યે હૈ દોસ્તી...!!
કોણ હતો આ શીવાજી? અને કિશન સાથે એને શું સંબંધ હતો?હમણાં રવિવારે ફ્રેન્ડશીપ ડે એટલે કે મિત્રતા દિવસ ગયો! ખરેખર જીંદગીમાં મિત્ર તો જોઈએ જ! કારણ કે બાકીનાં બંધા સંબંધોમાં કંઈ ને કંઈ મર્યાદા નડે! એક મિત્ર જ એવો સંબંધ છે, જ્યાં હક્ક જતાવી શકાય.
યે હૈ દોસ્તી - વાર્તા
પણ કોઈ મિત્ર ન્હોય તો અમુક વાત કોને કહેવી ! એ પ્રશ્ન થાય! જોકે હવે સોશિયલ મીડિયા એટલું પ્રભાવિત થઈ ગયું છે કે વોટ્સએપ ફ્રેન્ડ, ફેસબુક ફ્રેન્ડ, ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ વગેરે તો હોય જ. પણ વર્તમાન પેઢીનું શિક્ષણ એટલું સ્પર્ધાત્મક છે કે ક્લાસમેટ ને મિત્ર નહીં સ્પર્ધક તરીકે જ જોવામાં આવે છે!
અને એથી હવે મિત્ર એટલે માનવી જ એવું નથી, અને એકનું એક સંતાન હોય, માબાપ બંને સર્વિસ કરતાં હોય એટલે ડોગી પાળવા કે અન્ય પ્રાણીઓને પાળવાની ફેશને પણ માજા મૂકી છે! એમાં કંઈ ખોટું પણ નથી! પરંતુ અન્ય ગ્રામ્ય પશું સાથે મિત્રતા હોય એવું ભાગ્યે જ હોય, તો આજે એવો જ એક કિસ્સો.
સવજી એક ઓછી જમીન અને સામાન્ય આવક ધરાવતો ખેડૂત હતો! એને એક ગાય પણ હતી, અને એની ગાય ગોમતી એ બે મહિના પહેલાં જ એક વાછરડાને જન્મ આપ્યો હતો! પણ એક દિવસ તે ગામની સીમમાં ચરવા ગઈ તે પાછી આવી જ નહીં, ફરિયાદ કરતાં ફોરેસ્ટ વિભાગ તરફથી એની ગાયને દીપડાએ ફાડી ખાધી એવાં સમાચાર મળ્યા!
કુદરતનું કરવું અને એકાદ વર્ષમાં સવજીનો પણ એક્સિડન્ટ થયો! અને મૃત્યુ પામ્યો! સવજીની પત્ની સરયુ અને એનો આઠ વર્ષનો દિકરો કિશન બંને એકલા થઈ ગયાં.
સવાર સવારમાં સરયુ ખેતર કામે જવું પડતું, અને કિશન ઘરે એકલો થઈ જતો! અને ગોમતીનું વાછરડું પણ મા વગર એકલું ઝૂરતુ હતું! બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ! સરયુ એ વાછરડાનું નામ શીવાજી રાખ્યું હતું, અને એનાં ગળામાં કોડી નાખી ઘંટ બાંધ્યો હતો.
કહે છે ને કે પ્રેમમાં ભાષા મહત્વની નથી! કિશન શીવાજીને બેય વખત ઘાસચારો આપતો, અને પાણી પીવડાવતો, નવરાવતો, અને ગામની સીમમાં ફેરવવાં લઈ જતો હતો, રસ્તામાં ઘંટનો મધૂરો અવાજ એને બહુ ગમતો, કિશન ક્યારેક વાંસળી પણ વગાડતો!
સમય સરતો ગયો અને કિશન અને શીવાજી બંને મોટા થતાં ગયાં. કિશન સાથે હવે શીવાજી ખેતરે પણ આવતો હતો! આમ તો ટ્રેક્ટર હતું પણ છતાં શીવાજી કોઈ ને કોઈ રીતે મદદ કરતો હતો.
સરયુ ની જીદ હતી કે આ વર્ષે તો કિશન માટે કન્યા શોધી લગ્ન કરી નાખવાં છે, અને પછી ચારધામની જાત્રા એ જવું છે. કિશન માટે હવે જોરશોરથી કન્યાની શોધ થવાં લાગી હતી! પાંચ છ કન્યાઓ જોયાં પછી કિશન એ રૂકમણી પર પસંદગી ઉતારી! સવજીનાં ઘરમાં એક રુમઝુમ કરતી નવવધૂ ફરવા લાગી!
કિશન ને રોજ શીવાજીને પોતાનાં દિલની વાત કરવાની ટેવ હતી, અને નવી નવી વહુ ને સાથ આપવામાં કોઈ કોઈ વાર રાત પડી જતી! પણ કિશનને જ્યાં સુધી શીવાજી સાથે વાત કરે નહીં, ત્યાં સુધી ચેન પડતું નહીં. એટલે પત્નીનાં સૂઈ ગયા પછી શીવાજી પાસે આવતો, એને વહાલથી ખૂબ પંપાળતો અને આંખો દિવસ મળી શક્યો નહીં, એની દિલસોજી વ્યક્ત કરતો!
એક દિવસ રૂકમણી એ રાતનાં અંધારામાં કિશનને પાછલાં દરવાજેથી આવતાં જોયો! અને પછી તો વારંવાર આવું થતાં જોઈ એને શંકા ગઈ કે એનાં પતિનું કોઈ બીજું અફેર છે!: એણે ઉપાડો લીધો અને કિશન એ કેટલુંય સમજાવ્યું કે એ અને શીવાજી નું બચપણ એકસાથે કેટલાંય ચડાવ ઉતર સાથે પસાર થયું છે, અને શીવાજી એનાં જીવનનો એક ખાસ હિસ્સો છે, એને મળ્યાં વગર એને ચાલતું નથી.
પણ રૂકમણી માની નહીં, કે કોઈને બળદ સાથે કંઇ આવી દોસ્તી થોડી હોય? નક્કી કંઈક છુપાવે છે, અને એણે જીદ કરી કે એ પોતાનાં ઘરે પાછી જશે! દિકરાનું ઘર બચાવવાં સરયુ એ શીવાજીને વેચી દેવાનું નક્કી કર્યું, અને કિશન ની ગેરહાજરી દૂર દૂર વેચી દીધો.
આમ રૂકમણીનાં જીવનમાંથી શીવાજી તો દૂર થયો, પણ પોતાનાં પતિ કિશનનું સ્મિત નંદવાઈ ગયું એ એને દેખાયું નહીં.
સમય તો રેતી જેવો એટલે એને સરકતાં ક્યાં વાર લાગે છે, એ વાતને પણ દસ વર્ષ થઈ ગયાં અને સવજીનાં ઘરમાં કિશનનો પાચ વર્ષનો દીકરો આનંદ દોડાદોડી કરવાં લાગ્યો! હવે તો રૂકમણી ને પણ પસ્તાવો થતો હતો!
એક દિવસ આનંદ દાદી પાસે બેસીને કિશન અને શીવાજીની વાત સાંભળતો હતો, અને એણે શીવાજીનાં પાછાં લાવવાની જીદ કરી! પણ એનો પતો મળતો નહોતો! કારણ કે જેને વેચ્યો હતો, એણે બીજાને અને આમ હવે ક્યાં હશે? કોઈ કહેતું હતું, કે એ પાગલ બની ગયો હતો, અને એટલે કોઈ સંસ્થામાં મુકી આવ્યાં હતાં.
આમ શોધખોળ કરતાં કરતાં બીજાં છ મહિના જતાં રહ્યાં! અંતે ખબર મળ્યાં કે કચ્છનાં વાગડમાં ચાલતી કોઈ એનજી ઓમાં શીવાજી છે, અને એને બાંધી રાખવામાં આવે છે! કિશનનાં મિત્રો એ બીડું ઝડપ્યું અને સરયુ મા ને શીવાજીને લઈ આવવાનું વચન આપ્યું!
પરંતુ કુદરતે કંઈક બીજું જ ધાર્યું હતું, અને એટલે એક દિવસ ખેતરમાં કામ કરતાં કિશનને ચક્કર આવ્યાં, અને એ પડી ગયો! અને માથામાં વાગ્યું. ગામડેથી શહેર લઈ જવો પડ્યો, અને તપાસ કરતાં ખબર પડી કે નાના મગજને ઈજા થઈ છે, અને કિશન કોમામાં સરી પડ્યો!
કેટલાંય દિવસ સુધી હોસ્પિટલમાં રાખ્યો, પણ કિશનને ભાન આવતું નથી, અને ડોક્ટરે કહ્યું કે હવે એ કોમા માંથી ક્યારે બહાર આવશે એ કહેવાય નહીં! એટલે સરયુ અને રૂકમણી એ એને ગામડે લઈ આવવાનું નક્કી કર્યું અને વિચાર્યું કે જે કંઈ સારવાર હશે એ ઘરેથી કરીશું, એમ વિચારીને આવતાં રહ્યાં.
આ બાજુ કિશનનાં મિત્રો શીવાજીને લઈને ગામડે આવ્યાં! ગામમાં આવીને શીવાજીને કિશનનાં ઘરમાં બાંધી દીધો! શીવાજી પોતાના મૂળ ઘરમાં આવી ખુશ થઈ ગયો. થોડીવારમાં કિશનને પણ શહેરથી એમ્બ્યુલન્સ માં ગામડે લાવવામાં આવ્યો.
કિશનને ઘરમાં લાવ્યાં અને શીવાજીએ ભાભંરવાનુ શરૂ કર્યું! શીવાજીનો અવાજ કિશનના આત્મા સુધી પહોંચ્યો અને જાણે ચેતન શરીરમાં ચેતન આવ્યું હોય એમ એનાં આંગળા હલવા લાગ્યાં!
શીવાજી પોતાના સાથીની આવી કરુણ હાલત જોઈ નહોતો શકતો, અને એ બાંધેલું દોરડું તોડી અને કિશનનાં ઓરડી બહાર આવી ગયો, અને કિશન પથારી માંથી ઉભો થઇ શીવાજી.. શીવાજી.. કરતો ઓરડાની બહાર તરફ જવા લાગ્યો!
શિવજી ને ત્યાં જ જોઈ કિશન તેને પંપાળવા લાગ્યો! બંને મિત્રોનું ભાવભર્યું મિલન થયું! અને બંનેની આંખો વરસવા લાગી. સામે ઉભેલી રૂકમણીની આંખો પણ પસ્તાવાથી છલકાવા લાગી!
સરયુની આંખ પોતાના દિકરાને સાજો સારો જોઈ હરખથી છલકાઈ ઉઠી, અને આનંદ પણ કિશન સાથે તેને પંપાળવા લાગ્યો! એણે પુછ્યું પપ્પા આ કોણ? કિશન એ કહ્યું "શીવાજી દાદા ".
પછી તો રૂકમણી પણ પાસે આવી અને ખૂબ માંફી માંગી! સરયુ પણ પોતાનાં બીજા દિકરાને પંપાળવા લાગી, અને ગામ આખું આ સુંદર દ્રશ્ય જોઈ બોલ્યું મિત્રતા હો તો કિશન અને શીવાજી જેવી!
અને રેડિયો પર ગીત આવતું હતું,"યે દોસ્તી હમ નહીં તોડેંગે" તોડેંગે દમ મગર તેરા સાથ ન તોડેંગે..ફ્રેન્ડશીપ,મિત્રતા, દોસ્તી,યારી એમ નામ ગમે તે આપો, પણ એમાં ભાષા નહીં ભાવ મહત્વનો છે.
■ ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
