વલ્લકી નવલકથા (Vallaki Novel Part-34)

Related

વલ્લકી પ્રકરણ 34

ચાર દિવસ સોનિયા એટલે કે સંધ્યા કદમ સાથે જલસા કરીને સુધીર મ્હાત્રે મુંબઈ પાછો ફર્યો ત્યારે એને કાનાણીના સમાચાર મળ્યા. કાનાણી જો પથારીવશ હોય અને બોલી પણ ના શકતો હોય તો પછી એનો કોઈ સોદો થવાનો હતો એ કેવી રીતે થશે અને ૫૦ કરોડ જેવી રકમ કેવી રીતે પાછી આપશે એના ટેન્શનમાં એ આવી ગયો. એ પાક્કો વેપારી હતો અને એક રૂપિયો પણ છોડે એવો ન હતો.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા

બીજા જ દિવસે સવારે અગિયાર વાગે એ કાનાણીના બંગલે પહોંચી ગયો. પહેલાં તો ખબર અંતર પૂછી પણ પછી કડક શબ્દોમાં એણે ધીમે રહીને કાનાણીને ચેતવણી આપી દીધી.

" તમને કુલ ૩૭ દિવસની મુદત આપી છે કાનાણી. તમારો સોદો થાય કે ના થાય એ તમારો પ્રશ્ન છે. ૩૭મા દિવસે મારે મારી પૂરી રકમ વ્યાજ સાથે જોઈએ અને એ જો ના મળે તો પછી તમામ ફ્લેટ વેચીને વસૂલ કરી દઈશ અને આ બંગલો તાત્કાલિક ખાલી કરી દેવો પડશે. મારા માણસો આવીને અહીં બેસી જશે અને તમને લોકોને બહાર કાઢી દેશે. હું કોઈની પણ શરમ રાખતો નથી." મ્હાત્રે બોલ્યો અને એના ફોલ્ડરિયા સાથે બહાર નીકળી ગયો.

કાનાણી બોલી શકતા ન હતા પરંતુ બધું જ સાંભળી શકતા હતા. એ સુધીર મ્હાત્રેને બરાબર ઓળખતા હતા. એ માણસ હિસાબનો પાક્કો છે બંગલો ખાલી કરવો જ પડશે. ઘરમાં પણ ૮૦ લાખથી વધારે રકમ નથી. એક કરોડ બચ્યા હતા એમાંથી ૨૦ લાખ સંધ્યાને આપી દેવા પડ્યા !

બંગલો બચાવવો હોય તો પાંચ કરોડની જરૂર પડે. પોતે આજ સુધી કોઈને પણ મદદ નહોતી કરી. ઉપરથી લોકોની લાચારીનો લાભ જ લીધો હતો. એટલે આવા સમયે એમને કોણ આટલી મોટી મદદ કરે ! ૨૦ ફ્લેટ ખાલી હતા એ પણ બધા મ્હાત્રેએ લઈ લીધા. બંગલો ખાલી કરીને જવું ક્યાં ? કાનાણી ભયંકર ટેન્શનમાં આવી ગયા.

બીજી મુશ્કેલી એ હતી કે એ પોતે સરખું બોલી શકતા જ ન હતા અને એ જે બોલે એ કોઈને સમજાતું ન હતું એટલે કોઈને વાત પણ કેવી રીતે કરવી !

******************

પ્રતાપ જીજુની શારીરિક રીતે આટલી લાચાર અવસ્થા જોયા પછી રાજેશ ટેન્શનમાં આવી ગયો હતો. એણે જીજુના કહેવાથી જ વલ્લકીને ઉમેશ સાથે લગ્ન કરી લેવા દબાણ કર્યું હતું. જીજુ ઉમેશને ૪૦ ૫૦ લાખની મદદ પણ કરવાના હતા. પરંતુ હવે તો જીજુ પણ ઊભા થઈ શકશે કે કેમ એ એક સવાલ હતો !

રાજેશને લાગ્યું કે ઉતાવળ કરીને એણે પોતાની દીકરી વલ્લકીની નફરત વહોરી લીધી હતી. આમ જોવા જઈએ તો ઉમેશ પણ જમાઈ તરીકે જરા પણ શોભે એવો ન હતો છતાં જીજુના કહેવાથી પોતાની આટલી સુંદર દીકરી માટે આવો હબસી જેવો છોકરો પોતે પસંદ કર્યો હતો !

શાલિનીએ પણ એને ઘણું સંભળાવ્યું હતું. પ્રતાપ જીજુની નજર ખરાબ છે એવી પણ શાલિનીએ વાત કરી હતી. અભિમન્યુએ લગ્ન માટે હા પાડી છે અને લગ્નના ખર્ચા પેટે પાંચ લાખ રોકડા પણ આપ્યા છે એ બધું જાણ્યા પછી એને પોતાના નિર્ણય ઉપર પસ્તાવો થયો હતો અને અભિમન્યુ પ્રત્યે માન ઉપજ્યું હતું. હોસ્પિટલમાં પણ એણે ભાવિ સસરા માનીને પોતાના ચરણસ્પર્શ કર્યા હતા !

પોતાનાથી ઉતાવળ થઈ ગઈ અને વલ્લકી ઉપર ગુસ્સો કરી એને ગમે તેમ બોલીને પોતે મોટી ભૂલ કરી હતી એવું એને લાગ્યું. એ અભિમન્યુ માટે પણ ખરાબ બોલ્યો હતો એનો પણ એને પસ્તાવો થયો.

" વલ્લી બેટા તારી મમ્મીએ મને બધી વાત કરી કે અભિમન્યુએ લગ્ન માટે હા પાડી છે અને તને પાંચ લાખ રૂપિયા રોકડા પણ આપ્યા છે. મને ખૂબ જ આનંદ થયો. ઉમેશ માટે મેં તને જે દબાણ કર્યું એના માટે મને માફ કરી દેજે. મારી ઉપર પ્રતાપ જીજુનું બહુ જ દબાણ હતું એટલા માટે જ મારે તને કહેવું પડ્યું. બાકી છોકરાને જોયા પછી મારું મન પણ ખાટું થઈ ગયું હતું." બપોરે જમતી વખતે ડાઇનિંગ ટેબલ ઉપર રાજેશ વલ્લકી સામે જોઈને બોલ્યો.

વલ્લકીએ કોઈ જ જવાબ આપ્યો નહીં. એણે જમવામાં જ પોતાનું ધ્યાન પરોવી રાખ્યું. વલ્લકીને મમ્મી તરફથી સમાચાર મળી ગયા હતા કે પ્રતાપ અંકલને લકવો પડી ગયો છે અને બોલી શકતા પણ નથી કે હાથ પગ હલાવી શકતા પણ નથી. એટલે હવે ના છૂટકે પપ્પા મને મનાવવા કોશિશ કરી રહ્યા છે !

" અભિમન્યુ મને હોસ્પિટલમાં મળ્યા હતા. મેં એમની સાથે વાત કરી હતી. એમણે તો મારા ચરણસ્પર્શ પણ કર્યા હતા. હવે તું પણ ગુસ્સો થુંકી નાખ. ગુસ્સામાં ક્યારેક બોલાઈ જાય. એનું આટલું બધું દિલ ઉપર ના લેવાય બેટા." રાજેશ બોલ્યો.

" ગુસ્સાની પણ એક લિમિટ હોય. અભિમન્યુ સાથે જમવા ગઈ એમાં તો આટલી મોડી રાત્રે ક્યાં રખડીને આવી જેવા શબ્દો તમે વાપર્યા. અભિમન્યુ જેવા સંસ્કારી છોકરા માટે પણ ગમે તેમ બોલ્યા. વલ્લી સાસરે જતી રહેશે પછી એની કિંમત તમને સમજાશે ! અને જીજુની જે હાલત થઈ છે એ એમનાં કર્મોના કારણે જ થઈ છે. વલ્લી તમને ઓળખી ગઈ છે માટે હવે વધારે કંઈ બોલશો નહીં. " શાલિની બોલી.

રાજેશ પછી કંઈ બોલ્યો નહીં. એણે પણ જમવામાં મન પરોવ્યું. પ્રતાપ જીજુની વાતોમાં આવીને એણે છેલ્લે છેલ્લે દીકરી સાથેનો સંબંધ બગાડ્યો.

સમય પસાર થતો ગયો. શું કરવું એ કાનાણીને સમજ નહોતી પડતી. એનું બીપી વધેલું જ રહેતું હતું. એ પોતે બોલી શકતો જ ન હતો એટલે બીજા કોઈ બિલ્ડર સાથે વાત પણ કરી શકે તેમ ન હતો. બે ત્રણ બિલ્ડર મિત્રો ઘરે ખબર કાઢવા માટે આવી ગયા હતા પરંતુ કોઈ વાતચીત થઈ શકી ન હતી.

અભિમન્યુ પણ ઓફિસથી છૂટીને બે થી ત્રણ વાર બંગલે આવી ગયો હતો. તબિયતમાં કોઈ જ સુધારો આટલા દિવસમાં થયો ન હતો. કાનાણી માનસિક રીતે બહુ જ પીડાઈ રહ્યા હતા. મનની વેદના કોઈને કહી શકતા પણ ન હતા. પોતે કરેલાં પાપોનો આખો ચિતાર નજર સામે આવી જતો હતો.

બંગલો ખાલી કરી દેવાના ત્રણ દિવસ બાકી રહ્યા ત્યારે અભિમન્યુ અચાનક સુધીર મ્હાત્રેની ઓફિસે પહોંચી ગયો.

" મ્હાત્રે સાહેબ તમારી સાથે થોડીક અંગત વાત કરવી છે. " મ્હાત્રેની સામે રાખેલી ખુરશી ઉપર બેસીને અભિમન્યુ મરાઠીમાં બોલ્યો.

" તમારી ઓળખાણ ના પડી. " મ્હાત્રે બોલ્યો.

" નામ આપવાથી પણ તમે મને નહીં ઓળખી શકો સાહેબ. મારે તમારી સાથે અંગત વાત કરવી છે. " અભિમન્યુ બોલ્યો કારણ કે મ્હાત્રેની સામે બીજો પણ એનો કોઈ ચમચો ટાઈમપાસ કરવા બેઠો હતો.

" ઠીક છે. નામદેવ તું બહાર જઈને બેસ. " મ્હાત્રે પેલાની સામે જોઈને બોલ્યો. પેલો ઉભો થઈને બહાર ગયો.

"હું પ્રતાપ અંકલનો રિલેટિવ છું. તમે એમને ૫૦ કરોડ વ્યાજે આપ્યા છે એ હું જાણું છું એટલા માટે જ આવ્યો છું. " અભિમન્યુ ધીરે રહીને બોલ્યો.

" મારે કંઈ જ સાંભળવું નથી. ત્રણ દિવસ પછી એણે બંગલો ખાલી કરી દેવો પડશે. તમામ ફ્લેટ પણ લખાણ મુજબ મારા નામે થઇ જશે. તમે કોઈ ભલામણ લઈને આવ્યા હો કે મને વિનંતી કરવા આવ્યા હો તો તમે જઈ શકો છો ! " મ્હાત્રે થોડી તોછડાઈથી મરાઠીમાં બોલ્યો.

" હું જવા માટે નથી આવ્યો મ્હાત્રે સાહેબ. કાનાણી શેઠનો બંગલો અને બોરીવલી સૂર્યા ટાવરના ૨૦ ફ્લેટ તમે તમારા નામે લખાવી દીધા છે. હું એ પ્રોપર્ટી છૂટી કરવા માગું છું. તમને તમારા પૈસા છૂટા થઈ જાય એમાં રસ છે જ્યારે મને કાનાણીને ટેન્શન મુક્ત કરવામાં રસ છે. હવે એ જાતે તો ઊભા થઈ શકે એમ પણ નથી અને પોતાની સાઈન કરી શકે એમ પણ નથી એટલે મારે વચ્ચે પડવું પડ્યું છે. ૨૦ ફ્લેટ વેચવા એ તમારું કામ નથી. ફ્લેટ લઈને તમે ભરાઈ જશો. હું બિલ્ડરનો દીકરો છું. ૫૦ કરોડ પાછા જોઈતા હોય તો બોલો. કાનાણી શેઠ તમને હવે કદી પૈસા નહીં આપી શકે. ઈચ્છા હોય તો બોલો નહી તો હું તમે કહ્યું એમ બહાર નીકળી જાઉં." અભિમન્યુ બોલ્યો.

અભિમન્યુ પૂરી તૈયારી સાથે આવ્યો હતો. એ વાત એટલા વટથી કરી રહ્યો હતો કે સામે બેઠેલો મ્હાત્રે ઠંડો પડી ગયો. એને લાગ્યું કે સામે બેઠેલો માણસ કોઈ જેવો તેવો નથી.

" તમારું નામ ? " મ્હાત્રે બોલ્યો.

" નામથી નહીં પૈસાથી મતલબ રાખો સાહેબ. સોદો ફાઇનલ થશે તો નામ પણ જાણવા મળશે. ૫૦ રોકડા વ્યાજ સાથે પાછા મળી જશે. પૈસા આપીને તમે ભરાઈ ગયા છો એ પણ હું જાણું છું. તમે તો પોલિટિક્સમાં છો સાહેબ. સામે ચાલીને તક મળી રહી છે. ના પાડશો તો નુકસાન તમને છે. " અભિમન્યુ ઠંડા કલેજે બોલ્યો.

" મને મંજુર છે. રકમ મને એક સાથે જ જોઈએ. ઇન્સ્ટોલમેન્ટમાં નહીં. " મ્હાત્રે બોલ્યો.

" ૫૦ કરોડ તમારી મૂડી અને બે ટકા લેખે ૧ કરોડ વ્યાજ. ટોટલ ૫૧ કરોડ રોકડા આપીશ. કાનાણી શેઠનો બંગલો અને સૂર્યા ટાવરના ૨૦ ફ્લેટનું તમે સ્ટેમ્પ પેપર ઉપર જે વેચાણ ખત કર્યું છે એ તમારે મને આપી દેવાનું. અને તમારા એડવોકેટ સ્ટેમ્પ પેપર ઉપર તમારી આ જ ઓફિસમાં મને લખી આપે અને નોટરી નોટરાઈઝ પણ કરી આપે કે તમને તમારી પૂરી રકમ વ્યાજ સાથે પાછી મળી ગઈ છે અને હવે કાનાણી શેઠના બંગલા ઉપર કે સૂર્યા ટાવરના ૨૦ ફ્લેટ ઉપર તમારો કોઈ પણ જાતનો હક દાવો રહેશે નહીં." અભિમન્યુ બોલ્યો.

" તમારું કામ થઈ જશે. લખાણ તો કાલે જ ટાઈપ થઈ જશે. ૫૧ ક્યારે પાછા આપો છો ? " મ્હાત્રે બોલ્યો.

" તૈયારી સાથે જ આવ્યો છું મ્હાત્રે સાહેબ. તમે જ્યારે માગો ત્યારે મળી જશે. તમે વેચાણખત મને આપી દો અને મેં કહ્યું તે પ્રમાણે સ્ટેમ્પ પેપર ઉપર લખાણ આપો એટલે તરત તમારી રકમ મળી જશે. હું એડ્રેસ આપું ત્યાંથી તમારે બોક્સ મંગાવી લેવાનાં." અભિમન્યુ બોલ્યો.

" તો પછી કાલે જ લખાણ કરીને ટેમ્પો મોકલી આપું. તમે ઓફિસે આવી જાઓ. સામસામે સહી સિક્કા થઈ જશે." મ્હાત્રે બોલ્યો.

" પરંતુ મારી એક શરત. તમને પૈસા પણ મળી જશે. વેચાણખત પણ તમે મને આપી દેશો. પરંતુ આ વાત તમારા અને મારા વચ્ચે જ રહેશે. કાનાણી શેઠને કોઈપણ સંજોગોમાં આ વાતની ખબર પડવી ના જોઈએ. મંજૂર હોય તો જ આગળ વધીએ. " અભિમન્યુ બોલ્યો.

" મને મારા પૈસાથી મતલબ છે. મને મારી રકમ મળી જતી હોય તો મારે એને મળવાની પણ જરૂર નથી અને એની સાથે વાત કરવાની પણ જરૂર નથી. આ વાત એકદમ ખાનગી રહેશે. માય પ્રોમિસ ! તમે જે પણ હો પણ તમારી સાથે વાત કરવાની મજા આવી. " મ્હાત્રે ખુશ થઈને બોલ્યો.

" મારું નામ અભિમન્યુ જયદેવ પાઠક. હું બોરીવલી રહું છું. આ સોદામાંથી તમને મુક્ત કરીને હવે હું મારી રીતે કાનાણી સાથે ડીલ કરવા માગું છું." અભિમન્યુ બોલ્યો. તમામ વાતચીત મરાઠી ભાષામાં જ થતી હતી.

" તમને મળીને આનંદ થયો. તમે મારું બધું ટેન્શન દૂર કરી દીધું. હું એ જ વિચારી રહ્યો હતો કે કાનાણી તો હવે બોલી શકતો પણ નથી. એના હાથ પણ કામ નથી કરતા તો આટલી બધી રકમ પાછી કેવી રીતે આવશે !" મ્હાત્રે બોલ્યો.

" એટલા માટે જ મારે વચ્ચે આવવું પડ્યું. મારી પાસે પૈસા છે એટલે હવે હું જ મારી રીતે ડીલ કરીશ. ચાલો હવે કાલે મળીએ. કેટલા વાગે તમારા નોટરી અને એડવોકેટ આવી જશે ?" અભિમન્યુ બોલ્યો.

" કાલે બાર વાગે જ આવી જાઓ ને. હું એ લોકોને બોલાવી લઈશ. હવે તમે બોલો તમે શું લેશો ? ઠંડુ ગરમ જે પણ લેવાની ઈચ્છા હોય. બીજી કોઈ સ્પેશિયલ વ્યવસ્થા જોઈતી હોય તો એ પણ થઈ જશે કારણ કે તમે મને ખુશ કરી દીધો છે ! " મ્હાત્રે બોલ્યો.

"આજે તો કંઈ જ નહીં. મારે મારા ગોડાઉનમાં જઈને સાત આઠ બોક્સ તૈયાર કરવાં પડશે. મારે શું જોઈએ છે એ હું તમને કાલે કહીશ." અભિમન્યુ હસીને બોલ્યો અને ત્યાંથી નીકળી ગયો.

અભિમન્યુ પોતાના પ્લાન પ્રમાણે આગળ વધી રહ્યો હતો. કાનાણી શેઠને સજા ચોક્કસ આપવી હતી પરંતુ એના રૂપિયા પચાવી પાડવાની એની દાનત હતી જ નહીં. પિતાના ખૂનીને બરબાદ કરવાની અને સતત ટેન્શનમાં રાખવાની એની ઈચ્છા હતી. અડધી મંઝીલે તો એ પહોંચી ગયો હતો.

સુધીર મ્હાત્રેની ઓફિસથી નીકળીને અભિમન્યુ પોતાના એક જાણીતા પેકિંગ મટીરીયલ્સનો બિઝનેસ કરતા વેપારીની દુકાને ગયો. ત્યાંથી એણે સાત ફોલ્ડેડ બોક્સ લઈને ગાડીમાં મૂક્યાં.

ઓફિસ કોમ્પ્લેક્સ પહોંચીને એણે ધવલને ફોન કર્યો અને કોમ્પ્લેક્સમાં નીચે જે દુકાન લીધી હતી એની ચાવી લઈને નીચે આવવાનું કહ્યું. ધવલ ચાવી લઈને આવ્યો એટલે એણે ધવલની મદદથી દુકાનનું શટર ખોલી નાખ્યું.

" ધવલ પેલા ખૂણામાં જે સાત બોક્સ રાખેલાં છે એ એક પછી એક ખોલતો જા અને એમાં જે બંડલો છે એ બધાં આ નવાં સાત બોક્સમાં ગોઠવતો જા. છ બોક્સમાં સાત સાત કરોડ રૂપિયા છે. જ્યારે સાતમા સહુથી મોટા બોક્સમાં આઠ કરોડ છે. " અભિમન્યુ બોલ્યો.

ધવલ તો અભિમન્યુ સરની કરોડો રૂપિયાની વાત સાંભળીને ચક્કર ખાઈ ગયો. આટલા બધા રૂપિયા આ નીચેની દુકાનમાં મૂકેલા છે એની તો એને કંઈ ખબર જ ન હતી ! પરંતુ ધવલ એક પ્રમાણિક અને વફાદાર એકાઉન્ટન્ટ હતો. એ દરેક બોક્સની દોરી અને સેલોટેપ તોડીને અંદર ગોઠવેલાં બંડલો કાઢી નવાં લાવેલાં બોક્સમાં ગોઠવવાના કામે લાગી ગયો.

અભિમન્યુ એ દરમિયાન ગોડાઉનમાં રાખેલી એક ખુરશી ઉપર શાંતિથી બેઠો. વચ્ચે વચ્ચે એ પણ થોડી મદદ કરતો રહ્યો. ૨૫ મિનિટ સુધી આ કામ ચાલ્યું. એ પછી દરેક બોક્સ દોરીથી બરાબર પેક કરી દીધું અને જ્યાં જરૂર હોય ત્યાં બ્રાઉન સેલોટેપ પણ લગાડી દીધી.

અભિમન્યુએ જાણી જોઈને મ્હાત્રેનાં બોક્સ બદલીને તદ્દન નવાં બોક્સમાં બંડલો પેક કર્યાં હતાં જેથી મ્હાત્રેને કોઈ વહેમ ના પડે. તમામ બોક્સ તૈયાર થઈ ગયાં એ પછી આઠમું બોક્સ ખોલીને એમાંથી એક કરોડ એણે બહાર કાઢી લીધા અને એક નાનકડા બોક્સમાં પૅક કરી દીધા.

કામ પતી ગયું એટલે અભિમન્યુ અને ધવલ શટર બંધ કરીને ઉપર ઓફિસ જતા રહ્યા.

બીજા દિવસે બપોરે બાર વાગે અભિમન્યુ સુધીર મ્હાત્રેની ઓફિસ પહોંચી ગયો. એના આશ્ચર્ય વચ્ચે એડવોકેટ અને નોટરી પણ મ્હાત્રેની ઓફિસમાં હાજર જ હતા. મ્હાત્રેએ ગઈકાલે રાત્રે જ પોતાના એડવોકેટને બધી સૂચના આપી દીધી હતી. એટલે એડવોકેટ પાસે સ્ટેમ્પ ઉપર ટાઈપ કરેલું લખાણ પણ તૈયાર જ હતું.

વાત થઈ હતી એ પ્રમાણે સુધીર મ્હાત્રેએ અભિમન્યુ પાઠકને લખી આપ્યું હતું કે એણે પ્રતાપ કાનાણીને આપેલી તમામ રકમ વ્યાજ સાથે પાછી મળી ગઈ છે. અને હવે પ્રતાપ કાનાણીના મઢ આઇલેન્ડના બંગલા ઉપર કે બોરીવલી સૂર્યા ટાવરના ૨૦ ફ્લેટો ઉપર એનો કોઈ જ હક દાવો રહેતો નથી. નીચે મ્હાત્રેએ પોતાની સહી કરી દીધી હતી અને સાથે સાથે એક્સ એમ.એલ.એનો સ્ટેમ્પ પણ લગાવેલો હતો !

અભિમન્યુએ સ્ટેમ્પ પેપર વાંચી લીધો એ પછી નોટરીએ એ લખાણને નંબર આપી પોતાના રજીસ્ટરમાં નોંધ પણ કરી દીધી અને સ્ટેમ્પ પેપર પણ નોટરાઈઝ કરી દીધો.

" પાઠક જી તમારી સૂચના પ્રમાણે મારું કામ મેં પતાવી દીધું છે. હવે તમે મારી તમામ રકમ પહોંચાડી દો એટલે કાનાણીની પ્રોપર્ટીનું વેચાણ ખત તથા આ સ્ટેમ્પ પેપર તમને મળી જશે. " સુધીર મ્હાત્રે બોલ્યો.

" ૫૦ કરોડનાં સાત મોટાં બોક્સ તૈયાર છે. એક કરોડ એક નાના બોક્સમાં અલગથી પેક કર્યાં છે. કલેક્ટ કરવાની વ્યવસ્થા તમારે જ કરવી પડશે. તમે તમારા માણસોને ટેમ્પો લઈને મોકલી આપો. હું એડ્રેસ તમને લખી આપું છું."અભિમન્યુ બોલ્યો.

" તમારું કામ મને ગમ્યું. માત્ર એક જ દિવસમાં તમે આટલી મોટી વ્યવસ્થા પણ કરી દીધી. તમારી મિત્રતા મને ગમશે." મ્હાત્રે બોલ્યો.

એ પછી એણે જૂનું વેચાણ ખત અને આજે બનાવેલો સ્ટેમ્પ પેપર પોતાના હાથમાં લઈ લીધા અને એડવોકેટ તથા નોટરીને ત્યાંથી જવાની સૂચના આપી.

બંને જણા ગયા પછી સુધીર મ્હાત્રેએ એના માણસને કહીને બે આઈસ્ક્રીમ મંગાવ્યા.

" હવે બોલો. તમારી શું ઈચ્છા છે ? એક સરસ આઈટમ છે. તમે ઇચ્છો ત્યાં લઈ જઈ શકો છો. નામ એનું સોનિયા છે અને નામ પ્રમાણે સોનાની લગડી છે. હોટલનો ખર્ચો હું આપીશ. બહાર ગોવાનો કે બીજો કોઈ પ્રોગ્રામ બનાવવો હોય તો પણ મારા ખર્ચે જઈ શકો છો. " મ્હાત્રે બોલ્યો અને સોનિયા નામ સાંભળીને અભિમન્યુ ચમકી ગયો ! સંધ્યા કદમ ફરી પાછી કૉલ ગર્લ !!!

" ઠીક છે. ગોવા જવાની તો ઈચ્છા નથી પરંતુ હોટલનું અને સોનિયાનું સેટિંગ કરી દો. " અભિમન્યુ મનમાં કંઈક ગણત્રી કરીને બોલ્યો.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■