મથામણ - નવલિકા

Related

મથામણ ..

સવારના સાડા આઠ વાગ્યા હતા. પ્રહલાદનગરના એ થ્રી બીએચકે ફ્લેટમાં રોજિંદી દોડધામ ચાલુ હતી. દેવાંગ એક હાથમાં લેપટોપ બેગ અને બીજા હાથમાં કારની ચાવી લઈને ડાઇનિંગ ટેબલ પાસે ઊભો ઊભો બ્રેકફાસ્ટ કરી રહ્યો હતો.

મથામણ - નવલિકા
મથામણ - નવલિકા

એટલામાં મનુભાઈ પોતાના રૂમમાંથી ધીમા પગલે બહાર આવ્યા. એમના હાથમાં એમનો સ્માર્ટફોન હતો અને ચહેરા પર એક જાતનો સંકોચ હતો. દેવાંગ અને મનુભાઈની નજર મળી એટલે મનુભાઈએ ધીમેથી ફોન દેવાંગ તરફ લંબાવ્યો.

"દેવાંગ... આમાં પેલી બેંક વાળી એપ ખુલતી નથી. કંઈક એરર બતાવે છે."

દેવાંગે અડધી ખાધેલી બ્રેડ ટેબલ પર મૂકી અને નિસાસો નાખ્યો. એણે પપ્પાના હાથમાંથી ફોન લીધો. સ્ક્રીન પર લાલ અક્ષરે લખેલું હતું કે, 'યુઝર એકાઉન્ટ લોક્ડ ડ્યુ ટુ મલ્ટિપલ રોંગ એટેમ્પ્ટ્સ'.

"પપ્પા, તમે ફરીથી પાસવર્ડ ભૂલી ગયા?" દેવાંગનો અવાજ સહેજ ઊંચો થઈ ગયો, "મેં તમને ગયા મહિને જ નવો પાસવર્ડ સેટ કરીને આપ્યો હતો. અને મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમારે આ બધું કરવાની કોઈ જરૂર નથી!"

"અરે પણ મારે તો ખાલી પેન્શન જમા થયું કે નહીં એ ચેક કરવું હતું. મને એમ કે હું જાતે જોઈ લઉં તો તારે ઓફિસના ટાઈમે હેરાન ના થવું પડે." મનુભાઈએ બચાવ કરતા કહ્યું.

"પણ હવે મારે વધારે હેરાન થવું પડશે ને!" દેવાંગ અકળાઈને બોલ્યો, "તમે વારંવાર ખોટા પાસવર્ડ નાખો છો એટલે બેંક વાળા સિક્યોરિટી માટે એકાઉન્ટ બ્લોક કરી દે છે. હવે આને અનબ્લોક કરવા મારે કસ્ટમર કેરમાં વાત કરવી પડશે અથવા તો બ્રાન્ચ પર જવું પડશે. મારી પાસે આટલો ટાઈમ ક્યાં છે?"

દેવાંગની પત્ની નેહા રસોડામાંથી બહાર આવી. "દેવ, તું ધીમે બોલ. પપ્પા જાણીજોઈને થોડું કરે છે? ઉંમર થઈ એટલે ભૂલી જવાય."

"નેહા, આ ઉંમરનો પ્રોબ્લેમ નથી, આ જિદ્દનો પ્રોબ્લેમ છે." દેવાંગે ફોન સોફા પર મૂકતા કહ્યું, "લાઇટ બિલ ભરવાનું હોય, મેન્ટેનન્સ આપવાનું હોય કે કોઈને પૈસા ટ્રાન્સફર કરવાના હોય... હું બધું જ મારા એકાઉન્ટમાંથી ઓનલાઇન કરી દઉં છું. તો પછી પપ્પાને આ બધું જાતે શીખવાની મથામણ કરવાની શી જરૂર છે?"

"હું સાંજે આવીને કસ્ટમર કેરમાં વાત કરી લઈશ. અત્યારે ફોનને અડતા નહીં." આટલું કહીને દેવાંગ ઉતાવળે ઓફિસ જવા નીકળી ગયો.

ઘરનો દરવાજો બંધ થયો એટલે મનુભાઈએ ઊંડો શ્વાસ લીધો. એમના જમાનામાં પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે બેંકની લાઈનમાં ઊભા રહેવું એ એક સામાન્ય વાત હતી. પણ આજના ડિજિટલ યુગમાં એ બધું આઉટ ડેટેડ થઈ ગયું હતું.

નેહાએ મનુભાઈને ચાનો કપ આપતા કહ્યું, "પપ્પા, તમે દેવાંગની વાતનું ખોટું ના લગાડતા. એની ઓફિસમાં આજે બહુ મોટું પ્રેઝન્ટેશન છે એટલે એ ટેન્શનમાં હતો."

"મને દેવાંગનો ગુસ્સો નથી આવતો બેટા, મને મારી જાત પર ગુસ્સો આવે છે." મનુભાઈએ ચાનો કપ હાથમાં લેતા કહ્યું, "આખી જિંદગી ક્યારેય કોઈના પર ડિપેન્ડન્ટ રહ્યો નથી. અને હવે એક નાનકડું બેલેન્સ ચેક કરવા માટે પણ મારે મારા દીકરાની રાહ જોવી પડે છે!"

બપોરે જમીને મનુભાઈ પોતાના રૂમમાં ગયા. એમણે કબાટમાંથી પોતાની એક જૂની ડાયરી કાઢી. આ એ જ ડાયરી હતી જેમાં એ ઘરનો બધો હિસાબ લખતા હતા. ડાયરીના છેલ્લા પાને એમણે મોટા અક્ષરે બેંકનું નામ અને એની નીચે કેટલાક પાસવર્ડ લખેલા હતા, જેની પર કેટલાય છેકા મારેલા હતા.

કેપિટલ લેટર, સ્મોલ લેટર, સ્પેશિયલ કેરેક્ટર અને નંબર્સ... આ બધું યાદ રાખવું એમના માટે કોઈ અઘરા ગણિતના દાખલા ઉકેલવા જેવું હતું.

બીજા દિવસે શનિવાર હતો. દેવાંગને ઓફિસમાં હાફ ડે હતો. બપોરે એ ઘરે આવ્યો ત્યારે થોડો રિલેક્સ હતો. જમીને એ પોતાના લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો ત્યારે એને યાદ આવ્યું કે પપ્પાનું એકાઉન્ટ અનબ્લોક કરવાનું બાકી છે.

એણે કસ્ટમર કેરમાં ફોન લગાવીને, પપ્પાની વિગતો આપીને એકાઉન્ટ અનબ્લોક કરાવ્યું. પછી નવો પાસવર્ડ સેટ કર્યો.

"પપ્પા, અહીં આવો." દેવાંગે બૂમ પાડી.

મનુભાઈ ધીમેથી રૂમની બહાર આવ્યા.

"જુઓ, મેં નવો પાસવર્ડ બનાવી દીધો છે. 'રામ એટ ધ રેટ વન ટુ થ્રી ફોર'. એકદમ સહેલો પાસવર્ડ રાખ્યો છે જેથી તમે ભૂલી ના જાઓ. 'આર' કેપિટલ છે. યાદ રહેશે ને?"

"હા બેટા, બરાબર યાદ રહેશે." મનુભાઈએ ખુશ થતાં કહ્યું. એમણે મનોમન બે-ત્રણ વાર પાસવર્ડ ગોખી લીધો.

દેવાંગને લાગ્યું કે હવે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ એની આ ધારણા ખોટી પડવાની હતી. વીસ દિવસ પછી દેવાંગ ની ઓફિસમાં ફાઇનાન્શિયલ ઇયર-એન્ડનું ક્લોઝિંગ ચાલી રહ્યું હતું. આખો સ્ટાફ કામના પ્રેશરમાં હતો.

બપોરના ત્રણ વાગ્યા હતા અને દેવાંગ એક અગત્યની મીટિંગમાં હતો. ત્યાં જ એના મોબાઈલ પર એક એસએમએસનો ટોન વાગ્યો. દેવાંગે સ્ક્રીન પર નજર કરી. મેસેજ પપ્પાની બેંક તરફથી હતો. જેમાં લખેલું હતું કે, 'સિક્યોરિટી રીઝન્સ ના કારણે તમારું નેટબેન્કિંગ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે, બ્રાન્ચનો સંપર્ક કરો.'

દેવાંગનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. મીટિંગ ચાલુ હતી એટલે એ કંઈ કરી શકે તેમ નહોતો, પણ અંદરથી એ ઉકળી રહ્યો હતો.

સાંજે ઓફિસેથી સીધો ઘરે પહોંચીને દેવાંગે દરવાજો ખોલ્યો ત્યારે એનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. મનુભાઈ સોફા પર જ બેઠા હતા અને દેવાંગની જ રાહ જોઈ રહ્યા હતા.

દેવાંગે ઘરમાં પ્રવેશતા જ પોતાની લેપટોપ બેગ સોફા પર પછાડી. એનો શ્વાસ થોડો ઝડપી ચાલી રહ્યો હતો.

"પપ્પા, તમારે ખરેખર મારું ટેન્શન વધારવું જ હોય છે?" દેવાંગે સીધો જ સવાલ કર્યો, "મેં તમને ના પાડી હતી ને કે બેંકની એપ્લિકેશન ના ખોલતા! હવે આખું એકાઉન્ટ જ બ્લોક થઈ ગયું છે. કાલથી નવો મહિનો ચાલુ થાય છે અને મારે બેંકમાં રૂબરૂ જવું પડશે."

મનુભાઈ એકદમ ડઘાઈ ગયા. એ ધીમા અવાજે બોલ્યા, "બેટા, મેં ક્યાં કશું ખોટું કર્યું હતું? મેં તો તેં આપેલો પેલો નવો પાસવર્ડ જ નાખ્યો હતો."

"તો પછી એકાઉન્ટ બ્લોક કેવી રીતે થઈ ગયું પપ્પા? સિસ્ટમ કોઈ દિવસ પોતાની જાતે એકાઉન્ટ બ્લોક ના કરે. તમે ચોક્કસ પાસવર્ડ ટાઈપ કરવામાં ભૂલ કરી હશે!" દેવાંગનો અવાજ હજુ પણ ઊંચો હતો.

નેહા રસોડામાંથી દોડી આવી. "દેવાંગ, તું શું કામ પપ્પા પર ગુસ્સે થાય છે? શાંતિથી વાત કર ને."

"શાંતિથી કેવી રીતે વાત કરું નેહા? મારી ઓફિસમાં મારું માથું ફાટી જાય એટલું કામ હોય છે. અને અહી ઘરે આવું એટલે મારે આ નવા પ્રોબ્લેમ સોલ્વ કરવાના!" દેવાંગે માથા પર હાથ ફેરવતા કહ્યું, "પપ્પા, તમારે બેંકની એપ ખોલવાની જરૂર જ શું પડી હતી?"

મનુભાઈએ નજર નીચી કરીને કહ્યું, "કાલે આપણા ઘરના લાઈટ બિલની ડ્યુ ડેટ છે. મેં બિલ કબાટ પર પડેલું જોયું. મને એમ કે તું ઓફિસના કામમાં ભૂલી જઈશ અને પેનલ્ટી લાગશે. એટલે મને થયું કે હું મારી જાતે જ ઓનલાઈન પેમેન્ટ કરી દઉં. બસ એમાં જ મેં એપ ખોલી હતી."

દેવાંગે એક ઊંડો નિસાસો નાખ્યો. એણે પોતાના ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢ્યો. સ્ક્રીન પર આંગળીઓ ફેરવીને માત્ર બે જ મિનિટમાં એણે પેમેન્ટ કરી દીધું.

"પપ્પા, જુઓ. આ લાઈટ બિલ ભરાઈ ગયું. પેમેન્ટ સક્સેસફુલ." દેવાંગે ફોનની સ્ક્રીન મનુભાઈ સામે ધરતા કહ્યું, "આ કામ માટે મારે ખાલી બે મિનિટ કાઢવાની હોય છે. આના માટે તમારે તમારું એકાઉન્ટ બ્લોક કરવાની કોઈ જરૂર નહોતી. હવે મહેરબાની કરીને આ બધી ટેકનોલોજીના ચક્કરમાં ના પડતા. બધું હું જાતે સંભાળી લઈશ."

આટલું કહીને દેવાંગ પોતાના રૂમમાં જતો રહ્યો.

બીજા દિવસથી મનુભાઈના વર્તનમાં મોટો ફેરફાર આવી ગયો. એમણે પોતાનો સ્માર્ટફોન ચાર્જ કરવાનું જ બંધ કરી દીધું. ફોન આખો દિવસ ટીવી પાસેના ટેબલ પર ડેડ હાલતમાં પડ્યો રહેતો. એમણે ટેકનોલોજી સાથે એડજસ્ટ થવાની પોતાની બધી જ મથામણ છોડી દીધી હતી. એમણે હાર સ્વીકારી લીધી હતી.

દેવાંગે પપ્પાનો આ બદલાવ નોંધ્યો હતો. પપ્પાનો પેલો બંધ પડેલો ફોન જોઈને એને અંદરથી થોડું ખરાબ પણ લાગતું હતું. એણે મનોમન નક્કી કર્યું કે એપ્રિલ મહિનો શરૂ થાય એટલે થોડા ફ્રી થઈને પપ્પાને બહાર જમવા લઈ જશે અને બધું નોર્મલ કરી દેશે.

આમને આમ પંદર દિવસ વીતી ગયા. એક રવિવારની સવારે દેવાંગ પોતાના ઈન્કમટેક્સ રિટર્નના કાગળો શોધી રહ્યો હતો. એ પપ્પાના રૂમમાં ગયો. પપ્પા એ સમયે નીચે સોસાયટીના બગીચામાં ચાલવા ગયા હતા. દેવાંગે પપ્પાનો કબાટ ખોલ્યો અને જૂની ફાઈલો બહાર કાઢી.

એ ફાઈલોની નીચે પપ્પાની પેલી જૂની ડાયરી દબાયેલી હતી. દેવાંગ થી ફાઈલ લેવા જતા એ ડાયરી નીચે પડી ગઈ. ડાયરી પડતા જ એના પાના ખુલી ગયા. દેવાંગની નજર ખુલ્લા પાના પર પડેલા લખાણ પર ગઈ. દેવાંગની આંખો ત્યાં જ ચોંટી ગઈ.

ડાયરીના પાછળના દસથી બાર પાનાઓ માત્ર ને માત્ર બેંકની એપ્લિકેશન કેવી રીતે વાપરવી એના સ્ટેપ્સથી ભરેલા હતા. અને ઘણી જગ્યાએ તો છેકછાક કરેલું હતું! ગુજરાતીમાં પણ અંગ્રેજી શબ્દો લખીને મનુભાઈએ પોતાની રીતે એક મેન્યુઅલ બનાવ્યું હતું.

'પહેલું સ્ટેપ: મોબાઈલ ડેટા ઓન કરવો. બીજું સ્ટેપ: બેંકની બ્લુ કલરની એપ પર આંગળી અડાડવી. ત્રીજું સ્ટેપ: લોગીન લખેલું હોય ત્યાં પાસવર્ડ નાખવો. આર મોટો, પછી એ અને એમ નાના, પછી ગોળ કુંડાળું અને એક બે ત્રણ ચાર.'

ડાયરીના છેલ્લા પાને લાઈટ બિલ ઓનલાઈન કેવી રીતે ભરવું એના સ્ટેપ્સ લખેલા હતા. એમાં એક જગ્યાએ લાલ પેનથી મોટું કુંડાળું કરીને ગુજરાતીમાં એક નોંધ લખેલી હતી:

'દેવાંગ ઓફિસના કામમાં બહુ થાકી જાય છે. રવિવારે પણ એને આરામ નથી મળતો. ઘરના નાના-મોટા બિલ ભરવા માટે એને ફોન પર મથવું પડે છે. હું હવે નવરો જ છું તો જો આટલું ઓનલાઈન કરતા શીખી જાઉં, તો દેવાંગને રવિવારે શાંતિથી સુવા મળે. મારે કોઈ પણ રીતે આ એપ વાપરતા શીખવું જ પડશે, ભૂલ પડે તો પણ.'

દેવાંગને લાગ્યું જાણે કોઈએ એના માથા પર મોટો હથોડો માર્યો હોય. એને પોતાના એ શબ્દો યાદ આવ્યા જે એણે પપ્પાને કહ્યા હતા: 'તમારે બેંકની એપ ખોલવાની જરૂર જ શું પડી હતી?'

દીકરાનો સમય બચાવવા અને એનો થાક ઓછો કરવા માટે એક સાઈઠ વર્ષનો માણસ પોતાની ઉંમર અને સમજણની મર્યાદાઓ સાથે લડી રહ્યો હતો. અને દીકરાએ એ મથામણને માત્ર એક જિદ્દ સમજીને ફગાવી દીધી હતી!

દેવાંગની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. એણે ડાયરી છાતીસરસી ચાંપી દીધી. એને પોતાની જાત પર અસહ્ય નફરત થવા લાગી.

એટલામાં રૂમનો દરવાજો ખુલ્યો અને મનુભાઈ ચાલવા જઈને પાછા આવ્યા. દેવાંગને પોતાના રૂમમાં બેઠેલો જોઈને એ થોડા નવાઈ પામ્યા. મનુભાઈએ દેવાંગના હાથમાં પોતાની ડાયરી જોઈ એટલે એમના ચહેરા પર થોડો ગભરાટ આવી ગયો.

"શું થયું બેટા? તેં આ મારી ડાયરી કેમ કાઢી?!" મનુભાઈએ ધીમા અને ખચકાતા અવાજે પૂછ્યું.

દેવાંગે ડાયરી બાજુ પર મૂકી અને પપ્પાની પાસે ગયો. એણે મનુભાઈના બંને હાથ પકડી લીધા. દેવાંગનો અવાજ ભરેલો હતો અને એની આંખો ભીની હતી.

"પપ્પા, મને માફ કરી દો. હું તમારો દીકરો કહેવાને લાયક નથી." દેવાંગે ધીમેથી કહ્યું, "તમે મારા માટે આટલું બધું વિચારતા હતા અને હું મૂર્ખ ખાલી મારું ટાઈમ ટેબલ અને મારી સગવડ જ જોતો હતો!"

"અરે બેટા, એમાં માફી શેની માંગવાની?" મનુભાઈએ દેવાંગના માથા પર હાથ ફેરવતા કહ્યું, "તું ઓફિસમાં આખો દિવસ કેટલી મહેનત કરે છે એ હું જોઉં જ છું. મારો ઈરાદો તને હેરાન કરવાનો નહોતો, બસ તને થોડી મદદ કરવી હતી."

"પપ્પા, ભૂલ મારી છે. ટેકનોલોજી તો ખાલી એક ટૂલ છે, પણ સાચી મથામણ તો માણસની લાગણીઓ સમજવાની હોય છે. અને એમાં હું ફેલ ગયો છું. હું ભૂલી ગયો કે જ્યારે હું નાનો હતો, ત્યારે સાયકલ પર બેલેન્સ રાખતા શીખવામાં મેં તમને કેટલા પછાડ્યા હતા!"

"ત્યારે તમે ક્યારેય મારી પર ગુસ્સે નહોતા થયા. તો આજે જ્યારે તમે આ નવી દુનિયા સાથે કદમ મિલાવવા પ્રયાસ કરી રહ્યા છો, ત્યારે મારે તમને સાથ આપવાનો હોય, તમારો આત્મવિશ્વાસ તોડવાનો નહીં." દેવાંગે પોતાની ભૂલનો ખુલ્લા દિલે સ્વીકાર કર્યો.

દેવાંગ ઊભો થયો અને બહાર જઈને પપ્પાનો પેલો બંધ પડેલો સ્માર્ટફોન લઈ આવ્યો. એણે ચાર્જર ભરાવ્યું અને ફોન ઓન કર્યો.

"પપ્પા, કાલથી મારું ફાઇનાન્શિયલ ઇયર પૂરું થાય છે અને ઓફિસમાં થોડી રાહત રહેશે. રોજ સાંજે આપણે અડધો કલાક સાથે બેસીશું." દેવાંગે ફોનની સ્ક્રીન લૂછતાં કહ્યું.

"મારે નથી શીખવું બેટા, આ ઇંગ્લિશ અને આ બધા પાસવર્ડ મારા મગજમાં નથી બેસતા. મને ડર લાગે છે કે ફરીથી કોઈ ભૂલ થઈ જશે તો પૈસા ક્યાંક બીજે જતા રહેશે." મનુભાઈએ નિખાલસતાથી પોતાનો ડર વ્યક્ત કર્યો.

"કંઈ નહિ થાય પપ્પા, હું બેઠો છું ને! આપણે એકદમ બેઝિકથી શરૂઆત કરીશું." દેવાંગે હળવાશથી કહ્યું, "પાસવર્ડની ઝંઝટ જ કાઢી નાખીએ. હું આમાં ફિંગરપ્રિન્ટ સેન્સર સેટ કરી આપું છું. તમારે ખાલી તમારો અંગૂઠો જ અડાડવાનો. કોઈ પાસવર્ડ યાદ રાખવાની જરૂર જ નહીં પડે."

"ખરેખર! એવું પણ થાય?!!" મનુભાઈને થોડું આશ્ચર્ય થયું.

"હા પપ્પા, આ સ્માર્ટફોન આપણા કામ સહેલા કરવા માટે છે, આપણને ટેન્શન આપવા માટે નહીં. અને હવેથી હું ધીરજ રાખીશ. તમે હજાર વાર પૂછશો તોય હું તમને જવાબ આપીશ."

બે દિવસ પછી મંગળવારે સાંજે ઓફિસેથી આવીને દેવાંગ પપ્પા પાસે બેઠો. એણે એકદમ શાંતિથી પપ્પાને યુઝર ઇન્ટરફેસ સમજાવ્યો. લાલ બટન અને લીલા બટનનો અર્થ સમજાવ્યો.

મનુભાઈએ કાંપતા હાથે ફોન પકડ્યો. દેવાંગે એમના જમણા હાથનો અંગૂઠો સેન્સર પર મુકાવ્યો. ધીમેથી એક નાનો અવાજ આવ્યો અને બેંકની એપ ખુલી ગઈ.

"જોયું પપ્પા? ખુલ્યું ને? હવે આમાં જે 'ચેક બેલેન્સ' લખ્યું છે, એની પર આંગળી અડાડો." દેવાંગે માર્ગદર્શન આપ્યું.

મનુભાઈએ ધીમેથી સ્ક્રીન પર ટચ કર્યું. થોડી સેકન્ડ માટે સ્ક્રીન પર એક ગોળ ચકરડું ફર્યું અને પછી ખાતામાં જમા પડેલા રૂપિયા સ્ક્રીન પર દેખાયા.

"પપ્પા, જુઓ! તમારું પેન્શન જમા થઈ ગયું છે." દેવાંગે ઉત્સાહથી કહ્યું.

મનુભાઈના ચહેરા પર એવી ખુશી હતી જાણે એમણે કોઈ મોટો જંગ જીતી લીધો હોય. એમણે હાશકારો અનુભવ્યો અને હવે એમની આંખોમાં એક આત્મવિશ્વાસ છલકતો હતો. "થેન્ક યુ બેટા." મનુભાઈએ ધીમેથી કહ્યું.

દેવાંગે પપ્પાને ગળે લગાવી લીધા. આજે ડિજિટલ યુગના બે અલગ અલગ છેડા એકબીજા સાથે જોડાઈ ગયા હતા, અને એનું કનેક્શન ઇન્ટરનેટથી નહીં, પણ સમજના વાઇફાઇથી ચાલતું હતું !!

■ હરેકૃષ્ણ જાની 
©આ વાર્તાના તમામ રાઇટ્સ લેખકના છે.

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

2 Comments

Thank you so much for your feedback 😊

  1. So well explained...
    Last few lines are indeed Punch lines...enjoyed.

    ReplyDelete
  2. સરસ અનુભવ ની વાર્તા 👍 મારી ઉમર આ ડીસેમ્બર માં 80 વર્ષ પૂરા કરશે. મારા દીકરાએ મને MBA ની ડિગ્રી આપી છે એટલે મને બધું આવડે..પણ જે ન આવડે તે બધું કામ તેને સમય મળતા સમયસર કરીને આપે. તો કોઈવાર તેને કામ ના દબાણ ને લીધે ગુસ્સો આવે તો ચૂપ રહી સહન કરવામાં વાંધો શું હોય શકે? નવી ટેક્નોલોજી જાણવામાં મને ખૂબ જ આનંદ આવે છે. ગુજરાત સમાચાર માં આવી જાણકારી અઠવાડિયા માં 2 વાર આવે છે તેના જવાબો ઓનલાઇન મોકલી પ્રાઇઝ મેળવ્યું છે તો તમે કેમ રહી જાઓ છો?

    ReplyDelete
Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■