કેલીનું અભિયાન .."
********************* સંગીતા દત્તાણી
"એ ડાળી, એ ડાળી હમણાં તું પડી જવાની, જરા સરખી રહે."ઠૂઠાંએ ડાળીને કહ્યું. ડાળીએ વળતો જવાબ આપ્યો, "એલા એય ઠૂઠાં,એ તો હું હીંચકું છું તને તો એય ક્યાં નસીબમાં છે!"
"એ ડાળી, એ ડાળી હમણાં તું પડી જવાની, જરા સરખી રહે."ઠૂઠાંએ ડાળીને કહ્યું. ડાળીએ વળતો જવાબ આપ્યો, "એલા એય ઠૂઠાં,એ તો હું હીંચકું છું તને તો એય ક્યાં નસીબમાં છે!"
કેલીનું અભિયાન - Kelly's Campaign
ઠૂઠું બિચારું રડવા જેવું થઈ ગયું. ત્યાં તો થડે માથું બહાર કાઢ્યું અને ડાળીને કહેવા લાગ્યું, "એ ચિબાવલી, છાનીમાની બેસ. બહુ બડબડ કરે એ સારું નહીં. એ તો જરા પવન આવે છે એટલે તું હીંચકે છે પણ હમણાં વરસાદ ધોધમાર પડશે ને તો ઠૂઠાને પણ કૂણી કૂંપણો દેખાશે જોજે તું."
પણ ડાળીને બસ આમથી તેમ ઊડવું હતું. આમ બે ચાર દિવસ ચાલ્યું પછી હવામાન ખાતાએ આગાહી કરી કે બધાંએ પંદર દિવસ સુધી બહાર નીકળવું નહીં ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે અને તે પણ ધોધમાર વરસાદ સાથે! ડાળીએ પણ સાંભળ્યું પણ એ તો બસ આમથી તેમ ઊડયાં જ કરી.
રોજ બગીચામાં એક દસવર્ષની દીકરી તેના દાદા સાથે આવતી. તેનું નામ હતું કેલી. કેલીએ દાદાજીને પૂછ્યું, "દાદા, હવે શું કરીશું? આ ટીવી અને રેડિયોમાં તો એમ બોલે છે કે પંદર દિવસ બહાર ન જવું." દાદાજીએ તેને શાંત પાડતાં કહ્યું, "બેટા, હવામાનખાતાનું એ કામ છે. એટલે એને તે કરવું જ પડે. આગાહીઓ કરે, સલામત જગ્યાએ ખસવાનું કહે તો નાગરિકોએ કરવું જ પડે. પણ સાથે સાથે આપણે પ્રાર્થના પણ કરવાની કે કોઈને કશું નુકશાન ન થાય."
આ સાંભળીને કેલી જરા શાંત પડી. પછીના બે દિવસો તો સારા ગયા. ત્રીજે દિવસે ભયંકર ગાજવીજ સાથે વરસાદ પડવાનો શરૂ થયો. વીજળીના કડાકાભડાકા પણ થતાં હતાં. કેલી તો દાદાજી પાસે આવી ગઈ. દાદાજી કહે, "બેટા એ તો વીજળીના ચમકારા થાય છે અને આવે સમયે બહાર ન નીકળવું." કેલીએ કહ્યું કે, "દાદી તો એમ કહેતા હતા કે કૃષ્ણ ભગવાન ગેડી દડે રમે છે."
દાદાજી હસવા લાગ્યા અને કેલીને કહ્યું, "હા બેટા, પહેલા અમને પણ એવું જ સમજાવવામાં આવતું પણ એ વાત ખોટી છે."
ત્રણ દિવસ સુધી વરસાદ વાવાઝોડું વગેરે ચાલ્યું ચોથે દિવસે જરા શાંતિ થઈ. વરસાદ તો બંધ થઈ ગયો હતો પણ હવામાન ખાતાની આગાહી તો માનવી જ રહી.
ડાળી તો બિચારી હવે થડને વીંટળાઈ વળી હતી. ઠૂઠાંમાં થોડી કૂંપળો દેખાતી હતી. પંદર દિવસ પૂરા થયા પછી બધું નોર્મલ થઈ ગયું ફરી પાછા બગીચામાં અવરજવર ચાલુ થઈ. કેટલાંક વૃક્ષો પડી ગયાં હતાં તેને વ્યવસ્થિત રીતે સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં હતાં. બીજાં પાંચ દિવસ આ કાર્ય વ્યવસ્થિત ચાલતું રહ્યું અને હવે ફરીથી બધું જ પુલકિત થઈ ઊઠ્યું હતું
એકાદ મહિના પછી ફરી એક અભિયાન શરૂ કરવામાં આવ્યું. તે સાંભળીને કેલી આનંદમાં આવી નાચવા લાગી. "દાદાજી, દાદાજી જે લોકો પોતાના ઘરમાં પાંચ વૃક્ષો વાવવાની પરવાનગી આપશે તેને સરકાર તરફથી પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે. આપણે પાંચ વૃક્ષો વાવીશું ને દાદાજી!"
દાદાજીએ કહ્યું, "બેટા પાંચ નહીં, દસ વાવીશું. આવડો મોટો આપણો ઘરનો બગીચો છે. બોલ તું શું વાવવા માંગે છે?"
કેલી તો ખૂબ ખુશ થઈ ગઈ અને કહ્યું, "દાદાજી મારે તો કારેલાં, રીંગણાં, ટામેટાં, મરચાં, સંતરા, કેરી, તરબૂચ અને ટેટી જે મને બહુ ભાવે" દાદાજી હસવા લાગ્યા. "હા બેટા, તું કહે તેમ પણ પછી પાણી રોજ પાવું પડશે અને તેની સાથે તારે રોજ સુંદર વાતો પણ કરવી પડશે તો જ એ વૃક્ષોનો સારો ઉછેર થયો ગણાય અને તેની વૃદ્ધિ જલદી થાય."
કેલીએ તો હકારમાં માથું નમાવ્યું ને દાદાજીએ જોડ્યો ફોન. "હલો, અમારે ઘેર પાંચ નહીં દસ વૃક્ષો વાવવાં છે. તો તમે ક્યારે આવશો?" સામેથી જવાબ આવ્યો, "આજે જ તમારા એરિયામાં અમારી ટીમ કામ કરી રહી છે. તેમને મેસેજ કરી દઉં છું."
કેલી તો રાજીના રેડ થઈ ગઈ. થોડીવારમાં પાંચ જણાની ટીમ આવી પહોંચી. હોંશે હોંશે કેલી અને દાદા પણ તેમને મદદ કરતાં રહ્યાં. થોડીવારમાં તો દસ વૃક્ષો વાવી દીધાં અને કેલીને સમજાવતાં કહ્યું કે, "કેરીને આવતાં જરૂર વાર લાગશે પણ બીજાં તો જલ્દી ઉગી નીકળશે અને જતન પણ બહુ કરવું પડશે."
દાદાજીને અને કેલીને આજે ખૂબ આનંદ થયો કેમકે પર્યાવરણ
વિભાગે
આજે જે કાર્ય કર્યું હતું તેનાથી અને જે દસ હજારનો ચેક મળ્યો હતો તે જાણીને કેલીનો આનંદ માતો ન હતો.
બરાબર દસ વર્ષ પછી દાદાજીએ ફરી પર્યાવરણ વિભાગની ટીમને બોલાવી ત્યારે કેલી વીસ વર્ષ પૂરાં કરીને એકવીસમાં વર્ષમાં પ્રવેશ કરતી હતી. જે દસ હજાર રૂપિયા દસ વર્ષ પહેલાં પર્યાવરણ ટીમે દાદાજીને આપ્યા હતા તે દાદાજીએ વ્યાજ સહિત પ્રેમથી પાછા આપ્યાં અને કહ્યું કે, "અમારી બાજુમાં જે બગીચો છે તેમાં બીજાં ઘણાં વૃક્ષો વાવો એવી અમારી નમ્ર વિનંતી છે."
આ વિચાર કેલીએ જ દાદાજીને આપ્યો હતો કારણકે કેલી હવે પર્યાવરણ વિભાગનાં છેલ્લા વર્ષમાં હતી અને પછી પી.એચ.ડી. કરવાનો પણ તેનો વિચાર હતો. પર્યાવરણ ટીમે કેલી અને દાદાજીનો ખૂબ આભાર માન્યો અને દસ વર્ષમાં જે પરિણામ મળ્યું હતું તે જોઈને તેઓ ઘણાં ખુશ થયાં હતાં.
હા અને પેલી થડને વળગેલી ડાળી પણ ખૂબ જ ઊંચે ગઈ હતી ને ઠૂંઠાંમાંથી તો મોટું વટવૃક્ષ બની ગયું હતું. દાદાજી હવે ઉંમરના કારણે દરરોજ બગીચામાં જઈ શકતા ન હતા પણ કેલીએ એ નિત્યક્રમ જાળવી રાખ્યો હતો.
આ રીતે કેલીનું અભિયાન સફળ નીવડ્યું હતું અને જાણે કે દેશના બીજા નાગરિકોને જાગૃત કરવા ......તેણે જાણે પ્રણ લીધું હતું.
કેલી હવે એક જાગૃત નાગરિક બની ચૂકી હતી. તેણે લોક જાગૃતિ અભિયાન આદર્યું. તેની શરૂઆત તેણે પોતાનાં પડોશથી કરી. રવિવારે જ્યારે બાળકોને શાળામાં રજા હોય ત્યારે, કેલી સાંજ પડ્યે પડોશના બાળકોને એકઠાં કરતી. તેમને પર્યાવરણની સુરક્ષા અંગે સમજાવતી. હવા, પાણી અને ધ્વનિનાં પ્રદૂષણ વિશે પણ ઉંડી સમજ આપતી. ગ્રીન હાઉસ ઈફેક્ટ, ઓઝોન પડમાં ગાબડાં, હિમશીલાઓનું ઓગળવું, મહાસાગરોનાં પાણીની સપાટીમાં વધારો થવો, ટોર્નેડો, ત્સુનામી જેવી કુદરતી આફતો વિશે પણ તેણે બાળકોને બધું સમજાવ્યું. બાળકોને પણ આ બધાંમાં રસ પડવા લાગ્યો હતો.
કેલી સાથે સાથે બાળકો પાસે વૃક્ષો વવડાવતી અને તેની દેખભાળ કરવાનું પણ શીખવતી. આ અભિયાન પાર પાડયા પછી તેણે પોતાની કૉલજનાં ડિનની પરમિશન લઈને, સહાધ્યાયીઓને પણ વૃક્ષો વાવતાં કરી દીધાં! કૉલેજનો બગીચો હવે સૌનાં પ્રયત્નો થકી નંદનવનમાં ફેરવાઈ ચૂક્યો હતો.
કેલીનું પીએચડીનું અંતિમ વર્ષ પૂર્ણ થયું. તેનો નિબંધ બધાં પીએચડીનાં વિદ્યાર્થીઓ કરતાં સર્વશ્રેષ્ઠ સાબિત થયો હતો.
કોન્વોકેશન હોલ આખો ખચાખચ ભર્યો હતો. પીએચડીની પદવી માટે કેલીનું નામ એનાઉન્સ થયું. તેને પદવી એનાયત થઈ. પર્યાવરણ જાગૃતિ અભિયાન માટે તેને ખાસ ઈનામ પણ આપવામાં આવ્યું. પછી બે શબ્દો બોલવા માટે કહેવામાં આવ્યું. ત્યારે કેલીએ બધો શ્રેય પોતાનાં દાદાજીને આપ્યો. તેમને સ્ટેજ પર બોલાવીને ભારતીય મૂળની કેલીએ જ્યારે પોતાનાં દાદાજીનાં ચરણસ્પર્શ કર્યાં ત્યારે આખો હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો. દાદાજીની આંખો હર્ષાશ્રુઓથી ઉભરાઈ ગઈ.
– સંગીતા દત્તાણી (લેસ્ટર UK)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories
