વલ્લકી નવલકથા (Vallaki Novel Part-44)

Related

વલ્લકી પ્રકરણ 44

વલ્લકી બહાર નીકળી ગઈ એટલે શાલિનીએ મન મૂકીને રડી લીધું. હૃદય ઉપર વસમો આઘાત લાગ્યો હતો. પોતાની સૌથી વહાલી લાડકી દીકરી સાથેની લેણાદેણી અચાનક જ પૂરી થઈ ગઈ હતી. આંસુ રોકાવાનું નામ જ લેતાં નહોતાં. પરાણે એણે મન કઠોર કર્યું અને બેડરૂમના વોશરૂમમાં જઈને મ્હોં ધોઈ નાખ્યું. એ પછી એ બહાર આવી.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

" હવે દાદાજી તમે લોકો બધા મારી વાત ધ્યાનથી સાંભળો. મેં શાલિની આન્ટીને દુઃખ ના લાગે એટલા માટે એમને મમ્મી કહેવાનું તો શરૂ કર્યું છે પરંતુ મારા આ ઘર સાથે લાગણીના સંબંધો પૂરા થઈ ગયા છે. મારો ભૂતકાળ હું સંપૂર્ણપણે ભૂલી ગઈ છું. મારી અને અભિમન્યુની કંકોત્રી પણ મેં જોઈ પરંતુ એ સંબંધોનો પણ હવે કોઈ જ મતલબ નથી. તમે લોકો બધા સાચા જ છો. બેડરૂમમાં મારો ફોટો પણ મેં જોયો છે એટલે મારું નામ વલ્લકી જ હશે એ હું સ્વીકારી લઉં છું. પરંતુ માહીના મારા આ નવા અવતારમાં હું ખુશ છું અને પ્રતીક સાથે જ લગ્ન કરવા માગું છું. આજે સૌ વડીલો જો મને આ ઘરની દીકરી માનતા હો તો અમને બંનેને આશીર્વાદ આપો." માહી એકસાથે બધું બોલી ગઈ.

" પ્રતીક આપણે વડીલોને પગે લાગીએ. " માહી બોલી એટલે પ્રતીક પણ ઉભો થયો.

માહી અને પ્રતીક નીચે નમીને સૌ પ્રથમ ધરમશી દાદાને, પછી રાજેશને, પછી શાલિનીને, પછી કાનાણી શેઠને, પછી તરલાબેનને અને છેલ્લે કુસુમબેનને પગે લાગ્યાં અને આશીર્વાદ લીધા. અભિમન્યુ સાથે પ્રતીકે હાથ મિલાવ્યા પરંતુ માહીએ અંતર રાખ્યું.

" હવે અમે રજા લઈએ મમ્મી. " માહી બોલી.

" ભલે બેટા. સુખી રહો. મા બાપના આશીર્વાદ તો હંમેશાં સંતાન સાથે હોય જ છે. આ તારું જ ઘર છે એટલે જ્યારે પણ મન થાય ત્યારે આવતી રહેજે. " શાલિની રડમસ અવાજે બોલી અને ફરી એની આંખો ભીની થઈ ગઈ.

પ્રતીક અને માહીએ વિદાય લીધી એટલે ઘરમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. ૧૫ ૨૦ મિનિટનો આ સમયગાળો અભિમન્યુ માટે પણ ખૂબ જ આઘાતજનક રહ્યો. જે પણ થયું તે કલ્પના બહારનું હતું. બધાની એવી ગણતરી હતી કે પોતાના ઘરે આવ્યા પછી વલ્લકીને થોડું થોડું યાદ આવશે પરંતુ બધાની ધારણા ખોટી પડી.

" ચાલો હવે દીકરી સાથેની તમારી લેણાદેણી પૂરી થઈ ગઈ. પુખ્ત ઉંમરની દીકરી આટલી મક્કમ છે એટલે કાયદાની દ્રષ્ટિએ પણ આપણે કંઈ જ કરી શકીએ એમ નથી. " પ્રતાપ કાનાણી બોલ્યા અને નિઃસાસો નાખીને ઊભા થયા.

ઊભા થયા પછી કાનાણીની નજર અચાનક એક ખૂણામાં સિંગલ સોફા ઉપર બેઠેલા ધરમશીભાઈ ઉપર પડી અને એ ચમકી ગયા.

કાનાણી દોડીને ધરમશીભાઈ પાસે ગયા. એમનું માથું ઢળી પડ્યું હતું અને આંખો ખુલ્લી રહી ગઈ હતી. કાનાણી શેઠે એમને હલાવ્યા પરંતુ ધરમશીભાઈનો આત્મા દેહ છોડીને ચાલી નીકળ્યો હતો. પોતાની લાડકી વલ્લીનાં લગ્ન જોવા માટે જ એ જીવી રહ્યા હતા. મા બાપ ગુમાવી ચૂકેલી વલ્લકીને હરિદ્વારથી એ જ આ ઘરમાં લઈ આવ્યા હતા. વલ્લકી આજે જે બોલી ગઈ એ સાંભળીને એમને એટલો બધો માનસિક આઘાત લાગ્યો હતો કે એમને માસીવ હાર્ટ એટેક આવી ગયો !

ઘરમાં રોકકળ ચાલુ થઈ ગઈ. જ્યાં ફોન કરવાના હતા ત્યાં ફોન કરીને નજીકનાં સગાંને સમાચાર આપવામાં આવ્યા. વિદાયની બધી તૈયારીઓ કરવામાં આવી અને સાંજે ૪ વાગે ધરમશીભાઈની ડેડબોડીને ઘરમાંથી વિદાય આપવામાં આવી.

શબવાહિની બોલાવી હતી. શબની સાથે અભિમન્યુ અને રાજેશ બેસી ગયા. બાકીના લોકો પોતપોતાની ગાડીઓ અને રીક્ષામાં દહાણુકર વાડી સ્મશાને પહોંચી ગયા. ધરમશી દાદાનો વયોવૃદ્ધ દેહ પંચમહાભૂતમાં ભળી ગયો.

બાર તેર દિવસ સુધી ઘરમાં શોકનું વાતાવરણ રહ્યું. પ્રતાપ કાનાણી રોજે રોજ હાજરી આપતા. તેરમા દિવસે પિંડદાન વગેરે કરવામાં આવ્યું અને ધરમશીભાઈના આત્માને માયાના બંધનમાંથી મુક્ત કરી દીધો !

તેરમાની વિધિ પતી ગઈ એ પછીના ચોથા દિવસે જન્માષ્ટમી હતી. પરંતુ આ વખતે અભિમન્યુ ખૂબ જ ઉદાસ હતો. કોઈપણ કામમાં એનું મન લાગતું ન હતું. એના જીવનમાંથી વલ્લકી ચાલી ગઈ હતી એનો બહુ મોટો આઘાત એને લાગ્યો હતો. આજ સુધી એના જીવનમાં કોઈપણ સ્ત્રી પાત્ર આવ્યું ન હતું. વલ્લકી એનો પહેલો પ્રેમ હતી. વલ્લકી ખૂબ જ મીઠડી હતી અને વલ્લકીને એણે ખૂબ જ પ્રેમ કર્યો હતો.

દાદાજીએ ધ્યાનમાં એકવાર કહ્યું હતું કે તારાં લગ્ન વલ્લકી સાથે જ થશે છતાં આવું કેમ થયું ? વલ્લકીના સગા પિતા હર્ષદ ઘેલાણીએ પણ એકવાર સૂક્ષ્મ શરીરે હાજરી આપી હતી અને વલ્લકી સાથે લગ્ન કરી લેવાની અને જીવનભર સાચવવાની ભલામણ કરી હતી. કંઈ સમજાતું ન હતું. દાદાજી પાસેથી આનો જવાબ મેળવી શકાય પરંતુ ધ્યાનમાં બેસીને દાદાજી સાથે વાત કરવાનો કોઈ મૂડ જ નહોતો આવતો.

દાદાજીએ આપેલા રુદ્રાક્ષનો ઉપયોગ કરીને વલ્લકીની યાદશક્તિ પાછી લાવી શકાય અને પ્રતીક સાથે લગ્ન કરતી પણ અટકાવી શકાય. પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે રુદ્રાક્ષનો ઉપયોગ કરવાની એની હવે ઈચ્છા જ ન હતી.

જન્માષ્ટમી ગઈ એટલે કાનાણી શેઠ ધરમશીભાઈનાં અસ્થિ વિસર્જન કરવા હરિદ્વાર ઋષિકેશ જવા માટે નીકળી ગયા. તરલાબેન પણ એમની સાથે જ ગયાં. એમની ઈચ્છા અસ્થિ પધરાવીને પછી ગોકુળ મથુરા વૃંદાવન જગન્નાથ અને દ્વારકા યાત્રા કરવાની હતી. ઘણાં વર્ષો પછી એ આ રીતે પત્નીને સાથે લઈને નીકળ્યા હતા !

" બેટા વલ્લકી તને સાવ ભૂલી ગઈ છે અને હવે પરણી પણ જવાની છે. એની રાહ જોવાનું તું છોડી દે. વચ્ચે બે-ત્રણ છોકરીઓની વાત પણ આવી હતી પરંતુ તારું વલ્લકી સાથે નક્કી જ હતું એટલે પછી એ વાતો ઉપર મેં ધ્યાન આપ્યું ન હતું. હવે તું હા પાડે તો ફરી તારી વાત આગળ ચલાવું. " એક દિવસ સાંજે જમતી વખતે કુસુમબેને અભિમન્યુ સાથે વાત કરી.

" ના મમ્મી હમણાં તો પરણવાનો મારો કોઈ જ મૂડ નથી. એટલે કોઈની પણ સાથે વાત ના કરશો." અભિમન્યુ બોલ્યો.

આ વાત થયા પછી બીજા દિવસે સવારે ૪ વાગે ઊઠીને એણે ગાયત્રી મંત્રની ખૂબ જ ધ્યાનથી ૨૧ માળા કરી. બે કલાકનો સમય લાગ્યો. પરંતુ આટલી માળા કરવાથી એને ખૂબ જ સારું લાગ્યું. એના મનની બધી જ ઉદાસીનતા દૂર થઈ ગઈ. એણે પોતાના ફાઇનાન્સ અને સ્ટૉક માર્કેટના વ્યવસાય ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું.

અભિમન્યુએ રોજ ૧૧ માળા કરવાનું ચાલુ જ રાખ્યું. ગાયત્રી મંત્રથી એક ફાયદો એને એ થયો કે એના મનમાંથી વલ્લકી બહાર નીકળી ગઈ. હમણાંથી રોજ એના જ વિચારો એ કરતો હતો એ બધું બંધ થઈ ગયું. એની માનસિક પીડા પણ ઓછી થઈ ગઈ.

એક મહિના જેવી યાત્રાઓ કરીને પ્રતાપ કાનાણી અને તરલાબેન મુંબઈ પાછાં આવી ગયાં હતાં. ઘરે પાછા આવીને એમણે પોતાની ઓફિસ જોઈન કરી દીધી હતી પરંતુ એમણે પોતાનો બિઝનેસ સમેટી લેવાનું નક્કી કર્યું હતું. જે છેલ્લી સ્કીમ ચાલુ હતી એ પૂરી થાય પછી કોઈ જ નવી સ્કીમ એ મૂકવાના ન હતા. સ્ટાફ પણ એમણે ઓછો કરી દીધો હતો.

છેવટે દિવાળી પણ આવી ગઈ. આ દિવાળીમાં શાલિનીના ઘરમાં કોઈ જ ઉત્સાહ ન હતો. વલ્લકીને જ ચાર દિવસ સુધી રોજ રંગોળી પૂરવાનો અને દીવડા પ્રગટાવવાનો શોખ હતો. જાતજાતની વાનગીઓ બનાવવામાં એ પણ મમ્મીને મદદ કરતી. પરંતુ આ દિવાળીમાં એની વહાલસોયી વલ્લકી એને જ ભૂલી ગઈ હતી !

બેસતા વર્ષના દિવસે વલ્લકી એટલે કે માહી આ વખતે ખાસ શાલિનીને મળવા આવી. માહીએ એ વાત તો સ્વીકારી લીધી જ હતી કે શાલિની એની સાચી મમ્મી જ હશે. પરંતુ શાલિની પ્રત્યે એના દિલમાં કોઈ જ લાગણી કે મમતા પ્રગટતી ન હતી. બસ એ ખાલી નવા વર્ષના આશીર્વાદ લેવા માટે જ આવી હતી.

" કેમ છો મમ્મી ! " શાલિનીએ ડોરબેલ વાગ્યા પછી જેવો દરવાજો ખોલ્યો કે તરત જ માહી બોલી.

" અરે વલ્લી બેટા તું ! આવ આવ. " શાલિની એકદમ હરખઘેલી બની ગઈ.

માહીએ મમ્મીના ચરણ સ્પર્શ કર્યા અને અંદર આવીને સોફા ઉપર બેઠી.

" બહુ સારું લાગ્યું મને આજે તું આવી તો. તને ત્રણ દિવસથી ખૂબ જ યાદ કરતી હતી. તારા વગર અમારી દિવાળી સૂની સૂની થઈ ગઈ છે. " શાલિની બોલી.

" કેમ દાદાજી દેખાતા નથી ?" માહી બોલી.

" દાદાજી ક્યાંથી દેખાય બેટા ? તે દિવસે તું પ્રતીક સાથે આવી અને બધાને ઓળખવાનો જ ઇનકાર કરી દીધો એટલે એના આઘાતમાં તારા ગયા પછી પાંચ જ મિનિટમાં તારા દાદાએ દેહ છોડી દીધો. તને પરણાવવાની એમની કેટલી હોશ હતી ! " શાલિની બોલી અને એની આંખો ભીની થઈ ગઈ.

" ઓહ્ મમ્મી વેરી સેડ ! મને ખૂબ જ દુઃખ થયું જાણીને ! પરંતુ હું પણ શું કરી શકું ? મને ખરેખર મારો ભૂતકાળ યાદ જ નથી. તમને ભલે હું મમ્મી કહું છું પણ ખરેખર હું તમને ઓળખતી જ નથી. તમે કહ્યું છે માટે મા દીકરીનો સંબંધ નિભાવવા આજે હું આવી છું." માહી બોલી.

" કંઈ વાંધો નહીં બેટા. આ બધા કિસ્મતના ખેલ છે. બેસતું વર્ષ છે એટલે તારા પપ્પા મંદિરે દર્શન કરવા ગયા છે. તારા માટે ચા બનાવું ? તારા દાદાનો શોક છે એટલે ઘરમાં કોઈ મીઠાઈ નથી બનાવી બેટા." શાલિની બોલી.

" મીઠાઈની કોઈ જરૂર નથી મમ્મી. હું બસ નીકળું જ છું. પ્રતીક નીચે ગાડીમાં મારી રાહ જુએ છે. થોડું પાણી આપી દો. એક મહિના પછી બીજી ડિસેમ્બરે અમારાં લગ્ન છે. તમારે અને પપ્પાએ આશીર્વાદ આપવા માટે આવવાનું જ છે. કંકોત્રી પણ તમને મોકલી આપીશ." માહી બોલી. શાલિનીએ કોઈ જવાબ ના આપ્યો અને પાણી લેવા કિચનમાં ગઈ.

શાલિની પાણીનો ગ્લાસ લઈ આવી એટલે પાણી પીને તરત જ માહી બહાર નીકળી ગઈ.

લગ્નને માત્ર એક જ મહિનો બાકી હતો એટલે પ્રતીકના ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. પ્રતીક એના માતા પિતાનો એકનો એક દીકરો હતો અને ઘર પણ સુખી સંપન્ન હતું એટલે ઝવેરીલાલ અને વંદનાબેને પ્રતીકને અને માહીને શોપિંગ કરવાનો છૂટ્ટો દોર આપ્યો હતો.

છેવટે લગ્નનો દિવસ આવી ગયો. પ્રભાદેવીમાં વીર સાવરકર રોડ ઉપર આવેલો મોંઘો ' વોઝ ' બેંકવેટ હોલ લગ્ન માટે બુક કરવામાં આવ્યો હતો. ઝવેરીલાલ શેઠનું બહોળું કુટુંબ હતું એટલે ઘણા મહેમાનો આવ્યા હતા. બહારગામથી આવેલા મહેમાનો માટે હોટલમાં ઉતારાની વ્યવસ્થા પણ કરી હતી. માહી પ્રતીકના ઘરમાં જ રહેતી હતી એટલે જાન લઈ જવાનો સવાલ જ ન હતો. સીધી લગ્નવિધિ જ કરવાની હતી.

લગ્નમાં કન્યાદાન માટે માતાપિતાની હાજરી ખાસ જોઈએ એટલે લગ્નના પંદર દિવસ પહેલાં વલ્લકીના ઘરે ઝવેરીલાલ શેઠ અને વંદનાબેન જાતે આમંત્રણ આપવા ગયાં.

"જુઓ રાજેશભાઈ શાલિનીબેન. પતિ પત્નીની જોડી તો ઉપરથી જ બનીને આવે છે. માહી પોતાની યાદદાસ્ત ભૂલી ગઈ હોવાથી ભલે એ તમને ઓળખતી નથી પરંતુ માતા-પિતાનો લોહીનો જે સંબંધ છે એ તો રહેવાનો જ છે. હવે જ્યારે તમારી દીકરીનાં લગ્ન થઈ રહ્યાં છે ત્યારે માહીનું કન્યાદાન કરવા માટે અમારે તમારી હાજરીની ખાસ જરૂર છે." ઝવેરીલાલ બોલી રહ્યા હતા.

"અમે તમને લેવા માટે બીજી તારીખે સવારે ગાડી મોકલી દઈશું. આપણો હવે લાખ રૂપિયાનો સંબંધ થયો છે એટલે ના ન પાડશો. તમારાં જે પણ સગાં સંબંધી હોય એ બધાંને તમે અમારા તરફથી ખાસ આમંત્રણ આપી દેજો." ઝવેરીલાલ બોલ્યા.

એ પછી એમણે રાજેશને સ્યૂટનું કાપડ અને શાલિનીને ત્રણ ભારે સાડીઓ તથા સોનાની એક વજનદાર ચેઇન આગ્રહ કરીને આપી.

" આપણો આ નવો સંબંધ થયો છે. ભૂતકાળને ભૂલી જાવ. તમે અમારા વેવાઈ વેવાણ છો. લગ્નમાં ખાસ હાજરી આપજો અને તમારા બીજા મહેમાનોને પણ લેતા આવજો." વંદનાબેન બોલ્યાં.

પ્રતીકના માતા પિતાનો આટલો પ્રેમ અને ભાવ જોઈને છેવટે શાલિની અને રાજેશે વલ્લકીના લગ્નમાં હાજરી આપવાનું નક્કી કર્યું. ગમે તેમ તોય પોતાની એકની એક દીકરીનાં લગ્ન હતાં. રાજેશે પોતાના માટે સ્યૂટ સીવડાવી દીધો. રાજેશે પ્રતાપજીજુ અને તરલાબેનને પણ ઝવેરીલાલના આગ્રહની વાત કરી અને એમને પણ લગ્નમાં હાજરી આપવા ખાસ આગ્રહ કર્યો.

છેવટે બીજે ડિસેમ્બરે વલ્લકીનાં એટલે કે માહીનાં લગ્ન પ્રતીક સાથે ધામધૂમથી થઈ ગયાં. શાલિની અને પ્રતાપ કાનાણી તરફથી પણ વલ્લકીને સોનાની ચેઈન, બંગડીઓ, બ્રેસલેટ, ઈયરિંગ્સ અને નેકલેસ આપવામાં આવ્યાં તો સામે ઝવેરીલાલે પણ પોતાના વેવાઈ વેવાણ અને કાનાણી માટે એક શ્રીમંતને શોભે એવો વ્યવહાર કર્યો.

અભિમન્યુ માટે એ દિવસ ખૂબ જ નિરાશ રહ્યો. શાલિનીએ હૃદયને કઠણ કરીને અભિમન્યુ તથા કુસુમબેનને વલ્લકીનાં પ્રતીક સાથેના લગ્નના સમાચાર આપી દીધા હતા અને પોતે લગ્નમાં હાજરી આપવાનાં છે એની પણ જાણ કરી હતી.

ઝવેરીલાલ શેઠ મૂળ ભાવનગરના હતા અને એમનાં કુળદેવી ખોડિયાર માતા હતાં. એમના કુટુંબમાં પેઢીઓથી એવો રિવાજ ચાલ્યો આવતો હતો કે લગ્ન કર્યા પછી વર કન્યાએ સૌથી પહેલાં વતનમાં જઈ પોતાની કુળદેવીનાં દર્શન કરી આવવાં અને એ પછી જ સંસાર શરૂ કરવો. ખોડીયાર માતાની સામે છેડાછેડી છોડ્યા પછી જ હનીમુન થઈ શકતું હતું.

પ્રતીકે શરૂઆતમાં એવું નક્કી કર્યું હતું કે મુંબઈથી ભાવનગર સુધી પોતાની ગાડી લઈને જ જવું પરંતુ ઝવેરીલાલે લગ્ન પછી તરત જ ગાડી ચલાવીને આટલો લાંબો પ્રવાસ ખેડવાની સ્પષ્ટ ના પાડી. છેવટે અમદાવાદ સુધી ફ્લાઈટમાં જવું અને અમદાવાદથી ટેક્સી કરીને ભાવનગર જવું એવું નક્કી થયું.

ત્રણ તારીખે સવારના સાત વાગ્યાના ફ્લાઈટમાં પ્રતીક અને માહી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયાં અને ત્યાંથી પાલડી જઈને સવારે નવ વાગે ભાવનગર જવા માટે ટેક્સી પકડી લીધી. મુંબઈથી જ અમદાવાદ ભાવનગરની ટેક્સીનું બુકિંગ કરાવી દીધું હતું.

સવારે સાડા અગિયાર વાગે ટેક્સી ભાવનગર ખોડિયાર મંદિરે પહોંચી ગઈ અને ત્યાં પહોંચ્યા પછી ત્યાંના પૂજારી પાસે છેડાછેડી છોડવાની વિધિ કરાવી દીધી. ખોડીયાર માતાને લાપસીનો થાળ ધરાવી દર્શન કરી લીધાં અને પછી ભાવનગરમાં જમવા માટે કાળુભા રોડ ઉપર આવેલા ખૂબ જ જાણીતા રસોઈ ડાઇનિંગ હોલ તરફ ટેક્સીને લેવડાવી.

" પ્રતીક આજે હું ખૂબ જ ખુશ છું. મને કલ્પના પણ ન હતી કે મને આટલો સારો પતિ મળશે અને મારાં લગ્ન તમારા જેવા હેન્ડસમ ડોક્ટર સાથે થશે. " જમતાં જમતાં માહી બોલી.

"તારા અકસ્માતે મારું કિસ્મત ખોલી નાખ્યું. જો એ અકસ્માત ના થયો હોત તો તારા જેવી રૂપસુંદરી મને ના મળી હોત. તારા કરતાં વધારે નસીબદાર તો હું છું માહી." પ્રતીક બોલ્યો.

"જમવાનું ખરેખર સરસ છે. બાસુદી પણ બહુ જ સરસ બનાવી છે. અહીંના રીંગણના શાકમાં મીઠાશ પણ કેટલી બધી છે ! " માહી બોલી.

" સૌરાષ્ટ્રના પાણીમાં જ મીઠાશ છે માહી. અહીંના ગાંઠિયા પણ ફેમસ છે. અમારું વતન ભાવનગર હોવાથી વર્ષે બે વર્ષે અમે અહીં કુળદેવી ખોડીયાર માતાનાં દર્શન કરવા આવીએ છીએ. અમારું પોતાનું અહીં મકાન પણ હતું પરંતુ દસ વર્ષ પહેલાં પપ્પાએ વેચી દીધું. " પ્રતીક બોલ્યો.

" હમ્..." માહી બોલી.

" આપણે હનીમૂન માટે ક્યાં જઈશું માહી ? તારી ઈચ્છા હોય ત્યાં જઈએ. દુબઈ સિંગાપુર સ્વીત્ઝરલેન્ડ મલેશિયા જ્યાં પણ તારી ઈચ્છા હોય ! ચોઈસ ઈઝ યોર્સ ! " પ્રતીક બોલ્યો.

" થેન્ક્સ પ્રતીક. પણ સાચું કહું તો મને વિદેશ ફરવાનો એવો કોઈ શોખ નથી. છતાં તમારી ઈચ્છા જ્યાં પણ લઈ જવાની હોય ત્યાં આવવા હું તૈયાર છું. મારા માટે તો બધા જ દેશ સરખા છે. નજીકમાં જ કોઈ સ્થળે જવું હોય તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. " માહી બોલી.

" ઠીક છે આપણે મુંબઈ જઈને નક્કી કરીશું. " પ્રતીક બોલ્યો.

" જૈનોનું પવિત્ર તીર્થ પાલીતાણા અહીંથી ખૂબ જ નજીક છે. મારા કેટલાક જૈન મિત્રો સાથે બે થી ત્રણ વાર હું પાલીતાણા ગયો છું. " પ્રતીક બોલ્યો.

જમવાનું પૂરું થયું ત્યાં સુધી આ રીતે બંને વચ્ચે મીઠો વાર્તાલાપ ચાલ્યો. બંને એકબીજાથી ખૂબ જ ખુશ હતાં.

" અત્યારે દોઢ વાગ્યો છે. ચાર વાગ્યા સુધીમાં આપણે અમદાવાદ પહોંચી જઈશું. ત્યાંથી સાંજનું સાડા છ વાગ્યાનું ફ્લાઈટ છે." ટેક્સીમાં બેસતી વખતે પ્રતીક બોલ્યો.

સ્વિફ્ટ ગાડી ૧૨૦ ની ઝડપે દોડી રહી હતી. ધંધુકા પસાર થઈ ગયું. એ પછી બગોદરા પણ પસાર થઈ ગયું અને ગાડીએ રાજકોટ અમદાવાદ હાઇ વે પકડી લીધો અને અમદાવાદ આવ્યા પછી ટેક્સી ડ્રાઇવરે એરપોર્ટ જવા માટે સીધો રીંગરોડ પકડી લીધો.

" અમદાવાદ તો આવી ગયું. હું હવે પપ્પાને ફોન કરી દઉં કે અમે દર્શન કરીને રિટર્ન થઈ રહ્યાં છીએ અને નવ વાગ્યા પહેલાં ઘરે પહોંચી જઈશું. " પ્રતીક બોલ્યો.

પરંતુ પ્રતીકને ખબર ન હતી કે એ મુંબઈ પહોંચે એ પહેલાં એક બીજી જ ઘટના એની રાહ જોઈ રહી હતી !

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■