વલ્લકી નવલકથા (Vallaki Novel Part-36)

Related

વલ્લકી પ્રકરણ 36

અભિમન્યુ કાનાણી શેઠની ખબર કાઢવા માટે મઢ આઇલેન્ડના એમના બંગલે ગયો હતો. એને કાનાણીની સ્થિતિ જોઈ દયા આવી. કાનાણીની નજીક જવાથી એમનાં કપડાંમાંથી પેશાબની વાસ આવતી હતી. આમ જોવા જઈએ તો કાનાણી બેડ ઉપર સૂતાં સૂતાં નર્કનો અનુભવ કરી રહ્યા હતા.

વલ્લકી નવલકથા
વલ્લકી નવલકથા
 
૨૪ કલાક સૂતા રહેવાનું. પોતાની જાતે પડખું પણ ફરી શકતા ન હતા. અને પડખું પણ માત્ર એક જ બાજુ ફરી શકાતું હતું. ના જમણો પગ હલાવી શકાય કે ના જમણો હાથ ! જીભ એટલી થોથવાતી હતી કે એ બોલે એ કોઈ સમજી શકતું જ ન હતું. હોઠ પણ પૂરા ખુલતા ન હતા. મ્હોં સહેજ વાંકું થઈ ગયું હતું !

અભિમન્યુ એ રાત્રે સતત કાનાણીના વિચારોમાં જ સૂઈ ગયો. ચાર વાગે વહેલો ઊઠીને એ ઊંડા ધ્યાનમાં બેસી ગયો. દાદાજીને હાજર થવા માટે સતત પ્રાર્થના કરી. છેવટે વીસેક મિનિટની સતત પ્રાર્થના પછી એને ધ્યાનમાં દાદાજીનાં દર્શન થયાં.

" બોલ બેટા... કેમ મને આજે યાદ કર્યો ? " દાદાજી બોલ્યા. સૂક્ષ્મ જગતમાં પણ દાદાજી ભગવાં વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસી જ દેખાતા હતા.

" દાદાજી કાનાણી અંકલને એમનાં કર્મોની સજા મળી ગઈ છે. હું ગઈ કાલે એમની ખબર કાઢવા ગયો હતો પરંતુ એમની હાલત જોઈને મને દયા આવી ગઈ છે. આવી જિંદગી પસાર કરવાનો કોઈ જ અર્થ નથી. નર્કની જિંદગી એ જીવી રહ્યા છે." અભિમન્યુ બોલ્યો.

" તારી તો ઈચ્છા પૂરી થઈ ગઈ ને ! તું એ જ તો ઇચ્છતો હતો. તારી ઈચ્છા પ્રમાણે કાનાણી બરબાદ થઈ ગયા. રુદ્રાક્ષ પાસે તેં જે જે માગ્યું એ પ્રમાણે મળતું ગયું. હવે બરબાદીનો આઘાત સહન ન થવાથી એમની આ હાલત થઈ છે તો એમાં તું શું કામ દુઃખી થાય છે ? તારે તો ખુશ થવું જોઈએ. " દાદાજી હસીને બોલ્યા.

" ના દાદાજી. મેં એમની આર્થિક બરબાદીની ઈચ્છા કરી હતી. એમની આવી હાલત નહોતી માગી. આ થોડું વધારે પડતું થઈ ગયું. એમની આવી હાલતનો મને કોઈ જ આનંદ થતો નથી. હું જે જોવા માગતો હતો એ પ્રમાણે કંઈ થયું નહીં. " અભિમન્યુ બોલ્યો.

" તું જે રીતે આગળ વધ્યો અને તેં જે કર્યું એનું પરિણામ ગમે તે આવી શકે ને ! તારે તો ખુશ થવું જોઈએ. એનાં કર્મોનું ફળ એને મળી ગયું. પૈસે ટકે ખુવાર થઈ ગયો. હવે હાલત એવી છે કે એ રડી પણ શકતો નથી. કોઈને કંઈ કહી શકતો પણ નથી. હાથે જમી શકતો પણ નથી. તારે એને સજા કરવી હતી અને એને સજા મળી ગઈ છે." દાદાજી બોલ્યા.

" ના ના દાદા. મારે એમને બોલતા કરવા છે. પથારીમાં બેઠા થઈને જાતે જમી શકે એવું કરવું છે. લાકડીના ટેકે થોડુંક ચાલીને બાથરૂમ સુધી જઈ શકે એવું પણ કરવું છે. દાદાજી મને મદદ કરો. હવે તો મને એવું લાગે છે કે મારાથી મોટું પાપ થઈ ગયું છે. હું પોતે જ પાપ કર્મના બંધનમાં બંધાઈ ગયો છું." અભિમન્યુ બોલ્યો.

" એ તો તારે પહેલાં વિચારવા જેવું હતું. દરેકના પાપકર્મની સજા વિધાતા એટલે કે ઈશ્વર પોતે જ કરતો હોય છે. દરેકને પોતાના કર્મોનું ફળ મળતું જ હોય છે. પરંતુ કાનાણીને સજા કરવાનું કામ તેં પોતે જ હાથમાં લીધું. તું જ એનો વિધાતા બની ગયો. હવે દુઃખી શા માટે થાય છે ? તને મેં કલ્પવૃક્ષ જેવો રુદ્રાક્ષ આપેલો છે. તું જે માંગે તે મળે છે. તું જે ઈચ્છે તે થાય છે. તારી ઈચ્છા પ્રમાણે જ થતું ગયું. હવે એમાં હું શું કરી શકું ? " દાદાજી બોલ્યા.

" મને હવે રસ્તો બતાવો દાદાજી. હું કાનાણીને આવી હાલતમાં જોઈ શકતો નથી. મારે એમને થોડા નોર્મલ કરવા છે. આટલી લાચાર અવસ્થામાં એમની જિંદગી પૂરી થાય એવું હું જરા પણ ઇચ્છતો નથી. એમના કારણે તરલાબેન પણ દુઃખી છે. બંને આત્માઓ પીડાઈ રહ્યા છે. અને એમાં હું નિમિત્ત બન્યો છું." અભિમન્યુ બોલ્યો.

" બધું તારા હાથમાં જ છે. તને રુદ્રાક્ષ આપેલો જ છે. એનો જ ઉપયોગ તું કરી શકે છે. એ જ નવું જીવન આપી શકે છે. રુદ્રાક્ષ તો માત્ર તથાસ્તુ કહે છે. કોઈનું સારું કરવું કે ખરાબ કરવું એ નિર્ણય તારે લેવાનો હોય છે. " દાદાજી બોલ્યા.

" દાદાજી મને થોડુંક સમજાવો. મારે એમને થોડા નોર્મલ કરવા માટે કઈ રીતે રુદ્રાક્ષનો ઉપયોગ કરવો ? " અભિમન્યુ બોલ્યો.

" વાડકીમાં થોડું પાણી લઈને એમાં રુદ્રાક્ષ મૂકી દેજે. વાડકી હાથમાં લઈ રુદ્રાક્ષ સામે જોઈને કાનાણી માટે જે પણ ઈચ્છા રાખતો હોય તે ત્રણ વાર બોલી જજે. એ પછી તારા કાનમાં અવાજ આવશે. અવાજ આવે એટલે રુદ્રાક્ષ કાઢીને એના સ્થાને મૂકી દેજે. અને એ અમૃતજલ પ્રસાદ તરીકે કાનાણીને પાઈ દેજે. રુદ્રાક્ષમાં શિવની અમોધ સંજીવની શક્તિ છે." દાદાજી બોલ્યા અને અદ્રશ્ય થઈ ગયા.

અભિમન્યુના માથા ઉપરથી જાણે મોટો ભાર ઉતરી ગયો હોય એવો અનુભવ થયો. એ ધીમે ધીમે ધ્યાનમાંથી બહાર આવ્યો. એ પછી નાહી ધોઈને ગાયત્રી મંત્રની પાંચ માળા કરી. પોણા છ વાગી ગયા હતા. દાદાજીએ કહ્યા પ્રમાણે એક વાડકીમાં પાણી લીધું અને એમાં રુદ્રાક્ષને મૂકી દીધો. વાડકી હાથમાં લીધી અને રુદ્રાક્ષ સામે જોઈને બોલવાનું શરૂ કર્યું.

" હે રુદ્રાક્ષ તમારી પાસે સંજીવની શક્તિ છે. મારા એક વડીલ પ્રતાપ અંકલ લકવાગ્રસ્ત થઈ ગયા છે. એમનું જમણું અંગ નકામું થઈ ગયું છે. એ બોલી શકતા પણ નથી. મારે એમને થોડા સ્વસ્થ કરવા છે. એમનો જમણો હાથ એકદમ સારો થઈ જાય. જમણા પગમાં પણ સુધારો થાય જેથી ધીમે ધીમે ચાલી શકે. એ બોલતા ચાલતા થઈ જાય. જાતે પથારીમાં બેઠા થઈ જાતે જમી શકે એવી મારી ઈચ્છા છે. આ જલમાં એવા આશીર્વાદ આપો કે આ જલ પીવાથી એમની આ પંગુતા અને લાચારી દૂર થાય." અભિમન્યુ ત્રણ વાર આ જ રીતે બોલી ગયો.

" તથાસ્તુ. અમૃતજલ પીધા પછી ૨૪ કલાકમાં તારી ઈચ્છા પ્રમાણે થશે. " અભિમન્યુના કાનમાં અવાજ આવ્યો.

અભિમન્યુએ રુદ્રાક્ષને પાણીમાંથી બહાર કાઢ્યો. પોતાની બંને આંખે એનો સ્પર્શ કર્યો અને પછી ડ્રોવરમાં મૂકી દીધો.

કબાટમાંથી એક નાની બોટલ એણે હાથમાં લીધી અને સિદ્ધ કરેલું પવિત્ર અમૃતજલ એમાં ભરી દીધું.

સવારે અગિયાર વાગે એ ઓફિસે પહોંચી ગયો. ત્યાં દસ પંદર મિનિટ બેસીને એ મલાડ મઢ આઇલેન્ડ જવા માટે નીકળી ગયો.

કાનાણી શેઠના બંગલે પહોંચ્યો ત્યારે બપોરના સવા બાર વાગી ગયા હતા. અભિમન્યુને આજે પણ ઘરે આવેલો જોઈને તરલાબેનને સારું લાગ્યું.

" માસી આજે તો ચમત્કારિક કૈલાશ માન સરોવરનું જળ લઈ આવ્યો છું. આ અમૃત જલ છે. એ પીવાથી અંકલની તબિયતમાં ઘણો સુધારો થઈ જશે. કાલ બપોર સુધીમાં ઘણો ફરક પડી જશે. કાલે પણ હું અંકલને મળવા માટે આવીશ. મારે પણ જોવું છે કે કેટલો સુધારો થયો છે ! " અભિમન્યુ બોલ્યો.

" તારા મોઢામાં ઘી અને સાકર બેટા. તું અમારી કેટલી બધી ચિંતા કરે છે ! એમને જો ખરેખર સારું થઈ જતું હોય તો તારા જેવા ભગવાન પણ નહીં." તરલાબેન બોલ્યાં. એ બિચારાં વગર કારણે હેરાન થઈ રહ્યાં હતાં.

અભિમન્યુ એમને સાથે લઈને જ અંકલના રૂમમાં ગયો.

" અભિમન્યુ આવ્યો છે. તમારા માટે ખાસ કૈલાશ માનસરોવરનું અમૃતજલ પ્રસાદ તરીકે લઈ આવ્યો છે. એ પીધા પછી તમારી તબિયત એકદમ સુધરી જશે એવું એ કહે છે. તમારું કેટલું બધું ધ્યાન રાખે છે આ દીકરો ? " તરલાબેન બોલ્યાં.

અભિમન્યુ પ્રતાપ અંકલના બેડની નજીક ગયો અને દાદાજીનું સ્મરણ કરીને ધીમે ધીમે બોટલનું અમૃતજલ અંકલના મોઢામાં રેડતો ગયો. જલ પાઈ દીધા પછી એણે પ્રતાપ અંકલના માથા ઉપર દાદાજીનું નામ લઈને હાથ ફેરવ્યો અને મનોમન પ્રાર્થના કરી.

અમૃતજલ પેટમાં જતાં જ કાનાણી શેઠને દિવ્ય શાંતિનો અનુભવ થયો. અત્યાર સુધી અવારનવાર એમને જયદેવ પાઠકનો લોહીથી ખરડાયેલો મૃતદેહ દેખાતો હતો તો ક્યારેક બળાત્કાર પછી નિર્વસ્ત્ર અને લાચાર હાલતમાં સૂતેલી વલ્લકી સતત દેખાતી હતી. આ તમામ દ્રશ્યો એમને ખૂબ જ પીડા આપતાં હતાં. હવે એ પીડા અદ્રશ્ય થઈ જવાની હતી.

કાનાણી શેઠને પોતાના જમણા અંગમાં વીજળીએ પ્રવેશ કર્યો હોય એવો ગરમ ગરમ અનુભવ થઈ રહ્યો હતો. એમને પોતાને આ બધું નવાઈ ભરેલું લાગતું હતું.

" ચાલો અંકલ, માસી હું રજા લઉં છું. કાલે આ જ ટાઈમે હું આવીશ. કાલે અંકલ બેડ ઉપર બેસીને પોતાના જમણા હાથે જમતા હશે." અભિમન્યુ બોલ્યો અને સડસડાટ બહાર નીકળી ગયો.

તે દિવસે સાંજે જ અભિમન્યુ પોતાની ઓફિસમાં બેઠો હતો ત્યારે તરલાબેનનો ફોન આવ્યો.

" અભિ બેટા... આ પાણી તું ક્યાંથી લઈ આવ્યો ? મને તો વિશ્વાસ જ નથી આવતો કે પાણી પીવાથી આવો ચમત્કાર થઈ શકે ! તારા અંકલનો હાથ પણ હવે ધીમે ધીમે ઊંચો થાય છે. પગ પણ થોડા હલાવી શકે છે. વાંકુ થયેલું મોઢું થોડું સરખું થઈ ગયેલું છે. બોલવાની પણ થોડી થોડી કોશિશ કરે છે અને સમજાય પણ છે. અમે રાખેલી નર્સ પણ આશ્ચર્ય પામી ગઈ છે. " તરલાબેન બોલ્યાં.

" બસ માસી તમારા ખરાબ દિવસો પૂરા થયા એટલે હું નિમિત્ત બની ગયો. કૈલાશ માનસરોવરનું આ પવિત્ર અમૃતજળ છે. એક સંન્યાસી બાબાએ મને આપેલું હતું. આજે મને એનો ટેસ્ટ કરવાની ઈચ્છા થઈ. અને તમે કહો છો એમ પરિણામ પણ મળી રહ્યું છે. હું આવતી કાલે તમારા ઘરે આવવાનો જ છું. ભગવાન કરશે તો કાલે એ પોતાના હાથે જમતા હશે." અભિમન્યુ બોલ્યો.

" સવારે તું બોલીને ગયો ત્યારે મને એટલો બધો વિશ્વાસ નહોતો આવ્યો પરંતુ હવે લાગે છે કે તારી વાત સાચી પડશે. તારો કયા શબ્દોમાં આભાર માનું એ જ સમજાતું નથી." તરલાબેન બોલ્યાં.

" આભાર માનવાની કોઈ જરૂર જ નથી માસી. કાલે મળીએ." અભિમન્યુ બોલ્યો અને ફોન કટ કર્યો.

અભિમન્યુને તો પૂરેપૂરી ખાત્રી જ હતી કે આવતી કાલે બાર વાગ્યા સુધીમાં પ્રતાપ અંકલ ઘણા બધા નોર્મલ થઈ ગયા હશે.

બીજા દિવસે અભિમન્યુ બપોરે બાર વાગે પ્રતાપ કાનાણીના બંગલે પહોંચી ગયો. એના આશ્ચર્ય વચ્ચે કાનાણી શેઠ બેડ ઉપર પગ લાંબા કરીને બે તકિયાને અઢેલીને બેઠા હતા.

" અરે આવ આવ અભિમન્યુ. હું તો તારી જ રાહ જોઈ રહ્યો છું. તેં તો મારા જીવનમાં ચમત્કાર કર્યો છે બેટા. મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. આજે તો હું નાહી ધોઈને બેઠો છું. તરલાનો હાથ પકડીને ધીમે ધીમે બાથરૂમ સુધી હું ચાલતો ગયો. બાથરૂમમાં ખુરશી મૂકીને તરલાએ મને સાબુ ચોળીને નવડાવ્યો. મને આજે ખૂબ જ સારું લાગે છે. મારો બંગલો પણ તેં છોડાવી દીધો. નર્કની અવસ્થામાંથી તેં મને બહાર કાઢ્યો. તારો કયા શબ્દોમાં આભાર માનું એ જ સમજાતું નથી." કાનાણી અભિમન્યુનો હાથ પકડીને બોલ્યા.

" તું તો એમના માટે ભગવાન બનીને આવ્યો છે બેટા. જે કામ ડોક્ટરો ના કરી શક્યા એ કામ તારા પ્રસાદના પાણીથી થઈ ગયું. મને તો હજુ પણ માન્યામાં નથી આવતું. " તરલાબેન બોલ્યાં.

" માસી જે પોતાના હોય એ જ હંમેશા કામ આવતા હોય છે. મેં તો મારી ફરજ બજાવી. અંકલને મેં પરમ દિવસે જોયા અને મને એમની દયા આવી ગઈ. આજીવન આવી લાચાર અવસ્થામાં જીવન ના જીવી શકાય. મારા ઘરે અમૃતજળ પડેલું હતું. હું એમના માટે લઈ આવ્યો. અંકલ કમ સે કમ પોતાના હાથે જમી શકે, થોડા ચાલી શકે અને થોડી વાતચીત કરી શકે તો પણ ઘણું છે. " અભિમન્યુ બોલ્યો.

" એમની સાથે વાતો કર બેટા. ઘણા દિવસો પછી બોલતા થયા છે. મનમાં ખૂબ જ મૂંઝાતા હતા. ઘણી વાર તો રડી પડતા હતા. તું બેસ હું તારા માટે ચા બનાવી લાવું." તરલાબેન બોલ્યાં અને કિચન તરફ ગયાં.

"અંકલ એક વાત પૂછું ?" અભિમન્યુ બોલ્યો.

" પૂછ ને બેટા. તારાથી ક્યાં કંઈ છાનું છે ? " કાનાણી બોલ્યા.

" માસી કહેતાં હતાં કે કોઈ ટપાલ આવી હતી અને એ વાંચીને તમને એટેક આવી ગયો. આ વાત સાચી છે ? " અભિમન્યુ બોલ્યો.

" હા એ વાત એકદમ સાચી છે. મારી સાથે બહુ મોટો ફ્રોડ થઈ ગયો છે. એક સરદારજી પાસેથી ૭૫ કરોડમાં મેં ડાયમંડ ખરીદ્યા. આ તમામ ડાયમંડ નકલી નીકળ્યા. બીકેસીમાં શશીકાંત ઝવેરીને બતાવવા ગયો તો એમણે હીરા ચેક કરીને મને સાચી વાત ના કરી. મને કહ્યું કે ખરીદનાર પાર્ટી સાથે વાત કરીને ત્રણ ચાર દિવસમાં હું તમને ફોનમાં કહીશ કે આના કેટલા પૈસા આવશે." કાનાણી બોલી રહ્યા હતા. વાણી પહેલાં જેવી એકદમ નોર્મલ થઈ ગઈ હતી.

"બે દિવસ પછી એમણે સ્પીડ પોસ્ટથી મને ટપાલ લખી કે - તમે ભયંકર રીતે છેતરાઈ ગયા છો અને તમારી સાથે મોટો ફ્રોડ થયો છે. તમારા તમામ હીરા નકલી છે. ૭૫ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ તમે આંખો બંધ કરીને સરદારજીને આપી દીધી. તમે એનું એડ્રેસ પણ ના લીધું. - હવે ૫૦ કરોડ તો સુધીર મ્હાત્રેના એક મહિનાની મુદત માટે મેઁ વ્યાજે લીધેલા છે. મારા સૂર્યા ટાવરના ૨૦ ફ્લેટ પણ એને વેચાણ લખી આપ્યા છે. પત્ર વાંચીને એટલો આઘાત લાગ્યો કે મને એટેક આવી ગયો." કાનાણી બોલ્યા.

" આટલા બધા વિશ્વાસુ ના થવાય અંકલ. આટલી મોટી રકમનો સોદો હોય તો તમારે ડાયમંડ ચેક કરવા માટે ઝવેરીને સાથે રાખવો જોઈએ ને ? અને સરદારજી વિશે પણ પૂરી તપાસ કરવી જોઈએ. ૭૫ કરોડ કોઈ નાની રકમ નથી. તમારે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. " અભિમન્યુ બોલ્યો.

" પોલીસ ફરિયાદ કરીને શું કરું ? આટલી મોટી રકમની ફરિયાદ થાય એટલે છાપામાં સમાચાર આવે. મારા દુશ્મનો પણ ઘણા છે. બધા રાજી થાય અને મારી મશ્કરી પણ કરે. અને હવે તો એ વાતને ૨૫ દિવસ થઈ ગયા. સરદારજીનો મારી પાસે સાચો નંબર પણ નથી અને એનું એડ્રેસ પણ નથી. ફરિયાદ કરીને હું જ મૂરખ બની જાઉં." કાનાણી શેઠ બોલ્યા.

" એ વાત પણ તમારી સાચી છે અંકલ. મારે તમને બે સારા સમાચાર આપવાના છે. વલ્લકી સાથે લગ્ન કરવાનો નિર્ણય મેં લઈ લીધો છે. વૈશાખમાં લગ્ન કરવાની ઈચ્છા છે." અભિમન્યુ બોલ્યો.

" છેવટે તેં મારી વાત માની કરી. બહુ સાચો નિર્ણય લીધો. વલ્લકી ખરેખર બહુ સારી છોકરી છે. બસ તમે બંને સુખી થાઓ એ જ મારા આશીર્વાદ છે . " કાનાણી બોલ્યા.

" અને બીજા સારા સમાચાર એ છે કે તમારા ૫૦ કરોડ સુધીર મ્હાત્રેને વ્યાજ સાથે મેં ચૂકવી દીધા છે. " અભિમન્યુને ધડાકો કર્યો.

" હેં ... !! તારી પાસે આટલા બધા રૂપિયા આવ્યા કેવી રીતે ?" કાનાણી આશ્ચર્યથી બોલ્યા. એમના માન્યામાં ન આવે એવા સમાચાર હતા.

"અંકલ પ્રોપર્ટીના ભાવ વધતા જાય છે. તમારું સૂર્યા ટાવર બોરીવલીના પ્રાઈમ લોકેશનમાં છે. તમે દોઢ કરોડ કિંમત નક્કી કરી દીધી પરંતુ એક વર્ષ પછી દરેક ફ્લેટની કિંમત અઢી કરોડ થઈ જશે. ૨૦ ફ્લેટ વેચીને ૫૦ કરોડ કમાઈ શકાશે. " અભિમન્યુ બોલી રહ્યો હતો.

" તમારી મહેનતથી ઉભી કરેલી આટલી મોટી સ્કીમનો લાભ બીજો કોઈ ખાટી જાય એ મારાથી થોડું સહન થાય ? મારી પાસે પપ્પાએ આપેલા સાચા હીરા પડ્યા હતા. એમાંથી ૬ હીરા વેચી નાખ્યા. આમ પણ મારો ધંધો ડાયમંડનો નથી એટલે ઘરમાં મૂકી રાખીને શું ફાયદો ? " અભિમન્યુ બોલ્યો.

"વાહ દીકરા વાહ. જયદેવ પાઠકનું લોહી તારામાં છે. એમના જેવી જ ધંધાકીય સૂઝ તારામાં છે. આજે તારી મારા પ્રત્યેની લાગણી જોઈને ખુશ થઈ ગયો. હું તો હવે સાવ લાચાર થઈ ગયો છું અને ઉભો થઈને ઓફિસ પણ જઈ શકવાનો નથી. મારી મિલકત તેં જ ખરીદી છે તો એ તમામ ૨૦ ફ્લેટ હવે તારા. તું જ માર્કેટિંગ કરીને એને વેચી દે. મારી ઓફિસ પણ સંભાળી લે અને બિલ્ડરનો દીકરો છે તો હવે બિલ્ડર બની જા." કાનાણી ખુશ થઈને બોલ્યા.

" બસ તમારા આશીર્વાદ જોઈએ. તમારા આશીર્વાદથી તમારું બધું જ મારી પાસે આવી ગયું. મારા પિતાના આત્માને શાંતિ થશે. અંકલ એક વાત પૂછું ? " અભિમન્યુ બોલ્યો પણ કાનાણી એનો ગર્ભિત અર્થ સમજી શક્યા નહીં.

" હા હા પૂછ ને બેટા ! " કાનાણી આજે ખૂબ જ ખુશ હતા.

" તમારી આટલી બધી ખરાબ હાલત થઈ ગઈ એના માટે કોઈક તો કર્મ એવું થઈ ગયું હશે અંકલ ! કંઈ યાદ આવે છે ? " અભિમન્યુ બોલ્યો.

કાનાણીને તો બધું યાદ હતું. પણ અભિમન્યુ આગળ શું બોલે ? એ ચૂપ જ રહ્યા.

" અંકલ મારા નિર્દોષ પિતાનું ખૂન તમે શા માટે કર્યું ? તમારી દીકરી જેવી વલ્લકી ઉપર રેપ શા માટે કર્યો ?" અભિમન્યુ કાનાણીની નજીક જઈને ધીમેથી બોલ્યો અને ધારદાર નજરે કાનાણી સામે જોઈ રહ્યો.

કાનાણી ઉપર જાણે વીજળી પડી હોય એમ એમનો ચહેરો કાળો ધબ્બ થઈ ગયો. સવાલ સાંભળીને થોડી વાર માટે મગજમાં સન્નાટો છવાઈ ગયો !! કાપો તો લોહી પણ ના નીકળે એવી એમની હાલત હતી !!!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
■ "નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!" ■