એકટીવા - નવલિકા

Related

એકટીવા

અમદાવાદનાં સરખેજ-ગાંધીનગર હાઇવે પર પી.એસ.આઈ ચાવડાની જીપ સડસડાટ ચાલી જતી હતી. છેલ્લા કેટલાક સમયથી એક ગાંડો રાતે અંધારામાં કે વહેલી સવારે વાહન પર પથ્થર મારીને ભાગી જતો હતો. ઘણા સમયથી આ ચાલતું હતું. જોકે એ પથ્થરના ઘા થી કોઈને મોટી ઇજા નહોતી થઇ એટલે અમુક લોકો તો ફરિયાદ કરવાનું ટાળતા. 

એકટીવા - નવલિકા
એકટીવા - નવલિકા

બીજી નવાઈની વાત એ હતી કે જે વાહન પર પથ્થર ફેંકાતો એ વાહન એક્ટિવા જ હોય. બીજા કોઈ વાહન ઉપર ક્યારેય પથ્થર નહોતો ફેંકાયો. વળી આખા અમદાવાદમાં ગમે તે જગ્યાએ પથ્થર ફેંકાતો. આજ વટવા, તો કાલે નારણપુરા, એક દિવસ પાલડી તો બીજે દિવસે શાહીબાગ. એક પણ દિવસ ખાલી નહોતો જતો. 

એવું નથી કે એ પકડાયો નહોતો. બે વાર પબ્લિકે પકડ્યો તો પણ પછી એની માનસિક હાલત જોઈને લોકોને દયા આવી અને પોલીસ આવે એ પહેલા જ છોડી મુક્યો. જે લોકો એ આ માણસને જોયો એ એમ કહેતા હતા કે સાહેબ તમે એને જુઓને ત્યાં જ દયા આવી જાય. કોઈક કમભાગી જીવ છે અને ગાંડો થઇ ગયો છે, એટલે એક્ટિવા જોઈ નથી કે પથ્થર માર્યો નથી.

ગઈ કાલે સવારે કમિશનર સાથેની મિટિંગમાં આ ઈસમને પકડવાની જવાબદારી પીએસઆઈ ચાવડાને સોંપી હતી. ચાવડાને સાથે 34 જેટલાં કોન્સટેબલો આપવામાં આવ્યાં હતાં. અમદાવાદના અલગ અલગ સ્થળોએ સાદા વેશમાં ચોકી પહેરો ગોઠવાયો હતો, અને અત્યારે સવારે આઠ વાગ્યે વાઈડ એંગલ પાસે પોલીસે એને પકડી પાડ્યો અને પીએસઆઇ ચાવડા એને લેવાં ઘટના સ્થળે જઈ રહ્યા હતાં.

ચાવડા જીપમાંથી ઉતર્યા, કોન્સ્ટેબલે એ ગાંડાને પકડીને રાખ્યો હતો તેમ છતાં રસ્તા પર જેવી કોઈ એક્ટિવા નીકળે કે તરત જ એની આંખોમાં ભયાનક ખુન્નસ વ્યાપી જતું, શરીરમાં અસાધારણ તાકાત આવી જતી. બબ્બે પોલીસવાળાને પણ પરસેવો વળી જતો એને સંભાળવામાં... પણ જેવી એક્ટિવા દૂર જતી રહે કે તરત જ એ ઢીલો ઘેંશ થઇ જતો!

ચાવડાએ નજીક જઈને જોયું તો પચ્ચીસ વરસનો કોઈ નવયુવાન લાગ્યો, આંખોમાં આક્રોશની રેખાઓ, ચહેરાપર ભય મિશ્રિત લાચારી, ચડી ગયેલ દાઢી, કસાયેલા બાવડા અને ચહેરા પર જમણી બાજુ નીચેની સાઈડ એક લાખું અને તેની નીચે એક તલ, ફાટલું ક્રીમ રંગનું ટી શર્ટ, કધોણીયું થઇ ગયેલ જર્જરિત જીન્સ.... ચાવડાને ચહેરો જાણીતો લાગ્યો.. પેલો પણ ચાવડાને જોઈને જાણે રોઈ પડશે એવું લાગ્યું.. ચાવડાનું મગજ કામે લાગ્યું કે આ તો ખુબ જ પરિચિત વ્યક્તિ છે.. અને અચાનક જ એને ઝબકારો થયો... આ તો ચંદુ... કાશીમાનો ચંદુ..... આ એજ છે ચંદુ.....

"ચંદુ....... એય ચંદુ......." અને નામ સાંભળતા જ ચંદુ ફસડાઈ પડ્યો. ચાવડાએ બાથમાં લઈને ચંદુને પોતાની ગાડીમાં બેસાડ્યો. બીજા પોલીસવાળા તો આભા જ બની ગયાં. આગળ "ગાંઠિયા રથ" દુકાન પાસે જીપ ઉભી રાખી. ચંદુને પાણી પાયું. ચા પીવડાવી ગાંઠિયા ખવરાવી, જીપમાં બેઠા. ચંદુ શૂન્યમસ્ક થઈને બેઠો... જીપ કમિશનર ઓફીસ તરફ તેજ ગતિ તરફ આગળ વધતી હતી... અને એટલી જ તેજ ગતિથી ચાવડાનું મન ભૂતકાળમાં દસ વરસ પાછળ ધકેલાઈ ગયું..

પી એસ આઈ રતિલાલ આર ચાવડા એ મૂળ તો શિક્ષક પણ પછી પીએસઆઈની પરીક્ષા આપીને પોલીસખાતામાં આવેલ. દસેક વરસ પહેલા ચાવડાની નિમણુંક તરભાળામાં સમાજવિદ્યાના શિક્ષક તરીકે થયેલી. અભ્યાસ એમ એ બીએડ. ગામ ખાસુ મોટું પણ તાલુકા મથકથી દસેક ગાઉ દૂર. 

નિશાળની પાસેજ કાશીમાની દુકાન ગણો તો દુકાન અને ઘર ગણો તો ઘર.. બિચારા ઘરભંગ થયેલા માડી, ચંદુ એનો એકનો એક દીકરો એ વખતે પંદર કે સોળ વર્ષનો હશે. દુકાને બેસે, સાયકલ અને બાઇકને કે રેંકડાને પંચર પણ કરે. શાળાનાં બાળકો આ દુકાનનાં મોટા ઘરાક. એટલે ડોશીમાનું અને ચંદુનું ગાડું ગબડ઼યા કરે. એમાં વળી ડોશીમાને મધ્યાહન ભોજનમાં રસોયા તરીકે રાખેલાં એટલે નિશાળ સાથે ચંદુને આવરો જાવરો વધી ગયેલ. 

અને આમેય નિશાળની તમામ ચાવીઓ એ દુકાને જ રહેતી,જે શિક્ષક વહેલો આવે એ નિશાળ ખોલે. એવામાં એક નિહારિકા કરીને ભાષાની એક શિક્ષિકા મુકાણી, એક દમ દેખાવડી, હસમુખી, અને પ્રોપર સિટિની હતી એટલે જમાના સાથે ફેશનેબલ પણ ખરી, ચંદુ સાથે એને ખરું ફાવી ગયું. એકદમ ફ્રી માઈન્ડની શિક્ષિકા સાથે વાતો કરવાનું કોને ના ગમે.. ધીમે ધીમે ઘનિષ્ઠતા વધી. 

ચંદુ કલાકે કલાકે નિહારિકાને દુકાનમાં રાખેલ ફ્રિજમાંથી પાણી આપવા જાય.. નિહારિકાને મોબાઈલમાં બેલેન્સ પુરાવું હોય તો પણ એ ચંદુ ને જ કહે. આ નિહારિકા તાલુકા મથકે થી એક્ટિવા લઈને અપડાઉન કરતી. રીશેષમાં ચંદુ એક્ટિવાને બરાબર ધોઇ નાંખે, હવા ચેક કરી લે, ચેન ચક્કરમાં ઓઇલિંગ કરી દે, બેટરી અને લાઈટ ચેક કરી નાંખે. 

એક વખત રસ્તામાં નિહારિકાની એક્ટિવામાં પંચર પડ્યું તો ચંદુ હોન્ડા લઇ ને સામો ગયો. એક્ટિવા રોડ પર મૂકીને હોન્ડા પાછળ નિહારિકાને બેસારીને લાવેલ તો આખું ગામ જોઈ જ રહેલું. ચોમાસામાં ચંદુ દોડા અને ચીભડા થેલી ભરી ભરીને આપે. એક વખત તો ચાવડા એ પૂછ્યું કે

"એલા ચંદુ તારે વાડી ખેતર તો નથી ને તો પછી આ બધું ક્યાંથી લાવે છો..!!

"રાત કોના બાપની સાહેબ" ચંદુએ તરત જ જવાબ આપેલો..

ત્રણ વર્ષની ચાવડાની નોકરી દરમ્યાન આખા ગામમાં ચંદુ અને નિહારીકાની વાતોએ વેગ પકડ્યો, પણ ચાવડા એ ચોક્કસ માનતો કે ગામ ખોટી વાતો કરે છે, નિહારીકાના મનમાં એવું કશું જ નથી,, એક વખત ચાવડાએ નિહારિકાને પણ કહ્યુ કે તમારા અને ચંદુના સંબંધો વિશે ગામમા આડા અવળી વાતો થાય છે!!

ત્યારે નિહારિકા એ આંખો નચાવીને કહેલું “ઓહ રિયલિ, બટ આઇ ડૉન્ટ કેર.... આઇ ડોંટ માઇંડ... એન્ડ યુ સી આઇ નો ધેટ હિ ઇઝ ક્રેજી અબાઉટ મી બટ ... આઇ લાઇક ધિસ ટાઇપ ઓફ ક્રેજિનેસ.. અને પછી ચાવડાને લાગેલુ કે અઘરી વિકેટ છે આને વતાવાય એમ નથી. એટલે પછી એણે ક્યારેય આ વિશે વાતચીત ના કરી..

ચંદુના ભાઈબંધો પણ વધી ગયા.. કાયમ લઘર વઘર રહેતો ચંદુ ચોખ્ખો ચણાક રહેવા માંડ્યો. દરરોજ ન્હાવા માંડ્યો અને ફોગ વાપરવા માંડ્યો.. અને પછી તો ચાવડાએ પીએસઆઇની પરીક્ષા પાસ કરી ને શિક્ષકમાંથી રાજીનામુ દઈને ઉપલેટા તાલુકામાં પીએસઆઈ થઇ ગયેલાં....

એકાદ વરસ સુધી ચાવડાને ચંદુના અવારનવાર સમાચાર મળતા કે ચંદુ હવે તાલુકા મથકે પણ નિહારિકા સાથે ફરતો. કાશીમા ગુજરી ગયા પછી ચંદુને નવા આચાર્ય આવ્યા એમણે નિશાળમાં આવવાની ના પાડી તો ચંદુ દરવાજા આગળ ઉભો રહે છે. પણ એક દિવસ એવી વાત આવી કે નિહારિકાએ રાજીનામુ આપી દીધું, એના પપ્પાને કોઈ સારો એનઆરઆઈ મળી ગયો તો ઘડિયા લગ્ન કરી દીધા, નિહારિકા અમેરિકા સેટલ થઇ ગઈ, અને ચંદુ તો જાણે પાગલ થઇ ગયો. 

એ ખાધા પીધા વગરનો બેસી રહે મન થાય તો પંચર કરે નહીંતર આખી ટ્યુબ ચીરી નાંખે છે. કાશીમાં તો ગુજરી ગયેલાં તોય લોકો એની શરમે ધરમે ખાવાનું આપી જતાં, અને છેલ્લા સમાચાર એવાં મળેલા કે અમદાવાદ ગયો નિહારીકાને ગોતવા પછી કોઈએ એને ગામમાં જોયો જ નથી. અને આજે આ ચંદુ આ રીતે ભેગો થયો...!

કમિશ્નર સાહેબની કચેરી આવી... અને ચાવડાની તંદ્રા તૂટી. હળવેકથી એણે ચંદુને ઉતાર્યો. ગેટ પાસે જ એક લેડી પોલીસનું એક્ટિવા પડેલું જોયુંને ચંદુને સનેપાત ઉપડ્યો, પણ ચાવડા એ પ્રેમથી એની પીઠ પસવારી. કમિશનરની આગળ જઈને ચાવડાએ વિગતે વાત કરી. 

ચંદુને માનસિક સુધારણાં ગૃહમાં મોકલી આપ્યો. દર શનિ રવિ ચાવડા ત્યાં જતો. ચંદુ સાથે સમય વિતાવે નવી ચીજ ખવડાવે.. બરાબર બે વરસે ચંદુનું માનસિક સ્તર સુધર્યું. 

કમિશનર અને ચાવડાએ અંગત રસ લઈને સીજી રોડ પર એક નાની એવી દુકાન કરી દીધી અને દુકાન પર એક નાની એવી ઓરડી કરી દીધી. 

આજે ચંદુ ત્યાં નાના વાહનોને પંચર કરે છે, ને રોજી રોટી કમાય છે,,, અને હા જ્યારે જયારે કોઈ છોકરી એક્ટિવા લઈને પંચર કરાવવા આવે ત્યારે બે કે ત્રણ ક્ષણ એની આંખોમાં લોહી દોડી આવે છે, પણ હવે તે એકટીવાને પથ્થર નથી મારતો.. એ એકટીવાને પંચર કરે ત્યારે આંખમાંથી આંસુના બે ત્રણ ટીપા જરૂર પડે છે.....

લેખક- મુકેશ સોજીત્રા.Ⓜ️💲
મુ. ઢસા ગામ તા. ગઢડા જિ.બોટાદ ૩૬૪૭૩૦

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

1 Comments

Thank you so much for your feedback 😊

  1. Poor person was misused by the girl for her ego satisfaction..

    ReplyDelete
Previous Post Next Post
"નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!"