદાચ ત્રણ ચાર વર્ષ મોટો પણ હતો. સારો કાર્ડિયોલોજિસ્ટ હતો. ઘર પણ સારું હતું. મમ્મી પપ્પાનો સ્વભાવ પણ ખૂબ જ સરસ હતો. માહી માટે ના પાડવાનું કોઈ જ કારણ ન હતું. છતાં અચાનક આવેલા આ સવાલથી એ મૂંઝાઈ ગઈ.

" સર મને વિચારવાનો થોડો સમય આપો. માનસિક રીતે હજુ હું સ્વસ્થ થઈ નથી. મને મારી સાચી ઓળખ પણ મળી નથી. મારા ભૂતકાળના વિચારોમાંથી બહાર પણ નથી આવી. એટલે અત્યારે એકદમ હું હા નથી પાડી શકતી સર. " માહી બોલી.

" પ્લીઝ ટેક યોર ટાઈમ. મને કોઈ જ ઉતાવળ નથી માહી. આખું વર્ષ નીકળી જાય તો પણ હું રાહ જોવા તૈયાર છું. બસ મેં તો મારા મનની વાત તમને જણાવી દીધી. તમારા તરફ મારા મનમાં પ્રેમ અને લાગણીનો પ્રવાહ વહેતો થયો છે. હવે તમે મને સર સર કહીને ના બોલાવો. તમે મને પ્રતીક તરીકે બોલાવશો તો મને વધુ ગમશે. " પ્રતીક બોલ્યો.

" આદત પડી ગઈ છે. એકદમ તો નહીં બદલાય પરંતુ ધીમે ધીમે કોશિશ કરીશ. અને તમે પણ મને તમે કહીને ના બોલાવશો. મને તમે તું કહી શકો છો." માહી બોલી.

પ્રેમની આવી મીઠી મીઠી શરૂઆત થયા પછી થાળીઓ પીરસાઈ ગઈ અને બંનેએ જમી લીધું.

" પપ્પા શી ઈઝ પોઝિટિવ ! પરંતુ એણે વિચારવા માટે સમય માગ્યો છે." ઘરે ગયા પછી માહી પોતાના બેડરૂમમાં ગઈ ત્યારે પ્રતીકે એના પપ્પાને ખુશ ખબર આપી.

" છોકરીની જાત છે બેટા એકદમ તો હા ના જ પાડે ને ! તું જોજે. એનો જવાબ પણ હા માં જ આવશે. તારા લગ્નની અમારી ચિંતા ટળી ગઈ. પાત્ર સામે ચાલીને ઘરમાં આવી ગયું." ઝવેરીલાલ પણ ખુશ થઈને બોલ્યા.

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■