વલ્લકી નવલકથા (Vallaki Novel Part-45)

Related

વલ્લકી પ્રકરણ 45

પ્રતીક અને માહી ભાવનગર એમની કુળદેવીનાં દર્શન કરીને અમદાવાદ જઈ રહ્યાં હતાં. અમદાવાદ પહોંચ્યા પછી ટેક્સીના ડ્રાઇવરે સીધા એરપોર્ટ જવા માટે ગાડીને રીંગ રોડ ઉપર લઈ લીધી હતી.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

રીંગરોડ ઉપર ટ્રકોનો ટ્રાફિક વધારે હતો. વચ્ચે વચ્ચે રીક્ષાઓ પણ જઈ રહી હતી. ટેક્સી ડ્રાઇવરે સ્પીડ વધારીને એક કારને ઓવરટેક તો કરી દીધી પણ પછી ડાબી બાજુએ રીક્ષા જઈ રહી હોવાથી ટેક્સીને ડાબી તરફ દબાવી શક્યો નહીં એટલે બ્રેક તો મારી છતાં વધુ સ્પીડના કારણે એની સ્વિફ્ટ ગાડી જમણી તરફ આગળ જઈ રહેલી ટ્રક સાથે ધડાકા સાથે અથડાઈ ગઈ.

સ્વિફ્ટ ગાડીનો જમણી બાજુનો આગળનો ભાગ દબાઈ ગયો. ડ્રાઇવર દબાઈને ત્યાં ને ત્યાં જ ખલાસ થઈ ગયો. પાછળ બેઠેલા પ્રતીકનું માથું આગળની સીટ સાથે અથડાયું એટલે એને માથામાં સામાન્ય ઇજા થઈ પણ બચી ગયો. જ્યારે ડાબી તરફ બેઠેલી માહી ઊછળીને ગાડીની બહાર ફેંકાઈ ગઈ. એનું માથું રોડ ઉપર જોરથી પછડાયું અને એ બેહોશ થઈ ગઈ. જો કે પાછળ આવતી ગાડીએ બ્રેક મારી એટલે માહી બચી ગઈ. આ બધું સેકન્ડોમાં બની ગયું.

આજુબાજુ પસાર થતાં બધાં વાહનો ઊભાં રહી ગયાં. પ્રતીકે ૧૦૮ ડાયલ કરી એમ્બ્યુલન્સ બોલાવી તો કોઈએ પોલીસને પણ જાણ કરી. ૧૫ મિનિટ પછી એમ્બ્યુલન્સ આવી. બેહોશ હાલતમાં માહીને સ્ટ્રેચર ઉપર લઈને એમ્બ્યુલન્સમાં સૂવાડવામાં આવી. પ્રતીક પણ સાથે બેસી ગયો. એ પછી એમ્બ્યુલન્સ બન્નેને અમદાવાદના રીંગરોડ નજીક આવેલી કે ડી હોસ્પિટલ લઈ ગઈ.

માહીને ઇમર્જન્સીમાં ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી અને પછી પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપીને આઈસીયુ માં ખસેડવામાં આવી. પ્રતીકે પોતાની ઓળખાણ લીલાવતી હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ તરીકે આપી એટલે એને પણ આઈસીયુમાં માહીની બાજુમાં બેસવાની છૂટ આપી. એ સમયે સાડા ચાર વાગી ગયા હતા. થોડા સમયમાં પોલીસ પણ આવી અને ડૉ. પ્રતીકનું સ્ટેટમેન્ટ લીધું. ડૉ. પ્રતીકે વ્યવસ્થિત જવાબ લખાવી દીધા. વલ્લકીના બ્રેઇનનો એમઆરઆઈ રિપોર્ટ નોર્મલ આવ્યો હતો.

બરાબર બે કલાક પછી માહીને હોશ આવી ગયા. એણે આજુબાજુ જોયું. પોતે હોસ્પિટલમાં હતી એ પણ એને સમજાઈ ગયું. એણે બાજુમાં બેઠેલા પ્રતીક સામે પણ જોયું.

" માહી આર યુ ઓકે ? " પ્રતીક બોલ્યો.

" કોણ માહી ? મારું નામ માહી નથી વલ્લકી છે. અને તમે કોણ ? મારો તો આજે સાંજે બાંદ્રા લિંક રોડ ઉપર અકસ્માત થયો હતો. મને અહીં કોણ લઈ આવ્યું ? " વલ્લકીએ એક સાથે સવાલો કર્યા.

પ્રતીક તો પોતે ડૉક્ટર જ હતો. એ બધું જ સમજી ગયો. માહીની મેમરી પાછી આવી ગઈ છે. જે થયું તે સારું નથી થયું.

" મારું નામ ડૉ. પ્રતીક છે. આપણે મુંબઈ નહીં પણ અમદાવાદ છીએ. તમારા અકસ્માતને સાડા ત્રણ મહિના થઈ ગયા છે. તમે તમારો ભૂતકાળ બધો જ ભૂલી ગયાં હતાં એટલે મેં તમારું નામ માહી પાડ્યું હતું. હું તમને મારા ઘરે લઈ ગયો હતો અને ગઈકાલે જ આપણાં લગ્ન પણ થઈ ગયાં છે. જુઓ તમારા અને મારા હાથે મીંઢળ પણ બાંધેલું છે. તમે તમારા ઘરે ફોન કરીને ખાતરી કરી શકો છો." પ્રતીક બોલ્યો.

" અરે મારાં લગ્ન તો આવતીકાલે અભિમન્યુ સાથે થવાનાં છે. આ મીંઢળ એમના નામનું છે. તમે મારી સાથે ખોટી ખોટી સ્ટોરી ના બનાવો. હું અત્યારે જ અભિમન્યુને ફોન કરું છું. " માહી બોલી પરંતુ એની પાસે ફોન ન હતો.

પ્રતીકે જ એના હાથમાં ફોન મૂકી દીધો. " તમારો ફોન મારી પાસે છે જે મેં આપેલો છે. "

વલ્લકીને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો એટલે પ્રતીકે તું કહેવાના બદલે તમે સંબોધન કરવાનું ચાલુ કર્યું કારણ કે એ હવે એની માહી રહી નહોતી !

વલ્લકીએ અભિમન્યુને ફોન લગાવ્યો. એને તો નંબર યાદ જ હતો પરંતુ અભિમન્યુ માટે આ નંબર નવો હતો. પહેલીવાર એણે ફોન ના ઉપાડ્યો એટલે વલ્લકીએ બીજી વાર કર્યો.

" અરે અભિમન્યુ હું વલ્લકી. તમે ક્યાં છો ? " વલ્લકી બોલી.

" વલ્લકી !!....તું ક્યાંથી બોલે છે ?" અભિમન્યુએ આશ્ચર્યથી પૂછ્યું.

" અરે હું હોસ્પિટલમાં છું ડાર્લિંગ. મને આજે સાંજે બાંદ્રા લિંક રોડ ઉપર એકસીડન્ટ થયો હતો એટલે કોઈ મને હોસ્પિટલ લઈ આવ્યું છે. મારી બાજુમાં કોઈ પ્રતીક નામનો યુવાન બેઠો છે અને મને કહે છે કે આપણાં લગ્ન થઈ ગયાં છે. વ્હોટ નોનસેન્સ ! કાલે આપણાં લગ્ન છે ને હું અત્યારે હોસ્પિટલમાં પડી છું. હવે મને સારું છે. તમે જલ્દી આવીને લઈ જાઓ અને આ પ્રતીક સાથે વાત કરી લો." વલ્લકી બોલી અને એણે ફોન પ્રતીકને આપ્યો.

" સોરી ડોક્ટર. તમે એના બોલ્યા સામે ના જોશો. એને એનો ભૂતકાળ યાદ આવી ગયો છે એટલે હવે એ માહી નથી રહી. તમારી સાથેના લગ્નને પણ એ ભૂલી ગઈ છે. એને તો હજુ એમ જ છે કે અકસ્માત આજે જ થયો છે. પણ તમે અમદાવાદ કેવી રીતે છો ? " અભિમન્યુ બોલ્યો.

" મને ખોટું નથી લાગ્યું. હું પોતે ડોક્ટર છું એટલે બધું સમજી શકું છું. અમે લોકો આજે સવારે જ ભાવનગર કુળદેવીનાં દર્શન કરવા અને છેડાછેડી છોડવા આવ્યાં હતાં. ત્યાંથી ટેક્સીમાં અમદાવાદ આવી રહ્યાં હતાં અને ગાડીને અકસ્માત નડ્યો. અમદાવાદથી અમે ફ્લાઇટ પકડવાનાં હતાં. " પ્રતીક વલ્લકીથી થોડેક દૂર જઈને વાત કરી રહ્યો હતો.

" હવે અમે અત્યારે તો જે ફ્લાઈટ મળે એમાં નીકળી જઈશું પરંતુ તમે જરા વલ્લકીને સમજાવો કે એ મારી સાથે આવે. એને કન્વીન્સ કરો કે એ અમદાવાદમાં જ છે. અને હવે મારી મોટી મૂંઝવણ એ છે કે એ તો મને ઓળખતી જ નથી તો પછી એને આજે મારા ઘરે કેવી રીતે લઈ જવી ? આજે તો અમારી સુહાગરાત છે." પ્રતીક બોલ્યો. એ ખૂબ જ અપસેટ થઈ ગયો હતો.

" તમે ચિંતા નહીં કરો. હું એની સાથે વાત કરી લઉં છું અને હું મુંબઈ એરપોર્ટ ઉપર પણ આવું છું. તમે કઈ ફ્લાઈટમાં નીકળો છો એ મને જાણ કરી દેજો. અત્યારે તો મારે એને એના ઘરે લઈ જવી પડશે. ઘરે પહોંચ્યા પછી જ એને સમજાવી શકાય. મને કલ્પના જ ન હતી કે આવું થશે. જે ઘટના મારી સાથે બની એ જ હવે તમારી સાથે બની. " અભિમન્યુ બોલ્યો.

પ્રતીકે ફરી ફોન વલ્લકીના હાથમાં આપ્યો.

" હા બોલો જાન. " વલ્લકી બોલી. પ્રતીક આ બધું જ સાંભળી રહ્યો હતો. એક જ અકસ્માતે જિંદગીની કરવટ બદલી નાખી હતી.

"વલ્લકી મારી વાત સાંભળ. તું અત્યારે ખરેખર અમદાવાદમાં જ છે. પ્રતીક મારો મિત્ર જ છે અને ડોક્ટર છે. તારે એની વાતો ઉપર ધ્યાન આપવાની જરૂર નથી. એની સાથે તું અત્યારે મુંબઈ આવી જા. હું તને એરપોર્ટ ઉપર લેવા આવું છું. બધી જ વાત તને માંડીને કરું છું." અભિમન્યુ બોલ્યો.

અભિમન્યુએ વાત જ એવી રીતે કરી કે વલ્લકી પ્રતીક સાથે મુંબઈ આવવા માટે તૈયાર થઈ ગઈ. પ્રતીક પોતે લીલાવતી હોસ્પિટલનો જાણીતો કાર્ડિયોલોજિસ્ટ હતો એટલે એ લોકોને તરત જ ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો.

નીચે ઉતરીને પ્રતીકે ઓલા કેબ બોલાવી લીધી અને માહીને લઈને એરપોર્ટ પહોંચી ગયો. રાતના ૯:૩૦ ના ફ્લાઇટમાં જગ્યા મળી ગઈ. એણે અભિમન્યુને ફોન કરીને જાણ પણ કરી દીધી.

રાત્રે પોણા અગિયાર વાગે ફ્લાઈટ મુંબઈ પહોંચ્યું ત્યાં સુધી વલ્લકીએ પ્રતીક સાથે બિલકુલ વાત ના કરી.
એરપોર્ટ ઉપર એરાઇવલમાં અભિમન્યુને જોઈને વલ્લકી એને વળગી પડી.

" ચાલો અભિમન્યુ હું રજા લઉં. " ડૉ. પ્રતીક બોલ્યો. એણે માહીની સામે જોયું પણ નહીં.

" હું તમને મૂકી જાઉં. હું ગાડી લઈને જ આવ્યો છું. " અભિમન્યુ બોલ્યો.

" ઈટ્સ ઓકે. થેન્ક્સ. " પ્રતીક બોલ્યો અને આગળ ચાલવા લાગ્યો. એ ભયંકર નિરાશ અને અપસેટ હતો. ઘરે મમ્મી પપ્પાને શું જવાબ આપવો એ પણ એની એક મોટી મૂંઝવણ હતી.

અભિમન્યુ પણ વલ્લકીને લઈને બહાર નીકળ્યો અને પોતે પાર્ક કરેલી ગાડી તરફ ગયો.

અભિમન્યુએ એરપોર્ટથી ગાડી સીધી વલ્લકીના ઘરે લઈ લીધી. કાંદીવલી એકતા ટેરેસ આવી ગયું એટલે અભિમન્યુ વલ્લકીને લઈને નીચે ઊતર્યો અને લિફ્ટમાં બેસીને બંને ઉપર ગયાં.

વલ્લકીએ જ પોતાના ઘરનો ડોરબેલ વગાડ્યો. ઘરમાં બધાં સૂઈ ગયાં હતાં. બે ત્રણ મિનિટ પછી શાલિનીએ દરવાજો ખોલ્યો. સામે વલ્લકીને જોઈને એ ખૂબ જ આશ્ચર્ય પામી.

વલ્લકી સીધી અંદર ધસી ગઈ અને "મમ્મી " કહીને મમ્મીને વળગી પડી.

" અરે પણ આટલી રાત્રે અચાનક તું અહીં ક્યાંથી ?" શાલિની બોલી.

" તમે એને કોઈ સવાલ પૂછશો નહીં. એ અને પ્રતીક અમદાવાદથી અત્યારે ફ્લાઈટમાં આવ્યાં. એક અકસ્માત થયો એમાં એને બધો ભૂતકાળ યાદ આવી ગયો છે. એણે અમદાવાદથી સીધો મને જ ફોન કરેલો. એને લગ્ન પણ યાદ નથી અને હવે પ્રતીકને પણ ઓળખતી નથી. કાલે સવારે આવીને બધી ચર્ચા કરીશ. " અભિમન્યુ શાલિનીને થોડી સાઈડમાં લઈ જઈને ધીમા અવાજે બોલ્યો અને બહાર નીકળી ગયો.

" મમ્મી આવતીકાલે અભિમન્યુ સાથે મારાં લગ્ન છે અને હું અમદાવાદ કેવી રીતે પહોંચી ગઈ ? ઘરમાં કોઈ મહેમાનો પણ દેખાતા નથી. મેં રસ્તામાં અભિમન્યુને પૂછ્યું પણ એ પણ કંઈ જવાબ આપતા નથી." વલ્લકી બોલી. શાલિની શું જવાબ આપે ?

એ પોતે જ મૂંઝાઈ ગઈ હતી. વલ્લીને એનો ભૂતકાળ યાદ આવી ગયો છે. અત્યારે પણ એણે ઘરચોળું પહેરેલું છે છતાં એને પોતાનું લગ્ન જ યાદ નથી. પ્રતીક કુમારને પણ ઓળખતી નથી. હવે આ છોકરીને કેમ કરી સમજાવવી !

" જો અત્યારે રાતના ૧૧:૩૦ વાગી ગયા છે. તું કપડાં બદલી નાખ અને સૂઈ જા. કાલે સવારે વાતો કરીશું. " શાલિની બોલી અને એને એના બેડરૂમમાં લઈ ગઈ.

" મમ્મી દાદાજી કેમ દેખાતા નથી ? " વલ્લકી બોલી.

" દાદાજી અચાનક યાત્રાએ ગયા છે બેટા. અત્યારે તું સૂઈ જા. કાલે સવારે બધી વાતો કરીશું. " શાલિની બોલી.

અભિમન્યુ ઘરે પહોંચ્યો ત્યાં સુધી વલ્લકીના જ વિચારોમાં રહ્યો. સવારે પ્રતાપ અંકલને વાત કરીને એમને સાથે લઈને જ વલ્લકીના ઘરે જવું પડશે અને એને સમજાવીને સાસરે મોકલવી પડશે. અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરીને એ પ્રતીક સાથે લગ્ન કરી ચૂકી છે એટલે હવે બીજું કંઈ વિચારાય નહીં.

પ્રતીક પણ ટેકસીમાં ઘરે જતી વખતે ખૂબ જ ટેન્શનમાં હતો. રાત્રે પોણા બાર વાગે ઘરે પહોંચ્યો ત્યારે મમ્મી પપ્પા જાગતા જ હતા.

" કેમ બેટા તું એકલો જ આવ્યો ? માહી ક્યાં છે ? " ઝવેરીલાલ આશ્ચર્યથી બોલ્યા.

" પપ્પા માહી લાંબી મુસાફરીથી થાકી ગઈ હતી અને એની ઈચ્છા અત્યારે રાત્રે એના ઘરે જ આરામ કરવાની હતી એટલે એને કાંદીવલી એના ઘરે ઉતારીને આવ્યો છું. કાલે હું લઈ આવીશ. " પ્રતીક જે જવાબ મનમાં સૂઝ્યો તે આપી દીધો.

" ઠીક છે ઠીક છે. આમ પણ આજે ઘણું મોડું થઈ ગયું છે." ઝવેરીલાલ બોલ્યા.

બીજા દિવસે સવારે નવ વાગે અભિમન્યુએ પ્રતાપ અંકલને ફોન કર્યો.

" અંકલ એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. વલ્લકી અને પ્રતીક કુળદેવીનાં દર્શન કરવા માટે ગઈકાલે ભાવનગર ગયાં હતાં અને ત્યાંથી વળતી વખતે ટેક્સીને અમદાવાદ પાસે અકસ્માત નડ્યો હતો. વલ્લકીને માથામાં ઈજા થઈ હતી એટલે એની યાદદાસ્ત પાછી આવી ગઈ છે. તકલીફ એ થઈ ગઈ છે કે હવે એ પ્રતીકને ઓળખતી જ નથી. એને તો એમ જ છે કે આવતીકાલે એટલે કે આજે એનાં મારી સાથે લગ્ન છે. " અભિમન્યુ બોલી રહ્યો હતો.

" પ્રતીક અને માહી અમદાવાદથી રાત્રે મુંબઈ આવી ગયાં છે. હું જ વલ્લકીને એરપોર્ટ ઉપર લેવા ગયો હતો કારણકે અમદાવાદથી વલ્લકીએ મને જ ફોન કર્યો હતો. વલ્લકીને રાત્રે એના ઘરે હું મૂકી આવ્યો છું. અત્યારે જ આપણે વલ્લકીના ઘરે જવું પડશે અને એને સમજાવવી પડશે." અભિમન્યુ બોલ્યો.

" ઠીક છે બેટા. તું કાંદીવલી જવા નીકળી જા હું પણ અત્યારે જ આવું છું. આ પાછી એક નવી ઉપાધિ આવી." પ્રતાપ કાનાણી બોલ્યા.

અભિમન્યુએ ઘરે પોતાની મમ્મીને પણ વાત કરી.

" વલ્લકી સાથે આ બધું શું થઈ રહ્યું છે કંઈ સમજાતું નથી અભિ. ભલે એને એનો ભૂતકાળ યાદ આવી ગયો પરંતુ હવે એનાં લગ્ન થઈ ગયાં છે એટલે ગમે તેમ સમજાવીને એને સાસરે જ મોકલવી પડશે." કુસુમબેન બોલ્યાં.

" હું પણ એ જ વિચારું છું મમ્મી. અત્યારે હું અને પ્રતાપ અંકલ એના ઘરે જઈ રહ્યા છીએ. જોઈએ હવે શું થાય છે ! " અભિમન્યુ બોલ્યો અને કાંદીવલી જવા માટે બહાર નીકળ્યો.

અડધા કલાકમાં કાંદીવલી એકતા ટેરેસ પહોંચી ગયો અને નીચે જ ગાડી ઉભી રાખીને પ્રતાપ અંકલની રાહ જોવા લાગ્યો. એ પોતે હવે એકલો ઉપર જવા માગતો ન હતો.

દસેક મિનિટમાં કાનાણીની ગાડી આવી ગઈ એટલે બંને સાથે લિફ્ટમાં બેસીને ઉપર ગયા. ડોરબેલ વગાડ્યો એટલે વલ્લકીએ જ દરવાજો ખોલ્યો.

અભિમન્યુ અને પ્રતાપ અંકલ સોફામાં બેઠા.

" તમે વલ્લી સાથે વાત કરો ત્યાં સુધી હું ચા બનાવી દઉં." શાલિની બોલી અને કિચનમાં જતી રહી.

" જો બેટા. મારી વાત ધ્યાનથી સાંભળ. તારા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે એ બધા જ પ્રશ્નોના જવાબો તને મળી જશે. " કાનાણીએ વાતની શરૂઆત કરી. વલ્લકી સામે જ બેઠી હતી.

" અભિમન્યુ સાથે તારાં લગ્ન થવાનાં હતાં એ દિવસને સાડા ત્રણ મહિના વીતી ગયા છે. લગ્નના આગલા દિવસે તું નેકલેસ જોવા માટે બાંદ્રા લિંક રોડ ગઈ હતી અને ત્યાં તારો અકસ્માત થયો હતો. તું બેહોશ થઈ ગઈ હતી. તને ડૉ. પ્રતીક શેઠ લીલાવતી હોસ્પિટલ લઈ ગયા હતા. એ પોતે ત્યાં લીલાવતી હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ છે. બે ત્રણ દિવસમાં તું ભાનમાં તો આવી પરંતુ તારી યાદદાસ્ત જતી રહી હતી." પ્રતાપ કાનાણી વિગતવાર વાત કરી રહ્યા હતા.

" પ્રતીકે તારા ફોટા સાથે મુંબઈ સમાચારના છેલ્લા પાને જાહેરાત પણ આપી હતી પરંતુ આપણા ઘરે ગુજરાત સમાચાર આવે છે એટલે અમે એ જાહેરાત વાંચી શક્યા નહીં. છેવટે પ્રતીક તને એમના ઘરે લઈ ગયા. તું એના ઘરે દોઢ મહિનો રહી અને એના પ્રેમમાં પડી ગઈ. એમણે આગળ વધતાં પહેલાં ફરી એકવાર જાહેરાત આપી. કોઈ જવાબ ન મળ્યો એટલે છેવટે તારી સાથે એમની રીંગ સેરીમની થઈ. તારા હાથમાં જે વીંટી છે તે પ્રતીકની છે. સગાઈના પંદર દિવસ પછી કોઈક રીતે એ જાહેરાત અમારા ધ્યાનમાં આવી અને અમે તને મળવા માટે પ્રતીકના ઘરે આવ્યા." કાનાણી બોલી રહ્યા હતા.

" તેં અભિમન્યુને તો ઠીક પણ તારી મમ્મીને ઓળખવાનો પણ ઇનકાર કરી દીધો. અઠવાડિયા પછી પ્રતીક તને અહીં તારા ઘરે લઈને આવ્યા તો પણ તેં ઓળખવાનો ઇનકાર કર્યો. તારો ફોટો જોઈને તને વિશ્વાસ બેઠો કે તું વલ્લકી જ છે છતાં તારા મનમાં શાલિની પ્રત્યે કોઈ જ લાગણી ન હતી. " અંકલ બોલી રહ્યા હતા.

" એ દિવસે ઘરે આવીને તેં સ્પષ્ટ કહી દીધું કે આ ઘર સાથે તારો હવે કોઈ જ સંબંધ નથી અને તારી દુનિયામાં તું ખુશ છે. તું અને પ્રતીક બધાંને પગે લાગીને ઘરે જવા નીકળી ગયા પરંતુ તારા શબ્દોથી ધરમશી અંકલને બહુ જ આઘાત લાગ્યો. તમે લોકો નીચે પણ નહીં ઊતર્યાં હો ત્યાં દાદાજીએ દેહ છોડી દીધો. " પ્રતાપ કાનાણી બોલ્યા.

" ઓહ્ ..." વલ્લકી બોલી. એની આંખો આંસુથી ઉભરાઈ ગઈ.

" બેટા બે દિવસ પહેલાં જ તારાં લગ્ન પ્રતીક સાથે થઈ ગયાં છે. પ્રતીકની કુળદેવી ભાવનગરનાં ખોડીયાર માતા છે. એ લોકોમાં રિવાજ છે કે કુળદેવી દર્શન કર્યા પછી જ સંસાર શરૂ કરવો એટલે લગ્ન કરીને તરત જ બીજા દિવસે વહેલી સવારે તમે લોકો ફ્લાઈટમાં અમદાવાદ ગયાં અને ત્યાંથી ટેક્સી કરીને ભાવનગર ગયાં. અને વળતી વખતે અમદાવાદ પાસે ટેક્સીને અકસ્માત થયો. તને માથામાં ઇજા થઈ અને ફરી તારી યાદદાસ્ત પાછી આવી ગઈ. તું બાંદ્રા લિંક રોડ ગઈ એ વાતને આજે સાડા ત્રણ મહિના થઈ ગયા છે ! " કાનાણી અંકલે પોતાની વાત પૂરી કરી.

" હા બેટા. આ સાડા ત્રણ મહિનામાં ઘણું બધું બની ગયું છે. તારાં લગ્ન પ્રતીકકુમાર સાથે થઈ ચૂક્યાં છે. તું હવે એમની કાયદેસરની પત્ની છે. સાત ફેરા ફરીને વિધિપૂર્વક આ લગ્ન થયેલાં છે બેટા. એ લોકો પ્રભાદેવી રહે છે. તારે હવે ત્યાં જ જવું પડશે. તમારા બંનેનું હનીમૂન પણ હજુ બાકી છે ! " ચા લઈને આવેલી શાલિની બોલી.

" મેં બધી જ વાત ધ્યાનથી સાંભળી છે. પરંતુ અભિમન્યુ જ મારા પતિ છે. એમણે મારા માટે ઘણું કર્યું છે. મારો જન્મ એમના માટે જ થયો છે. આ લગ્ન મને માન્ય નથી. પ્રતીક સાથે મારે હજુ કોઈ સંબંધ પણ થયો નથી. પ્રતીકની માફી માંગીને હું ડિવોર્સ લઈ લઈશ. હું ત્યાં જવાની નથી. આ મારો ફાઇનલ નિર્ણય છે..... અભિમન્યુ મારાં લગ્ન તમારી સાથે જ થશે." વલ્લકી અભિમન્યુ સામે જોઈને બોલી.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■