શીર્ષક: માની અંતિમ ઈચ્છા
~ લેખક: રતીલાલ વાયડા "મૃગેશ"
જયરાજભાઇ અને નીતાબેન પતિ-પત્ની હતા. જયરાજભાઈ સિવિલ એન્જિનિયર હતા, સરકારી નોકરીને કારણે તેમની જિંદગી સારી હતી.
માની અંતિમ ઇચ્છા
તેમનો દીકરો સુરેશ ડોક્ટર બની ગયો. સમય જતાં સારી નોકરીની આશાએ તે અમેરિકામાં જઈને વસવાટ કરવા લાગ્યો.
આમ, હવે બંને પતિ-પત્ની આનંદથી જિંદગી ગુજારવા લાગ્યા. સમય જતાં વર્ષમાં એકાદ વાર અમેરિકાથી પુત્ર તેના પરિવાર સાથે આવતો.
આ તરફ જયરાજભાઈને પક્ષઘાતનો હુમલો થતાં તેઓ ખાટલાવશ થઈ ગયા અને નીતાબેન તેમની સેવા કરતાં. સમયે-સમયે દવાખાનું અને ઘરમાં સારવાર વિગેરેથી કામ ચાલતું હતું. સુરેશને પણ સમયસર આ બાબતની જાણ કરવામાં આવતી હતી, પરંતુ તે આવી શકતો ન હતો અને ફક્ત પૈસા મોકલાવી દેતો હતો, જેથી આર્થિક સમૃદ્ધિ જળવાઈ રહી હતી.
એક દિવસે અચાનક જયરાજભાઈની તબિયત ખૂબ બગડી અને ત્યારે નીતાબેને તેમના પાડોશીને કહ્યું, "સુરેશને આ બાબતે જાણ કરી દો." પાડોશી મુકેશભાઈએ અમેરિકા તેના પુત્રને ફોન લગાડી પિતાની નાજુક પરિસ્થિતિની વાત કરી અને કહ્યું, "તમે તાત્કાલિક અહીંયા આવી જાઓ." તેઓએ આવો આગ્રહ કર્યો, પરંતુ ડોક્ટર પુત્રે પોતાની વ્યસ્તતા બતાવી અને આવી શકવાની સખત ના પાડી દીધી.
સુરેશે કહ્યું, "જો પિતાજી તો બીમાર જ હતા, ખાટલામાં હતા. હવે અંતિમ શ્વાસ લઈ રહ્યા છે ત્યારે હું આવું કે ન આવું શું ફરક પડવાનો છે? તમે એક કામ કરો કે તેના મૃત્યુ પછી અંતિમ ક્રિયા કરી નાખો અને જે કંઈ ખર્ચ થાય તે હું મોકલીશ. પછી ઉત્તરક્રિયા ખૂબ સારી રીતે કરજો કે જેથી જ્ઞાતિજનો અને સગા-સંબંધીઓમાં આપણી વાહ-વાહ થાય. હવે માતા પણ બીમાર છે, તે પણ થોડાક સમયમાં વિદાય લેશે ત્યારે ખાસ આવશું." નીતાબેન આ સંવાદ ફોન પર સાંભળતા હતા.
સગા દીકરા હોવા છતાં પણ પિતાને પારકી કાંધે જવું પડ્યું, તેથી નીતાબેન પોકે-પોકે આંસુ સારી આક્રંદ કરવા લાગ્યા. જે પિતાએ આટલા દુઃખો વેઠી, શિક્ષણ આપી, વિદેશ મોકલી અને સમૃદ્ધ બનાવ્યો તે અહીંયા આવવા માટે તૈયાર નથી, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. ઉત્તરક્રિયામાં પુત્રની ગેરહાજરી બધાને સાલી અને લોકો પિતા-પુત્રના સંબંધો ભૂલ્યા તેની વાતો કરવા લાગ્યા.
આમ તો સુરેશ ફોનથી માના ભાવ પૂછતો, પરંતુ રૂબરૂ આવવાનું શક્ય ન હતું. આમ, છતે સંતાને સંતાન વિહોણી માતા ભારે દુઃખી હતી. આસપાસના લોકોનું આશ્વાસન તેમને મળતું પણ તેનાથી હૃદયમાં કોઈ સંતોષ થતો ન હતો. ફક્ત એક જ અફસોસ કરતા હતા કે જેના માટે જિંદગી ખતમ કરી તેઓ આજે અમારી સાથે નથી. આવો પુત્ર શું કામનો કે જે સમયે કામ ના આવે અને મા-બાપની સેવા કરી આંતરડી ઠારી ના શકે? આવા પૈસાનું પણ શું કરવું છે?
એક દિવસે નીતાબેન ખૂબ જ બીમાર પડ્યા. તેમના સંબંધીએ પુત્રને માતાની બીમારીની જાણકારી આપી. માની સ્થિતિ ખરાબ થતી હતી, તે અંતિમ શ્વાસ લઈ રહી હતી. તેમનો જીવ જતો ન હતો અને એક જ રટણ કરેલું હતું કે મારો દીકરો આવશે. "હા, જરૂર આવશે, તેની હું રાહ જોઈને બેઠી છું. તે જ્યાં સુધી મારા મોઢામાં ગંગાજળ નહીં આપે ત્યાં સુધી મારો જીવ જશે નહીં."
ચાર-પાંચ દિવસ વીતવા લાગ્યા, નીતાબેનનો જીવ જતો ન હતો. દીકરાને ફોન કરી તાત્કાલિક આવવા જણાવ્યું. સુરેશ ભારત આવ્યો. માની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી, અંતિમ શ્વાસ લઈ રહી હતી. વારંવાર આંખો ખોલી પોતાના પુત્ર વિશે ઈશારાથી વાતો કરી રહી હતી.
જ્યારે દીકરો આવ્યો ત્યારે તેમણે તેમનો હાથ પકડી લીધો. આંખમાંથી આંસુ આવવા લાગ્યા. દીકરાએ માતાના ભાવ પૂછ્યા અને તેના મોઢામાં ગંગાજળ મુકતાની સાથે જ માતાએ અંતિમ શ્વાસ લીધા. જેના માટે તે રાહ જોઈને બેઠી હતી કે પુત્ર તેને ગંગાજળ આપે અને જીવ જાય, આમ નીતાબેને પુત્રની રાહમાં અંતિમ શ્વાસ છોડ્યા.
આ દ્રશ્ય જોઈ સૌ સગા-સંબંધીઓ અને મિત્રો રડવા લાગ્યા. નીતાબેનની અંતિમ ક્રિયા અને ઉત્તરક્રિયા સારી રીતે કરવામાં આવી. સૌ સગા-સંબંધીઓ એક જ વાત કરવા લાગ્યા કે આવા પુત્ર શું કામના કે જેના માતા-પિતાએ પારકે ખપે અંતિમ યાત્રા કરવી પડે. માતાએ પણ રાહ જોઈ-જોઈને અંતિમ શ્વાસ લીધા.
લેખક: રતીલાલ વાયડા.
બાંયધરી: આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે. ૬/૪/૨૦૨૬. સોમવાર. (રોડપાલી. નવી મુંબઈ.)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
