શ્રી કૃષ્ણ - (Shree Krushna)

Related

શ્રી કૃષ્ણ..""

શ્રી કૃષ્ણ વિશે લખવા કલમ ઉપડે તો જિંદગીભર લખો તો પણ ના ખૂટે, એટલું એમના જીવનમાં ભર્યું છે! ખરેખર, એ પૂર્ણાવતાર વિશે લખવું એ મારી કોઈ જ વિસાત નથી, છતાં તેમના પ્રત્યેના પ્રેમને વશ થઈને તેમના જીવનદર્શનને આધુનિક યુગમાં નજીકથી જોઈ શકાય તે રીતે રજૂ કરવાનો આ નાનકડો પ્રયાસ છે..!!

આવકાર
શ્રી કૃષ્ણ ..

"શ્રી કૃષ્ણ" – આ નામમાં જ એક અજાણ્યું રહસ્ય, અલૌકિક આકર્ષણ અને અનંત પ્રેરણાનો સ્ત્રોત સમાયેલો છે! શ્રી કૃષ્ણ માત્ર એક દેવતા નથી, પણ એક શાશ્વત જીવનદર્શન છે – જેમાં પ્રેમ, શાંતિ, ન્યાય, કર્મ અને ધર્મનો અદભુત સમન્વય જોવા મળે છે.

૫૨૫૪ વર્ષ પૂર્વે, શ્રાવણ માસની અષ્ટમીની મધ્યરાત્રિએ મથુરામાં અવતરેલા લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની યાદમાં આપણે "જન્માષ્ટમી" ઉજવીએ છીએ.

શ્રી કૃષ્ણનો જન્મ કોઈ સામાન્ય ઘટના ન હતી, પરંતુ ગ્રહો અને નક્ષત્રોનો એક દુર્લભ સંયોગ હતો! શ્રાવણ માસની અષ્ટમી, ઘોર મધ્યરાત્રિનો સમય અને 'રોહિણી નક્ષત્ર' – આ દિવ્ય સંયોગ દર્શાવે છે કે જ્યારે ચારેતરફ અંધકાર અને અધર્મ છવાયેલો હોય, ત્યારે જ પરમાત્મા પ્રકાશ બનીને પ્રગટે છે..!!

આવા દિવ્ય સંયોગમાં જન્મેલા શ્રી કૃષ્ણનું વ્યક્તિત્વ કેટલું મોહક, શાંત અને ચંદ્ર જેવું શીતળ હતું..!! એટલે જ તો જે પણ તેમના સંપર્કમાં આવતું, તે કાયમ માટે તેમનું જ બની જતું!

તેમના જન્મ સમયે બનેલા આ શુભ યોગો એ વાતની સાબિતી છે કે કૃષ્ણનો અવતાર ધર્મની સ્થાપના અને પાપીઓના નાશ માટે જ થયો હતો! આધુનિક સમયમાં પણ કૃષ્ણના જન્મનો આ સમય આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી કાળી રાત (દુઃખ) કેમ ન હોય, આશા અને ઉકેલનું કિરણ જરૂર જન્મે છે..!!

શ્રીમદ ભાગવત પુરાણમાં કહેવાયું છે - "કૃષ્ણસ્તુ ભગવાનસ્વયમ્." અન્ય તમામ રૂપો ભગવાનના અવતાર છે, પરંતુ શ્રી કૃષ્ણ એ સ્વયં ભગવાન છે! તમામ અવતારોનાં કાર્યો તેમનામાં પૂર્ણ થતાં હોવાથી, આપણે તેમને 'પૂર્ણ અવતાર' માનીએ છીએ..!!

જેમ પિતા પોતાના ડૂબતા પુત્રને બચાવવા પ્રેમવશ થઈ પાણીમાં કૂદી પડે છે, તેમ સંસારના લોકોને મુક્ત કરવા ભગવાને જેલના બંધનનો સ્વીકાર કર્યો! માત્ર અગિયાર વર્ષની વયે ક્રૂર કંસનો વધ કરી, તેમણે માતા-પિતાને મુક્ત કર્યા હતા.

તેમનો જન્મ ભલે દેવકી-વસુદેવને ત્યાં થયો, પણ બાળપણ યશોદા-નંદના લાડલા બનીને ગોકુળની ગલીઓમાં વીત્યું. આજે પણ કૃષ્ણનું નામ લેતાં જ ગોકુળની ધૂળ અને યમુનાના નીરનો ખળખળાટ આંખો સામે જીવંત થઈ જાય છે!

માખણચોરી, ગોપીઓની મટકી ફોડવી કે કાલીનાગનું દમન – આ બધું બાળપણની નિર્દોષતા અને દિવ્યતાનો સંગમ છે. તેમની યુવાનીમાં તેમનું વ્યક્તિત્વ વધુ બહુમુખી બનીને ઉભરે છે..!!

એક તરફ ગોવર્ધન પર્વત ઉપાડીને રક્ષણ કરવું, તો બીજી તરફ રાસલીલા દ્વારા પ્રેમનું દિવ્ય સ્વરૂપ દર્શાવવું! તેમની બંસરીનો નાદ ગોપીઓને ઝંકૃત કરતો અને દરેક જીવને આત્માની શોધ તરફ દોરી જતો. પ્રેમ એ માત્ર શારીરિક આકર્ષણ નથી, પણ આત્માને પરમાત્મા સાથે જોડતો આધ્યાત્મિક સંગમ છે!

તેમની રાજનૈતિક ચતુરાઈ પણ અદભૂત હતી! જરાસંધ અને કાલયવને મથુરાને ઘેરી લીધું, ત્યારે સંબંધીઓને સુરક્ષિત દ્વારકા લઈ જઈ આદર્શ નગરી વસાવવી, એ તેમના વ્યવહારિક જ્ઞાનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પોતાના ભક્તો માટે જરૂર પડ્યે તેમણે પોતાની પ્રતિજ્ઞા પણ તોડી છે..!!

સર્વશક્તિમાન હોવા છતાં, શ્રી કૃષ્ણએ ક્યારેય કોઈ રાજ્ય હડપ કર્યું ન હતું! કંસના મૃત્યુ પછી મથુરાની ગાદી નકારી અને જરાસંધના મૃત્યુ પછી તેના જ પુત્રનો રાજ્યાભિષેક કર્યો. આપણો દેશ આજે પણ આ કૃષ્ણ નીતિને અનુસરે છે.

રાજસૂય યજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણએ "કૃષ્ણ પડાવનેજને" અર્થાત્ મહેમાનોના પગ ધોવાનું કાર્ય સ્વેચ્છાએ સ્વીકાર્યું! અહંકાર વિના બીજાને આદર આપીને તેમણે સેવાનો જે સર્વોચ્ચ આદર્શ રજૂ કર્યો છે, તે ખરેખર અદ્વિતીય છે..!!

શ્રી કૃષ્ણનું જીવન સાચી મિત્રતા અને નારી સન્માનનું પણ ઉત્તમ ઉદાહરણ છે! એક તરફ તેઓ પોતાના ગરીબ બાળસખા સુદામાને પ્રેમથી ભેટીને મિત્રતામાં રહેલા અમીર-ગરીબના ભેદભાવને કાયમ માટે ભૂંસી નાખે છે, તો બીજી તરફ ભરી સભામાં દ્રૌપદીના ચીર પૂરીને એક નારીના સન્માનની રક્ષા કરે છે..!! આજના સ્વાર્થી યુગમાં નિઃસ્વાર્થ મિત્રતા અને સ્ત્રીઓ પ્રત્યેનો આદર – આ બંને ગુણો શ્રી કૃષ્ણના જીવનમાંથી ખાસ શીખવા જેવા છે!

કૃષ્ણનું સૌથી મોટું યોગદાન "ભગવદ્ ગીતા" છે! કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનનો સંશય દૂર કરી તેમણે યુગો-યુગો માટે માનવજાતને માર્ગદર્શન આપ્યું છે.

“कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन” – આજના સ્પર્ધાત્મક યુગમાં, જ્યાં મનુષ્ય પરિણામની ચિંતામાં ડૂબેલો છે, ત્યાં કૃષ્ણનો આ સંદેશ નિષ્કામ કર્મનું મહત્વ સમજાવે છે! ગીતાના દરેક મોતીમાં જીવનનું રહસ્ય છુપાયેલું છે.

સોશિયલ મીડિયા અને કરિયરના દબાણથી ઘેરાયેલા આજના યુવાનો માટે કૃષ્ણ એક મોટી પ્રેરણા છે..!! તેમની બંસરી યાદ અપાવે છે કે જીવન એક રાગ છે; સુખ-દુઃખના સૂરોને સ્વીકારીને આગળ વધવું એ જ સાચું જીવન છે.

આધુનિક યુગમાં, જ્યાં મનુષ્ય પોતાની ઓળખની શોધમાં ભટકે છે, ત્યાં કૃષ્ણનું જીવનદર્શન દીવાદાંડી સમાન છે. “યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત” કહેનાર કૃષ્ણ આજે પણ થાકેલા માણસને ફરી બેઠો કરે છે..!!

ભગવાન શ્રીકૃષ્ણની હંમેશા નજીક રહેવા માટે જન્માષ્ટમીના આ પાવન દિવસે એક સંકલ્પ અવશ્ય કરીએ કે ... 

"હે પ્રભુ શ્રી કૃષ્ણ..!!"
"આજે તમારા જન્મદિવસે, હું આપને ભેટ તો શું આપી શકું! પણ.. આજીવન આપના દ્વારા પ્રસ્થાપિત ધાર્મિક સિદ્ધાંતો અનુસાર જીવન જીવીશ, તે વચન ચોક્કસ આપું છું."

કુરુક્ષેત્રના મેદાનમાં ગીતા ગાનાર અને સર્વના આદર્શ એવા પૂર્ણાવતાર યોગેશ્વર માધવના ચરણોમાં કોટી-કોટી નમન. અસ્તુ! 🪶હરેકૃષ્ણ .. વોટસએપ: 7878222218 (ગુજરાત ન્યુઝલાઈન - કેનેડા પ્રકાશિત આર્ટિકલ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!"