સફળતાનો સાથી (Safalta No Sathi)

સફળતાનો સાથી .."
*********************** પાર્થિવ નાણાવટી
ઊંડા વિચારમાં બેઠેલ મારા પુત્ર સ્વીટુને મેં પૂછ્યું, બેટા ઘણા સમયથી તું વિચાર અને ચિંતા બહુ કરે છે, કોઈ તકલીફ હોય તો તારા મમ્મી પપ્પા સાથે ચર્ચા કરી લેવી. માઁ બાપ એક જ એવું સર્જન છે જે તને સ્પષ્ટ, નિખાલસ, સાચો અભિપ્રાય આપશે.

પપ્પા કંઈ નહિ, એમ જ.

બેટા ચિંતા અને ચિંતન માં ફેર છે ચિંતન તમને શાંતિ અને સફળતા તરફ નો માર્ગ બતાવે જ્યારે ચિંતા તમને હોસ્પિટલનો માર્ગ બતાવે.

AVAKARNEWS
સફળતાનો સાથી - Safalta No Sathi

ત્યાં સ્મિતા બોલી, તેને 12 ધોરણના પરિણામની ચિંતા છે, કેટલા ટકા આવશે ? મહેનત તો ખૂબ કરી પણ પરિણામ તેને યોગ્ય ન આવ્યું તો ?

મેં કહ્યું, તો શું ?

સ્વીટુ મારી સામે જોવા લાગ્યો.

મેં કહ્યું, બેટા વધુ લાબું વિચારવાની જરૂર નથી તારી મહેનત અમે જોઈ છે. તને તારા મમ્મી પપ્પા સિવાય કોઈનું વિચારવાની તારે જરૂર નથી, અને તારા મમ્મી પપ્પા આ બાબતે બહુ સ્પષ્ટ છે.

એક વાત યાદ રાખ લોકો અંતે તો તમારુ ભણતર કરતા ડેસ્ટિનેશન જોવે છે. બિઝનેસ કરો છો કે નોકરી ? નોકરી કરો તો ક્યાં કરો છો ? તેના ઉપર થી તમારી સફળતાનું મૂલ્યાંકન કરતા હોય છે.

એટલે જ પરિણામની ચિતા કર્યા વગર ઈમાનદારી, ખંત પૂર્વક મહેનત યોગ્ય દિશામાં કરતો રહે.

બાકી બેટા એક વાત કરું. . જિંદગી છે દરેક સમયે આપણું ગમતું કે ધાર્યું થાય એ જરૂરી નથી. અને આવા સમયે જ ધૈર્ય રાખવું તથા ભાષા અને મગજ ઉપર સંયમ રાખવો ખૂબ જરૂરી બની જાય છે. ખરાબ સમયે આપણે બોલેલા શબ્દોનો લોકો સંગ્રહ કરી રાખે છે. અને સારા સમયે આપણા ખરાબ શબ્દોને પણ લોકો સલાહ ગણે છે.

ચિંતાથી ચતુરાઈ ઘટે ,ઘટે રૂપ ગુણ જ્ઞાન,

ચિંતા બડી અભાગણી ચિંતા ચિતા સમાન

બેટા ચિંતા કરવા કરતા સંઘર્ષનો રસ્તો અપનાવવો મારી દ્રષ્ટિ એ વધુ યોગ્ય છે. સંઘર્ષ થી પરિણામ મળે અને

ચિંતા થી હોસ્પિટલનું બિલ.

તારી મમ્મી મારા મિત્ર દેવાંગને ઓળખે છે.

કોઈની પ્રગતિ થાય તો તેની ઊંઘ ઉડી જાય, કોઈના ઘરમાં નવું ફર્નિચર બને, નવી કાર આવે, કોઈના છોકરા નોકરીએ લાગે અથવા વિદેશ ટુર મારે એટલે એ ચિંતામાં પડી જાય અને માનસિક સંતુલન ગુમાવી પોતે પણ કોઈથી ઉતરતો નથી એવું બતાવવા ઊંચા વ્યાજે રૂપિયા લાવી તે સગા સંબંધી કે મિત્રોની હરીફાઈએ પોતે ઉતરતો નથી તેવું સાબિત કરવા ખોટા નિર્ણયો તરફ વળી જતો.

એ કદી વિચારતો નહિ, મારી આવક કરતા જાવક વધવા લાગી છે, એક વખત એવો આવ્યો ઘરે ઉઘરાણીવાળા રોજ આવવા લાગ્યા. હવે તેને વાસ્તવિકતાની ખબર પડી પણ મોડું થઈ ચૂક્યું હતું.

બેટા પરિવાર કોને કહેવાય કોઈ એક વ્યક્તિ સતત ખોટા નિર્ણયો લેતું હોય અને તેના આવા નિણર્યથી એ વ્યક્તિ કે પરિવાર જોખમમાં મુકાતું હોય ત્યારે ઘરના દરેક સભ્યે આક્રમકતા પૂર્વક એ પ્રવૃત્તિનો વિરોધ કરવો જોઈએ. અહીં દેવાંગના ઘરમાં કોઈએ આવો વિરોધ કર્યો નહિ.

બેટા સંસાર, મિત્રો, કુટુંબ પણ ખરાબ સંજોગોમાં મદદ ક્યારે કરે જ્યારે તમારી જીવન જીવવાની પદ્ધતિ સામાન્ય હોય, એક મધ્યમવર્ગ ને શોભે તેવી હોય. મોજશોખ નવાબી જેવા કરતા હો અને મુસીબત સમયે લોકોના ઘર તરફ નજર રાખી મદદની આશા કે અપેક્ષા રાખવી એ કેટલું યોગ્ય ગણાય ?

હવે દેવાંગ ધીરે ધીરે માનસિક સંતુલન ગુમાવવા લાગ્યો હતો વગર કારણે લોકો સાથે ઝઘડવા લાગતો, ઊંચા અવાજે બોલે કોઈ વખત ગાળો પણ બોલવા લાગ્યો. એક વખત એવો આવ્યો કે ડોક્ટરે તેને માનસિક બીમાર જાહેર કરવો પડ્યો.

બેટા ઈચ્છા,આશા, અપેક્ષા, ચિંતા, એ બધા એક માઁ ના સંતાનો છે.

આપણી ઈચ્છાઓ પૂરી ન થવાથી કોઈ પાસે આપણે આશા અને અપેક્ષા રાખતા થઈએ છીએ અને અપેક્ષાઓ પૂર્ણ ન થતા સામેની વ્યક્તિ વગર કારણે ભૂંડી અને સ્વાર્થી લાગવા લાગે છે.

ચિંતા બે પ્રકારની હોય છે.

એક વેચાતી ઉપાધિમાંથી અથવા ખોટા નિણર્ય માંથી ઉભી થતી હોય છે ઘણી વખત તો કોઈના સળગતા લાકડા પકડવાના શોખ ને કારણે પણ મુસીબત માં મૂકાતા હોઈએ છીયે.

અને બીજો ચિંતાનો પ્રકાર જે સંજોગો માંથી ઉદ્દભવેલ હોય છે.

માણસ સંજોગોનો ગુલામ હોય છે. જીવનમાં ઘણી વખત એવા સંજોગો ઉભા થાય છે કે વ્યક્તિ જાણતા અજાણતા ચિંતાનો શિકાર બને છે. આવી ચિંતામાંથી બહાર આવવા બે માર્ગ છે. એક તો સંઘર્ષ કરી બહાર આવવા પ્રયતન કરો અથવા જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેને સ્વીકારી લ્યો. મજબુર બનવું કે મજબૂત એ દરેક વ્યક્તિ એ અંગત રીતે વિચારવાનું છે.

કોઈ પણ વ્યક્તિએ તેનું મગજ ગુમાવ્યું એટલે સમાજ અને પરિવારની નજરમાં તેની કિંમત કોડીની . ભલે તેને સમાજ કે પરિવાર માટે પોતાની જાતને ઘસી નાખી કેમ ન હોય.

યાદ રાખજે બેટા

દેખાદેખી, ઈર્ષા, અને લાગણીના આવેશમાં આવી અથવા આર્થિક નબળી બાજુ અને સંભવિત આવનાર મુશકલીઓનો વિચાર કર્યા વગર લીધેલા નિણર્ય આફતને નોતરું આપતા હોય છે.

પછી પપ્પા દેવાગનું શુ થયું ? સ્વીટુએ આતુરતા સાથે પૂછ્યું.

બેટા પછી દેવાંગને ડોક્ટરે ગાંડો જાહેર કર્યો એટલે તેને તેના પરિવારે એક રૂમની અંદર તેને બંધ કરી દીધો.

સવાર-સાંજ જમવાની થાળી તેને મળી જતી, પરિવારને ઈચ્છા થાય તો નવરાવે, નહિ તો ગંધાતા રૂમમાં વધેલ દાઢી અને માથાના વાળ સાથે એ પડ્યો રહેતો. ધીરે ધીરે પરિવાર માટે દેવાંગ બોજ રૂપ બનતો જતો હતો.

એક દિવસ તેના રૂમનું બારણું ભુલથી ખુલ્લું રહી ગયું, એટલે એ ભાગીને રસ્તા ઉપર આવ્યો જ્યાં સીટી બસની અડફેટે એ આવ્યો. અને મૃત્યુ પામ્યો. બીજે દિવસે છાપામાં આવ્યું 'માનસિક બીમાર વ્યક્તિનું બસની અડફેટે આવવાથી મૃત્યુ'.

સ્વીટુ ફરી વિચાર માં પડી ગયો..

મેં કીધું બેટા આટલી લાંબી વાતો તારી સાથે કરવાનું કારણ માત્ર એક જ છે ભૂતકાળના અનુભવ વર્તમાનની પરિસ્થિતિ અને આપણા ભવિષ્ય માટે આપણે શું કરવા માગીએ છીયે તેની સ્પષ્ટ રૂપરેખા અને એ માટે આપણી આર્થિક, માનસિક, શારિરીક તાકાત કેટલી છે એ સ્પષ્ટ કરી ધીરા પણ મક્કમતા પૂવર્ક ડગલાં ભરવા એ ડાહી વ્યક્તિનું કામ છે.

હજુ તારી પાસે સમય છે..

ઓછા ટકા આવે એટલે આપણે બીજાની સરખામણીમાં ઉતરતા છીયે એવું કદી વિચારવું નહિ

હંમેશા જીવનમાં "A પ્લાન અને B પ્લાન" તૈયાર રાખવો.

સમય તારી પાસે ઘણો છે

જો તારી ઈચ્છા મુજબ પરિણામ ન આવ્યું તો પછી બીજો ઉત્તમ વિકલ્પ કયો એ તારે નક્કી કરવાનું છે. ઉતાવળમાં લીધેલા નિર્ણય પછી તકલીફ આપે છે. એટલે શાંતિથી વિચારી મને તારો A અને B પ્લાન સમજાવજે. જેથી આપણે એ દિશા તરફ આગળ વધી શકીએ.

ઈશ્વરે દરેક પક્ષીઓને પાંખો આપી છે પણ સવાર પડે કોણે કઈ દિશામાં ઉડવું એ દરેક પક્ષી એ જાતે નક્કી કરવાનું છે. તારી દિશા તારે નક્કી કરવાની છે.

જિંદગીમાં મહેનત જ એવી કરો,

કે નસીબને પણ પરસેવો આવી જાય

છે રંગ એ જગત નો, જ્યારે હવા ફરે છે ,

સાગર તરી જનારા, કાંઠે ડૂબી મરે છે. તમે માત્ર મહેનતના વાદળો બનાવો, સફળતાના વરસાદ જરૂર આવશે !!

માળી રોજ છોડને પાણી પાય છે

પરંતુ ફળો માત્ર સીઝનમાં આવે છે જીવન નું પણ આવુજ છે. ધીરજ રાખવી જરૂરી છે,

સમય તેના પરિણામ જરૂર લાવે છે.સમય પર વિશ્વાસ રાખો સમય કરતા, શાણો સલાહકાર આ દુનિયામાં બીજો કોઈ નથી !!

બેટા મારો અનુભવ કહે છે

આપણી સફળતામાં પેંડા માંગવા વાળા, જ્યારે તકલીફ પડે ને ત્યારે પાણીનું પણ પૂછતા નથી. એટલે લોકો શુ કહેશે એ ચિંતા કે વિચારવાનું બંધ કરી તારા ભવિષ્યનું માત્ર વિચાર

સ્વીટુ હસી પડ્યો..

એ બોલ્યો પપ્પા, જન્મ આપે માઁ બાપ નથી બનાતું. તમે એક આદર્શ માઁ બાપ છો..તમે એક મુરઝાયેલ છોડ ઉપર પાણીનો છંટકાવ કરી પુનઃ જીવિત કર્યો છે...Thank you પપ્પા કહી એ મને ભેટી પડ્યો

મિત્રો
સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે, અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.

દરેક પ્રયત્નમાં સફળતા મળી શકે જરૂરી નથી, પણ દરેક સફળતા માટેનું કારણ એક પ્રયત્ન જ હોય છે...!!!

બાળકોની સરખામણી બીજાના બાળકો સાથે કદી કરતા નહિ. તેની અંદર છુપાયેલ તાકાત ને શોધવા પ્રયત્ન કરજો. તેને અપશબ્દો બોલી અપમાનિત કરવા જતાં એવું ન બને કે તમે તેની નજર માંથી કાયમ માટે ઉતરી જાવ

©️ પાર્થિવ
(ઇમેઇલ: parthivnanavati081266@gmail.com)
‌--------------------
"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!! 

Post a Comment

Previous Post Next Post