વલ્લકી પ્રકરણ 47
પ્રતીકને મળી આવ્યા પછી વલ્લકી ખૂબ જ ખુશ હતી. એ બીજા જ દિવસે ફરીથી અભિમન્યુની ઓફિસે પહોંચી ગઈ." ડાર્લિંગ ખુશ ખબર આપવા આવી છું. પ્રતીક ડિવોર્સ માટે માની ગયા છે. મને કહી દીધું કે કોર્ટ પેપર તૈયાર કરી દો. હું સાઇન કરી દઈશ. હવે કોર્ટની આગળની વિધિ તમારે જ કરવી પડશે. " વલ્લકી બોલી.

વલ્લકી નવલકથા
" પ્રતીક આટલું જલ્દી માની ગયો એનું મને આશ્ચર્ય થાય છે. કાયદેસર એનાં લગ્ન થયેલાં છે. હજુ તો એણે સુહાગરાત પણ ઉજવી નથી. તારા જેવી સુંદર યુવતીને છૂટાછેડા આપવા માટે તૈયાર થઈ ગયો એ બહુ મોટી વાત છે. " અભિમન્યુ બોલ્યો.
" હા શરૂઆતમાં તો એ તૈયાર જ ન હતા પરંતુ મેં મારી ઉપર આખી રાત થયેલા બળાત્કારની વાત કરી એટલે એમનું મન બદલાયું અને એ તૈયાર થઈ ગયા. બધા તમારા જેવા મહાન નથી હોતા ને જાન !" વલ્લકી બોલી. જો કે પ્રતીકે કરેલી સુહાગરાતની મજાક એણે અભિમન્યુને ના કહી.
"ઠીક છે. સારા સમાચાર છે. મારે હવે એડવોકેટ દ્વારા તમારા બંનેની જોઈન્ટ પિટિશન તૈયાર કરાવીને ફેમિલી કોર્ટમાં મૂકવી પડશે. બંનેનું સંમતિપત્ર આપવું પડશે. કોર્ટ છ મહિનાનો કુલિંગ ઑફ પિરીયડ આપશે. એ પૂરો થાય પછી તમને બંનેને લીગલી ડિવોર્સ મળી જશે." અભિમન્યુ બોલ્યો.
" અભિ એક વાત પૂછું ? " વલ્લકી બોલી.
" હા હા પૂછ ને ! "
" હું માહીમાંથી ફરી પાછી વલ્લકી બની ગઈ એ પછીનું તમારું વર્તન થોડુંક મને બદલાયેલું લાગે છે. પહેલાં હું જ્યારે મળતી ત્યારે તમારી નજર સતત મારી ઉપર જ ફર્યા કરતી હતી. તમારી નજરમાં પ્યાસ દેખાતી હતી, મિલનનો તલસાટ દેખાતો હતો. મને જોઈને તમારા ચહેરા ઉપર પ્રેમની જે લાગણીઓ ઉભરાઈ આવતી હતી એ હવે અદ્રશ્ય થઈ ગઈ છે. પ્રતીક સાથે લગ્ન થયા પછી તમને મારું આકર્ષણ ઓછું થઈ ગયું છે ? હું જબરદસ્તી તમારા ગળે પડવા માગતી નથી. હજુ પણ તમે મને સ્પષ્ટ કહી શકો છો." વલ્લકી બોલી.
"અરે ના ના વલ્લકી એવું નથી. મને તારામાં પૂરો રસ છે પરંતુ અત્યારે તું કોઈની પત્ની છે. સાત ફેરા ફરી ચૂકી છે એટલે થોડો મર્યાદામાં ચાલુ છું. હું હજુ પણ એ જ વિચારું છું કે મારે તારું લગ્નજીવન તોડાવીને તારી સાથે લગ્ન કરવાં જોઈએ ? મારા લીધે પ્રતીક બિચારો કારણ વગરનો ડિવોર્સી બની જશે. એણે તારી સાથે લગ્ન કર્યાં એમાં એનો શું વાંક ?" અભિમન્યુ બોલ્યો.
" અભિમન્યુ આ નિર્ણય મારો છે. તમારે તમારી જાતને દોષ દેવાની કોઈ જરૂર નથી. અને મારા ઉપર રૅપ થયો છે એ વાત જાણ્યા પછી પ્રતીક પણ આ લગ્ન ચાલુ રાખવા માટે તૈયાર નથી. એ વાત સાંભળ્યા પછી એમણે ડિવોર્સ માટે તરત જ હા પાડી દીધી." વલ્લકી બોલી.
" હમ્...ચાલો જેવી ઈશ્વરની મરજી. છ મહિના તો આમ પણ જવા દેવા જ પડશે. એ પછી જ લગ્ન થઈ શકશે. " અભિમન્યુ બોલ્યો.
" હા જાન. પરંતુ તમે હવે અંદરથી પ્રેમ પ્રગટાવો. હું તમારી ભાવિ પત્ની છું. મારી સાથે આવા અતડા ના રહેશો. લગ્ન ભલે છ મહિના પછી થાય પણ તમારી અંદર રોમાન્સ તો પ્રગટવો જોઈએ ને ! " વલ્લકી હસીને બોલી.
"કોશિશ ચોક્કસ કરીશ." અભિમન્યુ બોલ્યો. એ પછી પાંચેક મિનિટમાં વલ્લકી ઘરે જવા નીકળી ગઈ.
બીજા દિવસે અભિમન્યુ ચાર વાગે ઉઠી ગયો અને હાથ પગ ધોઈને ધ્યાનમાં બેસી ગયો. આજે એની ઈચ્છા દાદાજી સાથે વાત કરવાની હતી. એણે ધ્યાનમાં ૧૫ મિનિટ સુધી સતત પ્રાર્થના કરી ત્યારે દાદાજીનાં દર્શન થયાં.
" બોલ બેટા હવે શું મૂંઝવણ છે ? " દાદાજી હસીને બોલ્યા.
" આપ તો મારી મૂંઝવણ જાણો જ છો. વલ્લકીને અકસ્માત થયો અને એની યાદદાસ્ત જતી રહી. સાડા ત્રણ મહિના પછી એની યાદદાસ્ત પાછી આવી. આ સાડા ત્રણ મહિનામાં ઘણું બધું બની ગયું. એનાં પ્રતીક સાથે લગ્ન પણ થઈ ગયાં. આપે તો મને કહી દીધું હતું કે તારાં લગ્ન વલ્લકી સાથે જ થશે. તો પછી એનાં લગ્ન પ્રતીક સાથે કેમ થયાં ? એ હવે ડિવોર્સ લઈને મારી સાથે લગ્ન કરવાની વાત કરે છે પરંતુ મારું મન માનતું નથી." અભિમન્યુ બોલ્યો. દાદાજી હસી રહ્યા હતા.
" ગુરુપૂર્ણિમાના દિવસે મેં તને બધી વાત નહોતી કરી. વલ્લકીને પ્રતીકની ગાડી સાથે અકસ્માત મેં જ કરાવ્યો હતો. પ્રતીક સાથે લગ્ન કરાવવાની યોજના પણ મારી જ હતી. પોલીસ બેહોશ વલ્લકીને હોસ્પિટલમાં શોધી ના શકી એની પાછળ પણ મારો જ હાથ હતો. " દાદાજી હસીને બોલ્યા.
" પરંતુ દાદાજી એવું શા માટે કર્યું ? વલ્લકી ઉપર રૅપ થયેલો હતો છતાં પણ મેં એને સ્વીકારવાનો નિર્ણય લીધો. હવે મારે ડિવોર્સી સાથે લગ્ન કરવાનાં ? " અભિમન્યુ બોલ્યો.
આ બધા સંવાદો માનસિક ભૂમિકા ઉપર ચાલી રહ્યા હતા. આ એવી ભૂમિકા છે જ્યાં વાણી મૌન બને છે અને ધ્યાનમાં સંવાદો ચાલતા રહે છે.
" તારા હિત માટે જ મારે કેટલાક નિર્ણયો લેવા પડે છે. જો વલ્લકીએ સીધાં તારી સાથે લગ્ન કર્યાં હોત તો તમારા બંનેના છૂટાછેડા થઈ જાત ! વલ્લકીના ગ્રહો ખૂબ જ ભારે છે. નાનપણમાં જ માતા પિતા ગુમાવી દીધાં. પારકા ઘરે મોટી થઈ. એની કુંડળીમાં ભારે મંગળ લગ્નજીવનના સ્થાનમાં જ પડેલો છે. લગ્ન કર્યા પછી પતિનું મૃત્યુ થઈ જાય અથવા તો છૂટાછેડા થઈ જાય." દાદાજી બોલી રહ્યા હતા.
" પ્રતીકને પણ મંગળ છે. એના ગ્રહો પ્રમાણે એને પણ છૂટાછેડાના યોગો છે. વલ્લકીનો પ્રતીક સાથે ગયા જન્મનો થોડો ઋણાનુબંધ પણ છે એટલે જ મેં એને પસંદ કર્યો અને આ લગ્ન કરાવી મેં એ પૂરો કરી દીધો. પ્રતીકના ગ્રહો પ્રમાણે અકસ્માત થયો તે દિવસે એનો મૃત્યુ યોગ હતો પરંતુ મેં એને બચાવી લીધો છે. વલ્લ્કીની સ્મૃતિ મેં જ પાછી લાવી દીધી છે જેથી એ છૂટાછેડા લઈને તારી સાથે લગ્ન કરે. પ્રારબ્ધમાં જે લખ્યું હોય છે તે મિથ્યા કરી શકાતું નથી બેટા એટલે ના છૂટકે મારે મારી સિદ્ધિઓનો ઉપયોગ કરવો પડ્યો છે." દાદાજી બોલી રહ્યા હતા.
" આ પૃથ્વી ઉપર અકસ્માત કરાવનારા દુષ્ટ આત્માઓ અને બચાવનારા પવિત્ર આત્માઓ ચારે બાજુ ફરતા જ હોય છે અને જાહેર રોડ ઉપર તો ખાસ ! જો વ્યક્તિને કોઈ ગુરુની અથવા કોઈ દૈવી તત્ત્વની સુરક્ષા હોય તો દરેક જગ્યાએ ફરતા આવા પવિત્ર આત્માઓ ગમે તે રીતે વ્યક્તિને બચાવી લે છે. ક્યારેક ધક્કો મારીને તો ક્યારેક ખેંચીને તો ક્યારેક એક ક્ષણ માટે સ્ટિયરિંગ વ્હીલ હાથમાં લઈને બચાવે છે. જ્યારે દુષ્ટ આત્માઓ શરીરમાં પ્રવેશ કરીને ઘડીના છઠ્ઠા ભાગમાં વાહનને અકસ્માત કરાવી દે છે ! આ બધા આત્માઓ સારા કે ખરાબ ગ્રહોની પ્રેરણા પ્રમાણે જ કામ કરતા હોય છે. "
" બેટા ચમત્કારો આજે પણ બને છે પરંતુ એના માટે આપણી પોતાની ભક્તિ, સાધના અને ગાયત્રી જેવા પવિત્ર મંત્રોની સહાય જરૂરી છે. શૂળીનો ઘા સોયથી સરી જતો હોય છે. અકસ્માત થયા પછી લોકો ભેગા થઈ જાય છે. કોઈ એમ્બ્યુલન્સ બોલાવે છે તો કોઈ વળી વ્યક્તિને પોતેજ હોસ્પિટલ લઈ જાય છે. આ બધું દિવ્ય આત્માઓની પ્રેરણાથી જ થાય છે ! સૂક્ષ્મ જગતની આ બધી હિલચાલ નરી આંખે જોઈ શકાતી નથી. " દાદાજી બોલી રહ્યા હતા.
" માટે જે પણ થઈ રહ્યું છે તે મારી ઈચ્છાથી જ થઈ રહ્યું છે. વલ્લકી તારા માટે જ સર્જાઈ છે. એને નિરાશ કે દુઃખી કરવાની કોઈ જરૂર નથી. એના છૂટાછેડા થઈ જાય એટલે તરત જ તું એની સાથે લગ્ન કરી લેજે. તારી આધ્યાત્મિક યાત્રામાં પણ એ સહાયક બનશે. પ્રતીકને પણ થોડા દિવસો પછી એક સારી કન્યા મળી આવશે એટલે છૂટાછેડા પછી એ પણ લગ્ન કરી લેશે. " દાદાજી બોલ્યા અને અદ્રશ્ય થઈ ગયા. દાદાજીએ પોતાની સિદ્ધિઓથી પ્રતીક અને વલ્લકી બંનેને બચાવી લીધાં હતાં.
અભિમન્યુ ધીમે ધીમે ધ્યાનમાંથી બહાર આવ્યો અને પછી એણે ગાયત્રીની ૧૧ માળા કરી. આજે એણે દાદાજી સાથે વાતો કરી એ પછી એ ઘણો હળવો થઈ ગયો હતો.
આ વાતને પંદર દિવસનો સમય પસાર થઈ ગયો. પ્રતીકે પોતાના માતા પિતાને કન્વીન્સ કરી દીધાં. એણે વલ્લકી ઉપર થયેલા રૅપની વાત પણ કરી. એ પછી ઝવેરીલાલે પણ સંમતિ આપી.
અભિમન્યુએ પોતે જ સારો વકીલ રોકીને વલ્લકી તથા પ્રતીકની જોઈન્ટ પિટિશન ફેમિલી કોર્ટમાં મૂકી દીધી. બંનેએ કોર્ટને જણાવી દીધું કે પરસ્પર સંમતિથી અમે અલગ થઈએ છીએ અને બંનેમાંથી કોઈપણ પક્ષે કોઈ ડિમાન્ડ નથી.
આ ઘટનાને બે મહિના પસાર થઈ ગયા એ પછી એક દિવસ લીલાવતી હોસ્પિટલમાં પોતાની ચેમ્બરમાં બેઠેલા ડૉ. પ્રતીક સામે વલ્લકી આવીને બેસી ગઈ.
" અરે માહી તું અહીં ? મારું કંઈ કામ હતું ? " પ્રતીક આશ્ચર્યથી બોલ્યો. એનાથી માહી જ બોલાઈ ગયું.
" બે મિનિટ માટે જ આવી છું. બહાર પેશન્ટ બેઠેલા છે. મારે તમારી મુલાકાત કોઇની સાથે કરાવવાની છે. આપણે જ્યાં ડીનર લીધું હતું એ ચૈતન્યમાં રવિવારે સાથે લંચ લેવાનું ફાવશે? " વલ્લકી બોલી.
" તારે કોની સાથે મારી મુલાકાત કરાવવાની છે ? " પ્રતીક બોલ્યો.
" તમને બધી ખબર પડી જશે. તમે બસ હા કહો એટલે હું એ વ્યક્તિને લઈને બપોરે સાડા બાર વાગે પહોંચી જાઉં." વલ્લકી બોલી.
" ઠીક છે. તને ના થોડી કહેવાશે ?" પ્રતીક બોલ્યો એટલે વલ્લકી તરત જ બહાર નીકળી ગઈ.
વલ્લકી શા માટે મને મળવા આવી અને એ શું વાત કરવા માંગે છે એ પ્રતીકને સમજાયું નહીં. બે દિવસ પછી જ રવિવાર આવતો હતો એટલે એણે વિચારો કરવાનું છોડી દીધું.
અને રવિવારે પોણા બાર વાગે પ્રતીક ચૈતન્ય ડાઇનિંગ હોલ પહોંચી ગયો. વેઇટિંગ હતું એટલે સિંગલ ટેબલ માટે પોતાનું નામ પણ લખાવી દીધું. દસેક મિનિટમાં વલ્લકી એક ખૂબસૂરત યુવતીને સાથે લઈને આવી પહોંચી. આવનાર યુવતી એક તો દેખાવડી હતી અને પાછી તૈયાર થઈને આવી હતી એટલે પ્રતીક એને જોઈને જ પ્રભાવિત થઈ ગયો.
" આ ડૉ. સ્વાતિ મારી ખાસ ફ્રેન્ડ માધવીની નાની બહેન છે. કેઈએમ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ છે. તમે લોકો સાથે લંચ લઈ લો અને એકબીજાને ઓળખો. હું હવે નીકળું છું. " વલ્લકી બોલી.
" અરે તું પણ અમારી સાથે લંચ લઈ લે ને ! " પ્રતીક બોલ્યો.
" ના બાબા. હું કબાબમાં હડ્ડી બનવા નથી માગતી. લંચ લીધા પછી મને પ્રોગ્રેસ રિપોર્ટ આપી દેજો. " વલ્લકી હસીને બોલી અને નીકળી ગઈ.
બે જ મિનિટમાં પ્રતીકનું નામ બોલાયું એટલે બંને જણાં અંદર દાખલ થયાં. આ વખતે પણ એ જ ટેબલ મળ્યું જ્યાં એકવાર પ્રતીક અને માહી બેઠાં હતાં. આ પણ કેવો યોગાનુયોગ !
" ગુજરાતી થાળી છે એટલે મેનુ પસંદ કરવાનો કોઈ સવાલ જ નથી." પ્રતીક બોલ્યો.
" મેનુ પસંદ કરવાનું હોત તો પણ તમારી ચોઇસ પ્રમાણે જ મંગાવવાનું હતું. " સ્વાતિ બોલી.
" તમે વાતો સરસ કરો છો. હવે બોલો. માહી એટલે કે વલ્લકી કેમ તમને મારી પાસે લઈ આવી એ હજુ મને સમજાતું નથી. તમે કંઈક વાત કરો તો સમજાય." પ્રતીક બોલ્યો.
" આમ તો તમારો પરિચય મારી મોટી બહેન માધવીએ આપ્યો છે. એ વલ્લકી દીદીની ખાસ ફ્રેન્ડ છે. એમના શો રૂમ આગળ જ બાંદ્રા લિંક રોડ ઉપર વલ્લકી દીદીનો અકસ્માત થયો હતો. તમારા વિશે બધી વાત વલ્લકી દીદીએ મારી દીદીને કરી. દીદીએ એક વીક પહેલાં મને વાત કરી. મને રસ પડ્યો અને મેં તમારા વિશે તપાસ કરી." સ્વાતિ બોલી રહી હતી.
" તમારો વધારે પરિચય તમારી લીલાવતી હોસ્પિટલના કાર્ડિયાક સર્જન નાણાવટી સર પાસેથી મળ્યો. તમે પોતે કાર્ડિયોલોજિસ્ટ છો એટલે એમને ઓળખતા જ હશો." સ્વાતિ બોલી. એનો અવાજ બહુ જ મીઠો હતો.
" હા હા એ તો મારા સિનિયર છે. બહુ સારી રીતે ઓળખું છું. " પ્રતીક બોલ્યો.
" એ અમારી કેઈએમ હોસ્પિટલમાં પણ બે દિવસ આવે છે. એ મને પણ ઓળખે છે. હું કોઈ યોગ્ય પાત્ર શોધી રહી છું. તમારો શું જવાબ છે એ તો મને ખબર નથી પણ મને તો તમે પસંદ આવી ગયા છો." સ્વાતિ બોલી.
" તમે ડિવોર્સી સાથે લગ્ન કરશો ? " પ્રતીકે આશ્ચર્યથી પૂછ્યું. એને સ્વાતિ પહેલી જ નજરે ગમી ગઈ હતી.
" કેમ એમાં શું છે ? રાજાને ગમે તે રાણી એમ રાણીને ગમે તે રાજા. તમે પણ ડોક્ટર અને હું પણ ડોક્ટર. હકીકતમાં હું ડિવોર્સી છું અને કુંવારી પણ છું. તમારું પણ એક જ દિવસનું લગ્નજીવન અને છૂટાછેડા ! મારો કેસ પણ બરાબર તમારા જેવો જ છે. મારું લગ્નજીવન પણ એક જ દિવસ ચાલ્યું અને પછી લીગલ ડિવોર્સ." સ્વાતિ હસીને બોલી.
" ઈન્ટરેસ્ટિંગ ! મને સાંભળવું ગમશે." પ્રતીક હસીને બોલ્યો.
"સંભળાવવા જ તો આવી છું. હું જ્યારે એમબીબીએસ થઈને હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં રેસીડેન્સી કરતી હતી ત્યારે લંડનના એક નબીરાની વાત આવી. ૧૫ દિવસ માટે કન્યા જોવા માટે મુંબઈ આવ્યો હતો. એક જ મુલાકાતમાં એણે મને પસંદ કરી લીધી. છોકરો દેખાવડો હતો અને પાછો શ્રીમંત હતો એટલે મેં પણ ના ન પાડી. એક જ અઠવાડિયામાં લગ્ન પણ લેવાઈ ગયાં. " સ્વાતિ બોલી રહી હતી.
" હનીમૂન માટે એણે જૂહુની એક ફાઈવ સ્ટાર હોટલ બુક કરાવી હતી. પરણ્યાની પહેલી જ રાત્રે એણે ડ્રિંક્સનો ઓર્ડર આપ્યો. હું તો ડ્રિંક્સ બિલકુલ લેતી નથી. એણે પીવાનું ચાલુ કર્યું. મને બેબી અને સ્વીટહાર્ટ સંબોધન કરતો રહ્યો અને પેગ ઉપર પેગ ચડાવતો ગયો. નશો એટલો બધો ચડી ગયો કે બેડ ઉપર ઢળી પડ્યો. સવારે નવ વાગ્યા સુધી સૂતો રહ્યો." સ્વાતિ બોલી રહી હતી.
"બીજી રાત્રે પણ એ જ તમાશો. મને ખાતરી થઈ ગઈ કે કંઈક ગરબડ છે. હું આટલી સુંદર હોવા છતાં પણ લગ્ન પછી મારી સાથે દેહ સંબંધ બાંધવાને બદલે આ માણસ બંને રાત પીવામાં જ મસ્ત રહ્યો. એનો મતલબ કે ચોક્કસ એનામાં પુરુષત્વની ખામી છે. મેં એ જ રાત્રે નિર્ણય લઈ લીધો.
ત્રીજા દિવસે તો એની ફેમિલી સાથેની લંડનની ટિકિટ હતી. લગ્ન કર્યા પછી પણ હું તો કુંવારી જ રહી. મેં પપ્પાને અને માધવી દીદીને બધી વાત કરી. એમને ખૂબ જ આઘાત લાગ્યો. એડવોકેટ દ્વારા ડિવોર્સ ફાઈલ કરી. એક વર્ષ પછી ડિવોર્સ પણ મળી ગયા. એ વાતને ત્રણ વર્ષ થઈ ગયાં." સ્વાતિ બોલી.
" લગ્ન કરતી વખતે આપણને ખબર જ નથી હોતી કે આપણું લગ્ન જીવન કેવું જશે ! મારા કિસ્સામાં પણ આવું જ બન્યું છે. લગ્ન પછી હું પણ કુંવારો જ છું. " પ્રતીક બોલ્યો.
"તમારા લાઇફમાં શું થયું છે એ મને બધી જ ખબર છે. માધવી દીદીએ મને બધી જ વાત કરી છે. વલ્લકી દીદીએ જ તમારા માટે દીદી આગળ પ્રસ્તાવ મૂક્યો. એમણે તમારી ખૂબ જ પ્રશંસા કરી છે." સ્વાતિ બોલી.
"તમારી સાથે જોડાવાનું લખ્યું હશે એટલા માટે જ માહી એટલે કે વલ્લકી સાથે આ ઘટના બની હશે. નહીં તો આજે આપણી મુલાકાત થાત જ નહીં. મને તમારામાં રસ પડ્યો છે. મારા તરફથી હા છે. ચારેક મહિનામાં મને લીગલ ડિવોર્સ મળી જશે." પ્રતીક બોલ્યો.
"વલ્લકી દીદી સાચું જ કહેતાં હતાં. મને યોગ્ય પાત્ર જ મળ્યું છે. આઈ એમ હેપ્પી. મારા તરફથી પણ હા જ છે. " સ્વાતિ બોલી અને એણે ટેબલ ઉપર રાખેલા પ્રતીકના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો.
" તમે આજે સુંદર લાગો છો. તમારો એક સ્નેપ લઈ લઉં ? જો તમે પરમિશન આપો તો. " પ્રતીક બોલ્યો.
" ઑફ કૉર્સ યુ કૅન ! " સ્વાતિ બોલી અને એણે પોતાના લાંબા વાળ આગળ લઈને પોતાનો એક સુંદર પોઝ આપ્યો.
" મમ્મી પપ્પાને હું બતાવીશ એટલે એ પણ ખુશ થઈ જશે. બાય ધ વે તમે ક્યાં રહો છો ? " પ્રતીક બોલ્યો.
" હું પારલા ઈસ્ટમાં હનુમાન રોડ રહું છું. માધવી દીદી મેરીડ છે એટલે એ જૂહુ સ્કીમમાં રહે છે." સ્વાતિ બોલી અને પછી બંનેએ જમવાનું ચાલુ કર્યું.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા
