પ્રતિબિંબ (Pratibimb)

Related

પ્રતિબિંબ - - અંકિતા સોની (ધોળકા)
“જુઓ, કોણ આવી રહ્યું છે! કોલેજની બ્યુટી ક્વીન.. ખ્યાતિ મહેતા..." કોલેજ કેન્ટિનમાં ચાનો ઓર્ડર આપીને પુસ્તક વાંચવામાં મશગૂલ દીપકના કાને કોલેજીયન યુવતીનો સ્વર અથડાયો. અવાજની દિશામાં એણે માથું ઘુમાવ્યું ને યુવતીઓના ટોળામાંની પાતળા બાંધાની એક યુવતીનો સુંદર ચહેરો એની આંખમાં ઉતર્યો. એનું હૃદય ધબકારો ચૂકી ગયું. જ્યાં સુધી ખ્યાતિ એની સહેલીઓ સાથે કેન્ટિનમાં ઠઠ્ઠા મશ્કરી કરતી રહી ત્યાં સુધી દીપકે વાંચવાનો ડોળ કરીને ખ્યાતિને નીરખ્યા કર્યું.


પ્રતિબિંબ નવલિકા by આવકાર
પ્રતિબિંબ

ગામડેથી શહેરમાં વધુ અભ્યાસાર્થે આવેલા સીધાસાદા દીપક માટે આ તદ્દન નવો અનુભવ હતો. રોજ નિયમિત ક્લાસમાં બેસતો દીપક હવે વધુ સમય કેન્ટિનમાં દેખાવા લાગ્યો. કોલેજમાં આવવાના સમયથી માંડીને ખ્યાતિની દરેક પ્રવૃત્તિ પર દીપક નજર રાખવા માંડ્યો. અભ્યાસમાં તેજસ્વી દીપકનું ધ્યાન વર્ગમાં બેઠેલી ખ્યાતિ તરફ વધુ રહેતું. એક વાર ચાલુ ક્લાસે ખ્યાતિ પોતાની આગલી બેન્ચ પર બેસી ગઈ ને દીપક બેચેન થઈ ગયો. એનું બેધ્યાનપણું પ્રોફેસરની નજરથી છુપ્યું નહીં અને પરિણામે આખા ક્લાસ વચ્ચે હાંસીપાત્ર બન્યો. અલબત્ત, એને એ વાતનો જરાય અફસોસ નહોતો. એ તો બસ ખડખડાટ હસતી ખ્યાતિને નીરખતો રહ્યો.

દીપક હવે ખ્યાતિ વિશે જાણવા ખૂબ ઉત્સુક રહેતો. ખ્યાતિ શહેરના અતિશ્રીમંત ઓઈલમિલર દોલતરાયનું એકમાત્ર સંતાન હતી એટલું એ સહાધ્યાયીઓના મારફતે જાણી શક્યો હતો. કોલેજનો દરેક યુવાન સ્વરૂપવાન ખ્યાતિ સાથે મિત્રતા કરવા ઈચ્છતો પણ ખ્યાતિ કોઈને ભાવ દેતી નહીં.

"હાય દીપક.. કમ હિયર.." બસની બારી પાસેની સીટ પર બેઠેલી ખ્યાતિ ભીડમાં ઉભેલા દીપકને બોલાવી રહી હતી. રોજ પોતાની કાર લઈને કોલેજ આવતી ખ્યાતિને આજે બસમાં જોઈને દીપકને ભારે આશ્ચર્ય થયું. ભીડને ચીરીને દીપક ખ્યાતિએ રોકેલી સીટ પર ગોઠવાયો. એ પછી આખો રસ્તો મૌનમાં જ કપાયો. બીજા દિવસે પણ એનું પુનરાવર્તન થયું. ખ્યાતિ રોજ આગળના બસ સ્ટોપથી બસમાં ચડી જતી અને દિપકની જગ્યા રોકતી. ઘણી મથામણ કરી જોઈ પણ દીપક ખ્યાતિના મનનો તાગ કાઢવામાં અસફળ રહ્યો. ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત થવા લાગી. ક્યારેક નોટ્સની આપલે થતી તો ક્યારેક કોઈ મુદ્દે ચર્ચા પણ થતી. ખ્યાતિના વ્યક્તિત્વમાં દીપકને અજબના પોતીકાપણાનો અહેસાસ થતો.

"વાહ..શું વાત છે? છેવટે કોઈક તો મેડમના દિલ સુધી પહોંચવામાં સફળ થયું." કેન્ટિનમાં શૈલી ખ્યાતિને કોણી મારતા બોલી.

"અરે.. એવું કંઈ નથી..હું અને દીપક તો માત્ર.." ખ્યાતિ વાત છુપાવવાનો વ્યર્થ પ્રયત્ન કરવા લાગી.

"પણ મેં ક્યાં દીપકનું નામ લીધું?" ખ્યાતિની વાત કાપતાં શૈલીએ હસતાં હસતાં કહ્યું ને ખ્યાતિનો ચહેરો શરમથી લાલ થયો.

દિવસો વીતતા જતાં હતાં અને દીપક મગનું નામ મરી પાડવા તૈયાર નહતો એથી ખ્યાતિનું મન ઉચાટ અનુભવવા લાગ્યું. ખ્યાતિની ખાસ સહેલી શૈલીએ એને વેલેન્ટાઈન ડે પર સીધું પ્રપોઝ કરી દેવાનો સુઝાવ દીધો. ખ્યાતિને પણ એ સુઝાવ ઠીક લાગ્યો.

"ખ્યાતિ, એક વાત કહું? શું તું મારા ઘરે આવીશ? તને યોગ્ય લાગે તો.." બસમાં લાલ ગુલાબને હાથમાં રમાડી રહેલી ખ્યાતિને દીપક આજે ફૂલ સ્પીડમાં આગળ વધતો લાગ્યો. એણે શરમાતાં હકારમાં માથું હલાવ્યું. બંનેએ કોલેજમાં જરૂરી લેક્ચરો એટેન્ડ કર્યા. શૈલીને સાથે લીધેલી એટલે ખ્યાતિને ઘરેથી આસાનીથી પરવાનગી પણ મળી ગઈ. બસ સ્ટોપ પરથી ત્રણેએ દીપકના ગામ તરફની બસ પકડી.

દીપકના આંગણે પગ મૂકતા એના માબાપ ખ્યાતિને જોઈને અચંબામાં પડ્યાં. દીપકે કોલેજના મિત્રો તરીકે ખ્યાતિ અને શૈલી સાથે એમનો પરિચય કરાવ્યો. પાણી આપીને દિપકની મા ખ્યાતિની પાસે બેસી ગઈ ને એના માથે હાથ ફેરવવા લાગી. દીપકના માતાપિતાનું વર્તન ખ્યાતિની સાથે શૈલીને પણ જરા વિચિત્ર લાગ્યું. ડ્રોઈંગરૂમમાં લટકાવેલી એક તસવીર પર શૈલીની નજર પડી. એ ચોંકીને ઊભી થઈ ગઈ. ખ્યાતિ પણ એ તસવીર જોઈને ચકરાવે ચડી ગઈ. એણે દીપક સામે પ્રશ્નાર્થે જોયું.

"ખ્યાતિ, આ મારી નાની બહેન રોશની છે. કોલેજમાં જ્યારે મેં તને પહેલી વખત જોઈ ત્યારે હું પણ ચક્કર ખાઈ ગયો હતો કારણ કે તારો ચહેરો મારી બહેન રોશનીને અદ્દલ મળતો આવે છે." દીપક વાતનો ફોડ પાડતા બોલ્યો.

"તો રોશની ક્યાં છે? બોલાવ એને..મારે પણ મારી પ્રતિકૃતિને રૂબરૂ જોવી છે." ખ્યાતિ અધીરાઈથી બોલી.

"એ નહીં આવી શકે કેમ કે આઠ મહિના પહેલા એક અકસ્માતમાં એ મૃત્યુ પામી છે. તને જ્યારે જ્યારે જોવું છું ત્યારે મને મારી બહેન મારી સાથે હોવાનો અહેસાસ થાય છે. તને કદાચ મારા અંગે કોઈ ગેરસમજ થઈ હોય તો મને માફ કરજે." દીપક ભારે સ્વરે કહી રહ્યો.
સડક થઈને સાંભળી રહેલી ખ્યાતિને શું કહેવું કંઈ સમજ ન પડી. સૌ વચ્ચે થોડી વાર મૌન છવાયું. ખ્યાતિ અચાનક ઉઠી. સાથે લાવેલું ગુલાબ એણે રોશનીની તસવીર પર મૂક્યું અને નમન કર્યું.
પાછા વળતી વખતે દિપકની માતાએ ખ્યાતિને રોશનીનો રેશમી દુપટ્ટો ઓઢાડીને ઓવારણાં લીધાં ત્યારે સહુની આંખો ભીંજાઈ.
___________
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"નવી નવલકથા "સપનાનાં વાવેતર" આવકાર પર ટુંક સમયમાં આવી રહી છે. આપ બધા વાચક મિત્રોના આશીર્વાદ અને શ્રી હરિ ઈચ્છાથી આવકાર પર વાંચન કદી ખૂટશે નહી!! નિરંતર ચાલ્યા જ કરશે."