વલ્લકી નવલકથા (Vallaki Novel Part-40)

Related

વલ્લકી પ્રકરણ 40

હાથે મીંઢળ બાંધેલી વલ્લકી એકતા ટેરેસની લિફ્ટમાં નીચે ઉતરી અને બહાર રોડ ઉપર આવી.

નીચે રોડ ઉપર આજુબાજુ બધે જોયું પણ ક્યાંય કોઈ ટેક્સી દેખાતી ન હતી. ત્રણ ચાર રિક્ષાઓ પાર્ક કરેલી હતી. બાંદ્રા સુધી તો રીક્ષામાં પણ જઈ શકાતું હતું એટલે છેવટે એણે રિક્ષામાં જ જવાનો નિર્ણય લઈ લીધો અને રીક્ષાને બાંદ્રા લિંક રોડ લઈ લેવાની સૂચના આપી.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

લગભગ પોણા કલાક પછી રીક્ષા બાંદ્રા લિંક રોડ પહોંચી ગઈ. વલ્લકીએ માધવીનો શો રૂમ જોયેલો હતો એટલે એ રીક્ષાવાળાને સૂચના આપતી રહી.

રીક્ષા જે બાજુ જઈ રહી હતી એની સામી બાજુએ માધવીનો શો રૂમ હતો. વલ્લકીએ શો રૂમથી થોડે દૂર રીક્ષા ઊભી રખાવી અને ભાડું ચૂકવીને બહાર આવી. રીક્ષાવાળો આગળ નીકળી ગયો.

સાંજનો ટાઈમ હતો એટલે રોડ ઉપર ટ્રાફિક પણ ઘણો હતો. એક પછી એક સતત ગાડીઓ દોડતી જ રહેતી હતી.

આગળનું સિગ્નલ હમણાં જ ચાલુ થયું હતું એટલે બંધ થવામાં હજુ બે મિનિટની વાર હતી. ઊભા રહેવાનો કંટાળો આવતો હતો. જેવું બે ગાડીઓ વચ્ચેનું અંતર થોડું વધારે દેખાયું કે તરત જ વલ્લકીએ ઝડપથી રોડ ક્રોસ કરવાની કોશિશ કરી. પરંતુ જે ગાડી આવી રહી હતી એ એટલી સ્પીડમાં હતી કે અંદર બેઠેલા યુવાને બ્રેક મારી તો પણ એની ટક્કરથી વલ્લકી હવામાં ઉછળીને નીચે પટકાઈ. એનું મીંઢળ પણ તૂટીને એક બાજુ ફેંકાઈ ગયું અને મોબાઈલ પણ પછડાઈને તૂટી ગયો.

આવતી જતી ગાડીઓ ઉભી રહી. રસ્તે જતા કેટલાક લોકો પણ ભેગા થઈ ગયા. માથામાંથી લોહી વહી રહ્યું હતું. વલ્લકી બેભાન થઈ ગઈ હતી.

માધવીનો જ્વેલરી શો રૂમ થોડેક જ દૂર હતો પરંતુ માધવી પોતાના કસ્ટમરમાં એટલી બીઝી હતી કે આ અકસ્માતની એને કોઈ જાણ જ ના થઈ. શો રૂમનો કાચનો દરવાજો પણ બંધ હતો એટલે બહારનો અવાજ અંદર આવતો ન હતો. કોઈએ એને સમાચાર પણ આપ્યા કે રોડ ઉપર કોઈ યુવતીનો એકસીડન્ટ થયો છે પરંતુ મુંબઈમાં આવા અકસ્માતો સામાન્ય બાબત હતી એટલે એણે બહુ લક્ષ્ય ના આપ્યું !

જે મર્સિડીઝ ગાડીથી ટક્કર વાગી હતી એ ગાડી ડ્રાઈવ કરી રહેલો યુવાન ઝડપથી નીચે ઉતર્યો અને એણે તરત જ એમ્બ્યુલન્સને ફોન કર્યો. દસેક મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. પેલા યુવાને પોતાની ઓળખાણ આપી અને એમ્બ્યુલન્સને બાંદ્રા રેકલેમેશન રોડ ઉપર આવેલી લીલાવતી હોસ્પિટલ લઈ લેવાની સૂચના આપી.

યુવાન પોતે પણ એમ્બ્યુલન્સની પાછળ ને પાછળ ગયો. વલ્લકીને સ્ટ્રેચર ઉપર ટ્રોમા સેન્ટરમાં લઈ લેવામાં આવી. યુવાન પણ ગાડી પાર્ક કરીને ટ્રોમા સેન્ટરમાં ગયો.

એડમિશન ફોર્મ ભરતી વખતે ઝાઝી પૂછપરછ ના થાય એટલા માટે એણે આ અજાણી યુવતીનું નામ માહી શેઠ લખાવ્યું. પોતાની જ કારની ટક્કર વાગી છે એવી સાચી માહિતી આપી. યુવતી પોતાની સંબંધી છે એવું પણ એણે લખ્યું. આ યુવકને ત્યાં બધા જ ઓળખતા હતા એટલે કોઈએ એને બીજા સવાલો ના કર્યા.

ટ્રોમા સેન્ટરમાં ન્યુરો સર્જને આવીને પોતાનું ચેકઅપ પતાવી દીધું અને કેટલાક ટેસ્ટ લખાવીને વલ્લકીને આઈસીયુ વૉર્ડમાં લઈ જવાની સ્ટાફને સૂચના આપી. ન્યુરો સર્જને યુવાન સાથે પણ વાત કરી લીધી.

"એકસીડન્ટ થયેલો છે એટલે ગાડીની ટક્કરથી પેશન્ટને સેરેબ્રલ હેમાટોમા છે. તમે તો જાણો જ છો કે રાહ જોવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. મગજમાં સારું એવું લોહી જામી ગયું છે. બધા ટેસ્ટ લખી આપ્યા છે એટલે એ જોયા પછી જ આપણે ચોક્કસ નિદાન ઉપર આવી શકીશું. " ન્યુરો સર્જન યુવાનના ખભે હાથ મૂકીને બોલ્યા.

અકસ્માત કરનાર એ યુવકનું નામ ડૉ. પ્રતીક શેઠ હતું. અને એ આ જ હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ હતો ! પ્રભાદેવીમાં ગોખલે રોડ ઉપર આવેલા રુસ્તમજી ક્રાઉન ટાવરમાં રહેતો હતો. એના પિતા ઝવેરીલાલ શેઠ પાસે એક જમાનામાં દાદરની કોહીનુર મિલ અને રૂબી મિલની એજન્સી હતી. ૩૦ વર્ષનો પ્રતીક એમનો એકનો એક દીકરો હતો. પરિવાર શ્રીમંત હતો !

વલ્લકીને થયેલા અકસ્માત માટે પ્રતીક પોતાને જ જવાબદાર માનતો હતો એટલે એનો આત્મા ડંખતો હતો અને એ વલ્લકીની પૂરી કાળજી લઈ રહ્યો હતો. આઈસીયુમાં પણ બધો સ્ટાફ માહીને પ્રતીક સરની રિલેટિવ માનીને એનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. પ્રતીક રાત્રે ઘરે ગયો ત્યારે પણ નર્સને જરૂરી સૂચના આપતો ગયો હતો.
*******************

ચાર વાગે ઘરેથી નીકળેલી વલ્લકી સાત વાગ્યા સુધી પણ ઘરે ન આવી એટલે ઘરમાં બધાંને ચિંતા થઈ.

વલ્લકી મમ્મીને કહીને ગઈ હતી એટલે ડાયરીમાંથી શાલિનીએ માધવીનો નંબર શોધી કાઢ્યો અને એને ફોન કર્યો.

" માધવી હું વલ્લીની મમ્મી બોલું છું. વલ્લી તારા શો રૂમમાં આવી હતી તો ઘરે આવવા નીકળી કે નહીં ? " શાલિની બોલી.

" આન્ટી વલ્લી તો હજુ અહીં આવી જ નથી. હું તો ક્યારની એની રાહ જોઈ રહી છું. એનો ફોન પણ બંધ આવે છે. " માધવી બોલી.

" અરે પણ એવું કઈ રીતે બને ? એ તો ઘરેથી ચાર વાગ્યાની નીકળી ગઈ છે. " શાલિની બોલી.

" વ્હોટ !!! તો પછી શો રૂમમાં આવી કેમ નથી ? મને પણ હવે ચિંતા થાય છે. એ ઘરે પાછી આવી જાય તો મને પ્લીઝ જાણ કરજો. " માધવી બોલી.

માધવીને અચાનક યાદ આવ્યું કે સાંજે પાંચ વાગ્યા આસપાસ એના શો રૂમની બહાર રોડ ઉપર કોઈ યુવતીનો અકસ્માત થયો હતો એવું એની સેલ્સ ગર્લ કહી રહી હતી. એણે તરત જ સેલ્સ ગર્લને પૂછ્યું.

"અરે રુહી તું કોઈ કાર એક્સિડન્ટની વાત કરતી હતી તો કોનો એક્સિડન્ટ થયો હતો ? " માધવી બોલી.

" મેમ મેં નજીક જઈને તો જોયું નથી પરંતુ કોઈ યુવતી હતી. સામેથી આ તરફ રોડ ક્રોસ કરી રહી હતી. જેણે એકસીડન્ટ કર્યો એણે એમ્બ્યુલન્સ બોલાવી હતી. " રુહી બોલી.

" ઓહ... શીટ ! " માધવી બોલી.

વલ્લીને જ અકસ્માત થયો હોય એમ લાગે છે. મારે એ જ વખતે બહાર જઈને જોવાની જરૂર હતી. હવે પૂરી ખાત્રી વગર આન્ટીને આ સમાચાર દેવાય નહીં. એમ્બ્યુલન્સમાં કઈ હોસ્પિટલમાં એને લઈ ગયા હશે એ પણ કેવી રીતે ખબર પડે ! માધવી ચિંતામાં પડી ગઈ.

પરંતુ વધારે ચિંતા તો શાલિનીને થઈ. આ છોકરીને ના પાડી હતી કે મીંઢળ બાંધ્યું છે. પીઠી ચોળી છે. હવે તું ઘરની બહાર ના જા પણ માને તો ને !

રાતના આઠ વાગી ગયા. આવતી કાલે લગ્ન છે. ઘરે મહેમાનો આવી ચૂક્યા છે. અભિમન્યુના પક્ષે પણ આવતી કાલની જાનની તૈયારી થતી હશે અને અહીં બેન બાનું કોઈ ઠેકાણું જ નથી ! શાલિની સતત ચિંતામાં હતી.

" પપ્પાજી... આપણે અભિમન્યુને ખબર આપવી જ જોઈએ કે વલ્લકી ચાર વાગ્યાની બાંદ્રા ગઈ હતી અને હજુ સુધી પાછી નથી આવી. એનો ફોન પણ બંધ છે. જે શો રૂમમાં જવાની હતી ત્યાં પણ પહોંચી નથી." શાલિની બોલી.

" હા હા અભિમન્યુને ખબર કરવી જ જોઈએ. એ પણ એમની રીતે કોશિશ કરી શકે. " ધરમશીભાઈ બોલ્યા.

અને છેવટે રાત્રે સાડા આઠ વાગે શાલિનીએ અભિમન્યુને ફોન કર્યો.

" કુમાર હું શાલિની બોલું છું. "

"બોલો મમ્મી કેમ ફોન કરવો પડ્યો ?" અભિમન્યુ બોલ્યો.

" કુમાર ચાર વાગ્યાથી વલ્લકી ગુમ છે. એ બાંદ્રા લિંક રોડ ઉપર એની ફ્રેન્ડના શો રૂમમાં નેકલેસ જોવા માટે ગઈ હતી. પરંતુ એ શો રૂમ ઉપર પહોંચી જ નથી. એનો ફોન પણ બંધ આવે છે. કાલે લગન છે ઘરે મહેમાનો પણ આવી ગયા છે. શું કરવું એ સમજાતું જ નથી. " શાલિની ભારે અવાજે બોલી.

" અરે મમ્મી પણ તમારે મને વહેલા સમાચાર આપવા જોઈએ ને. સાડા આઠ વાગી ગયા છે. હવે રાત્રે તપાસ પણ ક્યાં કરવી ? મારા ઘરે પણ મહેમાનો આવી ગયા છે. તમે ચિંતા ન કરો. હું પૂરી કોશિશ કરું છું." અભિમન્યુ બોલ્યો.

શાલિનીના ઘરે આવેલા મહેમાનો પણ ચિંતામાં પડી ગયા હતા. જેનાં કાલે લગન છે એ કન્યા જ ગુમ થઈ ગઈ છે.

" ભાભી ખોટું ના લગાડશો. પરંતુ એક વાત પૂછું ?" શાલીનીની દૂરની દેરાણી કાશ્મીરા બોલી.

" હા પૂછ ને. " શાલિની બોલી.

" ભાભી વલ્લકીને કોઈની સાથે પ્રેમ તો નહોતો ને ? આ તો છોકરી ઘણી વાર કોઈના પ્રેમમાં હોય તો બીજા છોકરા સાથે લગન ના કરવા માટે ઘરેથી ભાગી જતી હોય છે. આપણી વલ્લકી એવી નથી પરંતુ આ તો મનમાં ઘણા વિચારો આવે." કાશ્મીરા બોલી.

" તું વિચારે છે એવું કંઈ જ નથી. અભિમન્યુને જ એ પ્રેમ કરતી હતી. આ એની પસંદગીનાં લગ્ન છે એટલે બીજું કંઈ વિચારવાની જરૂર નથી. " વલ્લકી બોલી. સવાલ સાંભળીને ગુસ્સો તો એવો આવ્યો પરંતુ ઘરે પ્રસંગ હતો.

એ રાત્રે મહેમાનોએ જમી લીધું પરંતુ શાલિની અને રાજેશ જમી શક્યા જ નહીં. ધરમશીભાઈને પણ પરાણે જમાડવા પડ્યા.

અભિમન્યુને સમાચાર મળ્યા એટલે એ પણ ઘણો ડિસ્ટર્બ થઈ ગયો. એનું કારણ એક જ હતું કે સમય ઓછો હતો. આવતીકાલ તો સવારે જાન નીકળવાની હતી. એની પણ પીઠી ચોળાઈ ગઈ હતી અને એને પણ મીંઢળ બંધાઈ ગયું હતું ! વલ્લકી ઘરે પાછી ના આવે તો મોટો તમાશો થઈ જાય. હોલ બુક કરાવી દીધો છે. કાલે મંડપ ડેકોરેશનવાળા પણ હૉલ ઉપર આવી જશે. કાલ સવારથી રસોઈ પણ હૉલ ઉપર શરૂ થઈ જશે.

એણે મમ્મીને એક બાજુ લઈ જઈને વલ્લકીના આ સમાચાર પણ આપ્યા. કુસુમબેન પણ મૂંઝાઈ ગયાં. વલ્લકી ક્યાં ગઈ હશે ! એનો ફોન કેમ બંધ આવે છે !

અભિમન્યુએ તરત જ મુનીરને ફોન કર્યો. મુનીર હજુ હમણાં એક કલાક પહેલાં જ ઘરે જવા માટે નીકળી ગયો હતો.

"મુનીર અભિમન્યુ બોલું છું. અચાનક એક ટેન્શન આવી ગયું છે. વલ્લકી સાંજે ચાર વાગે નેકલેસ જોવા માટે બાંદ્રા લિંક રોડ ઉપર એની ફ્રેન્ડના શો રૂમ ઉપર ગઈ હતી પરંતુ ત્યાં પહોંચી જ નથી અને હજુ સુધી ઘરે પણ નથી આવી. એનો ફોન પણ બંધ આવે છે. હવે એને શોધવી કઈ રીતે ? " અભિમન્યુ બોલ્યો.

" તું ચિંતા ના કર. બાંદ્રા લીંક રોડ ઉપર એની ફ્રેન્ડના શો રૂમનું નામ મળી શકે ? મારે એ જગ્યાએ જઈને જ થોડી તપાસ કરવી પડશે કે કોઈ દુર્ઘટના તો નથી બની ને ? " મુનીર બોલ્યો.

" ભલે હું તને પાંચ મિનિટમાં ફરી પાછો ફોન કરું છું. " અભિમન્યુ બોલ્યો.

એ પછી અભિમન્યુએ શાલિની સાથે વાત કરીને માધવીના શો રૂમનું નામ મેળવી લીધું અને મુનીરને ફોન કરીને જણાવી દીધું.

મુનીરે સૌથી પહેલાં બાંદ્રા પોલીસ સ્ટેશને ફોન કરીને બાંદ્રા લિંક રોડ ઉપર આજે સાંજે કોઈ અકસ્માત નોંધાયો છે કે નહીં એ પૂછી લીધું. પરંતુ આજે પોલીસ ચોપડે બાંદ્રા લિંક રોડ ઉપર કોઈ અકસ્માત થયાની નોંધ નહોતી.

એ પછી મુનીર પોતાની બાઈક લઈને કાંદીવલી પોલીસ સ્ટેશન ગયો અને ત્યાંથી પોલીસની બોલેરો લઈને બાંદ્રા લિંક રોડ પહોંચી ગયો. અભિમન્યુએ જે શો રૂમનું એડ્રેસ આપ્યું હતું ત્યાં પણ ગયો. રાતના દસ વાગવા આવ્યા હતા એટલે જ્વેલરી શો રૂમ તો બંધ થઈ ગયો હતો.

શો રૂમની લાઈનમાં જ એક રેસ્ટોરન્ટ ખુલ્લી હતી. મુનીર ત્યાં પહોંચી ગયો.

" અરે આજ શામ કો યહાં લિંક રોડ પે કોઈ એકસીડન્ટ હુઆ થા ક્યા ?" મુનીરે રેસ્ટોરન્ટના કાઉન્ટર ઉપર બેઠેલા યુવાનને પૂછ્યું.

" અરે હાં સા'બ. કરીબન પાંચ બજે એક લડકીકા એકસીડન્ટ હો ગયા થા. વો કાર સે ટકરા ગઈ થી. સર પે બહોત ચોટ આયી થી. વો બેહોશ હો ગઈ થી. મેરી રેસ્ટોરન્ટકે સામને હી એકસીડન્ટ હુઆ થા. દેખો અભી ભી લહુ કે દાગ દિખાઈ રહે હૈં. ઉસકા ફોન ભી તૂટ ગયા થા." યુવાન બોલ્યો.

" ફિર વો લડકી કહાં ગઈ ? કિસીને એમ્બ્યુલન્સ બુલાઈ થી ક્યા ? " મુનીર બોલ્યો.

" સર એમ્બ્યુલન્સ કે બારે મેં મુજે પતા નહીં હૈ ક્યોં કી એકસીડન્ટ હુઆ ઉસી વક્ત મૈં ઘર જા રહા થા. તો બાદમેં ક્યા હુઆ મુજે કુછ માલુમ નહીં હૈ." યુવાન બોલ્યો.

મુનીર અકસ્માત થયો હતો એ જગ્યાએ પહોંચી ગયો અને ધ્યાનથી એણે નિરીક્ષણ કર્યું. લોહીના સૂકાઈ ગયેલા ડાઘ સ્પષ્ટ દેખાતા હતા. તૂટી ગયેલા મોબાઈલના કાચ પણ વેરાયેલા હતા. હાથે બાંધેલું મીંઢળ પણ દોરી સાથે એક બાજુ પડ્યું હતું. જો કે તૂટેલો મોબાઈલ કોઈ લઈ ગયું હતું. મુનીરે બે ત્રણ ફોટા પણ પાડી દીધા.

વલ્લકીને ચોક્કસ એમ્બ્યુલન્સમાં કોઈ હોસ્પિટલમાં જ લઈ ગયા હશે પરંતુ બાંદ્રામાં ઘણી બધી હોસ્પિટલો હતી. એટલે એને કઈ હોસ્પિટલમાં લઈ ગયા હશે તે ખબર કેવી રીતે પડે ? જેટલી પણ હોસ્પિટલો છે એ તમામ હોસ્પિટલોમાં જઈને તપાસ કરવી પડે. પરંતુ અત્યારે રાત્રે દસ વાગે તો એ બધું શક્ય ન હતું.

મુનીરે અભિમન્યુને ફોન કર્યો અને બનાવની જાણ કરી.

" અભિમન્યુ સમાચાર સારા નથી દોસ્ત. વલ્લકીને અહીં બાંદ્રા લિંક રોડ ઉપર શો રૂમની સામે જ એક્સિડન્ટ થઈ ગયો છે. કોઈ કાર સાથે અથડાઈ ગઈ છે અને માથામાં ઇજા થઈ છે. લોહીના ડાઘા પણ રોડ ઉપર પડેલા છે. એને કોઈ હોસ્પિટલમાં એડમીટ કરેલી છે. પરંતુ રાતના દસ વાગી ગયા છે એટલે એને કઈ હોસ્પિટલમાં લઈ ગયા હશે એ તપાસ અત્યારે નહીં થઈ શકે. કાલનાં લગ્ન મુલત્વી રાખવાં પડશે. " મુનીર બોલ્યો.

સમાચાર સાંભળીને અભિમન્યુને ખૂબ જ આઘાત લાગ્યો. બે મિનિટ માટે મગજ શૂન્ય થઈ ગયું. આવતી કાલે અમારાં લગ્ન છે. મહેમાનો પણ બધા આવી ગયા છે. સવારે જાન જવાની છે અને કન્યા હોસ્પિટલમાં છે.

મન મક્કમ કરીને એણે પોતાના ઘરમાં મહેમાનો સામે જાહેર કરી દીધું કે વલ્લકીને અકસ્માત નડ્યો છે એટલે આવતી કાલનાં લગ્ન મુલત્વી રાખવાં પડયાં છે. ઘરમાં સોપો પડી ગયો. કુસુમબેન પણ ટેન્શનમાં આવી ગયાં.

હવે વલ્લકીના ઘરે સમાચાર કેવી રીતે આપવા ? હોસ્પિટલનું નામ ખબર હોય તો દોડીને હોસ્પિટલમાં પણ જવાય પરંતુ અત્યારે તો એના વિશે કોઈ જ માહિતી નથી. છતાં મારે એમને સમાચાર તો આપવા જ પડશે અને લગ્ન બંધ રાખવાની વાત પણ કરવી પડશે. શાલિની મમ્મીને વાત કરવા કરતાં પ્રતાપ અંકલને જ વાત કરવી સારી જેથી એ એમના ઘરે જઈને બધા સાથે વાત કરી શકે.

એણે પ્રતાપ અંકલને ફોન કર્યો અને જે પણ સમાચાર હતા તે વિસ્તાર પૂર્વક અંકલને કહી દીધા.

" અંકલ ભલે આર્થિક નુકસાન થશે પરંતુ આ લગ્ન અત્યારે તો મુલત્વી રાખવાં જ પડશે. આ સમાચાર હું એ લોકોને ફોન ઉપર આપું એના કરતાં તમે જાતે જઈને આ સમાચાર એમને આપો અને શાલિની મમ્મીને સંભાળી લો એવી મારી ઈચ્છા છે. વલ્લકી કઈ હોસ્પિટલમાં છે એ તપાસ પણ કાલે જ થઈ શકશે. મહેમાનોને વિદાય પણ આપી દેવી પડશે. કેટરિંગ કોન્ટ્રાક્ટ વાળાને રસોઈ શરૂ ના કરે એની જાણ હું પોતે જ ફોન ઉપર કરી દઉં છું. મંડપ ડેકોરેશનવાળાને પણ મારે જાણ કરવી પડશે." અભિમન્યુ બોલ્યો.

" તું ચિંતા ના કર બેટા. હું અત્યારે જ એમના ઘરે જવા માટે નીકળું છું. હું બધું સંભાળી લઈશ. લગ્ન માટે જે પણ ખર્ચો મેં કર્યો છે એની ચિંતા તું ના કરીશ. તેં કરોડો રૂપિયા ખર્ચીને મને નવી જિંદગી આપી છે તો આવા નાના નાના ખર્ચાનું ટેન્શન શા માટે કરે છે ? " કાનાણી બોલ્યા.

કાનાણી સાથે વાત તો કરી લીધી પરંતુ હવે વલ્લકીને શોધવાનું કામ ખૂબ જરૂરી હતું. વલ્લકી અત્યારે ક્યાં હશે ? જો એ ભાનમાં હોય તો એને લગ્ન વિશે યાદ હોય જ અને તો પછી એ બીજાના ફોનથી પણ ઘરે વાત કરી શકે. ફોન નથી આવ્યો મતલબ કે એ બેહોશ હોઈ શકે !

અને અચાનક અભિમન્યુને રુદ્રાક્ષ યાદ આવી ગયો. બધું જ જાણી શકાશે. આ કામ તો સૌથી પહેલાં કરવાની જરૂર હતી.

એ તરત જ મમ્મીના બેડરૂમમાં પૂજાનું નાનકડું મંદિર હતું ત્યાં પહોંચી ગયો. મંદિરનું ડ્રોવર ખોલ્યું પણ ત્યાં રુદ્રાક્ષ ન હતો. આખું ડ્રોવર બહાર કાઢીને બરાબર ચેક કર્યું પરંતુ રુદ્રાક્ષ ન હતો.

અભિમન્યુના પેટમાં ફાળ પડી. એણે મમ્મીને બોલાવી.

" મમ્મી આ ડ્રોવરમાં રુદ્રાક્ષ રાખેલો હતો એ તેં બીજે ક્યાંય મૂક્યો છે ? " અભિમન્યુ બોલ્યો.

" રુદ્રાક્ષનું વળી તારે શું કામ પડ્યું ? ગણેશ સ્થાપન હતું એટલે નીચેનું ખાનું મેં સાફ કરેલું. ડ્રોવરમાં બે ત્રણ રૂદ્રાક્ષ હતા એ બધા મેં આજે સવારે જ ગણેશ સ્થાપન કરાવનારા પંડિતને આપી દીધા. વર્ષોથી રુદ્રાક્ષ ખાનામાં પડી રહ્યા હતા. આપણા માટે કોઈ કામના ન હતા. એને બિચારાને કામ આવશે. " કુસુમબેન બોલ્યાં.

" મમ્મી રુદ્રાક્ષ કોઈને આપી દેતાં પહેલાં કમ સે કમ મને પૂછવું તો હતું ! " અભિમન્યુ નારાજ થઈને બોલ્યો.

દાદાજીએ પોતાના તપોબળથી અને ગાયત્રી મંત્રોથી સિદ્ધ કરેલો રુદ્રાક્ષ મમ્મીએ પંડિતને આપી દીધો. એ પંડિત પણ પ્રતાપ અંકલે મોકલ્યો હતો. એનો ફોન નંબર પણ મારી પાસે નથી. હવે એને મારે ક્યાં શોધવો ?

હે ભગવાન શું થવા બેઠું છે સમજાતું નથી !
 
અશ્વિન રાવલ (અમદાવાદ)
"વલ્લકી" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■