વલ્લકી નવલકથા (Vallaki Novel Part-46)

Related

વલ્લકી પ્રકરણ 46

" આ લગ્ન મને માન્ય નથી. પ્રતીક સાથે મારો કોઈ સંબંધ થયો નથી. હું પ્રતીકની માફી માગીને ડિવોર્સ લઈ લઈશ પરંતુ લગ્ન તો અભિમન્યુ સાથે જ કરીશ અને આ મારો ફાઇનલ નિર્ણય છે."

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

વલ્લકીના આ શબ્દો સાંભળીને ઘરમાં સોપો પડી ગયો. બધા સ્તબ્ધ થઈ ગયા. સૌને લાગ્યું કે હવે વલ્લકી કોઈપણ સંજોગોમાં પ્રતીકને પોતાના પતિ તરીકે નહીં જ સ્વીકારે !

" અરે બેટા આવો નિર્ણય ના લેવાય. પ્રતીક કુમારનો એમાં કોઈ જ વાંક નથી. તારાથી એમને આવી સજા ના આપી શકાય. પ્રતીક કુમાર ખૂબ જ સજ્જન વ્યક્તિ છે. ઘર ખાનદાન પણ સારું છે. એમનાં માતા પિતા પણ ખૂબ જ પ્રેમાળ છે. એમનો આ એકનો એક દીકરો છે. તારા આ નિર્ણયથી એમને પણ આઘાત લાગશે બેટા. પ્રારબ્ધમાં જે લખ્યું હતું એ પ્રમાણે થયું છે. અભિમન્યુ સાથેનો તારો ઋણાનુબંધ પૂરો થઈ ગયો છે. " શાલિની વલ્લકીની બાજુમાં બેસીને બોલી.

" તમારી વાત હું સમજી શકું છું મમ્મી. મને પણ એ લોકો તરફ પૂરી સહાનુભૂતિ છે. પરંતુ જે પણ થયું એ એક અકસ્માત છે. હું બે હાથ જોડીને પ્રતીકનાં મમ્મી પપ્પાની માફી માગવા પણ તૈયાર છું. મારો નિર્ણય બદલાશે નહીં. અભિમન્યુ સાથે હું વિશ્વાસઘાત ના કરી શકું. હવે એ જ મારા પતિ છે. " વલ્લકી મક્કમતાથી બોલી.

" અભિમન્યુ આપણે હવે પ્રતીકના ઘરે જવું જોઈએ. જે પણ થયું તે બરાબર નથી થયું. એમના માટે પણ આ આઘાતજનક સમાચાર છે. આપણે એમને પરિસ્થિતિ સમજાવવી જોઈએ. વલ્લકી અત્યારે આપણી સાથે નહીં આવે. " કાનાણી બોલ્યા.

" હા ઠીક છે અંકલ. આપણે જવું જ જોઈએ. હું પ્રતીકને ફોન કરી દઉં છું કે એ ઘરે રહે. " અભિમન્યુ બોલ્યો અને એણે પ્રતીકને ફોન કરીને જાણ કરી જેથી એ ઘરે રહે.

ચા પીને અભિમન્યુ અને કાનાણી ઊભા થયા અને બહાર નીકળી ગયા.

" બેટા તારી ગાડી ભલે અહીં પડી રહી. તું મારી ગાડીમાં જ આવી જા. બે ગાડીઓ લઈને જવાની કોઈ જરૂર નથી. વળતી વખતે હું તને અહીં જ ઉતારી દઈશ. " નીચે આવીને કાનાણી બોલ્યા.

એકાદ કલાકમાં કાનાણીની ગાડી પ્રભાદેવી ગોખલે રોડ ઉપર રુસ્તમજી ક્રાઉન ટાવર પહોંચી ગઈ.

" પધારો પ્રતાપભાઈ. કેમ તમે બંને એકલા આવ્યા ? માહી ના આવી તમારી સાથે ?" ઝવેરીલાલ બોલ્યા.

અભિમન્યુ અને કાનાણી સમજી ગયા કે હજુ પ્રતીકે ઘરે સાચી વાત કરી નથી.

" ના તમારી માહી અમારી સાથે નથી આવી. અમે લોકો એના માટે જ આવ્યા છીએ. " કાનાણી બોલ્યા અને બંને જણા સોફામાં બેઠા.

ત્યાં સુધીમાં વંદનાબેન પાણીના બે ગ્લાસ લઈને આવ્યાં. બંનેએ પાણી પી લીધું.

" વંદનાબેન તમે પણ બેસો. પ્રતીક કુમારને પણ બોલાવો. અમે એક અગત્યની વાત કરવા આવ્યાં છીએ." કાનાણી બોલ્યા.

એટલામાં પ્રતીક પણ આવી ગયો અને બાજુના સોફા ઉપર મમ્મી-પપ્પાની બાજુમાં બેઠો.

" જુઓ વડીલ તમે તો જાણો છો કે અમારી વલ્લકીને અકસ્માત થયો હતો અને એમાં એની યાદદાસ્ત જતી રહી હતી. એ પછી એ તમારા ઘરે માહી તરીકે સાડા ત્રણ મહિના રહી અને પ્રતીક સાથે એનાં લગ્ન પણ થઈ ગયાં. બંને કુળદેવીનાં દર્શન કરવા ભાવનગર પણ ગયાં. અહીં સુધી તો તમને બધી ખબર જ છે." કાનાણી થોડો શ્વાસ લઈને ફરી આગળ બોલ્યા.

"પ્રતીક કુમારે તમને વાત કરી કે નહીં એની અમને ખબર નથી પરંતુ ભાવનગરથી પાછા ફરતી વખતે એમની ટેક્સીને અમદાવાદ પાસે એકસીડન્ટ થયો અને એમાં વલ્લકીને ફરીથી માથામાં ઇજા થઈ. ત્યાં બંનેને કે ડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. " કાનાણી બોલી રહ્યા હતા.

" આ અકસ્માતે પ્રતીક અને માહીના જીવનમાં આંધી સર્જી છે. હજુ સુધી પ્રતીક કુમારે તમને સાચી વાત નથી કરી લાગતી કારણ કે એ પોતે જ મૂંઝાઈ ગયા છે. હકીકત એવી બની છે કે માહીને પોતાનો બધો જ ભૂતકાળ યાદ આવી ગયો છે અને વર્તમાનકાળને એ સંપૂર્ણપણે ભૂલી ચૂકી છે. તમારા ઘરે પસાર કરેલો સાડા ત્રણ મહિનાનો સમય એના મગજમાંથી ડીલીટ થઈ ગયો છે. " કાનાણી બોલી રહ્યા હતા.

"અમદાવાદમાં વલ્લકી ભાનમાં આવી ત્યારે એને તો એમ જ હતું કે આજે સાંજે જ બાંદ્રા લિંક રોડ ઉપર એને અકસ્માત નડ્યો છે. પ્રતીકને પણ એ હવે ઓળખતી નથી. એની સગાઈ આ અભિમન્યુ સાથે થઈ હતી અને અકસ્માતના બીજા દિવસે એનાં લગ્ન પણ હતાં એ તો પ્રતીક કુમાર પણ જાણે છે અને કદાચ તમે પણ જાણતા હશો. અકસ્માત થયો ત્યારે પીઠી પણ ચોળેલી હતી અને મીંઢળ પણ બાંધેલું હતું." કાનાણી બોલ્યા.

" તમારી વાત અમારા માટે ખૂબ આઘાતજનક છે પ્રતાપભાઈ. પ્રતીક અમારું એકનું એક સંતાન છે. પ્રતીકે પણ આઘાતમાં અમને આ વાત નથી કરી. પરંતુ હવે કાયદેસર પ્રતીકનાં માહી સાથે લગ્ન થઈ ચૂક્યાં છે. ભલે તમે પ્રતીકના લગ્નનો થોડો ઘણો ખર્ચ ઉપાડ્યો પરંતુ મેં પણ આ લગ્નમાં લાખોનો ખર્ચ કરેલો છે. માહી હવે પ્રતીકની કાયદેસરની પત્ની છે. એની યાદદાસ્ત પાછી આવી જવાથી વાસ્તવિકતા બદલાતી નથી. અમારા સમાજમાં અમારી પ્રતિષ્ઠા છે. માહીએ લગ્નનો સ્વીકાર કરવો જ પડશે." ઝવેરીલાલ થોડાક ગુસ્સામાં બોલ્યા.

" તમે તમારી જગ્યાએ સાચા છો વડીલ પરંતુ બેઉની જિંદગીનો સવાલ છે. જ્યારે એ પ્રતીકને પતિ તરીકે સ્વીકારવા જ તૈયાર નથી ત્યારે પ્રતીક પણ એની સાથે સુખી નહીં થાય. હજુ બંને વચ્ચે કોઈ શારીરિક સંબંધ પણ થયો નથી. અમે અત્યારે વલ્લકી સાથે બધી ચર્ચા કર્યા પછી જ અહીં આવ્યા છીએ. એ તો ડિવોર્સની વાત કરી રહી છે. વડીલ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને સમજણથી કામ લેવું પડશે. કોર્ટ કચેરી કરવી એના કરતાં સમજણથી છૂટા પડવું યોગ્ય રહેશે એમ મારું માનવું છે." કાનાણી બોલ્યા.

કાનાણી જમાનાના ખાધેલ હતા અને વાતચીત કરવામાં ખૂબ જ હોશિયાર હતા એટલે અભિમન્યુએ એમને જ બોલવા દીધા.

" પપ્પા અંકલની વાત સાચી છે. મેં અમદાવાદમાં માહીનો બદલાયેલો વ્યવહાર જોઈ લીધો છે. એ મારી સાથે ગુસ્સાથી જ વાત કરતી હતી. ફોન ઉપર પણ એ અભિમન્યુને ડાર્લિંગ કહીને વાત કરી રહી હતી. મુંબઈ એરપોર્ટ ઉપર અભિમન્યુને જોયા પછી એ એમને વળગી પડી હતી. આ બધું મેં નજરે જોયેલું છે. હવે એને મારા તરફ કોઇ પ્રેમ કે આકર્ષણ જ ના હોય ત્યારે આપણા ઘરે લાવીને પણ શું ફાયદો ! " પ્રતીક બોલ્યો.

" જો પ્રતીક. આ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. કાયદેસરનાં લગ્ન થયેલાં છે. એણે પણ વાસ્તવિકતા સ્વીકારવી જ પડે. કોર્ટમાં તું પતિ તરીકેનો તારો હક માગી શકે છે. સમાજમાં મારી ઈજ્જત છે. ભલે અહીં આવ્યા પછી થોડા દિવસ એ તારાથી દૂર રહે પરંતુ પ્રેમથી એને વશ કરી શકાશે. ડિવોર્સ આપી દેવાની વાત જ ખોટી છે." ઝવેરીલાલ બોલ્યા.

" અંકલ નિર્ણય લેવા માટે મારે થોડો સમય જોઈશે. માહી ભલે હમણાં એના ઘરે રહેતી. મારે કોઈ ઉતાવળ પણ નથી. હજુ બે દિવસ પહેલાં લગ્ન થયાં છે અને આજે હું ડિવોર્સ આપી દેવાની વાત કરું એ મને પોતાને પણ યોગ્ય નથી લાગતું. મારે ઉતાવળિયો કોઈ નિર્ણય લેવો નથી. તમે તમારી જગ્યાએ સાચા છો હું મારી જગ્યાએ સાચો છું. આપણે હવે આ વાતને અહીં જ પૂરી કરીએ. હું પોતે બહુ જ અપસેટ છું. " પ્રતીક બોલ્યો.

" મને તમારી તરફ પૂરેપૂરી હમદર્દી છે પ્રતીક. આજે તમારી જે હાલત છે એ જ હાલત સાડા ત્રણ મહિના પહેલાં મારી પણ હતી એટલે હું એમાંથી પસાર થઈ ચૂક્યો છું. મને પોતાને પણ વલ્લકીની આ જીદ ગમી નથી. હું પણ એને સમજાવવાની કોશિશ કરીશ. વડીલ અમારાથી વધારે પડતું કંઈ બોલાઈ ગયું હોય તો હું માફી માગું છું. અમે હવે રજા લઈએ. " અભિમન્યુ બોલ્યો અને ઊભો થયો.

" ચાલો અંકલ. આપણે એમને સમય આપવો જ જોઈએ." અભિમન્યુ બોલ્યો અને બંને બહાર નીકળ્યા.

" અંકલ ઝવેરીલાલની વાત સાચી છે. એમણે વલ્લકીની સંમતિથી જ પ્રતીક સાથે લગ્ન કરાવ્યાં છે. જબરદસ્તી થઈ નથી. આપણે હવે શાંતિ રાખવી જોઈએ. હવે વલ્લકીને જ મારે સમજાવવી પડશે. પ્રતીક કારણ વગર ડિવોર્સી બની જાય એ યોગ્ય નથી. એનો કોઈ જ વાંક નથી. " કાંદીવલી આવી ગયા પછી ગાડીમાંથી ઊતરતી વખતે અભિમન્યુ બોલ્યો.

" તારી વાત સાચી છે બેટા. બંનેને વિચારવાનો સમય આપવો જોઈએ. તું તારી રીતે કોશિશ કરી જો. " કાનાણી બોલ્યા.

" હા અંકલ. હવે હું પણ ઘરે જ જાઉં છું. " અભિમન્યુ બોલ્યો.

અઠવાડિયાનો સમય એમ જ પસાર થઈ ગયો. એ પછીના શનિવારે અભિમન્યુએ વલ્લકીને પોતાની ઓફિસે બોલાવી.

" તમે તો મને ભૂલી જ ગયા લાગો છો જાન. કોઈ ફોન પણ કરતા નથી. અકસ્માતે મારા જીવનમાં જે પણ બની ગયું તે ભૂલી જાઓ પ્લીઝ. અમારી વચ્ચે કોઈ સંબંધ થયો નથી. હું તમારી છું અને તમારી જ રહેવા માગું છું. " વલ્લકી અભિમન્યુની સામે ખુરશી ઉપર બેસીને બોલી.

" જો વલ્લકી તારો મારા પ્રત્યેનો પ્રેમ હું સમજી શકું છું. ભલે અકસ્માતથી તારાં લગ્ન પ્રતીક સાથે થઈ ગયાં પરંતુ હવે તું પ્રતીકની કાયદેસરની પત્ની છે. પ્રતીકનો વાંક શું ? તું એને ડિવોર્સ આપી દે એટલે એ બિચારો કોઈ પણ વાંક વગર ડિવોર્સી થઈ જાય. અને એક વાર ડિવોર્સીનું લેબલ લાગી ગયા પછી બીજી વાર લગ્ન કરવામાં એને સારું પાત્ર ના મળે. સમાધાન કરવું પડે." અભિમન્યુ બોલ્યો.

" તમારી વાત હું સમજું છું . મને પ્રતીક તરફ સહાનુભૂતિ છે. પરંતુ હું હવે આ સંબંધ ચાલુ રાખવા માગતી નથી. મેં તમને મારા પતિ માની લીધા છે. હું પ્રતીકને મળીને બે હાથ જોડી એમની માફી માગી લઈશ પરંતુ લગ્ન તો તમારી સાથે જ કરીશ અને તમને હવે મારા પ્રત્યે પ્રેમ કે લાગણી ના હોય તો આજીવન કુંવારી રહીશ. મેં મારી મમ્મીને પણ આ જ કહી દીધું છે. " વલ્લકી બોલી.

અભિમન્યુને લાગ્યું કે વલ્લકી હવે પોતાની વાત માનવાની જ નથી એટલે એણે પછી બીજી કોઈ ચર્ચા ના કરી. પાંચેક મિનિટ રોકાઈ આડી અવળી વાતો કરીને વલ્લકી ઘરે જવા નીકળી ગઈ.

ઘરે પાછા ફરતી વખતે વલ્લકીને લાગ્યું કે જ્યાં સુધી ડિવોર્સ નહીં થાય ત્યાં સુધી અભિમન્યુને મનાવી શકાય તેમ નથી એટલે પછી એણે પ્રતીકને મળવાનો નિર્ણય લીધો.

બીજા દિવસે સવારે જ એણે પ્રતીકને ફોન કર્યો.

" પ્રતીક વલ્લકી બોલું છું. મારે તમને મળવું છે. ક્યાં અને ક્યારે મળી શકાય ?" વલ્લકી બોલી.

" તમે સાંજે સાત વાગે ઘરે આવી જાઓ એ જ સારું રહેશે. બહાર ક્યાંય મળવામાં મજા નહીં આવે." પ્રતીક બોલ્યો.

" મને તમારું પૂરું એડ્રેસ વ્હોટસએપ કરો અને લોકેશન પણ મોકલો. હું ભૂતકાળને ભૂલી ગઈ છું એટલે તમે ક્યાં રહો છો એની પણ મને ખબર નથી." વલ્લકી બોલી.

" ઠીક છે." પ્રતીક બોલ્યો અને ફોન કટ કર્યો.

" પપ્પા આજે સાંજે સાત વાગે માહી આપણા ઘરે મને મળવા આવવાની છે. એ હવે મને કે તમને કોઈને પણ ઓળખતી નથી એટલે તમે કે મમ્મી એની સાથે કોઈ જ વાત ના કરશો. " પ્રતીક બોલ્યો.

" પણ હવે એ તને શા માટે મળવા આવે છે ? એ તો તને ઓળખવાની પણ ના પાડે છે. " ઝવેરીલાલ બોલ્યા.

" મળવું તો પડશે જ ને પપ્પા. હજુ એ મારી કાયદેસરની પત્ની છે. " પ્રતીક બોલ્યો.

અને એ સાંજે સાત વાગે વલ્લકી ટેક્સી કરીને પ્રતીકના ઘરે પહોંચી ગઈ. પ્રતીકે જ દરવાજો ખોલ્યો. વલ્લકી આજે સાડીના બદલે જીન્સ પેન્ટ અને લેડીઝ ટીશર્ટ પહેરીને આવી હતી.

" આપણે બેડરૂમમાં જ બેસીએ." પ્રતીક બોલ્યો અને વલ્લકીને પોતાના બેડરૂમમાં લઈ ગયો. ઝવેરીલાલ ત્યાં ડ્રોઈંગ રૂમમાં જ બેઠા હતા. એમણે વલ્લકીની સામે જોયું પણ નહીં.

પ્રતીક બેડ ઉપર તકિયાને અઢેલીને બેઠો અને બેડના બીજા છેડે વલ્લકી બેઠી.

" બોલો... હવે તમારે શું કહેવાનું છે ?" પ્રતીક બોલ્યો.

" તમે મારાથી ખૂબ જ નારાજ છો એ હું સમજી શકું છું. તમારો આખો પરિવાર મારાથી દુઃખી છે એ પણ મને ખ્યાલ છે. કુદરતે આપણી સાથે બહુ ક્રૂર રમત રમી છે પરંતુ એમાં મારો કોઈ વાંક નથી પ્રતીક. મારા નિર્ણયથી તમારી પ્રતિષ્ઠાને પણ ધક્કો લાગી શકે છે. છતાં હું મજબૂર છું." વલ્લકી બોલી.

"તમારી કોઈ જ મજબૂરી નથી. આ તમારી જીદ છે. હજુ પણ તમે લગ્ન નિભાવી શકો છો. આપણાં લગ્ન કાયદેસર રીતે થયેલાં છે અને તમે હવે મને ઓળખતાં પણ નથી એ વાતની મારા મમ્મી પપ્પાને કોઈ ખબર ન હતી. તે દિવસે અભિમન્યુ લોકો આવ્યા પછી જ એમને ખબર પડી." પ્રતીક થોડા આક્રોશથી બોલ્યો.

" તમે મને તું સંબોધન કરી શકો છો. અને આ મારી જીદ નથી પ્રતીક. હું અને અભિમન્યુ રિલેશનશિપમાં છીએ એ વાતને તમે સમજો. અભિમન્યુએ મારા માટે ઘણું કર્યું છે. મારા ઉપર એક નરાધમે આખી રાત બળાત્કાર કરેલો છે. એણે મારી નગ્ન હાલતમાં વીડીયો ક્લીપ પણ બનાવી હતી અને મને એ રોજ રાત્રે બ્લેકમેલ કરીને વિડીયો કૉલની સામે નગ્ન કરીને ગંદા ઈશારા કરતો હતો. અભિમન્યુએ મને મદદ કરી અને વિડિયો ક્લિપ ડીલીટ કરી દીધી. પેલા નરાધમને સારો એવો પાઠ ભણાવી સીધો દોર કરી દીધો. " વલ્લકી બોલી રહી હતી.

"આ બધું જાણતા હોવા છતાં પણ અભિમન્યુ મારી સાથે લગ્ન કરવા તૈયાર હતા. હું તો આત્મહત્યા કરી લેવાની હતી પણ અભિમન્યુએ જ મને બચાવી. અમારાં બીજા દિવસે લગ્ન હતાં અને આગલા દિવસે મને અકસ્માત થયો. હવે તમે જ કહો આવા દેવપુરુષ સાથે હું વિશ્વાસઘાત કેવી રીતે કરી શકું ? પ્લીઝ મને માફ કરી દો અને લગ્નના બંધનમાંથી મુક્ત કરી દો. તમારો આભાર જિંદગીભર નહીં ભૂલું. " વલ્લકી બોલી અને એણે પ્રતીકના પગ પકડ્યા.

પ્રતીકે જોયું કે વલ્લકી રડી રહી હતી. વલ્લકી ઉપર આખી રાત બળાત્કાર થયો છે એ વાત એના માટે નવી હતી અને આઘાતજનક પણ હતી. પ્રતીક આટલું મોટું કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર ન હતો. જે યુવાન સ્ત્રી પર આખી રાત બળાત્કાર થયો હોય અને રોજ રાત્રે કોઈની સામે નગ્ન પણ થતી હોય એવી સ્ત્રી સાથે એ સંસાર જોડવા માગતો ન હતો. એનું મન ખાટું થઈ ગયું.

" ઠીક છે. તમારી અભિમન્યુ તરફની આટલી લાગણી છે તો હું તમારી સાથે જબરદસ્તી નહીં કરું. હું તમને ડિવોર્સ આપી દઈશ પરંતુ મારી એક શરત છે. " પ્રતીક મનમાં કંઈક વિચારીને બોલ્યો.

" મને મંજૂર છે. " વલ્લકી આંખો લૂછતાં બોલી.

" મેં તારી સાથે લગ્ન કર્યા છે. તું મારી હજુ કાયદેસરની પત્ની છે. મેં તને ભરપૂર પ્રેમ કર્યો છે અને તેં પણ મને એટલો જ પ્રેમ કરેલો છે. આપણે હજુ સુહાગરાત ઉજવવાની બાકી છે. હું યુવાન છું. મારાં પોતાનાં પણ અરમાનો છે. મારો એટલો તો હક બને જ છે. હું સતયુગનો માણસ નથી કે તારા જેવી ખૂબસૂરત યુવતીને એમ જ જવા દઉં. " પ્રતીક બોલ્યો.

પ્રતીક વલ્લકીનો જવાબ સાંભળવા માગતો હતો. હકીકતમાં એની અંદરથી એવી કોઈ જ ઈચ્છા ન હતી ! એના માટે વલ્લકી હવે પરાઈ થઈ ચૂકી હતી.

" તમને હું ના નથી પાડી શકતી પણ તમારી સાથે સંબંધ કર્યા પછી હું અભિમન્યુ સાથે લગ્ન નહીં કરી શકું પ્રતીક. મારા ઉપર પ્રથમ અધિકાર માત્ર અભિમન્યુનો છે. છતાં તમે મારી લાગણીઓ સમજી શક્યા છો અને મને ડિવોર્સ આપી રહ્યા છો તો હું એક રાત માટે તમને ચોક્કસ મળીશ પરંતુ અભિમન્યુ સાથે લગ્ન કરીને અમારી સુહાગરાત ઉજવાઇ જાય એ પછી જ. આ મારું વચન છે !" વલ્લકી બોલી.

" હું તારા પ્રેમનો ટેસ્ટ કરતો હતો એટલે મારી વાતને સિરિયસ લેવાની જરૂર નથી. તું હવે જઈ શકે છે. કોર્ટ પેપર ઉપર હું સાઇન કરી દઈશ." પ્રતીક બોલ્યો.

" તમે મારી લાગણીઓને સમજી શક્યા અને આટલો સહકાર આપ્યો એ બદલ જીવનભર તમારી આભારી રહીશ. તમે ખરેખર એક સજ્જન વ્યક્તિ છો. તમને નારાજ કરવા બદલ ખરેખર દિલગીર છું. " વલ્લકી બોલી અને બહાર નીકળી.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■