વલ્લકી નવલકથા (Vallaki Novel Part-38)

Related

વલ્લકી પ્રકરણ 38

" મહેશ તું હવે ટેન્શન ફ્રી થઈ જા. તને મેં ૫૦ લાખ આપી દીધા છે. તું હવે તારો થિયેટરનો વ્યવસાય ચાલુ રાખ કે પછી બીજો કોઈ વ્યવસાય કર. તારું ભવિષ્ય હવે તારે જ નક્કી કરવાનું છે. તેં મને ખરેખર બહુ મોટી મદદ કરી છે. મેં લખેલી ડ્રામાની સ્ક્રિપ્ટનો તું જ મુખ્ય હીરો હતો. તારે ભવિષ્યમાં પણ કોઈ મદદની જરૂર હોય તો મારી ઓફિસ તારા માટે હંમેશાં ખુલ્લી છે." તુકારામ ગયા પછી અભિમન્યુ બોલ્યો.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

" અભિમન્યુ હું ખૂબ જ નસીબદાર છું કે મને તારા જેવો મિત્ર મળ્યો છે. તેં આપેલી રકમ મારા માટે ઘણી મોટી છે. અને હું સંતોષી જીવ છું. મને તો નાટકોમાં જ રસ છે. બીજી કોઈ જ આવડત મારામાં નથી. સાચું કહું તો શેઠના પૈસા પાછા આપીને અમારી નજરમાં તો તું જ અસલી હીરો બની ગયો છે." મહેશ બોલ્યો.

" મહેશની વાત સાચી છે. પૈસા પાછા આપીને મને પણ તેં આશ્ચર્યમાં મૂકી દીધો છે. હવે આગળનું તારું પ્લાનિંગ શું છે ? " મુનીર બોલ્યો.

" કાનાણીનું મિશન પૂરું થઈ ગયું છે એટલે અત્યારે તો મારે મારાં લગ્ન ઉપર ફોકસ કરવાનું છે. વૈશાખ મહિનામાં લગન છે એટલે એની પણ તૈયારી કરવી પડશે ને ? " અભિમન્યુ બોલ્યો.

" હા એ તો તારું હવે પર્સનલ મિશન છે. એટલે એમાં તો અમે કંઈ જ ના કરી શકીએ. છતાં અમારી મદદની જરૂર હોય તો અડધી રાત્રે પણ ફોન કરજે. " મુનીર બોલ્યો.

" પરમ દિવસે મુહૂર્ત સારું છે એટલે હું અને મમ્મી વલ્લકીના ઘરે જવાનાં છીએ. એ દિવસે ગોળધાણા ખાઈ લેવાનો વિચાર છે. વહેવારની પણ થોડી ચર્ચા કરી લઈશું. લગ્નનું મુહૂર્ત પણ પરમ દિવસે ફાઈનલ થઇ જશે. એ પછી શોપિંગ શરૂ થશે. મેરેજ માટે સ્યૂટ સીવડાવવા તારી જરૂર પડશે તો કાપડના શો રૂમ ઉપર તને બોલાવી લઈશ. શેરવાની તૈયાર લેવી છે એટલે એમાં પણ તું મારી સાથે રહેજે. હું તને ફોન કરી દઈશ." અભિમન્યુએ મુનીરને સંબોધીને કહ્યું.

" અને મહેશ તારે કંઈ જ કરવાનું નથી. તારે મારી જાનમાં આવવાનું છે. મારે ઝાઝા મિત્રો નથી. આદિત્ય સારો કોલેજ મિત્ર હતો પણ એ અમેરિકા સેટલ થઈ ગયો છે. આલાપ વસાવડા અને કેતકી નાણાવટી છે. આલાપ તો બેંકમાં જોબ મળ્યા પછી મને ભૂલી જ ગયો છે. છતાં એને જાનમાં લેવો પડે. કેતકી હજુ પણ મારા ટચમાં છે." અભિમન્યુ બોલ્યો.

" માત્ર જાનમાં જ નહીં. મારે લાયક બીજું કંઈ પણ કામ હોય તો પણ કહી શકે છે. લગન હોય એટલે ઘણી દોડાદોડી કરવી પડતી હોય છે. " મહેશ બોલ્યો.

" ઠીક છે ભાઈ તને પણ થોડું કામ આપીશ." અભિમન્યુ હસીને બોલ્યો.

" મંડપ ડેકોરેશન વાળાના સંપર્ક મારી પાસે છે. વરરાજાને તૈયાર કરનારો મેકઅપ મેન પણ મારી પાસે છે. તારે સાફો પહેરવાનો હોય તો એ પણ હું લાવી આપીશ. કેટરિંગ કોન્ટ્રાક્ટવાળો પણ મારો ઓળખીતો છે. " મહેશ બોલ્યો.

" અરે તો તો પછી તું બહુ કામનો છે મહેશ. હવે તો મારે તને ચોક્કસ યાદ કરવો પડશે. " અભિમન્યુ હસીને બોલ્યો.

એ પછી દસેક મિનિટ વાતો કરીને બંને મિત્રો ઊભા થઈને બહાર નીકળી ગયા.

બીજા દિવસે અભિમન્યુ વહેલી સવારે ૪ ચાર વાગે ઉઠી ગયો અને ધ્યાનમાં બેસી પોતાના દાદાજીને ફરી યાદ કર્યા. ખૂબ જ મહેનત કરવા છતાં આજે દાદાજી અભિમન્યુની ધ્યાન અવસ્થામાં આવ્યા જ નહીં.

એ અડધી કલાકમાં જ ધ્યાનમાંથી બહાર આવી ગયો અને નાહી ધોઈને ગાયત્રીની ૧૧ માળા કરી. રોજ એ માત્ર ૫ માળા કરતો હતો. હવેથી એણે ૧૧ માળા કરવાનો નિર્ણય લઈ લીધો. આટલી માળા કરવાથી એને ખરેખર બહુ સારું લાગ્યું.

એ પછી એણે રુદ્રાક્ષ હાથમાં લીધો. વાડકીમાં ત્રણ ચાર ચમચી જેટલું પાણી રેડીને એમાં રુદ્રાક્ષ મૂકી દીધો. એ પછી રુદ્રાક્ષની સામે ધ્યાન કરીને એ બોલ્યો.

" હે રુદ્રાક્ષ તમે પોતે જ શિવ સ્વરૂપ છો અને મનવાંછિત ફળ આપનારા છો. આજ સુધી તમારી પાસે જે પણ માગ્યું તે મળ્યું છે. મારા મનમાં થોડી બદલાની ભાવના જાગી હતી એટલે મેં પ્રતાપ કાનાણીને ઘણી પીડા પહોંચાડી છે. હવે હું એમને સંપૂર્ણ તંદુરસ્ત કરવા માગું છું. આ જલમાં તમે એવા આશીર્વાદ આપો કે આ જલ પીવાથી પ્રતાપ કાનાણી પહેલા હતા એવા એકદમ નોર્મલ થઈ જાય અને એમનામાં સદબુદ્ધિ પણ આવે. વિલાસના માર્ગેથી પણ એ પાછા વળી જાય. " અભિમન્યુ ત્રણ વાર આ રીતે રુદ્રાક્ષ સામે જોઈને બોલ્યો.

" તથાસ્તુ. તારી ઈચ્છા પૂરી થશે. " અભિમન્યુના કાનમાં અવાજ આવ્યો.

તરત જ અભિમન્યુએ રુદ્રાક્ષને બહાર કાઢીને ડ્રોવરમાં પાછો મૂક્યો. વાડકીમાં જે થોડું પાણી હતું એ ફરી પાછું નાની બોટલમાં ભરી દીધું.

સાડા દસ વાગે ટિફિન અને પેલી બોટલ લઈને એ ઓફિસ જવા માટે નીકળી ગયો. ઓફિસે જઈને એણે ટિફિન પોતાની ચેમ્બરમાં મૂકી દીધું અને કાનાણી શેઠના બંગલે જવા માટે નીકળી ગયો.

" લો અંકલ તમારા માટે ફરી ઘરેથી અમૃત જલ લઈ આવ્યો છું. એને પી જાઓ એટલે એકદમ તંદુરસ્ત થઈ જશો અને ચાલવા માટે કોઈના પણ સહારાની જરૂર નહીં પડે. એટેક આવ્યા પહેલાં તમે જેવા હતા તેવા જ થઈ જશો. " અભિમન્યુ પ્રતાપ અંકલની સામે બોટલ ધરીને બોલ્યો.

પ્રતાપ અંકલ અત્યારે સોફામાં બેઠા હતા. તરલાબેને એમનો હાથ ઝાલીને ધીમે ધીમે એમને સોફામાં બેસાડ્યા હતા. કાનાણીએ અભિમન્યુના હાથમાંથી બોટલ પોતાના હાથમાં લીધી અને ઢાંકણ ખોલીને તમામ પાણી શ્રદ્ધાપૂર્વક પી લીધું. અભિમન્યુ એમની બાજુમાં બેસી ગયો.

આજે ૨૪ કલાક રાહ જોવી ના પડી. એમના આખા શરીરમાં જાણે વીજળીનો હળવો કરંટ પસાર થઈ રહ્યો હોય એવો ગરમ ગરમ અનુભવ થયો. મસ્તકમાં પણ એવી જ અનુભૂતિ થઈ. ૧૫ ૨૦ મિનિટમાં જ પ્રતાપ કાનાણી એકદમ નોર્મલ થઈ ગયા.

એ સોફામાંથી જાતે જ ઊભા થયા અને આ ચમત્કારથી થોડા ગળગળા થઈને એમણે અભિમન્યુ સામે પોતાના બે હાથ જોડ્યા.

" બેટા હું તને ઓળખી ના શક્યો. મેં તારા પિતાના પ્રાણ લીધા અને તેં મને નવી જિંદગી આપી. તારું આ ઋણ હું કયા ભવમાં ચૂકવીશ ? તેં તો ડોક્ટરોને પણ ખોટા પાડ્યા. હું તો પહેલાં હતો એવો એકદમ તંદુરસ્ત બની ગયો." પ્રતાપ કાનાણી બોલ્યા અને પછી ઘરમાં જ દસ પંદર ડગલાં વોક કર્યું.

" અભિમન્યુ મારે હવે હોસ્પિટલ જઈને પેલા પ્રસાદ ડોક્ટરને મળવું પડશે. એને બતાવવું પડશે કે હું હવે દોડી શકું છું. એમણે કહ્યું હતું કે લકવાની અસર આજીવન રહેશે અને લાંબો સમય પથારીમાં જ રહેવું પડશે. " કાનાણી બોલ્યા.

"કોઈને મળવાની જરૂર નથી અંકલ. એ એમની જગ્યાએ સાચા છે. એ ડોક્ટર છે. એમણે કંઈ જ ખોટું કહ્યું ન હતું. તમે અમૃતજળથી સારા થઈ ગયા છો અંકલ. ડોક્ટર તરત પૂછશે કે આ ચમત્કાર કેવી રીતે થયો ? અને તમારે મારું નામ દેવું પડશે. પરંતુ મારે અમૃતજળનો કોઈ પ્રચાર કરવો નથી. બસ તમે સારા થઈ ગયા એ જ મારો સંતોષ છે ! " અભિમન્યુ પ્રતાપ અંકલના બે હાથ પકડીને બોલ્યો.

" ભલે તો પછી મારે કોઈને પણ જાણ કરવી નથી. બસ દવાથી અને ફિઝિયોથેરપીથી મને એકદમ સારું થઈ ગયું એમ જ બધાંને કહીશ. " અંકલ બોલ્યા.

" અંકલ આવતી કાલે તમારે વલ્લકીના ઘરે આવવાનું છે. હું અને મમ્મી કાલે ત્યાં દસ વાગે પહોંચી જવાનાં છીએ. કાલે ગોળધાણા પણ ખાઈ લેવાના છે અને લગ્નનું મુહૂર્ત પણ કઢાવવાનું છે. તમારી અને માસીની હાજરી વગર આ પ્રસંગ શોભે નહીં." અભિમન્યુ બોલ્યો.

" બેટા વલ્લકી સાથે મેં શું કર્યું છે એ બધું તું જાણે છે છતાં તું એની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો એ તારી મહાનતા છે. મને માફ કરી દેજે. હું ભાન ભૂલી ગયો હતો. હવે મને બહુ જ પસ્તાવો થઈ રહ્યો છે. તું એને સુખી કરજે. બહુ જ ડાહી દીકરી છે." કાનાણી બોલ્યા.

" એ બધું ભૂલી જાઓ અંકલ. મેં તમને માફ કરી દીધા છે. મારા માટે તો વલ્લકી આજે પણ વર્જિન જ છે. " અભિમન્યુ બોલ્યો.

આ વાત ચાલતી હતી ત્યાં જ તરલાબેન ઉપરથી નીચે આવ્યાં.

" અરે તું ક્યારે આવ્યો અભિમન્યુ. હું તો ઉપર થોડી સાફસૂફી કરતી હતી. મને ખ્યાલ જ નથી કે તું આવ્યો છે."

" બસ વીસેક મિનિટ થઈ. અંકલને અમૃત જલ આપવા માટે આવ્યો હતો." અભિમન્યુ હસીને બોલ્યો.

" અરે તરલા અભિમન્યુએ તો આજે ચમત્કાર કરી નાખ્યો છે. જો હવે હું એકદમ નોર્મલ ચાલી શકું છું. દોડી પણ શકું છું. પહેલાં હતો એવો જ તંદુરસ્ત થઈ ગયો છું. હવે મારે કોઈના પણ ટેકાની જરૂર નથી. " કહીને કાનાણી પોતાના બંને હાથ હલાવતા ફરી પાછા પાંચ દસ ડગલાં ચાલ્યા અને પાછા આવ્યા.

" અરે હા... ખરેખર તમે તો અત્યારે પહેલાં હતા એવા જ થઈ ગયા છો. અભિમન્યુએ આ ચમત્કાર કેવી રીતે કર્યો ? " તરલાબેન આશ્ચર્યથી બોલ્યાં.

" બસ એ જ. એના અમૃત જળની કમાલ ! મને તો આજે નવજીવન મળી ગયું. " કાનાણી બોલ્યા.

" બેટા તારો આભાર અમારે કઈ રીતે માનવો ? એમની હાલત એટલી બધી લાચાર થઈ ગઈ હતી કે હવે પછીની જિંદગી કેવી જશે એનું જ મને ટેન્શન હતું. તું તો અમારા જીવનમાં દેવદૂત બનીને આવ્યો છે ! " તરલાબેન બોલ્યાં.

" અંકલને એવી હાલતમાં હું જોઈ શકતો ન હતો માસી. મેં મારી ફરજ બજાવી છે બસ. હવે તમને પણ કહી દઉં છું માસી. કાલે તમારે અને અંકલે વલ્લકીના ઘરે આવવાનું છે. દિવસ સારો છે એટલે કાલે ગોળધાણા ખાઈ લેવાનું નક્કી કર્યું છે. વૈશાખમાં જ લગ્ન કરી લેવાં છે. " અભિમન્યુ બોલ્યો.

" હા હા ચોક્કસ આવશું બેટા. તું ચિંતા ના કરીશ. તારા અને વલ્લકીના લગ્નનો બધો ખર્ચો હવે હું જ ઉપાડી લઈશ." કાનાણી બોલ્યા.

" ચાલો અંકલ હવે હું રજા લઉં." અભિમન્યુ બોલ્યો અને બહાર નીકળી ગયો.

અભિમન્યુ ગયો પછી કાનાણી શેઠે પહેલો ફોન શશીકાંત ઝવેરીને કર્યો.

" શશીભાઈ હું કાનાણી બોલું છું."

" અરે પ્રતાપભાઈ તમે ! હું તો કાલે તમારી ખબર કાઢવા તમારા બંગલે આવવાનો હતો. મને સમાચાર મળ્યા ત્યારે મને બહુ જ આઘાત લાગ્યો હતો. તમે બોલી પણ શકતા ન હતા એવું પણ મેં સાંભળ્યું હતું. " ઝવેરી બોલ્યા.

" તમે જે સાંભળ્યું એ બધું જ સાચું છે. નર્કમાંથી બહાર આવી ગયો છું. મારી મૂર્ખામીના કારણે બહુ મોટી ખોટ સહન કરવી પડી શશીભાઈ. જીવનમાં બોધપાઠ શીખવા મળ્યો. પૂર્વ જન્મનું કોઈ પુણ્ય આડું આવી ગયું અને એક ફરિશ્તાએ મારું તમામ દેવું ચૂકતે કરી દીધું. તબિયત પણ પહેલાં હતી એવી ઘોડા જેવી થઈ ગઈ. જે થયું તે ભૂલી જવાનું. બસ હવે આત્માના કલ્યાણ માટે કંઈક કરવું છે ! " કાનાણી બોલ્યા.

" તમારો અવાજ સાંભળીને આજે મને ખૂબ જ આનંદ થયો છે. બસ તમે હવે આવતા ભવનું ભાથું બાંધવાનું શરૂ કરી દો. જીવનનો કોઈ જ ભરોસો નથી. તમને મળવા એક દિવસ ચોક્કસ આવીશ. " શશીકાંત બોલ્યા અને ફોન કટ કર્યો.

બીજા દિવસે ગોળધાણાનો પ્રસંગ હોવાથી પ્રતાપ કાનાણી તરલાબેનને લઈને વલ્લકીના ઘરે દસ વાગ્યા પહેલાં જ પહોંચી ગયા.

રાજેશ અને શાલિની તો પ્રતાપ જીજુને પોતાના ઘરે જોઈને ખૂબ જ નવાઈ પામી ગયાં. એ લોકો હજુ ત્રણ દિવસ પહેલાં જ પ્રતાપ જીજુના બંગલે એમની ખબર કાઢવા ગયાં હતાં અને એમની લાચાર હાલત જોઈ હતી. પ્રતાપ જીજુ આ પ્રસંગે ઘરે હાજરી આપશે એવી તો એમને કલ્પના જ ન હતી ! અને અત્યારે તો પ્રતાપ જીજુ એકદમ તંદુરસ્ત દેખાતા હતા !!

" તમને અચાનક સારું કઈ રીતે થઈ ગયું જીજુ ? ડોક્ટરે તો એક વર્ષ સુધી તમે પથારીમાં જ રહેશો એવું ડિસ્ચાર્જ વખતે અમને કહ્યું હતું. " રાજેશ બોલ્યો.

" એ બધું અભિમન્યુની મહેરબાનીથી થયું. એણે સગા દીકરાની જેમ મારી કાળજી લીધી અને મને બેઠો પણ એણે જ કર્યો. મને તો આ બધો ચમત્કાર જ લાગે છે. જે કદી શક્ય ન હતું એ અભિમન્યુએ કરી બતાવ્યું. " કાનાણી બોલ્યા.

" પ્રતાપ તું સારો થઈ ગયો અને આજે વલ્લકીની સગાઈના પ્રસંગે તમે બંનેએ હાજરી આપી એનાથી મને ખૂબ જ ખુશી થઈ છે." ધરમશીભાઈ બોલ્યા.

"વલ્લકી ક્યાં છે ?" કાનાણી બોલ્યા.

" એ એના બેડરૂમમાં તૈયાર થઈ રહી છે. " શાલિની બોલી. એને તો આ જીજુ ઉપર ખૂબ જ ગુસ્સો હતો.

" મારે એને બે મિનિટ માટે મળવું છે અને આશીર્વાદ આપવા છે." કાનાણી બોલ્યા.

શાલિની બેડરૂમમાં જઈને વલ્લકીને કહી આવી કે પ્રતાપ જીજુ ઘરે આવ્યા છે. જાણે કંઈ જ થયું નથી એટલા બધા નોર્મલ થઈ ગયા છે અને બે મિનિટ માટે તને મળવા માંગે છે.

વલ્લકીએ સંમતિ આપી એટલે શાલિની બહાર આવી અને જીજુને અંદર જવા કહ્યું.

પ્રતાપ કાનાણી વલ્લકીના બેડરૂમમાં ગયા અને જઈને એના માથા ઉપર હાથ મૂક્યો.

" બેટા મારાથી તારી સાથે બહુ જ ખરાબ વર્તન થઈ ગયું છે. હું ભાન ભૂલી ગયો હતો. મને માફ કરી શકાય તો મોટુ દિલ રાખીને મને માફ કરી દેજે. મને આજે ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે. આશીર્વાદ આપવા માટે પણ હું યોગ્ય નથી છતાં તારી સગાઈ થઈ રહી છે ત્યારે તને આશીર્વાદ આપવા માટે આવ્યો છું. મને માફ કરી દેજે. " કાનાણીએ આટલું બોલીને વલ્લકી સામે પોતાના બે હાથ જોડ્યા.

વલ્લકીએ માથું ઊંચું કરીને એમની સામે જોયું તો કાનાણીની આંખમાં આંસુ હતાં. વલ્લકીને લાગ્યું કે આજે પ્રતાપ અંકલ સાચા દિલથી માફી માગી રહ્યા હતા. એ ઊભી થઈ અને કાનાણીના બંને હાથ પકડી લીધા.

" તમે મને હાથ ના જોડો અંકલ. તમે મારા પિતાની જગ્યાએ છો. હું તમારી દીકરી જેવી છું. તમે આજે સાચા દિલથી માફી માગી રહ્યા છો તો હું પણ તમને માફ કરી દઉં છું. બસ આજે તમારા આશીર્વાદ મને આપો." વલ્લકી બોલી અને નીચા નમીને એણે કાનાણીના ચરણસ્પર્શ કર્યા.

" મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે બેટા. તું અને અભિમન્યુ ખૂબ જ સુખી થાઓ. " કાનાણી બોલ્યા.

દરવાજે ઉભેલી શાલિની આ દ્રશ્ય જોઈ રહી હતી અને બધો જ સંવાદ એણે સાંભળ્યો હતો. એને આજે ખૂબ જ આશ્ચર્ય થયું હતું. આટલું મોટું પરિવર્તન કોઈનામાં કેવી રીતે આવી શકે ? છતાં એણે જે જોયું એ હકીકત હતી. એના મનમાંથી પણ પ્રતાપજીજુ તરફનો ગુસ્સો ઓગળી ગયો. એ ઝડપથી દરવાજો છોડીને ડ્રોઈંગ રૂમમાં જતી રહી.

દસેક મિનિટ પછી અભિમન્યુ અને કુસુમબેન પણ આવી ગયાં. રાજેશ અને શાલિનીએ એમનું દિલથી સ્વાગત કર્યું. બંનેએ સોફા ઉપર બેઠક લીધી. પ્રતાપ અંકલ અને માસીને ત્યાં હાજર જોઈને અભિમન્યુ અને એની મમ્મીને પણ ખુશી થઈ.

થોડીવાર પછી વલ્લકી પણ ત્યાં રાખેલી એક ખુરશી ઉપર બેસી ગઈ.

" ખુરશી ઉપર નહીં બેટા. તું અહીં અભિમન્યુની બિલકુલ બાજુમાં બેસી જા. કુસુમભાભી તમે અહીં ખુરશી ઉપર આવી જાઓ. આજે એમનો દિવસ છે." કાનાણી બોલ્યા એટલે વલ્લકી અભિમન્યુની બાજુમાં આવી ગઈ.

" આજનો દિવસ ગોળધાણા ખાવા માટે ઘણો સારો છે. અત્યારે ચોઘડિયું પણ સારું ચાલી રહ્યું છે. રાજેશ તું જમાઈને કપાળમાં કંકુનો ચાંદલો કર અને થોડા ચોખા એમના મસ્તક ઉપર નાખીને એમને વધાવી લે. એ પછી એક શ્રીફળ અને આ સ્યૂટનું કાપડ એમના હાથમાં આપ. " પ્રતાપ કાનાણી બોલ્યા અને પોતે લાવેલું રેમન્ડનું મોંઘુ સ્યૂટનું કાપડ રાજેશના હાથમાં આપ્યું.

રાજેશે પ્રતાપ જીજુની સૂચના પ્રમાણે અભિમન્યુને કુમકુમ તિલક કર્યું અને માથા ઉપર થોડા ચોખા નાખી જમાઈને વધાવી લીધા. એ પછી હાથમાં શ્રીફળ આપીને ઉપર સ્યૂટનું કાપડ મૂકી દીધું. બધાએ તાળીઓથી આ ક્ષણને વધાવી લીધી.

એ પછી કુસુમબેનનો વારો હતો. એમણે પણ વલ્લકીના કપાળમાં કંકુનો ચાંદલો કર્યો અને એના મસ્તક ઉપર થોડા ચોખા નાખીને એને વહુ તરીકે વધાવી લીધી.

" કુસુમબેન હવે તમે અમારા તરફથી લાવેલી આ સાડી પણ વલ્લકીને ઓઢાડી દો. " બોલીને તરલાબેને ઓરેન્જ કલરની સુંદર વર્ક કરેલી એક ભારે સાડી કુસુમબેનના હાથમાં આપી.

" અરે પણ તરલાબેન હું ઘરેથી સાડી લઈને જ આવી છું. વલ્લકી મારા દીકરાની વહુ છે એટલે આ પ્રસંગે તો મારા ઘરની સાડી જ શોભે." કુસુમબેન બોલ્યાં.

" ભલે તમારી સાડી સૌથી પહેલાં ચડાવો. પરંતુ વલ્લી અમારી પણ દીકરી છે એટલે અમારો હક પણ બને છે. " કાનાણી બોલ્યા.

છેવટે કુસુમબેને પોતે લાવેલી જરી ભરત ભરેલી લાલ કલરની મોંઘી સાડી વલ્લકીના માથા ઉપર ઓઢાડી અને એ પછી કુસુમબેને એના માથા ઉપર પોતાની સાડી પણ ઓઢાડી દીધી અને એના ઉપર પણ થોડાક ચોખા અર્પણ કર્યા.

વિધિ પતી ગઈ એટલે શાલિનીએ બંને સાડીઓ સાચવીને માથા ઉપરથી ઉતારી લીધી અને વલ્લકીના ખોળામાં મૂકી. એ પછી તૈયાર રાખેલા ગોળ ધાણા વહેંચવામાં આવ્યા.

" આજે મને બહુ જ આનંદ થયો છે. પ્રતાપને એટેક આવી ગયા પછી મને કલ્પના જ નહોતી કે એ પણ આ પ્રસંગમાં હાજર રહેશે. મારી ઘણા સમયની ઈચ્છા પૂરી થઈ. હવે લગ્ન પ્રસંગ સારી રીતે પતી જાય અને વલ્લકી એના સાસરે જતી રહે એટલે મારી ફરજ પૂરી ! " ધરમશીભાઈ બોલ્યા.

" લગ્ન પ્રસંગ પણ સારી રીતે પતી જશે વડીલ. લગ્નનો તમામ ખર્ચો હું જ આપવાનો છું. અભિમન્યુ મારા દીકરા જેવો છે. એટલે તમારે કે અભિમન્યુએ વલ્લકીના લગ્ન પ્રસંગે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી. બંને પક્ષનો ખર્ચો હું આપીશ. " પ્રતાપ કાનાણી બોલ્યા.

કાનાણી શેઠનું આ હૃદય પરિવર્તન બધાં માટે એક મોટું આશ્ચર્ય હતું !! છતાં કાનાણી હવે સાચે જ બદલાઈ ગયા હતા !!!

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■