વલ્લકી પ્રકરણ 35
અભિમન્યુએ સુધીર મ્હાત્રેને પોતાનું એડ્રેસ તથા ફોન નંબર પણ આપી દીધો. મ્હાત્રે પોતે કેશ લેવા માટે અભિમન્યુની ઓફિસે સાંજે ચાર વાગે આવી જશે એવું નક્કી થયું.
વલ્લકી નવલકથા
બરાબર ચાર વાગે મ્હાત્રે પોતાની ગાડી લઈને કોશા કોમ્પલેક્ષ આવી ગયો. ગાડીની બરાબર પાછળ ટેમ્પો પણ હતો. બંને વાહનો ત્યાં પાર્ક કરીને મ્હાત્રે ઉપર અભિમન્યુની ઓફિસે ગયો.
" પધારો મ્હાત્રે સાહેબ. મારી ઓફિસમાં તમારું સ્વાગત છે. " અભિમન્યુ મરાઠીમાં બોલ્યો અને એણે તરત જ ધવલને આઇસ્ક્રીમ લઈ આવવાની સૂચના આપી.
" શાનો વ્યવસાય છે તમારે પાઠક જી ?" મ્હાત્રે બોલ્યો.
" જી હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને સાથે સાથે સ્ટોક બ્રોકર પણ છું. જો કે સ્ટોક એક્સચેન્જનું કામ લિમિટેડ ક્લાયન્ટો માટે જ કરું છું. પૈસાની મને એવી કોઈ ભૂખ નથી. " અભિમન્યુ હસીને બોલ્યો.
" એ તો મને ખ્યાલ આવી જ ગયો. તમે કાનાણી માટે આટલી મોટી રકમની વ્યવસ્થા કરી દીધી એનું મને પણ આશ્ચર્ય થાય છે. " મ્હાત્રે બોલ્યો.
" એ તો એક ઇન્વેસ્ટમેન્ટ છે. મારા પિતા બિલ્ડર હતા. તૈયાર માલ કેમ વેચવો એની કોઠાસૂઝ મારામાં છે જ. અને કાનાણી શેઠ મારા દૂરના અંકલ થાય છે એટલે એમને બચાવી લેવાની પણ એક ભાવના છે. એમણે શા માટે તમારી પાસેથી આટલી મોટી રકમ લેવી પડી એ હજુ પણ મને સમજાતું નથી." અભિમન્યુ સાવ અજાણ બનીને બોલ્યો.
" એ કોઈ સોદાની વાત કરતા હતા. સોદો પતી ગયો છે એવી પણ વાત થયેલી. એવું પણ બને કે એમની પાસે કરોડો રૂપિયા આવી પણ ગયા હોય અથવા આવવાના હોય અને અચાનક એટેક આવી ગયો હોય ! જે હોય તે પણ એમની હાલત બહુ જ ખરાબ છે. એ શું બોલે છે એ ખબર જ નથી પડતી. " મ્હાત્રે મરાઠીમાં બોલ્યો.
" એમના પૈસા ખરેખર આવી જવાના હોય તો સારી વાત છે. તો મારા પૈસા છૂટા થઈ જશે. તમારી મુદત એક મહિનાની હતી એવી મને ખબર પડી એટલા માટે હું તમારી પાસે આવ્યો. પ્રોપર્ટીના ભાવ તો વધતા જ જાય છે. ૫૦ કરોડ રોકીને હું ઓછામાં ઓછા ૧૦ ૧૫ કરોડ આ ફ્લેટમાંથી કમાઈ લઈશ." અભિમન્યુ બોલ્યો.
" તમારી આવડત ઉપર મને કોઈ શંકા નથી. મારી શુભેચ્છા છે." મ્હાત્રે બોલ્યો ત્યાં આઈસ્ક્રીમ આવી ગયો.
આઇસ્ક્રીમ ખાઈ લીધા પછી બન્ને નીચે ગયા. અભિમન્યુએ ધવલને પણ ચાવી લઈને નીચે બોલાવ્યો અને શટર ખોલાવી દીધું.
અભિમન્યુએ મ્હાત્રેને સાત મોટાં બોક્સ અને એક નાનું બોક્સ બતાવી દીધું.
" તમે તમામ બોક્સ ચેક કરી શકો છો. ધંધામાં બેઈમાની મારા લોહીમાં નથી. એક રૂપિયો પણ ઓછો નહીં નીકળે. " અભિમન્યુ બોલ્યો.
"પાઠક જી હું પણ માણસને ઓળખું છું. તમારે આવું કહેવાની જરૂર જ નથી. આ બંને દસ્તાવેજ તમને આપી દઉં છું. એક કાનાણીએ કરી આપેલો વેચાણખત છે અને બીજો મેં લખી આપેલો સ્ટેમ્પ પેપર છે. " મ્હાત્રે બોલ્યો અને બંને દસ્તાવેજ એણે અભિમન્યુના હાથમાં આપ્યા.
એ પછી મ્હાત્રેએ ટેમ્પોમાં આવેલા બે માણસોને બોલાવી લીધા અને તમામ બોક્સ ટેમ્પોમાં ગોઠવી દેવાની સૂચના આપી. બધો માલ ગોઠવાઈ ગયો એટલે એણે ટેમ્પો ક્યાં લઈ જવાનો છે એની સૂચના માણસોને આપી.
"ચાલો મળતા રહીશું. તમે મારું ઘણું ટેન્શન ઓછું કરી નાખ્યું. હવે તમને હોટલનો પ્રોગ્રામ બનાવીને હું જાણ કરી દઈશ. એન્જોય ! " મ્હાત્રે બોલ્યો અને પોતાની ગાડીમાં બેસી ગયો.
અભિમન્યુએ સુધીર મ્હાત્રેના જ પૈસા મ્હાત્રેને પાછા આપ્યા. કાનાણી શેઠને કુદરતે બરાબરની સજા આપી દીધી હતી. ડોક્ટરે કહી દીધું હતું કે હવે એમનું જમણું અંગ કાયમ માટે લકવા ગ્રસ્ત રહેશે. એક વર્ષ સુધી રોજ ફિઝિયોથેરપી એક્સરસાઇઝ કર્યા પછી લાકડીના ટેકે એ ધીમે ધીમે થોડું ચાલી શકશે. વાણીમાં કોઈ ફરક નહીં પડે. પોતાના હાથે જમી પણ નહીં શકે. પોતાનાં પાપ કર્મોની સજા હવે એ કાયમ માટે ભોગવશે.
કાનાણીને આવી લાચાર હાલતમાં મ્હાત્રેનો ત્રાસ સહન કરવો ના પડે અને બંગલો ખાલી કરી દેવો ના પડે એટલા માટે માનવતા ખાતર તાત્કાલિક એણે મ્હાત્રેને પૈસા પાછા આપી દીધા હતા. અને આમ પણ કાનાણીના રૂપિયા પચાવી પાડવાનો એનો કોઈ જ ઈરાદો ન હતો. પૈસા થોડો સમય પોતાની પાસે રાખીને કાનાણીને આર્થિક રીતે પાયમાલ કરી દેવાનો એનો ઇરાદો હતો પરંતુ કુદરતે કાનાણીને બહુ મોટી સજા કરી દીધી એટલે પછી તાત્કાલિક પૈસા રિટર્ન કરી દેવાનો નિર્ણય એણે લઈ લીધો હતો.
મ્હાત્રેએ ખુશ થઈને અભિમન્યુને સોનિયાની ખૂબસુરતી એન્જોય કરવાની ઓફર કરી હતી. અને એ ત્રણ ચાર દિવસમાં હોટલની વ્યવસ્થા પણ કરી આપવાનો હતો ! એ તો ગોવા મોકલવા પણ તૈયાર હતો.
અભિમન્યુને આવી કોઈ જ વાતોમાં રસ ન હતો પરંતુ સુધીર મ્હાત્રેએ સોનિયાનું નામ દીધું એટલે એ ચમકી ગયો હતો. જે સંધ્યાને એણે પચાસ લાખની ડિપોઝિટ કરી દર મહિને પચાસ હજાર જેટલા વ્યાજની વ્યવસ્થા કરી આપી હતી અને જેના માટે નર્સિંગ સ્કૂલની ફી ભરી નર્સ બનાવવા માગતો હતો એ જ સંધ્યા ફરી પાછી કૉલગર્લ બની ગઈ હતી !!
અભિમન્યુને બહુ જ દુઃખ થયું હતું અને એટલા માટે જ એ હોટલમાં જ એને મળવા માગતો હતો !
સુધીર મ્હાત્રેએ સોનિયા એટલે કે સંધ્યા કદમને ફોન કરીને માત્ર ૨૪ કલાક માટે પોતાના એક ખાસ મિત્રની સાથે હોટલમાં જવાની વાત કરી હતી.
સંધ્યાએ સૌથી પહેલાં તો મ્હાત્રેને ચોખ્ખી ના પાડી દીધી હતી. એ કોઈપણ સંજોગોમાં કોઈ બીજાની સાથે જવા માટે તૈયાર જ ન હતી પરંતુ સુધીર મ્હાત્રેએ એને બહુ જ રિક્વેસ્ટ કરી હતી અને છેલ્લે એક લાખ રૂપિયા આપવાની પણ વાત કરી હતી. છેવટે સંધ્યા પીગળી ગઈ હતી અને એણે હા પાડી હતી.
ત્રણ દિવસ પછી અભિમન્યુ ઉપર સુધીર મ્હાત્રેનો ફોન આવી ગયો. એણે અંધેરી કુર્લા રોડ ઉપર આવેલી હોટલ મેરિયોટ અભિમન્યુ માટે બુક કરાવી દીધી હતી. વ્હોટસએપ ઉપર રૂમ નંબર પણ મોકલી દીધો હતો.
ફોન આવ્યો એના બીજા દિવસે એણે બપોરે ૧૨ વાગ્યે પહોંચી જવાનું હતું. ૨૪ કલાક માટે રૂમનું બુકિંગ થયું હતું. સુધીરે સોનિયાને સાડા બાર પછી પહોંચી જવાનો ટાઇમ આપ્યો હતો.
અભિમન્યુ બીજા દિવસે ઘરેથી જમીને જ નીકળ્યો. એને સંધ્યા કદમ સાથે હોટલમાં લંચ લેવાની પણ ઈચ્છા ન હતી.
૧૨ વાગવામાં દસ મિનિટ બાકી હતી અને એ હોટલ ઉપર પહોંચી ગયો. રિસેપ્શન કાઉન્ટર ઉપર જઈને એણે પોતાના નામે બુક થયેલા રૂમની વાત કરી. એને છઠ્ઠા માળે રૂમ ફાળવવામાં આવ્યો હતો.
રજીસ્ટરમાં નામ વગેરે લખાવી એણે ચાવી મેળવી લીધી અને લિફ્ટમાં બેસીને પોતાના રૂમમાં પહોંચી ગયો. એસી ચાલુ કરીને એ બેડ ઉપર આડો પડ્યો અને સંધ્યા કદમની રાહ જોવા લાગ્યો.
અડધા કલાક પછી દરવાજા ઉપર ટકોરા પડ્યા અને બઝર પણ વાગ્યું. અભિમન્યુ ઉભો થયો. વાળ સરખા કર્યા અને રૂમના દરવાજા પાસે જઈને દરવાજો ખોલી નાખ્યો.
લોંગ સ્કર્ટ અને સ્લીવ લેસ ટોપ પહેરેલી, શેમ્પૂ કરેલા કોરા છૂટ્ટા વાળ રાખેલી, આંખોમાં કાજલ લગાવીને એકદમ મોડેલ જેવી દેખાતી રૂપસુંદરી અભિમન્યુની સામે ઊભી હતી ! એના પર્ફ્યુમની માદક સુગંધ અભિમન્યુના નાકને સ્પર્શી ગઈ. વિશ્વામિત્રને ચળાવનારી મેનકા કદાચ આવી જ હશે !
અભિમન્યુ સંધ્યા કદમને એકીટસે બસ જોઈ જ રહ્યો.
" પધારો. હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો સંધ્યા મેડમ ! " અભિમન્યુ બોલ્યો અને દરવાજો પૂરો ખોલીને અંદર જતો રહ્યો.
પરંતુ સંધ્યાને તો બોલવાના હોશ જ ન હતા. અભિમન્યુને સામે ઊભેલો જોઈને એનું મગજ શૂન્ય થઈ ગયું હતું. વિચારવાની બધી જ શક્તિ હણાઈ ગઈ હતી. શું બોલવું એ પણ સૂઝ પડતી ન હતી. એ અભિમન્યુને બહુ સારી રીતે ઓળખતી હતી. અભિમન્યુ કદી પણ આ રીતે કોઈ કૉલગર્લને એન્જોય કરવા માટે હોટલમાં આવે જ નહીં ! નક્કી એમને મારા નામની ખબર પડી ગઈ હશે એટલા માટે જ એ જાણી જોઈને હોટલ આવ્યા છે ! હવે મારે એમને શું જવાબ આપવો !!
એણે ડરતાં ડરતાં રૂમમાં પ્રવેશ કર્યો. ધીમેથી દરવાજો બંધ કર્યો અને બેડ ઉપર બેસવાના બદલે સામે રાખેલી ખુરશી ઉપર જ ફસડાઈ પડી.
"ખાસ તને મળવા માટે જ હું હોટેલ આવ્યો છું. સુધીર મ્હાત્રેએ મને હોટલમાં જઈને એન્જોય કરવાની ઓફર કરી હતી પણ મને એમાં કોઈ રસ ન હતો. પરંતુ એણે સોનિયા નામ દીધું એટલે હું ચમચી ગયો. મેં તરત હા પાડી દીધી. તારું અસલી રૂપ મારે જોવું હતું. સોનિયા નામની બીજી કોઈ છોકરી પણ હોઈ શકે પરંતુ મને ખાત્રી જ હતી કે તારા સિવાય બીજું કોઈ નહીં જ હોય ! કારણ કે સુધીર મ્હાત્રે કાનાણીનો ખાસ મિત્ર છે અને એણે તને ભૂતકાળમાં પણ એન્જોય કરેલી છે ! " અભિમન્યુ ગુસ્સાથી બોલી રહ્યો હતો.
"મને અફસોસ થાય છે કે મેં તને સારા રસ્તે વાળવા આટલું બધું સારું વિચાર્યું અને તને નર્સિંગના કોર્સમાં એડમિશન પણ અપાવી દીધું. તને મેં કાનાણીની ચુંગાલમાંથી છોડાવી દીધી. તને મળેલા ૫૦ લાખ ડિપોઝિટ કરીને દર મહિનાની બેઠી આવક પણ ઊભી કરી આપી છતાં પણ આવા ધંધા !!! મારા મિત્રની પત્નીને મારે કાદવમાંથી બહાર કાઢવી હતી પરંતુ મને હવે અફસોસ થાય છે !!" અભિમન્યુ એક સાથે બોલી ગયો.
સંધ્યા કંઈ પણ બોલી નહીં. એ બસ પોતાની બે હથેળીમાં મ્હોં છૂપાવીને રડી રહી હતી.
પાંચ મિનિટ સુધી કોઈ કંઈ જ બોલ્યું નહીં.
" બસ મારે તને અહીં છેલ્લી વાર મળવાની ઈચ્છા હતી. એટલા માટે જ આવ્યો હતો. આપણા સંબંધો પૂરા થઈ ગયા. બેંકમાં મૂકેલા ૫૦ લાખ કાલે ઉપાડી લઈશ. તું કોઈને પણ મોકલીને મંગાવી લેજે. એનું તારે જે કરવું હોય તે કરજે. હું તને બીજી વાર હવે જોવા પણ નથી માગતો." અભિમન્યુ બોલ્યો.
" સર એવું ના બોલો. મને માફ કરી દો. હું કૉલગર્લ નથી બની અને આ ધંધામાં પૈસા કમાવામાં મને કોઈ જ રસ નથી. થોડા દિવસ પહેલાં જ કાનાણી શેઠે ખૂબ જ વિનંતી કરીને મને એમની ઓફિસે બોલાવી હતી. એમણે મને કહ્યું કે એ પોતે ખૂબ જ ટેન્શનમાં આવી ગયા છે. એ ટેન્શન દૂર કરવા માટે એમને મારી મદદની જરૂર હતી. એમણે મને સુધીર મ્હાત્રે સાથે છેલ્લી વાર ગોવા જવા માટે બે હાથ જોડીને ખૂબ જ વિનંતી કરી હતી. " સંધ્યા બોલી રહી હતી. અભિમન્યુનો ગુસ્સો જોઈને એણે ૨૦ લાખની વાત ટાળી દીધી.
" છેવટે મને દયા આવી અને એમની વિનંતીને સ્વીકારીને હું મ્હાત્રે સાથે ગોવા જવા તૈયાર થઈ. તમને મળ્યા પછી પહેલીવાર જ આ માર્ગે મારે જવું પડ્યું હતું. અને તમારી સાથે હોટલમાં આવવાનું મ્હાત્રેએ મને ખૂબ જ દબાણ કર્યું હતું. એમણે તમારું નામ આપ્યું ન હતું. છેવટે એનું માન રાખવા માટે હું મારી જિંદગીમાં છેલ્લી વાર અહીં હોટલમાં આવવા તૈયાર થઈ. હું મારા સ્વર્ગસ્થ પતિના સોગંદ ખાઈને કહું છું સર કે હું ખોટું નથી બોલતી અને ફરી આ રીતે ક્યાંય જવાની પણ નથી. મને આ વખતે માફ કરી દો સર. મારાથી ભૂલ ચોક્કસ થઈ ગઈ છે પરંતુ મ્હાત્રેનું ખૂબ જ દબાણ હતું સર. " સંધ્યા બે હાથ જોડીને બોલી.
" ઠીક છે તને આ વખતે માફ કરી દઉં છું પરંતુ તારા ઉપરથી મારો વિશ્વાસ ઉઠી ગયો છે. તારી પોતાની જિંદગી છે. તું તારી રીતે જીવી શકે છે. મારે હવે તારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ૨૪ કલાક માટે રૂમ રાખેલો છે. તારે આરામ કરવો હોય તો રોકાઈ શકે છે. હું હવે જાઉં છું. " અભિમન્યુ બોલ્યો.
"તમારા પહેલાં હું જ નીકળી જાઉં છું. હવે તમને મારા વિશે ક્યારે પણ કોઈ ફરિયાદ નહીં આવે. મારું સંપૂર્ણ ધ્યાન નર્સિંગમાં જ છે અને એમાં જ રહેશે. તમે દર મહિને જે વ્યવસ્થા કરી આપી છે એનાથી હું ખૂબ જ સુખી છું. મને પ્લીઝ માફ કરી દેજો." સંધ્યા બોલી અને ઊભી થઈ. એણે અભિમન્યુના ચરણસ્પર્શ કર્યા અને ભીની આંખે રૂમની બહાર નીકળી ગઈ.
સમાજમાં સ્ત્રીઓની કેટલી બધી મજબૂરી હોય છે ! એમાં પણ સુંદર સ્ત્રીઓ માટે પ્રલોભનો પણ એટલાં જ હોય છે. અને વિધવા થઈ ગયેલી યુવાન સ્ત્રી માટે મન ઉપર સંપૂર્ણ કાબુ મેળવવો ઘણો અઘરો હોય છે. જાતીય સુખનો અનુભવ થઈ ચૂક્યો હોય એટલે ક્યારેક શરીરની ભૂખ પણ બળવો કરતી હોય છે. સંધ્યા એટલી ખરાબ નથી ! - અભિમન્યુ વિચારી રહ્યો અને થોડીવાર પછી એ પણ નીચે રૂમની ચાવી આપીને હોટલની બહાર નીકળી ગયો.
હોટલ છોડીને અભિમન્યુ પોતાની ઓફિસે આવી ગયો. આજે ઘરેથી જમીને જ આવ્યો હતો એટલે હવે જમવાનો તો કોઈ પ્રશ્ન જ ન હતો. એ હવે ભાવિ પ્લાનિંગ વિશે વિચાર કરવા લાગ્યો.
પોતાના પિતાનો બદલો લેવા માટે અને વલ્લકી ઉપર કરેલા બળાત્કાર ની સજા કરવા માટે કાનાણી શેઠ પાસેથી એણે ટોટલ ૮૦ કરોડ પડાવી લીધા હતા. એમાંથી એણે ૫૧ કરોડ સુધીર મ્હાત્રેને વ્યાજ સાથે પાછા આપી દીધા હતા. એક કરોડ ગોવિંદ બોરકરને વાપરવા આપ્યા હતા જ્યારે એક કરોડ મહેશ અને મુનીર વચ્ચે વહેંચ્યા હતા. હજુ પણ એની પાસે ૨૭ કરોડ બચ્યા હતા !
અભિમન્યુએ આટલો મોટો ફ્રોડ થયા પછી પોલીસ કેસ થશે એવી કલ્પના કરી હતી અને મહેશ તથા સાવંતને સાવધાન પણ કર્યા હતા પરંતુ એનો એ ભય ખોટો પડ્યો હતો. કાનાણી શેઠ ફરિયાદ કરવાની હાલતમાં જ ન હતા. અને આ ડીલ વિશે એમના સિવાય કોઈ જાણતું પણ ન હતું એટલે એમના વતી ફરિયાદ પણ કોણ કરે ! કાનાણી લગભગ રોડ ઉપર આવી ગયા હતા પરંતુ એ વિશે શશીકાંત ઝવેરી સિવાય બીજું કોઈ જ જાણતું ન હતું. તરલાબેન પણ નહીં.
કાનાણી શેઠની સાથે સાથે એમની પત્ની તરલાબેનને પણ સજા થઈ હતી. પતિની આ હાલત એમનાથી જોવાતી ન હતી. ૨૪ કલાકની નર્સ તો રાખેલી જ હતી છતાં એમણે પણ ધ્યાન રાખવું જ પડતું હતું. અમુક સેવાઓ એવી હતી જે પત્ની જ કરી શકે.
આ બાજુ કાનાણી શેઠ પોતે ભલે બોલી શકતા ન હતા અને જમણું અંગ કામ કરતું ન હતું પરંતુ એ સંપૂર્ણપણે સભાન હતા એટલે માનસિક રીતે એ ભાગી પડ્યા હતા. મ્હાત્રે તે દિવસે ધમકી આપી ગયો હતો. થોડા દિવસ પછી આ બંગલો ખાલી કરવો પડશે એ વિચાર એમને સતત મૂંઝવી રહ્યો હતો.
ત્રીસ દિવસ પૂરા થાય એના બે દિવસ પહેલાં અભિમન્યુ કાનાણીની ખબર પૂછવા એમના બંગલે પહોંચી ગયો. ઘરમાં કાનાણીની અને તરલાબેનની હાલત એણે જોઈ. પથારીમાં સૂતાં સૂતાં જ પેશાબ વગેરે ક્રિયાઓ કરવાના કારણે એમની આસપાસ એક પ્રકારની વાસ આવી રહી હતી. અવારનવાર એમના રૂમમાં રૂમ સ્પ્રે છાંટવો પડતો હતો. આવી હાલતના કારણે બે દિવસથી દિવસની નર્સ છૂટ્ટી થઈ ગઈ હતી. માત્ર એક જ નર્સ નાઈટ ડ્યુટી કરીને રાત્રે સેવાઓ આપતી હતી.
અભિમન્યુએ આ બધું જ અવલોકન કર્યું અને તરલાબેન સાથે વાત પણ કરી લીધી. એ પછી એ કાનાણીના સિંગલ બેડ પાસે ખુરશી ખેંચીને બેઠો. કાનાણી પૂરેપૂરું સાંભળી શકતા હતા.
" અંકલ તમારી શારીરિક હાલત હું જોઈ શકું છું અને તમારી માનસિક પરિસ્થિતિ કેવી છે એ હું સમજી શકું છું. તમારે આ બંગલા વિશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મને બધી જ ખબર પડી ગઈ છે એટલે સુધીર મ્હાત્રેને પાંચ કરોડ ચૂકવીને તમારો બંગલો લખાણમાંથી મુક્ત કરી દીધો છે. હવે તમને આ બંગલો કોઈ જ ખાલી કરાવી નહીં શકે. " અભિમન્યુ કાનાણીની નજીક જઈને એમના કાન પાસે જઈને બોલ્યો.
કાનાણી માટે આ સમાચાર ખૂબ જ આશ્ચર્યજનક હતા ! અભિમન્યુ આટલી મોટી મદદ કરશે એવી એમને કલ્પના પણ ન હતી. એમની આંખો આભારના આંસુથી ઉભરાઈ ગઈ. એ અભિમન્યુનો આભાર વ્યક્ત કરવા બે હાથ જોડવાની કોશિશ કરવા ગયા પરંતુ માત્ર ડાબો હાથ જ ઊંચો થઈ શક્યો. અભિમન્યુ સમજી ગયો. એણે ડાબો હાથ પોતાની બે હથેળીમાં પકડી લીધો. એ નજીક ગયો.
" અંકલ હાથ જોડવાની કોઈ જરૂર નથી. મારી ફરજ મેં પૂરી કરી. તમારા ભૂતકાળની મને કોઈ જ ખબર નથી પરંતુ કોઈક કર્મ તો એવું થયું જ હશે કે તમારે કાયમ માટે આવી લાચાર હાલતમાં મૂકાવું પડ્યું ! કોઈ ભૂલ થઈ હોય તો સાચા હૃદયથી ઈશ્વર પાસે માફી માગો." અભિમન્યુ બોલ્યો.
ફરી પાછી કાનાણીની આંખો આંસુથી છલકાઈ ગઈ. પરંતુ આ વખતના આંસુનો પ્રવાહ છેક ગાલ સુધી વહી રહ્યો હતો. અભિમન્યુ એમાં પસ્તાવો જોઈ રહ્યો હતો. એ રડી રહ્યા હતા !
અભિમન્યુએ મનોમન એક નિર્ણય કર્યો અને ઊભો થઈને બહાર નીકળી ગયો.
અશ્વિન રાવલ (અમદાવાદ)
"વલ્લકી" નવલકથા - અનુક્રમણિકા પર જવા માટે :☞અહીં ક્લિક કરો
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
Tags:
વલ્લકી નવલકથા
