વલ્લકી પ્રકરણ 39
છેવટે સગાઈની બધી વિધિ પતી ગઈ એટલે બધાએ સર્વાનુમતે બહાર હોટલમાં જમવાનું નક્કી કર્યું. એ માટે કાનાણીએ પોતાની ઓફિસ નજીક જેઠવા નગરમાં જ આવેલી હોટલ તુલસીનું સૂચન કર્યું અને બધાંએ વધાવી લીધું.
વલ્લકી નવલકથા
જમવા જતાં પહેલાં લગ્નમાં બંને પક્ષે કેટલા મહેમાનો આવશે એ બધી ગણતરી પણ કરી લીધી જેથી હોલ બુક કરવાની ખબર પડે. અભિમન્યુના પક્ષે ૧૨ અને વલ્લકીના પક્ષે ૧૫ એમ કુલ ૨૭ ની સંખ્યા થતી હતી.
બધી ચર્ચા થઈ ગઈ એટલે બધાં લંચ લેવા માટે હોટલ તુલસી પહોંચી ગયાં. ત્યાં પહોંચ્યા પછી બધાંને લાગ્યું કે કાનાણીની હોટલની પસંદગી સારી હતી. કારણ કે મેનુ પણ ઘણું સરસ હતું. જમી લીધા પછી કાનાણીએ ઘણો આગ્રહ કર્યો છતાં પણ બિલનું પેમેન્ટ અભિમન્યુએ જ કર્યું.
" જીજુ આજે તમે સાચા અર્થમાં જીજુ બનીને વલ્લીના સગાઈના પ્રસંગને દીપાવ્યો. તમારામાં આજે અમને એક નવા જ જીજુ દેખાયા છે. બસ આવી જ લાગણી અમારા તરફ અને અમારી દીકરી તરફ રાખજો. " છૂટા પડતી વખતે શાલિની બોલી.
" અભિમન્યુએ મને બદલી નાખ્યો છે. બધાની માફી માગો અને બધાને માફ કરો એ સૂત્ર મેં અપનાવી લીધું છે. " કાનાણી બોલ્યા અને બધા છૂટા પડ્યા.
લગ્ન માટે બધાંએ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનો દિવસ પસંદ કર્યો હતો એટલે એ દિવસે સાંજે કાનાણીએ પોતાની ઓળખાણથી મલાડમાં મારવે રોડ ઉપર આવેલી આસ્વાદ રેસ્ટોરન્ટનો બેન્કવેટ હોલ બુક કરાવી દીધો.
અભિમન્યુ અને વલ્લકીનો સગાઈનો પ્રસંગ પતી ગયો અને વેડીંગ હોલનું બુકિંગ પણ થઈ ગયું એટલે કાનાણી નવરા પડી ગયા.
બિમારી પછી ઓફિસે હાજર થતાં પહેલાં કાનાણીને એક વાર ફરીથી બાબાજીનાં દર્શન કરવાની ઈચ્છા થઈ. મન જ્યારે શુદ્ધ અને સાત્વિક થાય ત્યારે સંત સમાગમની ઈચ્છા થતી હોય છે. બાબાજીના બધા જ શબ્દો એમને યાદ હતા પરંતુ આજે એમને સાચું અર્થઘટન સમજાયું. એમને અફસોસ થયો કે એ સમયે પોતે પોતાની રીતે ખોટું અર્થઘટન કર્યું હતું !
એમણે તુકારામને ફોન કર્યો અને બીજા દિવસે સવારે ૭ વાગે આવી જવાનું કહ્યું.
તુકારામ આવી ગયો ત્યારે કાનાણી તૈયાર થઈને જ બેઠા હતા. એમણે તુકારામને જ્યાં થોડા સમય પહેલાં ગયા હતા એ જ નંદીકેશ્વર મઠ પાસેના આશ્રમમાં જવાની સૂચના આપી. તુકારામે ગાડીને નાસિકના રસ્તે લઈ લીધી. એને ખૂબ જ આશ્ચર્ય થયું હતું કે શેઠ તો એકદમ નોર્મલ થઈ ગયા હતા.
આશ્રમે પહોંચ્યા પછી કાનાણીએ આશ્રમની ડંકીએ જઈને હાથ પગ ધોઈ નાખ્યા અને ત્યાં રસોઈનું કામકાજ સંભાળતા યુવાન સાધુને પોતે બાબાજીનાં દર્શન કરવા માંગે છે એની જાણ કરી.
લગભગ અડધા કલાક પછી સાધુએ એમને અંદર જવા સૂચન કર્યું.
આજે પણ સાધુએ બાબાજીની સામે કાનાણીને બેસવા માટે શેતરંજી પાથરી રાખી હતી. કાનાણીએ બેસતાં પહેલાં ઘૂંટણ ઉપર બેસીને જમીન ઉપર માથું ટેકવીને બાબાજીને નમસ્કાર કર્યા.
બાબાજી તો સર્વજ્ઞ હતા. કાનાણીમાં આવેલા પરિવર્તનને પણ એ જાણી ગયા. એમણે હસીને પોતાનો હાથ ઊંચો કરી આશીર્વાદ આપ્યા. એ પછી કાનાણી શેતરંજી ઉપર બેઠા.
" બાબાજી આજે હું આપની પાસે કંઈ પણ માગવા આવ્યો નથી. મને નવું જીવન મળ્યું છે એટલા માટે બસ આપના આશીર્વાદ લેવા આવ્યો છું. મારા થકી ભૂતકાળમાં જે પણ પાપ કર્મો થઈ ગયાં છે એના માટે મને માફ કરો." કાનાણી બે હાથ જોડીને બોલ્યા.
બાબાજી નાથ સંપ્રદાયના હતા અને મોટાભાગના ભક્તો ગુજરાતી અને મરાઠી હોવાથી ગુજરાતી સારી રીતે બોલી અને સમજી શકતા હતા. પોતે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓના કારણે બાબાજી ઘણું બધું જોઈ શકતા હતા.
" માફી તો માત્ર ઈશ્વર જ આપી શકે. હું તો તમને માત્ર આશીર્વાદ આપી શકું. તમને સાચા રસ્તે પાછા ફરેલા જોઈ મને આજે ખૂબ જ આનંદ થયો છે. જગત આખું કર્મોના હિસાબ કિતાબ ઉપર ચાલે છે શેઠ. જેની તમે હત્યા કરી એ જયદેવ ગયા જન્મમાં તમારો સગો નાનો ભાઈ હતો પણ એ ખૂબ માથાભારે હતો. વકીલ પાસે તમારા પિતાનું ખોટું વીલ બનાવીને પિતાની ખોટી સહી પણ એણે કરી હતી. પિતાના મૃત્યુ પછી વીલ દ્વારા તમારા હકની લાખોની જમીન પચાવી પાડી હતી. પ્રોપર્ટીમાં પણ તમને કોઈ જ ભાગ આપ્યો ન હતો અને તમારે મકાન પણ ખાલી કરી દેવું પડ્યું હતું." બાબાજી આંખો બંધ કરીને બોલી રહ્યા હતા.
" તમને એણે એટલો બધો અન્યાય કર્યો હતો અને ત્રાસ આપ્યો હતો કે તમારા મનમાં નાના ભાઈની હત્યા કરી નાખવાની ઈચ્છા પેદા થઈ હતી. તમે કોશિશ પણ કરી હતી પરંતુ તમે સજ્જન હોવાથી છેલ્લે વિચાર માંડી વાળ્યો હતો. તમારી એ દબાયેલી વેર ભાવના આ જન્મમાં જયદેવ માટે જાગૃત થઈ ગઈ હતી. છેવટે ગયા જન્મની અધૂરી રહેલી ઈચ્છા તમે આ જન્મમાં પૂરી કરી." બાબાજી બોલી રહ્યા હતા અને કાનાણી એક ચિત્તે આશ્ચર્યથી સાંભળી રહ્યા હતા.
" અભિમન્યુ ગયા જન્મમાં તમારો દીકરો હતો. એ ગયા જન્મમાં પણ સંસ્કારી હતો અને આ જન્મમાં પણ એ સંસ્કારી જ છે. એનો આત્મા ખૂબ જ પવિત્ર છે. ગયા જન્મમાં યુવાનીમાં જ એનું મૃત્યુ થઈ ગયું હતું. જયદેવના પિતા ગંગાધર પાઠક સન્યાસી બની ગયા હતા. એમણે જ અભિમન્યુના પૂર્વજન્મના પવિત્ર આત્માને પોતાના તપોબળથી જયદેવની પત્નીના ગર્ભમાં મોકલ્યો હતો." બાબાજી બધું પ્રત્યક્ષ જોઈ રહ્યા હોય એ રીતે પૂર્વજન્મની વાતો કરી રહ્યા હતા.
" અભિમન્યુના મનમાં તમારા પ્રત્યે પિતાની હત્યાના બદલાની ભાવના હોવા છતાં પણ પૂર્વજન્મમાં એ તમારો જ દીકરો હોવાથી એણે તમને બરબાદ ના થવા દીધા. તમારી બિમારી પછી એના પૂર્વજન્મના સંસ્કારો સપાટી ઉપર આવ્યા અને તમારા પ્રત્યે લાગણી પ્રગટી. એના દાદાની શક્તિઓથી એણે તમને નવજીવન આપ્યું." બાબાજીએ કાનાણી સામે પૂર્વજન્મનો આખો ચોપડો ખોલી નાખ્યો.
બાબાજી એ પણ જોઈ શક્યા હતા કે અભિમન્યુએ જ શેઠના ૭૫ કરોડ લઈ લીધા હતા અને હવે એ પૈસા પાછા પણ આપવાનો હતો પરંતુ એ ચર્ચા એમણે જાણી જોઈને ના કરી. સંત પુરુષો કદી પણ કોઈનું અહિત થવા દેતા નથી.
કાનાણી પોતાના પૂર્વજન્મ વિશેની બાબાજીની વાત સાંભળીને અચંબામાં પડી ગયા. ખરેખર કર્મોની આંટીઘૂંટી સમજવી ઘણી મુશ્કેલ છે. કોઈપણ ઈચ્છા મરતી નથી અને એ ઈચ્છા પૂરી કરવા માટે જન્મ લેવો જ પડે છે એ એમને સમજાઈ ગયું.
" બાબાજી એક સવાલ પૂછું ?" કાનાણી નમ્રતાથી બે હાથ જોડીને બોલ્યા.
" પૂછો. " બાબાજી બોલ્યા.
" મારા અને જયદેવ પાઠકના પૂર્વ જન્મનો આપશ્રીએ જે ઇતિહાસ કહ્યો તે મને પહેલાં કેમ ના કહ્યો ? અગાઉ પણ હું આપને બે વાર મળી ચૂક્યો છું." કાનાણી બોલ્યા.
" મોસમનો વરસાદ માત્ર પથ્થરો ઉપર પડે તો પાણી વેડફાઈ જાય. એ જ વરસાદ ખેડાયેલી જમીન ઉપર પડે તો સુંદર પાક ઉગે. તમારું મન જ્યાં સુધી આ બધું સમજવા માટે પરિપક્વ ન થાય ત્યાં સુધી મારા શબ્દો પણ વેડફાઈ જાય. તમારી અંદરનો કાચ સ્વચ્છ હોય તો જ મારો પ્રકાશ છેક અંદર સુધી જઈ શકે. અત્યાર સુધી તમે પૈસાના અને વાસનાના નશામાં હતા. યોગ્યતા વગર હું રહસ્યો જણાવતો નથી." બાબાજી હસીને બોલ્યા.
" બાબાજી આપની વાતો સાંભળીને આજે મને પણ સંતોષ થયો છે અને શાંતિ પણ મળી છે. આજે તો મારી ભેટ આપશ્રીએ સ્વીકારવી જ પડશે." કાનાણી બોલ્યા અને ઘરેથી લાવેલો પાંચ લાખનો ચેક બાબાજીના ચરણોમાં મૂક્યો.
" તમારી લૂંટાઈ ગયેલી મોટાભાગની લક્ષ્મી તમારા ઘરે પાછી આવી જશે. જીવનમાં એનો સદુપયોગ કરજો. " બાબાજી બોલ્યા.
કાનાણી ઊભા થયા અને ઘુંટણીએ બેસીને બાબાજીના ચરણોમાં ફરી માથું નમાવ્યું અને બહાર નીકળી ગયા.
ઘરે પાછા ફર્યા ત્યારે બપોરના બે વાગી ગયા હતા. શેઠને એમના બંગલે ઉતારીને સાવંત ત્યાથી નીકળી ગયો.
એ જ દિવસે બપોરે અભિમન્યુએ ધવલને મોકલીને બીજાં ચાર બોક્સ મંગાવી લીધાં હતાં અને કાનાણી શેઠનાં જે ચાર બોક્સ ગોડાઉનમાં રાખેલાં હતાં એ ખાલી કરી એમાંના ૨૪ કરોડ ચાર નવાં બોક્સમાં પેક કરી એના ઉપર દોરી બાંધીને તૈયાર કરી દીધાં હતાં.
એ પછી અભિમન્યુએ સાંજે પાંચ વાગે ધવલની મદદથી ત્રણ બોક્સ પોતાની એસયુવી ગાડીમાં ગમે તેમ કરીને ગોઠવી દીધાં. એક ટેક્સી ઉભી રાખીને એમાં ચોથું બોક્સ મૂકી દીધું.
ધવલને એની પાછળ પાછળ કાનાણી શેઠના બંગલે આવવાની સૂચના આપી અને પોતે ગાડીમાં બેસી ગાડી સ્ટાર્ટ કરી.
ધવલે શેઠનો બંગલો જોયેલો હતો. ભૂતકાળમાં પણ બે વાર એમના ઘરે ગયેલો હતો. એણે ટેક્ષી ડ્રાઇવરને ટેક્ષી મઢ આઇલેન્ડ લઈ લેવાની સૂચના આપી.
કાનાણી શેઠના બંગલે પહોંચી ગયા પછી ધવલની મદદથી અભિમન્યુએ તમામ ચાર બોક્સ નીચે ઉતારી દીધાં અને બંગલાનો ગેટ ખોલી તમામ બોક્સ ઓસરીમાં હીંચકા પાસે મૂકાવી ધવલને એ જ ટેક્સીમાં પાછો ઓફિસે મોકલી દીધો.
એ પછી અભિમન્યુએ ડોરબેલ વગાડ્યો. તરલાબેને જ દરવાજો ખોલ્યો.
" માસી આ ચાર બોક્સ ઘરમાં મૂકવાનાં છે." અભિમન્યુ બોલ્યો અને એણે ધક્કો મારીને ચારે ચાર બોક્સ ડ્રોઈંગ રૂમની અંદર ખસેડી દીધાં.
" કહું છું અભિમન્યુ આવ્યો છે જરા બહાર આવો." તરલાબેને બેડરૂમ પાસે જઈને કાનાણી શેઠને બૂમ પાડી.
આરામ કરી રહેલા કાનાણી તરત જ ઊભા થઈને બેડરૂમની બહાર ડ્રોઈંગ રૂમમાં આવ્યા. એમણે સોફા ઉપર અભિમન્યુને બેઠેલો જોયો અને એની સામે ચાર બોક્સ ઉપર પણ એમની નજર પડી.
" આ બોક્સમાં આટલું બધું શું લઈ આવ્યો છે બેટા ? " કાનાણી પ્રેમથી બોલ્યા. આજે જ બાબાજીએ એમને કહ્યું હતું કે અભિમન્યુ ગયા જન્મમાં એમનો દીકરો હતો !
" તમે ગુમાવી દીધેલી લક્ષ્મી તમારા ઘરે પાછી લઈ આવ્યો છું અંકલ." અભિમન્યુ હસીને બોલ્યો.
" મારી ગુમાવેલી લક્ષ્મી ?" કાનાણી આશ્ચર્યથી બોલ્યા.
" હા અંકલ. આ ચાર બોક્સમાં ૨૪ કરોડ રોકડા છે જે તમે તમારા ઘરમાં થી કાઢીને સરદારજીને આપેલા." અભિમન્યુ આમ જુઓ તો સાચી વાત જ કહી રહ્યો હતો.
"પરંતુ તારી પાસે આ ૨૪ કરોડ કેવી રીતે આવ્યા ? " કાનાણી આશ્ચર્યથી બોલ્યા.
" જુઓ અંકલ મારા છ ડાયમંડ વેચીને ૫૧ કરોડ મેં સુધીર મ્હાત્રેને ચૂકવી દીધા એ તો મેં તમને કહ્યું જ હતું. તમે એને જે વેચાણખત કરી આપેલું એ મેં પાછું લઈ લીધું છે અને સ્ટેમ્પ પેપર ઉપર લખાવી પણ દીધું છે કે હવે એ તમારી પાસે એક પણ રૂપિયો માગતો નથી. વેચાણખત હું મારી સાથે લેતો આવ્યો છું. તમે એને તમારા હાથે જ ફાડી નાખજો. હવે બાકી રહ્યા ૨૪ કરોડ જે અત્યારે લઈ આવ્યો છું." અભિમન્યુ બોલ્યો અને મ્હાત્રે પાસેથી પાછો લીધેલો વેચાણ ખતનો દસ્તાવેજ કાનાણીના હાથમાં આપ્યો.
કાનાણી થોડી ક્ષણો સુધી વેચાણ ખત તરફ જોઈ રહ્યા. અભિમન્યુએ મદદ ના કરી હોત તો આ વેચાણ ખતના આધારે પોતાનો બંગલો અને પોતાના ૨૦ ફ્લેટ ગુમાવી દેવા પડત. જે થયું હતું તે કલ્પના બહારનું થયું હતું. એમની આંખો ભરાઈ આવી. અભિમન્યુ માટે એમના મનમાં ખૂબ જ આદર પેદા થયો.
" પરંતુ બેટા મારા તો બધા જ રૂપિયા સરદારજી લઈ ગયો છે તો પછી તારી પાસે આ ૨૪ કરોડ કેવી રીતે આવ્યા ? " કાનાણીએ ફરી એ જ સવાલ કર્યો.
" તમે ભૂલી ગયા લાગો છો અંકલ. મેં ગયા વખતે જ તમને કહ્યું હતું કે ત્રણ ડાયમંડ વેચીને હું બાકીના ૨૫ કરોડ પણ તમને આપી દઈશ. પરંતુ ત્રણ ડાયમંડના ૨૪ કરોડ જ મળ્યા એટલે એક કરોડનું નુકસાન તમારે વેઠવું પડશે. " અભિમન્યુ બોલ્યો.
" અરે બેટા એક કરોડ તું ભૂલી જા. તેં આટલી મોટી રકમ મને ભેટ આપી છે ત્યાં એક કરોડનો હિસાબ શું કામ કરે છે ? તું હવે મારો વરસદાર દીકરો જ છે અને તારે આમાંથી જેટલા પણ રૂપિયા જોઈતા હોય એ તું લઈ જા. બધા પાછા લઈ જઈશ તો પણ મને હવે કોઈ ફરક નથી પડતો. બધું અહીં ને અહીં જ મૂકીને જવાનું છે એ મને સમજાઈ ગયું છે. " કાનાણી બોલ્યા.
" ના અંકલ. તમારી મહેનતની આ કમાણી છે અને મારે એમાંથી એક રૂપિયો પણ જોઈતો નથી. ઈશ્વરે મને ઘણું આપ્યું છે. મારી પાસે ડાયમંડ છે એ જ મારી મોટી મૂડી છે. મને પોતાને રૂપિયાનો એટલો મોહ નથી અંકલ. " અભિમન્યુ બોલ્યો.
" એ તો આજે મને સમજાઈ ગયું છે. આટલી મોટી રકમ મને આપીને તેં મારા પ્રત્યેની સાચી લાગણી પ્રગટ કરી છે." કાનાણી બોલ્યા.
આ વાતને એક મહિનાનો સમય પસાર થઈ ગયો. આ એક મહિનામાં બંને પક્ષે તમામ શોપિંગ પતી ગયું. અભિમન્યુ અને વલ્લકીનાં લગ્ન માટે પ્રતાપ કાનાણીએ પણ સારા એવા પૈસાનો ખર્ચ કર્યો. વલ્લકીનાં તમામ ભારે કપડાં અને દાગીનાનું બિલ કાનાણીએ ચૂકવ્યું. મહેશ તરફથી જે મારવાડીને કેટરિંગ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એનું ભોજન સમારંભનું તમામ બિલ પણ કાનાણી જ આપશે એવું નક્કી થયું.
લગ્ન માટે આસ્વાદ રેસ્ટોરન્ટનો જે બેન્કવેટ હોલ નક્કી કરવામાં આવ્યો એનું પૂરેપૂરું બિલ કાનાણીએ એડવાન્સમાં ભરી દીધું. મંડપ ડેકોરેશનનો તમામ ખર્ચ પણ કાનાણી તરફથી આપવામાં આવશે એવું નક્કી થયું.
સગાઈ વખતે કાનાણી તરફથી જે ગ્રે કલરનું સ્યૂટનું કાપડ અભિમન્યુને આપવામાં આવ્યું હતું એમાંથી જ સ્યૂટ સીવડાવી દીધો. માત્ર શેરવાની જ શો રૂમમાંથી પસંદ કરવામાં આવી જેની પસંદગી કરવા માટે અભિમન્યુ અને મુનીર બંને સાથે ગયા હતા. અભિમન્યુ માટે સાફો મહેશ તરફથી પસંદ કરવામાં આવ્યો. વિડીયો શુટીંગ અને ફોટોગ્રાફીની જવાબદારી પત્રકાર કેતકી નાણાવટીએ લઈ લીધી હતી. લગ્નના દસ દિવસ બાકી રહ્યા ત્યારે જ્યાં મોકલવા જેવી હતી ત્યાં લગ્નની કંકોત્રી પણ મોકલી દેવામાં આવી.
વૈશાખ મહિનો શરૂ થઈ ગયો. બે દિવસ પછી અખાત્રીજ આવી રહી હતી એટલે બંને ઘરે લગ્ન પ્રસંગનો ધમધમાટ ચાલુ થઈ ગયો. અભિમન્યુ પક્ષે ખાસ અંગત સગાં વહાલાં ન હતાં. દૂરની એક ફોઈનો દીકરો અને એની વહુ હતાં જે મુંબઈમાં જ રહેતાં હતાં એટલે એ પ્રસંગમાં જ હાજર રહેવાનાં હતાં. દૂરના કહી શકાય એવા એક મામા અને મામી વડોદરા રહેતાં હતાં એ અભિમન્યુના ઘરે બોરીવલી આવી ગયાં હતાં. એ સિવાય પાડોશમાં રહેતાં બે ફેમિલી પણ સતત હાજરી પુરાવતાં હતાં.
એ જ પ્રમાણે વલ્લકીના ઘરે પણ ત્રણ ચાર મહેમાનો આવી ગયાં હતાં અને બાકીનાં લગ્નના દિવસે વહેલી સવારે આવી જવાનાં હતાં.
બીજો એક દિવસ પસાર થઈ ગયો. આજે બીજના દિવસે સવારે આઠ વાગે કાનાણીએ મોકલેલા પંડિતજીએ આવીને ગણેશ સ્થાપન કરાવી દીધું. અભિમન્યુના હાથે મીંઢળ પણ બાંધી દીધું. માણેક સ્તંભ રોપાવી મંડપ મુહૂર્ત પણ કરાવી દીધું. એ પછી પીઠીની વિધિ પણ કરાવી દેવામાં આવી. આ પ્રસંગે અભિમન્યુના તમામ મિત્રો હાજર હતા. વિડીયો શુટીંગ પણ કરવામાં આવ્યું અને ઢોલની વ્યવસ્થા પણ ખાસ કરવામાં આવી જેથી મંગલ પ્રસંગની જાણ આજુબાજુ બધાંને થાય.
બીજા પંડિતજી દ્વારા એ જ વિધિ વલ્લકીના ઘરે પણ કરવામાં આવી. વલ્લકીના ડાબા હાથે પણ મીંઢળ બાંધવામાં આવ્યું. એ પછી એને પીઠી ચોળવામાં આવી. કેતકીએ ત્યાં પણ પોતાનો સ્ટાફ વિડીયો શુટીંગ માટે મોકલી આપ્યો હતો. પ્રતાપ કાનાણી પત્ની સાથે આજે સવારથી જ વલ્લકીના ઘરે હાજર રહ્યા હતા.
સાંજે ૪ વાગે વલ્લકીની બેસ્ટ ફ્રેન્ડ માધવીનો ફોન આવ્યો. માધવીનો બાંદ્રા લિંક રોડ ઉપર જ્વેલરીનો શો રૂમ હતો. માધવી શ્રીમંત કુટુંબની દીકરી હતી.
" વલ્લી તું પાંચ મિનિટ માટે મારા શો રૂમ ઉપર આવી શકીશ ? બે લેટેસ્ટ ડિઝાઇનના નેકલેસ હમણાં જ મારી પાસે આવ્યા છે. બંને સરસ છે. મારે નેકલેસ તને કાલે ગિફ્ટ આપવાનો છે. વિડીયો કૉલમાં હું બતાવી શકું છું પણ એમાં ખરેખર મજા નહીં આવે. તું જાતે આવીને જોઈશ એ વધારે સારું રહેશે." માધવી બોલી.
"ઠીક છે હું કોશિશ કરું છું." વલ્લકી બોલી અને ફોન કટ કર્યો.
" મમ્મી હું બાંદ્રા જઈને આવું છું. મારી ફ્રેન્ડ માધવીનો ફોન હતો. મારે કાલ માટે નેકલેસ પસંદ કરવાનો છે. દોઢ બે કલાકમાં તો હું આવી જઈશ." વલ્લકી બોલી.
" પીઠી ચોળાઈ ગઈ છે અને મીંઢળ પણ બંધાઈ ગયું છે એટલે હવે તારાથી બહાર ના જવાય બેટા. એને જે નેકલેસ આપવો હોય તે આપે. તારે નહીં જવાનું. " શાલિની બોલી.
" તારી મમ્મી સાચું કહે છે બેટા. હવે લગ્ન થાય ત્યાં સુધી તારે ઘરની બહાર નહીં જવાનું. " દાદા ધરમશીભાઈ બોલ્યા.
" મમ્મી પ્લીઝ. આવી બધી વાતોમાં તમે નહીં આવો. આપણે મુંબઈ જેવા શહેરમાં રહીએ છીએ. આ બધી તો જૂની માન્યતાઓ છે. અને હું ટેક્સીમાં જઈને ટેક્સીમાં પાછી આવીશ. મારે જાતે સિલેક્શન કરવું બહુ જરૂરી છે. " વલ્લકી બોલી.
" સારું જા જઈ આવ. નોર્મલ કપડાં પહેરી લે અને મીંઢળ ઉપર રૂમાલ વીંટી દે. કોઈની નજર ના લાગે. " રાજેશ બોલ્યો.
છેવટે વલ્લકી સાદો ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગઈ અને બાંદ્રા જવા માટે લિફ્ટમાં નીચે ઊતરી.
પરંતુ વલ્લકીને એ ખબર ન હતી કે બાંદ્રા જવાનું આ પગલું એનું આખું કિસ્મત બદલી નાખવાનું હતું !!!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા
