તલસાટ ..”
****************** - અંકિતા સોની
હું ઑફિસેથી આવ્યો ત્યારે એ બાલ્કનીમાં બેઠેલી. નીચે હોળી રમતાં બાળકોને એકીટશે એ નીરખી રહી હતી. મેં હળવેથી એના ખભે હાથ મૂક્યો. એનું ધ્યાન તૂટ્યું. એણે મારી સામે જોયું ત્યારે મને એની આંખમાં ઝળઝળિયાં દેખાયાં. એના ખોળામાં મેડિકલ રિપોર્ટ હતો. એ જોતાં એને કોઈ પ્રશ્ન પૂછવાની મને જરૂર ન લાગી. એની ઉદાસીનું કારણ હું ક્યાં જાણતો ન હતો! મેં રિપોર્ટ લઈને અંદર ટેબલના ડ્રોવરમાં મૂક્યો.
તલસાટ - Talsaat
"સુશી, આજે ખબર છે ઓફિસમાં શું થયું? પેલા મી. મહેતાના શર્ટ પાછળ કોઈ અવળચંડાએ ' હું મૂરખ છું ' એવો કાગળ ચિપકાવી દીધો હતો. પછી આખી ઓફિસમાં જે હસાહસ થઈ છે કે ન પૂછો વાત. " મેં વાતને અન્ય દિશામાં વાળવા પ્રયત્ન કર્યો. પરંતુ એણે ન તો આશ્ચર્ય બતાવ્યું કે ન તો કોઈ ઉત્સુકતા બતાવી. એ ચૂપચાપ મને તાકી રહી.
"તમને એક વાત કહું? માનશો? " એ ધીરેથી બોલી.
" હા બોલ ને. આજ સુધી તારી કોઈ વાત મેં ટાળી છે? " મેં કહ્યું.
"શહેરથી થોડે દૂર આવેલા મંદિરમાં... તમે કહો તો આપણે એક વાર ત્યાં જઈ આવીએ. મારી સખી ઉર્મિ મને કહેતી હતી કે ત્યાં જવાથી..." બોલતાં બોલતાં એ સહેજ ખચકાઈ.
"જો સુશી, હું આવા બધા ભવેડામાં માનતો નથી. તારા કહેવાથી આપણે ભૂત ભૂવાય કર્યા. તોય એનું પરિણામ શું આવ્યું? શૂન્ય જ ને. તું ચિંતા ન કર. આપણા રીપોર્ટસ નોર્મલ છે. ડોક્ટરે કહ્યું છે ને કે આજે નહીં તો કાલે આપણા ઘરે પણ પારણું બંધાશે. તું થોડીક ધીરજ રાખ." મેં એના હાથમાં મારો હાથ પરોવીને કહ્યું.
"બાર બાર વરસથી ધીરજ રાખીને જ બેઠી છું. હજી કેટલી ધીરજ રાખું? મારી બધી સહેલીઓના બાળકો પરણવા લાયક થઈ ગયા અને હું..જુઓ, બાળકો વગરનું આ ઘર મને ખાવા દોડે છે. ઘરની આ ચોખ્ખાઈ મને નથી ગમતી. બાળકોના શોરબકોર માટે મારું મન તલસે છે. અરીસા સામે ઊભી રહું છું તો લાગે છે જાણે હું બંજર જમીન છું. સાવ વાંઝણી..."
"સુશી.." બૂમ પાડીને મેં એના હોઠ પર આંગળી મૂકી દીધી. એ પાછી ચૂપ થઈ ગઈ. દિવસે દિવસે એને સંભાળવી હવે મને અઘરું લાગતું. એની માતૃત્વની તીવ્ર ઝંખનાને લીધે મારી ગેરહાજરીમાં અમારાં સગાંવહાલાંઓ, પાડોશીઓ અને એની સહેલીઓ દ્વારા એને જે જ્ઞાન પીરસાતું એની અસર હવે અમારા સંબંધો પર પડવા લાગેલી. પુરુષ તરીકે મને એની મા બનવાની ઘેલછા ગાંડપણ લાગવા લાગી હતી. સ્વેચ્છાએ પોતાની સ્વતંત્રતા માટે બાળકો પેદા કરવાથી દૂર ભાગતા એવા ઘણા યુગલોને હું ઓળખતો હતો.
અલબત્ત, મને બાળકોથી લગાવ હતો પરંતુ અમારે હજુ સુધી બાળક નથી એ વાતનો વસવસો મારા કરતાં વધુ સુશીને હતો. બહાર ક્યાંય ખરીદી કરવા જઈએ તો એ રમકડાની દુકાન આગળ ઊભી રહી જતી. મોલમાં ફરતા ફરતા બાળકોના કપડાં પહેરેલા પૂતળાને બહુ વહાલથી અડકી લેતી. કોઈ પણ સ્થળે ગયા હોઈએ ત્યારે કોઈનું ભૂલકું જોતા એ રમાડવા લાગતી. બાળકોને જોઈને એ પોતે પણ બાળક જેવી થઈ જતી. એનો ફાયદો થોડાક વખત માટે મળવા આવતા અમારા પરિચિતોના બાળકો ખૂબ ઉઠાવતા. સુશીના પ્રોત્સાહનને કારણે તેઓ અમારા ઘરને સાવ અસ્ત વ્યસ્ત કરી નાખતા. ત્યારે હું ખૂબ અકળાતો. પણ સુશીને મળતા બે ઘડીના આનંદ માટે એટલું હું સહી લેતો.
વારંવારની ડોક્ટરની મુલાકાતો એનામાં નિરાશા રોપતી જતી હતી. ડોક્ટરના કહેવા મુજબ બધું બરાબર હતું પણ અમારા નસીબમાં હજુ રાહ જોવાનું લખેલું હતું. સુશીના બદલાયેલા વર્તન અને એના લીધે શમી રહેલો મારી લાગણીઓનો ઊભરો મને મારા અંગત મિત્રોનો સહારો લેવા મજબૂર કરી રહ્યો હતો. કેટલાક મિત્રોએ મને આઈવીએફના શરણે જવાનું સૂચવ્યું તો કેટલાકે મને બાળક દત્તક લેવાની સલાહ આપી.
સુશી તો બાળક માટે આઇવીએફની કઠોર પ્રક્રિયામાંથી પસાર થવા તૈયાર હતી. પરંતુ એમાંય અમને બે- ત્રણ વખત નિષ્ફળતા હાથ લાગી. કદાચ બાળક અમારા ભાગ્યમાં નથી એવું અમે બંને માનવા લાગ્યાં હતાં. હું પોતે પણ સુશીની જેમ નિરાશ થવા લાગ્યો હતો. મારો મોટા ભાગનો દિવસ મારા કામકાજમાં જતો પણ સુશી..સુશી હજુય ખોળો પાથરીને એના ભગવાનને કરગરતી. સુશીની સુકાતી જતી કાયા જોઈને મને ઈશ્વર સૌથી વધુ નિષ્ઠુર લાગતો.
એક દિવસ સવારમાં ટ્રિપોય પર પડેલું અખબાર લેવા જતાં મારી નજર સુશીએ બનાવેલા બાળકના ચિત્ર પર પડી. મેં એ ચિત્ર ઉઠાવ્યું તો નીચે ગડી વાળેલો કાગળ હતો. મેં કાગળ ખોલ્યો. એ સુશીનો તાજેતરનો રિપોર્ટ હતો. રિપોર્ટ જોતા મારી આંખો પહોળી થઈ ગઈ. રિપોર્ટના છેવાડે એણે કાળજાના રંગથી એનું દિલ ચીતરેલું. મેં હળવેથી એ ચૂમી લીધું. પડદા પાછળ છુપાયેલી સુશી એકદમ દોડી આવી અને મારા મોંઢામાં ચોકલેટનો મોટો કટકો મૂકી દીધો. એની આંખમાં છલકાતી ખુશી એના પેટમાં આકાર લઈ રહી હતી. મેં ઉછળીને એને છાતી સરસી ચાંપી દીધી. સુશીએ બનાવેલા સુંદર મજાના બાળકનું ચિત્ર અમે સજોડે અમારા બેઠકરૂમની દિવાલ પર ચોંટાડ્યું.
- અંકિતા સોની (ધોળકા)

______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories